કવિ વિશે વધુ રસપ્રદ વાતો ભવિષ્યમાં કોઇકવાર ફરી માંડીશું. આજે એમના વિષે – અન્ય કવિઓના શબ્દોમાં….
********
એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.
– મહાકવિ નાનાલાલ
********
રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે.
– ઉમાશંકર જોષી
********
કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું.
– પ્રભુલાલ દયારામ દ્વિવેદી
********
રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.
– હરીન્દ્ર દવે.
********
કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.
– ચંદ્રવદન ચી. મહેતા
********
અને હા… જુલાઇ ૧૧, ૨૦૦૬ ના દિવસે ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે આશિત-હેમા દેસાઇના યુગલસ્વરમાં ફરી એકવાર…
.
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.
ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!
કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….
(વાદળના હૈયે જળનો ઉમંગ… Mount St. Helens, Washington.. Sept 09)
* * * * *
.
શબ્દોના નીડમાં ખોવાયું ગીત
હવે મારે એકાંત એને ખોળું;
માણસની ભીડમાં ખોવાયું સ્મીત
હવે આંસુમાં કેમ કરી ખોળું !
કોઇ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં
રઝળે છે સૂનમુન સુગંધ !
કોઇ દિવસ સાંભળ્યું કે વાદળના કાફલાને
હૈયે ના જળનો ઉમંગ !
આ તે અભાગિયાની રીત કે બાવળના
કાંટે પતંગિયાનું ટોળું !
પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા
લયની ઘૂઘરીઓ કેમ ટૂટી !
રસ્તામાં ક્યાં ? કેમ ? છૂટ્યો છે હાથ
બંધ પોપચામાં વેદનાને ઘૂંટી !
રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત હવે
શમણાંના દરિયાને ઢહોળું !
આજે એક જ ગીત… ત્રણ અલગ અલગ સ્વરમાં..!! આમ તો ઘણીવાર ટહુકો પર એકજ ગીત અલગ-અલગ ગાયકોના સ્વરમાં મુકુ છું, પણ આજે ખૂબી એ છે કે – ત્રણે ગીતોના સ્વરાંકન પણ અલગ અલગ છે..! એક જ ગીત આમ ગુજરાતના દિગ્ગજ સ્વરકારો – ગાયકો પાસે જુદા જુદા રાગ-સ્વરૂપમાં સાંભળવાની મઝા આવશે ને? 🙂
દરિયા સાથે દોસ્તીવાળું એક મઝાનું ગીત… મારા જેવા ઘણાને થશે કે – અરે! આ તો આપણી જ વાત….!
(દરિયા સાથે દોસ્તી… Stinson beach, CA – April 09)
* * * * *
અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાઓ રોજ રોજ કાંઠે
અમે જોયું છે સાવ સગી આંખે
એને જોવાને જઈએ ભઈ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન
રેતીને સ્પર્શી એ તો ફૂટે છે ગીત અને અંગુલી થઈ જાયે પેન
છીપલાના ઓરડાથી શબ્દોના મોતિડાં ઝીણું ઝીણું રે સહેજ ઝાંખે
અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાને જેમ અમે મળવા જઈએને એમ દરિયો પણ આવે છે મળવા
સોરી હો ‘પ્રેમ ‘ જરા બીઝી હતોને… મને દેખીને લાગે કરગરવા
મૂકીને મન પછી ભેટવાને આવે ને બોજ બધો ઊતારી નાખે
અમે જોયું છે સાવ સગી આંખે
( તું જ મોજું થઈ મળવાને આવ ને ! …. Fort Bragg – California, August 2008 )
* * * * * * *
પેલી મોજાંએ ભીંજવેલી રેતી, સજન ! મને કાનમાં એ એટલું કહેતી, સજન…
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’
રોજ ભીંજાતી રેત થાય કોરીધાકોર, રોજ ભીંજવતાં મોજાં પણ નવ્વાનક્કોર,
એક તરસે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
હું તરસું, તું વ્હાલપ વરસાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
કોરી રેતીને ભીંજવતા મોજાં સમો પ્રેમ વર્ષો વિતે ને તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ, કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
તારા હૈયાને તું પણ સમજાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!