આજે કવિ શ્રી વિનોદ જોષીનો જન્મદિવસ..! એમને ખૂબ ખૂબ…શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ સુંદર, અને અમારું ખૂબ જ ગમતું ગીત..! વિનોદભાઇને પ્રત્યક્ષ સાંભળવા એ એક લ્હાવો છે, અને August ૬-૭ ના દિવસે શિકાગોવાસીઓની સાથે સાથે અમને પણ એ લ્હાવો મળ્યો – જે હંમેશનું સંભારણું રહેશે.
Happy Birthday Vinodbhai…. !!
કાવ્ય પઠન : કવિ શ્રી વિનોદ જોશી
.
સ્વર : પ્રગતિ ગાંધી અને કોરસ
સંગીત : કલ્પક ગાંધી
આલ્બમ : કાચ્ચી સોપારીનો કટકો
.
સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને
કણબી દે ધતૂરો
સૂડી વચ્ચે સોપારી ને…..
તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.
આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ભોળું ભોળું હાંફે એને
ભોળું ભોળું હાંફે એને
પાલવમાં ઢબૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..
ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીઘેલી.
મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
ચાવ્યો કાચો આંબલિયો ને
ચાવ્યો કાચો આંબલિયો ને
ચડ્યો રે ડચૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..
– વિનોદ જોષી