Category Archives: સંગીતકાર

આજ મારું મન માને ના – ઉમાશંકર જોષી

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
– ઉમાશંકર જોષી

ઉડ્ડયન – રમેશ પારેખ

રમેશ પારેખનાં ધોધમાર ગીતોમાંથી પસાર થવાનો આનંદ અનેરો છે.
એમનું પ્રખ્યાત ગીત છે-
‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલાં ઓછાં પડ્યાં રે લોલ!
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં ને આભલાં ઓછાં પડ્યાં
રે લોલ!’
આ ઓછું પડવું -એ આ ગીતમાં પણ કવિ કૈંક જુદી રીતે લાવે છે. અંગ્રેજીમાં કહેવતરૂપ વાક્ય છે-
‘the sky is the limit’
કવિ એ જ વાત ગીતરૂપે અભિવ્યક્ત કરે ત્યારે આવું ગણગણવાનું મન થાય છે. -આભ તેને ઓછાં પડે!
હજી કઈંક મેળવવાની તલપ માટે મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે છે-
‘તે છતાં તૃપ્તિ સુધી ન પહોંચાયું
આમ એ એક ઘૂંટ છેટી છે’
અનહદના અનુભવ માટે ભાર ‘હોવાનો’ ખંખેરવાનો સંદેશ સૂચક છે. રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં ‘હોવા’ – being – વિશેની વાત છે-
‘હોવુંય હવે ઉત્સવ આકંઠ શ્વસી જઈએ’
ને
‘શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાંખે’.
-અમર ભટ્ટ

કવિ: રમેશ પારેખ

‘જેને ઊડવું હો વીંઝીને પાંખો
હો આભ તેને ઓછાં પડે
થાય ધખધખતો તડકોય ઝાંખો
હવાઓ એને ક્યાંથી નડે?
નથી આંકેલા નકશા પર ચાલવાની વાત
ના થકાવટના ભયથી સંકેલવાની જાત
ઝીલે તેજ તણાં નોતરાંને આંખો
તો જીવને ના સાંકડ્યું પડે!
નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળે
ઝાડ ભૂલીને ઊડીએ તો જાતરા ફળે
ભાર હોવાનો ખંખેરી નાખો
તો અનહદની ઓસરી જડે!’

અમદાવાદની ઉતરાણ – શ્યામલ મુનશી

તમે અમદાવાદમાં નથી ? તમે અગાશી પર નથી ?
નો પ્રોબ્લેમ.
આ ગીત તમને બેઉ જગ્યાએ લઈ જશે.

Amdavad ni Uttaran” , a Power-packed tune to get you hyped for the kite flying festival the city loves and celebrates. Go to your terrace with energy and enthusiasm with this fresh song and music created by Shyamal-Saumil.

અમદાવાદની ઉતરાણ, અમદાવાદની ઉતરાણ,
આકાશી મેદાને પતંગ દોરીનું રમખાણ. – અમદાવાદની ઉતરાણ

કોઈ અગરબત્તીથી પાડી કાણાં કિન્ના બાંધે,
કોઈ ફાટેલી ફુદ્દીઓને ગુંદરપટ્ટીથી સાંધે.
કોઈ લાવે, કોઈ ચગાવે, કોઈ છૂટ અપાવે,
કોઈ ખેંચે, કોઈ ઢીલ લગાવે , કોઈ પતંગ લપટાવે.
સૌને જુદી મસ્તી, જુદી ફાવટ, જુદી જાણ. – અમદાવાદની ઉતરાણ

રંગ રંગનાં પતંગનો આકાશે જામે જંગ,
કોઈ તંગ, કોઈ દંગ, કોઈ ઉડાડે ઉમંગ.
પેચ લેવા માટે કોઈ કરતું કાયમ પહેલ,
ખેલે રસાકસીનો ખેલ, કોઈને લેવી ગમતી સહેલ.
ખુશી ને ખુમારી વચ્ચે રંગીલું ઘમસાણ. – અમદાવાદની

સૂરજની ગરમીથી સૌના ચહેરા બનતા રાતા,
ઠમકે ઠમકે હાથ ઝલાતા, સઘળાં પરસેવાથી ન્હાતા.
કોઈ ટોપી, કોઈ ટોટી, પહેરે કાળાં ચશ્માં,
કોઈ ઢઢ્ઢો મચડી, નમન બાંધી, પતંગ રાખે વશમાં.
ઘીસરકાથી આંગળીઓના વેઢા લોહીલુહાણ – અમદાવાદની ઉતરાણ

નથી ઘણાંય ઘેર, સૌને વ્હાલું આજે શહેર,
ગમે છે પોળનાં ગીચીગીચ છાપરે કરવી લીલાલહેર.
વર્ષો પહેલાં ભારે હૈયે છોડયું અમદાવાદ,
તેમને ઘરની આવે યાદ, પોળનું જીવન પાડે સાદ.
પરદેશી ધરતીને દેશી આભનું ખેંચાણ. – અમદાવાદની
– શ્યામલ મુનશી

માધવ ! તુ બેઠો દેવા તો -સુન્દરમ

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

માધવ ! તુ બેઠો દેવા તો
અમને લેવામાં શી આણ?
તું બેઠો ગાવાતો આતુર તત્પર આ અમ કાન

કં‘ઇ અઢળક જયોત ગગનની,
આ તમતુલના કંઇ ખગની,
કંઇ ગુપ્ત પ્રજળતી લગની,
તવ રાસ ચગે રળિયાત..માધવ

આ જમુના જળને ઘાટે,
આ વૃંદાવનની વાટે,
શું નિર્મિત હશે લલાટે
તારી મધુર અધરની આણ..માધવ
-સુન્દરમ

વાંકી રે કેડી ને વાંકી મોજડી – વિનોદ જોશી

કવિ : વિનોદ જોશી
સ્વરકાર : અમર ભટ્ટ
ગાયક : હિમાલી વ્યાસ-નાયક

.

વાંકી રે કેડી ને વાંકી મોજડી…
વાંકી રે પગલાંની આ વણઝાર હો, પિયુજી …

અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે,
સરવરિયાં તળિયાં લગ વિંખ્યાં મળી કમળની કૂંચી રે;

કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા,
કાંઠે રે એકલડી હું ભેંકાર હો, પિયુજી …

બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે,
અણસમજુ આંગળિયે આવે અવાવરુ પરપોટા રે;

સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં,
સૂના રે કાંઈ જીત્યાના ભણકાર હો, પિયુજી …

અટકળનાં ઝળઝિળયાં ઝિલી ભર્યા નજરના કૂપા રે,
ઘરવખરીમાં પડતર પીંછું અને પવન કદરૂપા રે;

ઊંચા રે અવસર ને ઊંચા ઑરતા,
ઊંચા રે આ અવગતિયા અણસાર, હો પિયુજી …
– વિનોદ જોશી

પાંખો દીધી ને મેં – ભાસ્કર વોરા

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ
સંગીત : ડો. ભરત પટેલ

.

પાંખો દીધી ને મેં ઉડવા કર્યું
તેં આખું ગગન મારી સામે ધર્યું

આવી દિલાવરી દેવ તારી જોઇને
આંખ માંથી અચરજ નું આંસુ ખર્યું

કંઠ રે દીધો તો મેં ગાવા કર્યું
ને તેં સાત સાત સૂરો નું અમૃત ધર્યું

આવી પ્રસન્નતા દેવ તારી જોઈને
મુખમાંથી મલ્હારી મોતી સર્યું

મન રે દીધું તો તને મળવા કર્યું
તેં આંગણું અલખના નાદે ભર્યું

આવી કરુણા દેવ તારી જોઈને
મેં ધરતી મેલી ને ધ્યાન તારું ધર્યું

-ભાસ્કર વોરા

વનમાં વાગી વસંતની વાંસળી -જયંત પાઠક

સ્વર : શ્રી જયદેવ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

વનમાં વાગી વસંતની વાંસળી રે
મનમાં જાગી મળવાની આશ.
એકવાર આવીને કહાન ગોકુળમાં રે

સુના સુના કાલંદરીના કાંઠડા રે
કુંજમાં મુંગા કોયલ ને મોર
એકવાર આવોને કહાન ગોકુળમાં રે

કડીઓ વનની ઝૂરે વિયોગમાં રે
ઝૂરે ગોપી ને ગાયોનાં વૃંદ
એકવાર આવીને કહાન ગોકુળમાં રે

પ્રેમનાં કાચ તે તાંતણે બાંધિયા રે
તોડતાં હૈયું તુટે સત ખંડે
એકવાર આવોને કહાન ગોકુળમાં રે

રાસની રાતો રૂડી વહી જાય છે રે
નયણે નીત રે શ્રાવણ નેવ
એકવાર અવોને કહાન ગોકુળમાં રે

રોતી રાધાની લુછવા આંખડી રે
એકવાર આવો છબીલા છેલ
એકવાર આવોને કહાન ગોકુળમાં રે
– જયંત પાઠક

હરિ હરિ નિત્ય નામ સુમરણા – બ્રહ્માનંદ

ગાયક : ડો. પ્રભાતદેવ ભોજક
સ્વરાંકન : જયદેવ ભોજક

.

હરિ હરિ હરિ નિત્ય નામ સુમરણા
ભવ સાગ૨ જલપાર ઉતરણાં

બિન હરિ સુમરે કોઈન ઉગરે,
પુનઃ પુનઃ પાજે જીવન મરણાં
જોજન ધ્યાવે પરંમપદ પાવે,
સુંદર વદન મનોહર ચરણા.

પલ મેં સારે પાપ નિવારે,
સકલ મનોરથ પૂરણ કરણા.
બ્રહમાનંદ દયાકે સાગર,
ભકત જનો કે સંબ દુ:ખ હરણા.
-બ્રહ્માનંદ

વર્ષો પછી તોરણ તૂટેલાં – મુકેશ માલવણકર

ગાયક : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : જયદેવ ભોજક

.

વર્ષો પછી તોરણ તૂટેલાં એમણે જોયાં હશે
પત્ર વાંચીને પછી તો ખુબ એ રોયાં હશે

એટલે ફૂલો હવે ઝાઝું અહીં જીવતા નથી
એમણે તો આંગણમાં ઝાકળ વડે ધોયા હશે.

એક પરપોટો લીધો પકડી ઉતાવળમાં અને
લાખ દરિયાં હાથમાંથી એમણે ખોયાં હશે.

એ રડે છે રોજ મધરાતે હવે શાને અહીં
દૂરથી દીવા પરાયા ગામમાં જોયા હશે.

જિંદગી આખી ભલે નફરત કરી મુકેશથી
જોઈ રૂપાળી લાશને એ હવે મોહ્યાં હશે
-મુકેશ માલવણકર

તેરે દિદાર કે લિયે – બ્રહ્માનંદ

સ્વર : શ્રી જયદેવ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક
તાલ : દાદરા

.

તેરે દિદાર કે લિયે બંદા હૈરાન હૈ,
સુનતે નહી હો અરજ કયો દયા નિધાન હૈ

કાશી ગયા દુવારકા મથુરા મેં ફિર લિયા,
મિલા નહી મુજકો તેરા, અસલી મકાન હૈ

ફિરા તેરી તલાશ મેં જંગલ પહાડ મે,
દેખા નહિ તેરા કિસી, જગા નિશાન હૈ

પૂછા જો આલિમી સે તેરા દાસ કર પતા,
રહેતા હૈ તેરે પાસ યહ ઉનકા બયાન હૈ

કર મિહરકી નજર મુઝે અબ દરસ દિજીયે,
બ્રહમાનંદ તેરે ચરણ પે કુરબાન જાન હૈ
– બ્રહ્માનંદ