Category Archives: હર્ષવી પટેલ

કળી શકો નહીં – હર્ષવી પટેલ

સ્વર અને સ્વરાંકન – કલ્પક ગાંધી

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ