Category Archives: સંગીતકાર

શબ્દ જ્યાં સર્વવ્યાપી બને – ધ્રુવ ભટ્ટ

સંગીત : નીલ વોરા
કંઠ : નીલ વોરા

.

શબ્દ જ્યાં સર્વવ્યાપી બને તે સ્થળે પ્રથમ તો વાણી ને મૌન માં જોડશું
વહી જતી નદ સમા સરકતા વ્હેણની ક્યાંક ઊંડાણ માં ગતિ તોડશું

દ્રશ્યના વૈભવો સ્વર બની જાય ને નાદને નિરખવું સ્હેલ થયે અમે
દોત કાગળ કલમ અક્ષરો સામટા ને બધે સ્પર્શતા જ્ઞાનને છોડશું

પવનને રંગને ફૂલની મહકને વરસતી વાદળીને અને પંખને
ક્યાં પડી હોય છે મંઝિલોની ફીકર એમ ખુલ્લી દિશે સફરને દોરશું

આ સતત આવ-જાતો રહે હીંચકો બસ અમે બેસીને જાત ફંગોળતાં
ભૂત ને ભાવિ બે સમય-ખંડો મહીં હા ખરે વર્તમાનને રહ્યા હોઈશું

છે અધુરી સુરાલય સુરાની કથા મસ્તી તો મસ્તની મોજમાં સંભવે
લો છલકતી ભરી પી જઈને કહો ત્યાં સુધી છાકને કંઠમાં રોક્શું
– ધ્રુવ ભટ્ટ

પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે – સુરેશ દલાલ

સ્વરઃ ઐશ્વર્યા મજુમદાર
સંગીતઃ દક્ષેશ ધ્રુવ

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં આણલ અંજારિયા અને હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં સાંભળો.

પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
નાચી રે મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં
એક ઝલકમાં
લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મારા બારે બાર ખાનામાં
મોરપીંછ ને મંજીરા છે
મુરલીયાના સપ્ત છિદ્રમાં
મીરા મીરા મીરા છે
રોમ રોમનાં રંગ મહેલમાં
મીરા કુંવારી કાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મારા જન્મારા પુરતો
એક જ તુલસી ક્યારો રે
પળપળમાં આ પાંદડે પાંદડે
શ્યામ સદાયે મારો છે
જનમ જનમની દાસી મીરા
રાજી રાજી રાજી રે

પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે

મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં
એક ઝલકમાં
લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
– સુરેશ દલાલ

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ

ગુજરાતી સુગમ સંગીતની આ અજરા-અમર કૃતિ..! આ ફક્ત એક ભક્તિ રચના નથી – અવિનાશભાઇના શબ્દો અને સંગીતમઢી આ રચના સુગમ-સંગીતના મોટાભાગના પ્રોગ્રામમાં અચૂક ગવાય છે..! વર્ષોથી સાંભળતા આવીએ છીએ.. તો યે આ રચનામાં એવો તો જાદૂ છે કે જેટલીવાર સાંભળીએ એટલીવાર ડોલાવી જાય છે..! મંત્રમુગ્ધ કરી જાય છે..! આમ તો આ રચના હેમા દેસાઇના સૂરીલા સ્વરમાં અહીં ૪ વર્ષથી ટહૂકે છે – પણ આજે ફરી એકવાર આશા ભોંસલે ના મધમીઠા સ્વરમાં એ માણવાનો મોકો આપી દઉં..!

સ્વર – આશા ભોંસલે

********
Posted on November 3, 2006

Introduction by : શોભિત દેસાઇ

હે માં..
તું જ મને આપે છે ઉત્તમ વિચારો
બધા કહે છે, હું કવિ છું કેવો સારો

શશિ તારો ચહેરો છે, બુધ્ધિ સૂરજ છે
શ્વસે, તો બને તું હવાનો ઉતારો
તું ચાલે તો લાગે ગતિ જન્મી હમણા
તું બેસે તો અટકે સમય એકધારો
હે માં…

સ્વર : હેમા દેસાઇ

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં સાંભળો

ઓ માં… ઓ માં….

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

આજ મેં તો વાદળને – તુષાર શુક્લ

હમણાં “સ્વર અક્ષર” કાર્યક્રમ જો તમે માણ્યો હશે તો તમે હવે વિજલ પટેલથી અપરિચિત નહિ હોવ.
પ્રોગ્રામ જોવાનો રહી ગયો હોય તો અહીં ક્લિક કરો
અને આ સુંદર સ્વરાંકન વિજલ પટેલના મધુર કંઠમાં માણો!

સ્વર અને સ્વરાંકન- વિજલ પટેલ
આલ્બમ – કહે સખી

.

આજ મેં તો વાદળને લઈ લીધું બાથમાં
વાદળ સંગાથે એક આખું આકાશ મારી છાતીશું ભીંસાયું સાથમાં….

ભૂલીને સાનભાન હોઠે માંડ્યું જ્યાં મેં
મનગમતું મધમીઠું વાદળ
ઘૂંટ ઘૂંટ પાણીનાં પીવાનો અનુભવ તો
કોરોધાકોર એની આગળ
પલભરની વર્ષા ને તોયે ભીંજાય ગયાં
હું અને વાદળ સંગાથમાં…..

આરપાર વીંધશે કે મન મૂકી ભીંજાશે
આ છાતી પર તોળાયાં પ્હાડ
હમણાં વરસ્યો કે હવે હમણાં વરસી રહશે
આંખોમાં એવા અષાઢ
રણમાં વરસાદ તણી વેળા આવે છે ત્યારે
જાદુ ભળે છે એના સ્વાદમાં….

– તુષાર શુક્લ

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં – રમેશ પારેખ

ઓક્ટોબર ૨૦૦૭થી ટહુકો પર ટહુકતું આ મઝાનું બાળગીત.. આજે ફરી એકવાર જયદીપભાઇના સ્વર સાથે..!

સ્વર – જયદિપ સ્વાદિયા
સ્વરાંકન – પરેશ ભટ્ટ

——————————

Posted on October 16, 2007

રમેશ પારેખનું આ બાળગીત ન સાંભળ્યું હોય, એવો ગુજરાતી સાહિત્યનો રસિયો શોધવા માટે કદાચ દીવો લઇને નીકળવું પડે.. ( અને તો યે મોટેભાગે તો એ ના જ મળે..!! ) મને યાદ છે, E.TV ગુજરાતી (અથવા આલ્ફા ગુજરાતી) પર એક કાર્યક્રમ આવે છે – કંઠે કલમના મોતી.. એની જાહેરાતમાં કાયમ આ ગીત દર્શાવતા..!!

મને ખૂબ જ ગમતું આ બાળગીત, તમને પણ એટલું ગમશે.. !!

સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : મેઘધનુષ (શ્યામલ – સૌમિલ મુનશી)

ટહુકો ફાઉન્ડેશનનાં “સૂર શબ્દની પાંખે” કાર્યક્રમમાં આરુષિ અને શ્રાવ્યા અંજારિયાએ આ મજાનું ગીત પાછું હોઠે રમતું કર્યું.સાંભળો અને જુઓ ટહુકોની યુટ્યુબ ચેનલ ઉપર

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
હું ને ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
હું ને ચંદુ…

( આભાર : લયસ્તરો )

Happy Birthday, Rashi..!!

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે – ‘ગની’ દહીંવાળા

સ્વર: પ્રહર વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

.

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…

હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…

‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

– ‘ગની’ દહીંવાળા

‘ગીત ગગનનાં….”

‘ઓપિનિયન’ મત, વલણ, વિચાર, અભિપ્રાય ઇ.ઇ. માટે ય ચાલે. ખરું ને ? રજત તો silverનો એક શબ્દાર્થ પણ છે. પચ્ચીસી લઈ શકાયું હોત; પણ ટાળ્યું. યુવાનીને આપ ણો સમાજ ક્યાં સાંભળે છે ? તે તો મનમાની જ કરે છે ! તેથી રજત અને તેમાં જોડ્યું ‘રાણ’. તેનો એક અર્થ રાજા કે રાણા પણ થાય છે. અને બીજો અર્થ રાણનું વૃક્ષ. અને આ વૃક્ષ તો રાયણ જેવું મજેદાર ફળ પણ આપે જ છે. તેથી રજત રાણ. અને તેને પડાવે, તેને છાંયડે પડાવ. એવા એવા એવા પડાવે આ ઓપિનિયન. … બોલો, કંઈ કહેવું છે ??

વારુ, કાકાસાહેબ કાલેલકરે (‘કાલેલકર ગ્રંથાવલિ ૬ [સમાજ અને સંસ્કૃતિ]; પૃ.06) કહ્યું છે તેમ, ‘ … કલ્પના પ્રમાણે તહેવારો અને ઉત્સવોને જીવનમાં વિશિષ્ટ અને મહત્ત્વનું સ્થાન છે. તહેવારો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ; વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્ત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ; ઋતુના ફેરફાર પ્રમાણે જીવનમાં અમુક ફેરફારો યથાકાળે સંકલ્પપૂર્વક શરૂ કરી શકીએ છીએ; અને સામાજિક જીવનમાં પરસ્પર સહકાર સાથે એકતા આણી શકીએ છીએ.’
અહીં બીજા સપ્તાહઅંતના બે અવસરોની વિગતો પૂરીએ છીએ.

શનિવાર, 10 ઍપ્રિલ 2021ના દિવસે 6.30 સાંજે IST ‘ગીત ગગનનાં … …’ છે અને તેને અમરભાઈ ભટ્ટને કંઠે ગીત, સંગીત માણતાં માણતાં મોજના દરિયામાં આનંદવાનું છે.
ઝૂમ લિન્કઃ https://zoom.us/j/95478965815 (Meeting ID: 954 7896 5815)

તમે ફેસબુક ઉપર લાઈવ પણ માણી શકશો https://www.facebook.com/groups/opinionmagazine

રવિવાર, 11 ઍપ્રિલ 2021ના દિવસે ‘અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ’ સરીખા પેચદાર વિષય મિષે ચર્ચા મંડાવાની છે.
ઝૂમ લિન્કઃ : https://zoom.us/j/92733813395 (Meeting ID: 927 3381 3395)

વ્હાલના વારસદાર – સાંઈરામ દવે અને ઓસમાણ મીર સાથે! (USA – April 3rd / India April 4th)

વ્હાલ, પ્રેમ અને પ્રેરણાના પ્રતિક સમા વ્હાલા પૂજ્ય પ્રતાપભાઈના જીવન કવનની ઉજવણીનું પ્રથમ સોપાન સાંઈરામ દવે અને ઓસમાણ મીર સાથે! Do NOT Miss!

શ્રી સાઈં લક્ષ્મી ફોઉન્ડેશન અને પુસ્તક પરબ દ્વારા પ્રિય પૂજ્ય પ્રતાપભાઈના જન્મદિન ની ઉજવણી – સાઈરામ દવે અને ઓસમાન મીર સાથે.
અમેરિકા : એપ્રિલ ૩, સાંજે ૭.૩૦ વાગે
India : એપ્રિલ ૪, સવારે ૮ વાગે
Watch Live : shorturl.at/cyGNR
Event lovingly supported by ગ્રન્થ-ગોષ્ટી, Javanika, Tahuko Foundation and આપણું આંગણું organizations.

સૂરમાં શક્તિ વહાવ તું – માધ્વી મહેતા

અત્યારે ચાલી રહેલા કપરાં સમયમાં સમગ્ર વિશ્વ્ માટે સુંદર આરાધના લઈને આવ્યા છે માધ્વી મહેતા અને અસીમ મહેતા….
એટલી સુંદર સરસ્વતિ વંદના છે કે બસ સાંભળ્યા જ કરીએ…તમે પણ માણો…

સ્વર:માધ્વી મહેતા ,અસીમ મહેતા

.

એમની યુટ્યુબ ચેનલ ઉપર એમણે મુકેલ વિડિઓ

હિન્દીમાં

માં,સરસ્વતિ
સૂરમાં શક્તિ વહાવ તું ,માં સરસ્વતિ
સૂરથી આરાધના, સૂરથી ભક્તિ
માં તુજને મારી છે વિનંતી

વિશ્વ્ સમગ્રને સ્વસ્થ સ્વાસ્થ્ય દે ,
ભ્રમિત ચલિત મનને વિશ્વાશ દે ,
હે માં,તું તારી દે માં સરસ્વતિ

લોક રોગથી માંગે મુક્તિ,
સૂર શક્તિની લ્હેર લ્હેર થકી ,
હે માં…તું તારી દે માં સરસ્વતિ …
-માધવી મહેતા

મારાં તો માનવીનાં – પિનાકીન ઠાકોર

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

મારાં તો માનવીનાં ગીત રે
કાચી તે કાયા કેરી, મમતા બાંધ્યાની એની રીત રે
મારાં તો માનવીનાં ગીત રે

માળા બાંધીને એતો,બેસે જઈ ઝૂલવારે
હૈયાના હેતમાં આ દુનિયાને ભુલવારે
ભવભવનાં વેરી સંગે મનડું માંડે છે મોંઘી પ્રીત રે
મારાં તો માનવીના ગીત રે

મનખાની માયા મારી, કેમે ના છૂટશે રે
દોરી આ આયખાની ક્યારે ના તૂટશે રે
ઘડીપલનાં ઘટમાં એતો, જુગજુગ માણ્યાની એની જીત રે
મારાં તો માનવીનાં ગીત રે
– પિનાકીન ઠાકોર