Break, Break, Break
Break, break, break,
On thy cold gray stones, O Sea!
And I would that my tongue could utter
The thoughts that arise in me.
O, well for the fisherman’s boy,
That he shouts with his sister at play!
O, well for the sailor lad,
That he sings in his boat on the bay!
And the stately ships go on
To their haven under the hill;
But O for the touch of a vanish’d hand,
And the sound of a voice that is still!
Break, break, break
At the foot of thy crags, O Sea!
But the tender grace of a day that is dead
Will never come back to me.
– Alfred, Lord Tennyson
તૂટ, તૂટ, તૂટ
તૂટ, તૂટ, તૂટ,
તારા ઠંડા ભૂખરા ખડકો પર, ઓ સાગર!
ને હું ઇચ્છું છું કે મારી જીભ ઉચ્ચારે
વિચાર જે ઊઠે છે મારા માનસપટ પર.
ઓહ, સારું છે કે પેલો માછીમારનો દીકરો
બૂમ પાડીને રમી રહ્યો છે બહેનની સાથે;
ઓહ, સારું છે કે ખારવો પેલો
ગાઈ રહ્યો છે ખાડીમાં હોડીના માથે.
અને આ આલિશાન જહાજો જઈ રહ્યાં છે
પોતપોતાના સ્વર્ગમાં ટેકરીની ઓથે.
અરે પરંતુ! અલોપ થયેલા હાથનો સ્પર્શ
અને ધ્વનિ એ અવાજનો જે થીજી ગયો છે!
તૂટ, તૂટ, તૂટ
જઈને તારી કરાડના પગ પર, ઓ સાગર!
પણ એ દિવસ જે મરી ચૂક્યો છે એની કૃપા
ફરી કદી પણ નહીં વરસશે મારા પર.
– આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન
(અનુ. વિવેક મનહર ટેલર)
અંગત દુઃખના ચશ્માંમાંથી દેખાતો દુનિયાનો નજારો…
પોતાની વેદના એ પોતાની જ હોઈ શકે. વેદનાનો ‘સ્વ’ કદી ‘સર્વ’ બનતો નથી. સમય એક જ છે પણ બધાની પાસે પોતપોતાની ઘડિયાળ છે અને બધાનો સમય પોતપોતાની ઘડિયાળનેજ વશવર્તી ચાલે છે. આપણી જિંદગી થીજી ગઈ હોય ત્યારે પણ દુનિયાની ઘડિયાળના કાંટા અટકતા નથી. આપણા માથે વીજળી કેમ ન ભાંગી પડી હોય, પાડોશમાં છોકરાઓ રમવાનું છોડી દેતાં નથી. કહ્યું છે ને-
कौन रोता है किसी और की खातिर ऎ दोस्त!
सब को अपनी ही किसी बात पे रोना आया। (સાહિર લુધિયાનવી)
આવી જ, નિકટતમ સ્વજનને ખોઈ બેસવાની પીડા અને એનાથી અજાણ દુનિયાની નિરવરોધ ગતિવિધિને સામસામે બેસાડીને શોકની લાગણીને વધુ બળકટ બનાવતું આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસનનું ગીત અહીં પ્રસ્તુત છે.
૧૮૩૦થી ૧૮૯૦ સુધીના સાંઠ વર્ષનો ગાળો ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયન યુગ તરીકે જાણીતો છે. આ યુગમાં સૌથી વધુ જાણીતી ત્રણ જીવિત વ્યક્તિઓમાં પહેલાં, ખુદ રાણી વિક્ટોરિયા; બીજા, બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ ચાર-ચાર ટર્મ સુધી અને સૌથી મોટી ઊંમરે વડાપ્રધાન બનનાર અને કદાચ બ્રિટિશ-ઇતિહાસના સૌથી મહાન વડાપ્રધાન ગણાયેલા વિલિયમ ગ્લેડસ્ટૉન; અને ત્રીજા, આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન-એક કવિ! અંગ્રેજીમાં લખનાર બીજા કોઈ કવિને જીવતેજીવત આવી નામના નસીબ થઈ નથી. આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન. જન્મ ૦૬-૦૮-૧૮૦૯ના રોજ. પિતા દ્વારા અપમાનિત અને જબરદસ્તી પાદરી બનાવાયેલ જ્યૉર્જ ક્લેટન ટેનિસનના બાર સંતાનોમાંના એક. પિતાને દારુ અને ડ્રગ્સની લત હતી. બાર સંતાનોમાંના લગભગ તમામ ઓછામાં ઓછી એકવાર ગંભીર માનસિક બિમારીના શિકાર બન્યા હતા. પરિણામે એમની કવિતાઓમાં પાગલપન, ધનલાલસા, કૃપણતા, સગવડિયા લગ્ન, સંબંધોની વિષમતા અને ખૂનામરકી અવારનવાર જોવા મળે છે. કદાચ પારિવારિક દુઃખી વાતાવરણના ઈલાજરૂપે જ ટેનિસને કવિતા લખવી શરુ કરી હતી. શાળામાં ગોઠ્યું નહીં. કેમ્બ્રિજ ગયા પણ ડિગ્રી લીધા વિના કોલેજ છોડી દીધી. વર્ડ્સવર્થ પછી ૧૮૫૦માં એ રાજકવિ નિમાયા. ૧૮૮૪માં ઉમરાવપદ પામ્યા. લૉર્ડ ગણાયા. ૦૬-૧૦-૧૮૯૨ના રોજ ૮૩ વર્ષની જૈફ વયે પરિવારના સભ્યોની હાજરીમાં એ મૃત્યુ પામ્યા ત્યારે હાથમાં શેક્સપિઅરનું પુસ્તક હતું.
એક ગીતકવિ તરીકે ટેનિસનને લય અને ધ્વનિની જે નૈસર્ગિક બક્ષિસ સાંપડી હતી એ કદાચ તમામ અંગ્રેજી ગીતકવિઓથી ચડિયાતી ગણી શકાય. ગાલિબની જેમ એ કવિતા મનમાં જ લખતા, યાદ રાખતા અને પાછળથી કાગળ પર ઉતારતા. એ લય અને છંદના બેતાજ બાદશાહ હતા. ધ્વનિનો ફોટોગ્રાફ કવિતામાં ઝીલી શકવાની કાબેલિયત એમનામાં હતી જે બહુ ઓછામાં જોવા મળે છે. પણ ટેનિસન વિક્ટોરિયન યુગની દંભી નૈતિકતાનું ઉત્તમ ઉદાહરણ હતા. એમનો અંતરાત્મા કુદરતી અને ગામઠી સૌંદર્ય તરફ એમને ખેંચતો હતો, પણ ઇંગ્લેન્ડના રાજકવિ તરીકે ઝડપભેર ફેલાઈ રહેલા શહેરીકરણ, આધુનિકીકરણ અને ઔદ્યોગિકીકરણની ઉજવણી તરફની નૈતિક ફરજ – આ બેની વચ્ચે ક્યારેક કવિતા રહેંસાઈ પણ જતી.
૧૨ વર્ષની ઉંમરે તો એમણે ૬૦૦૦ પંક્તિનું મહાકાવ્ય લખી કાઢ્યું હતું. પૂરા ૧૮ વર્ષનાય નહોતા ને પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. આ કાવ્યસંગ્રહ આર્થર હેન્રી હેલમની આગેવાનીમાં ચાલતી ડઝનેક સાહિત્યકારોની ‘એપોસલ્સ’ (Apostles) ક્લબમાં એમને જોડાવા માટેનું નિમિત્ત બન્યો. હેલમ સાથે પરમ મિત્રતા થઈ. કૌટુંબિક કલહથી દૂર પહેલીવાર ટેનિસનને સાચા સ્નેહનો પરિચય થયો. હેલમ ટેનિસનની બહેન એમિલીના પ્રેમમાં પડ્યો, સગાઈ પણ થઈ પણ લગ્ન થાય એ પહેલાં જન્મજાત ખામીના કારણે મગજમાં રક્તસ્ત્રાવના કારણે હેલમનું નિધન થયું. ટેનિસનને લાગ્યું કે એની જિંદગી તહસનહસ થઈ ગઈ છે અને એ મરવા માંગતા હતા. દસ વરસ સુધી એમણે કોઈ કવિતા પણ પ્રગટ ન કરી. હેલમની યાદમાં કવિતા ઉત્તમને પામી. પોતાના એક સંતાનનું નામ પણ એમણે હેલમ રાખ્યું હતું. પ્રસ્તુત રચના પણ હેલમની યાદમાં જ લખાયેલ ઉત્તમ શોકગીત છે.
રચનાની દૃષ્ટિએ ગીત ચાર અંતરાનું બનેલું છે. અંગ્રેજીમાં સમાન્ય રીતે વપરાતા આયંબિક (લગા) મીટરના સ્થાને અહીં એનાપેસ્ટિક (લલગા) મીટર પ્રયોજાયું છે. વચ્ચે-વચ્ચે મોનોસિલેબિક ફૂટ (એકવર્ણીય પાદ) જેમકે તૂટ, તૂટ, તૂટ (ગા/ગા/ગા) અને વજનદાર અને ધીમી ગતિવાળા સ્પોન્ડી (ગાગા) વપરાયા છે. છંદની આ અનિયમિતતા સમુદ્રના મોજાંની અનિયત ગતિ સાથે સુસંબદ્ધ જણાય છે. (સમુદ્રના મોજાંની આવજાની ધારી અસર ઉપજાવવા કાંતે ‘ઝૂલણા’ છંદમાં લખેલું ‘સાગર અને શશી’ કાવ્ય અહીં યાદ આવ્યા વિના નહીં રહે) ABCB મુજબની પ્રાસરચના અને અનિયમિત લયગતિના કારણે એન્ગ્લો-સેક્સન યુગની જૂની અંગ્રેજી કવિતામાંથી પસાર થતા હોવાની અનુભૂતિ પણ થાય છે. ગીતની શરૂઆત ‘Break, break, break’થી થાય છે. ત્રણ ગુરુ વર્ણ એકસાથે પ્રયોજાયા હોવાથી ગીતનો ઊઠાવ ગતિ અને જોશસભર બને છે. શોકગ્રસ્ત કવિનું હૈયાના તૂટવાની સાથે અને પથ્થર પર અથડાઈને તૂટતા મોજાંના ધ્વનિની સાથે આ ‘તૂટ, તૂટ, તૂટ’ની સીધી આદેશાત્મક વાક્યરચના ધારી અસર નિપજાવવામાં સફળ રહે છે એમ કાવ્યમાંથી પસાર થતાં સહેજે સમજાય છે.
ઉત્તમોત્તમ ગીતના ઉદાહરણ તરીકે ટાંકી શકાય એવું છે આ ગીત. સરળ ભાષા, ઓછામાં ઓછા શબ્દો, હૃદયને સીધેસીધી સ્પર્શી જતી બાનીના તાણા સાથે સજીવ ચિત્રો, પ્રગાઢ સંવેદના, ગમગીન સંગીત અને અભિવ્યક્તિની સચ્ચાઈના વાણાથી વણાયેલ આ ગીતનું પોત આપણા દરેકની અનુભૂતિને ઢાંકી શકે એવું હોવાથી એ સમયાતીત બની રહે છે. સ્વજનની યાદમાં લખાયેલા આવા ઘણા અમર શોકગીતો આપણી વિરાસતનો એક હિસ્સો છે. ચૌદમી સદીના કો’ક અજ્ઞાત કવિનું ‘Pearl’, મિલ્ટનનું ‘Lycidas’, મેથ્યુ આર્નોલ્ડના ‘ Thyrsis’ અને ‘The Scholar Gypsy’, બેન જોન્સનનું ‘My First Sonne’, શેલીનું ‘Adonais’, કેથેરિન ફિલિપ્સનું ‘Epitath’, તથા ઑડનનું ‘Stop All The Clocks’ કેટલાક દૃષ્ટાંત છે. ખુદ ટેનિસને હેલમની યાદમાં ઘણાં કાવ્યો રચ્યાં. જેમાંની એક દીર્ઘ કવિતા ‘ In Memorium’ પણ ઉત્તમ શોકગીત ગણાય છે જેમાં ટેનિસને પ્રયોજેલ દુર્લભ છંદ ‘ઇન મેમોરિયમ મીટર’ તરીકે ઓળખાય છે.
કવિ દરિયાકિનારે ઊભા છે. દરિયાની વિશાળતા કવિના દુઃખની વિશદતાની દ્યોતક છે. પણ આ દુઃખનો કિનારો છે, એ રેતાળ નહીં, ખડકાળ છે. અહીં મોજાં તો આવે છે પણ માથાં પટકી-પટકીને ચૂરેચૂરા થઈ જાય છે. આ ખડકોમાં ઉષ્મા નથી બચી, ઠંડાગાર છે. ખડકોનો ભૂખરો રંગ પણ બેરંગ જિંદગીનું પ્રતીક છે. દરિયા પાસે તો દુઃખમાં પથ્થરો પર માથાં પટકી-પટકીને આક્રંદ કરવાની સગવડ છે પણ કવિ નિઃશબ્દ છે. એ માત્ર ઇચ્છા જ કરી શકે છે કે કાશ! પોતાના માનસપટલ પર જે વિચારો ઊઠી રહ્યા છે એને એની જીભ વાચા આપી શકે.
બીજા અંતરામાં દુનિયાની બેખબરી સાથે અંગત દુઃખને juxtapose કરીને કવિ સંવેદનાના વિરોધાભાસને ધાર કાઢે છે. ખૂબ જ ટૂંકા લસરકા મારીને કવિ એકદમ સજીવ ચિત્રો તાદૃશ કરી આપે છે. આ ટેનિસનની કળા છે. દરિયાકિનારે એક તરફ કવિની નજરે માછીમારના બાળકો રમતાં નજરે ચડે છે. કવિની પીડાથી અજાણ છોકરો બૂમ પાડીને પોતાની બહેન સાથે રમી રહ્યો છે. કવિના મૌનની સામે આ બૂમનો અને કવિની સ્થિરતાની સાથે એમની રમતનો વિરોધાભાસ વાતને વધુ ઊંડી બનાવે છે. બીજું ચિત્ર ખાડીમાં હોડીમાં બેસીને ગાઈ રહેલા ખારવાનું છે. અહીં ફરીથી એ જ ગતિ અને ગીત સાથેનો વિરોધાભાસ વધુ બળવત્તર બનતો અનુભવાય છે. ત્રીજા અંતરાને કવિ પોતાના અંતરની જેમ વચ્ચેથી ચીરીને બે ભાગ કરી દે છે. પહેલી બે પંક્તિમાં ટેકરીઓની નીચે બારામાં જઈ રહેલાં આલિશાન જહાજો નિર્દેશાયા છે. કવિતાની સાર્થકતા એ છે કે એમાં એકપણ શબ્દ વધારાનો ન હોય. ટેનિસને આ કવિતામાં જે કરકસર કરી છે એ અપ્રતિમ છે. જહાજોની વિશાળતા કવિને પડેલી ખોટની વિશાળતાનો પડઘો પાડતી હોય એમ અનુભવાય છે. અને બંદરને સ્વર્ગની ઉપમા આપીને કવિ જિંદગીમાં આવી પડેલા વેદનાસિક્ત નર્કને બખૂબી ઉપસાવી આપે છે. એક વાત સાફ થાય છે કે કોઈના જવાથી સૃષ્ટિચક્ર કદી પણ અને જરી પણ અટકવાનું નથી. વિશાળ સાગરમાં આપણે એક બિંદુ માત્ર છીએ. બિંદુના હોવા-ન હોવાથી સાગરને કશો ફરક પડનાર નથી. (સચોટ ચિત્ર રજૂ કરતા આવા ચિત્રકાવ્યો ઇડિલિક કે પેસ્ટોરલ પોએમ્સ તરીકે પણ ઓળખાય છે.)
ત્રીજા અંતરાના બીજા ભાગમાં કાવ્યારંભે જે ભૂખરી ઠંડીગાર પીડા ધૂંધળી અનુભવાય છે, એ સાફ થાય છે. ‘ઓ સાગર’, ‘ઓહ, સારું છે’ પરથી કવિ ‘અરે, પરંતુ’ સુધી આપણને લઈ આવે છે અને જેનો સ્પર્શ હજી રહી ગયો છે એ હાથ અને જેનો ધ્વનિ હજી કાનોમાં પડઘાય છે એ અવાજની ‘કાયમી’ ગેરહાજરીથી અવગત કરે છે. અને જે ઘડીએ આપણે કવિના શોકમાં સંમિલિત થઈએ છીએ એ જ ઘડીએ કવિ ફરી એકવાર ‘તૂટ, તૂટ, તૂટ’ના ઝડપી પુનરાવર્તન સાથે રહીસહી આશાને કરાડો પર અફાળી-પછાડીને ચકનાચૂર કરી દે છે. દરિયાકિનારે ઊભેલો માણસ પ્રતીક્ષાનું પ્રતીક છે પણ આવી-આવીને પરત ફરી જતાં મોજાં અને ક્ષિતિજ પર આથમી જતો સૂરજ એ વાત ઇંગિત કરે છે કે જે સમય અને માણસ ચાલ્યા ગયા છે એ કદી પાછા ફરતા નથી… સાંજના સમયે દરિયાકિનારે ઊભા રહીને મોજાંની આવ-જા જોતાં હોઈએ ત્યારે આપણા હૈયામાં સહેજે અકથ્ય ગ્લાનિ અનુભવાતી હોય છે. મેથ્યુ આર્નોલ્ડની ‘ડોવર બીચ’ કવિતામાં મોજાંની આવ-જા સાથે ફંગોળાતા પથ્થરોની કર્કશ ગર્જનામાં સંભળાતા ‘ઉદાસીના શાશ્વત સૂર’ (The eternal note of sadness) અહીં સહેજે સાંભરે છે.
‘દુઃખદર્દ લઈ જાય એ મૃત્યુ મીઠું’ એમ એક જગ્યાએ ટેનિસન કહે છે પણ આ મૃત્યુ તો કવિની સકળ સૂધબુધ લઈ જાય એવું છે. ‘ઇન મેમોરિયમ’માં એ હેલમ માટે જ કહે છે કે, ‘ઈશ્વરની આંગળી એને સ્પર્શી અને એ સૂઈ ગયો.’ પણ અહીં હૃદય આવું સમાધાન સ્વીકારતું નથી. સાંજ થઈ ચૂકી છે, દિવસ મરી પરવાર્યો છે પણ હજી દિવસની મૃદુ કૃપા સંધ્યાની લાલિમા બનીને માથે ઉતરી રહેલા અનિવાર્ય અંધારા સામે ઝઝૂમી રહી છે. (દિવસના મૃત્યુની વાતથી કિટ્સના ‘ઓડ ટુ ઓટમ’ના અંતે આવતો ‘સોફ્ટ-ડાઇંગ ડે’ જરૂર યાદ આવે. જોકે ટેનિસન મૃત્યુ પામતા દિવસ સાથે ‘કૃપા’ જોડીને સમયને વધુ માનવીય બનાવે છે.) આવતી કાલે જે ઊગશે એ દિવસ અને એ સાંજ નવા જ હશે, એ આ દિવસ કે આ સાંજ કદી પણ નહીં જ હોય. જે વહી ગયું, એ વહી ગયું. માત્ર બાવીસ વર્ષની કાચી વયે કવિમિત્ર આર્થર હેલમ આથમી ગયો… હવે એની મિત્રતાની કૃપા ફરી કદી વરસવાની નથી. આ જિંદગી છે. આ જ જિંદગીની વાસ્તવિકતા છે.
ટેનિસન જાણે છે કે, ‘કદી નહીં, ઓહ ! કદી નહીં, મરશે કશું પણ; ઝરણું વહેશે, પવન ફૂંકાશે, વાદળ દોડશે, હૃદય ધબકશે, કશું નહીં મરે’ હેલમના જવાથી કાળની ગતિ અટકવાની નથી. માછીમારના છોકરાઓ રમવાનું કે ખારવાઓ હોડી હંકારવાનું કે જહાજો ખેપ ખેડવાનું છોડવાના નથી. દરિયાના મોજાં તો પહેલાં પણ કિનારા પરના પથ્થરો પર માથાં પટકી પટકીને તૂટતાં જ હતાં અને પછી પણ તૂટતાં જ રહેશે. સૃષ્ટિનું સત્ય તો એનું એ જ રહે છે, માત્ર આપણા દુઃખના ચશ્માંમાંથી દૃશ્ય બદલાયેલા નજરે ચડે છે, બસ!