Category Archives: ગીત

સંગીત કેરી સરગમ – માયા દિપક

આખો સાગર નાનો લાગે જયારે ‘મ’ ને કાનો લાગે!
માં 🙂
આ એક જ શબ્દમાં આખું વિશ્વ્ સમાઈ જાય ,એવી જ કૈક લાગણી સાથે આ ગીત લખાયું હશે.ચાલો સાંભળીએ

.

સંગીત કેરી સરગમનો જેમ પહેલો સ્વર છે સા,
જીવન કેરી સરગમ કેરો સાચો સ્વર છે માઁ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ,
બીજા સઘળા સંબંધો છે વનવગડાના વાં.

ભર્યો ભર્યો પણ સુનો લાગે માઁ વિના સંસાર,
વર્ણવતા શબ્દો પણ થાક મહિમા અપરંપાર,
જોડ મળે નહિ જેની જગમાં એવું રૂપ છે આ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

સઘળાં તાપ શમે જ્યાં એ છે માઁનો મીઠો ખોડો,
અમૃત ઝરતી આંખ છે માઁની સુખની છાલક છોડો,
એવી માઁને કદી ન કરજો કડવા વેણનો ઘાં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

જીવનવનના વિપરીત વાયુ અડગ થઈને સહેતી,
કમળપત્ર શી કોમળ માતા,વગ્ર સમી થઇ રહેતી,
પરમેશ્વર ના પહોંચે સઘળે એથી જન્મી માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

અણદીઠેલાં જગમાં શિશુને માઁનો છે વિશ્વાશ,
બાળક માટે જીવતી મરતી બાળક માંનો શ્વાશ,
બધું ભૂલો પણ કદી ન ભૂલશો,માં તે કેવળ માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.
– માયા દિપક

વ્હાલ કરે તે વ્હાલું ! – રમેશ પારેખ

કવિ: રમેશ પારેખ
સ્વરકાર:ગાયક:અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા:1

.

રમેશ પારેખને એમના 80મા જન્મદિને (27/11/2020) યાદ કરું છું. વિશ્વકોશમાં 2/1/2010ના દિવસે ‘કાવ્યસંગીતશ્રેણી’નો આરંભ થયો તે પણ રમેશ પારેખનાં કાવ્યોનાં ગાનથી. એ વખતે આ ધોધમાર કવિની કવિતાનો કૅન્વાસ પાછો નજીકથી નિહાળ્યો.
આજે એમનું ‘વ્હાલ કરે તે વ્હાલું’ ગીત સંભળાવું.

‘વ્હાલ કરે તે વ્હાલું !
આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું?
ફુગ્ગા ને ફરફરિયાં જોઉં જોઉં લેણાદેણી
કોઈક વેચે વાચા કોઈક વ્હોરે ફૂલની વેણી
કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું!
ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો
સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું!
કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઈક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી
‘શું લઈશ તું?’- પૂછે મને આ મારું ગજવું ઠાલું !’
-રમેશ પારેખ

રમેશ પારેખની નમ્રતા જુઓ. ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં એમણે નિવેદનમાં લખ્યું છે કે એમાં 1991માં છપાયો ત્યાં સુધીની લખાયેલી તમામ કવિતાઓ એટલા માટે લીધી છે કે જેથી સર્જકની મર્યાદાઓ શું છે એની સર્જક અને વાચક બંનેને જાણ થાય!
11મા ધોરણમાં એક નિબંધ લખવાનો હતો – મારો પ્રિય કવિ – મેં કવિ રમેશ પારેખ ઉપર લખેલો. કવિને એ પત્ર રૂપે પણ મોકલેલો.1982માં એ અમરેલીથી અમદાવાદ આવેલા ત્યારે મને ફૉન કરી લાભશંકર ઠાકરના આયુર્વેદના ક્લિનિક પર મળવા બોલાવેલો. એ પછી અવારનવાર એમને પત્ર દ્વારા ને એમનાં કાવ્યો દ્વારા મળતો. ત્યારપછી તો અમે એમનાં અને અનિલ જોષીનાં ગીતોનો કાર્યક્રમ કર્યો. બંનેએ જે કાવ્યો વાંચ્યાં એ જ અમે ગાયાં. 1998માં કવિ રમેશ પારેખ ને મનોજ ખંડેરિયાનું કાવ્યપઠન મારે ત્યાં યોજેલું.
કવિની ‘આ મનપાંચમના મેળામાં’ ખૂબ જાણીતી કૃતિ છે. ર.પા.ની અનેક રચનાઓમાં મેળો આવે છે-
‘મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે
એમ હું છે તે ઝાડને જડું’
**
‘પગથી માથા લગી સમૂળો મને લીધો તેં ચોરી
તને એકલીને મેં આખ્ખા મેળામાંથી ચોરી
કોઈ કહે કે જીવતર છે,એમાં આવુંય બને!‘
**
‘ઘાંઘા! ઘાંઘા! ક્યાં હાલ્યો?
વસંતમાં તેં ફૂલને બદલે ધરમ હાથમાં કાં ઝાલ્યો?
જીવતરનો શો અરથ, ગીત ગાઈ મેળે જો ના મહાલ્યો?’

પણ અહીં એવા મેળાની, સાક્ષીભાવે જોયેલી, વાત છે જ્યાં ફુગ્ગા જેવા (egoist?), ગમે ત્યારે ફૂટી પણ જાય તેવા માણસો હોય, જ્યાં ફરફરિયાં(petty?) જેવાં લોકો હોય, બહુ બોલીને આંજનારાં પણ હોય ને કોઈક સુગંધ વેરતી ને પરમાર્થ કરતી વ્યક્તિઓ પણ હોય. આ બધામાંથી કવિને લેવી છે લાડની મોંઘામૂલી લગડી ને વહેંચવો છે વ્હાલભર્યો સંદેશ – વ્હાલ કરે તે વ્હાલું!
થોડી સ્વરનિયોજનની ટેક્નિકલ વાત કરું-ખાસ કરીને અંતરામાં મેળામાં ફરતાં કવિ સાક્ષીભાવે જે જુએ છે તે સાક્ષીભાવ અભિવ્યક્ત કરવા ઉપરના ષડ્જ-સા -થી દરેક અંતરા શરૂ કર્યા છે. દરેક અંતરાની પ્રથમ પંક્તિ પહેલી વાર અને બીજી વાર ગવાય તેની વચ્ચે,એ પંક્તિના શબ્દોને રુચે એવાં, subtle variations છે. તેવું જ ‘ઝાલું’, ‘પ્યાલું’, ‘ચાલું’, ‘ઠાલું’ શબ્દોમાં છે.
‘પ્યાલું’માં ગ’રે’સા’,સા’નિ(કોમળ)ધ, મગરે, ગમપ છે; તો ‘ચાલું’ પહેલાં ‘અટવાતો’ શબ્દ હોવાથી આ જ સ્વરો છે પણ થોડા ‘કોમ્પ્લિકેટ’ કરીને ગયા છે –
ગ’-રે’સા’, નિ-ધપ, મ-ગરે, ગમપ.

– અમર ભટ્ટ

ઉપાલંભ – ઉષા ઉપાધ્યાય

સ્વર : અપેક્ષા ભટ્ટ
સ્વરાંકન : વિજય ભટ્ટ
સંકલન : પારુલ ખખ્ખર

કવયિત્રી ઉષા ઉપાધ્યાયના ગીતનું સુંદર સ્વરાંકન સંધ્યા વિજય ભટ્ટે કર્યું અને મધુર સ્વર તેજસ્વી યુવા ગાયક અપેક્ષા ભટ્ટે આપ્યો, નયનરમ્ય તસ્વીર સંકલન કર્યું છે કવયિત્રી પારુલ ખખ્ખરે.

.

પહેલા આંખો આપો પછી પાંખો આપો
ને પછી છીનવી લો આખ્ખું આકાશ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!

કોરી હથેળીઓમાં મહેંદી મૂકીને પછી
ઘેરી લો થઈને વંટોળ,
આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો
કરશો મા અમથા અંઘોળ!

પહેલા તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો કાનમાં પડી છે કેવી ધાક!
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો, ને કહો સૂરજના ટોળાંને હાંક!
પહેલા પાણી આપો, પછી વહેવું આપો
ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!
-ઉષા ઉપાધ્યાય

ગ્લૉબલ કવિતા : ૧૯૦ : સ્પર્શવિલાસ – વીરુ પુરોહિત

હજારો અળસિયાં નીકળી જમીનથી જાણે,
ફૂલોની જાજમે આળોટી રહી સુખ માણે!
હતી લજામણી; પણ સ્પર્શસુખે ખૂલી’તી,
હું એ ઉન્માદી અવસ્થામાં ભાન ભૂલી’તી..
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નદીમાં છું અને મત્સ્યો કરે છે ગલગલિયાં,
કે મારી ભીતરે શિશુઓ કરે છે છબછબિયાં!?
ફરે છે બેઉ હથેળીનાં મૃદુ પોલાણે –
ફફડતું ચકલીનું બચ્ચું કે હૃદય; તું જાણે!
આવી અસમંજસે હું ઊભી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

મને તો થાય છે અંગૂરનાં ઝૂમખાં શી લચું;
કહે તો સ્પર્શ પર તારા, હું મહાકાવ્ય રચું!
‘કુમારસંભવમ્’ પેટારે પૂરી તાળું દે!
બધા ભૂલી જશે ‘વસંતવિલાસ’ ફાગુને!
હું એવા તોરમાં વળુંભી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નથી વાળી શકાતું મનને બીજી કોઈ વાતે;
સ્મરું છું એ ક્ષણો હું જ્યારે મુગ્ધ એકાંતે–
ઊઠી રહી છે તારી મ્હેક મારાં અંગોથી,
‘ને સતત ભીતરે ઘેરૈયા રમે રંગોથી!
હું પછી ઉત્સવ બની ચૂકી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

– વીરુ પુરોહિત

પ્રથમ ચુંબન… પ્રથમ સ્પર્શ… પ્રથમનો જાદુ…

પ્રથમ ચુંબન! શબ્દદ્વય સાંભળતાંવેંત જ શરીર આખામાં એક અજબ સિહરન ફરી વળે છે. પહેલા ચુંબનની અનુભૂતિ કોને યાદ ન હોય? હજારો ચુંબનો, આલિંગનો અને સંવનન ભેગાં મળીને પણ પ્રથમ ચુંબનના રોમાંચને ઝાંખો નથી કરી શકતાં. પ્રથમ એ પ્રથમ. પ્રથમની તો વાત જ ન્યારી… પ્રથમ બધામાં સરતાજ. પ્રથમનું પુનરાવર્તન કદી સંભવ બનતું નથી, અને એટલે જ કવિઓ પ્રથમ ચુંબનના ગીતો ગાતા થાકતા નથી. વીરુ પુરોહિતનું આ ગીત પણ આવા જ અનનુભૂતાનુભવની વાત લઈ આવ્યું છે.

‘સ્પર્શવિલાસ’ શીર્ષક વાંચતાં જ શૃંગારરસના ફુવારામાં ભીંજાવાની મનોકામના થાય. પણ ગીત માત્ર સ્પર્શસુખમાં વિલસવા માટેનું નથી. ગીતમાં કાલિદાસના ‘કુમારસંભવમ્’ની સાથે ‘વસંતવિલાસ’ નામના ફાગુ કાવ્યનો પણ ઉલ્લેખ છે. આશરે પંદરમી સદીના મધ્યકાલીન ગુજરાતમાં કોઈક અજ્ઞાત કવિ કે જનસમૂહના હાથે રચાયેલ ‘વસંતવિલાસ’ નામક ફાગુકાવ્ય વસંતઋતુ આવતાં પિયુપ્રતીક્ષામાં રત પ્રોષિતભર્તૃકાની પીડા, પ્રિયતમના આગમન અને ઉભયના મિલનના વર્ણનનું કાવ્ય છે. કવિએ ‘વસંતવિલાસ’ને નજર સમક્ષ રાખીને સ્પર્શ અને પ્રથમ ચુંબનની સમીક્ષા કરતા આ ગીતનું શીર્ષક ‘સ્પર્શવિલાસ’ આપ્યું છે, જે યથોચિત કવિકર્મની સાહેદી પુરાવે છે.

ગુજરાતીમાં પ્રમાણમાં જૂજ ખેડાતા નઝમ કાવ્યસ્વરૂપ પર કવિએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. ચાર-ચાર પંક્તિના ચાર બંધ અને ધ્રુવપદ સાથે સાંકળી રચતી ટૂકવાળી ઈમારત ચણવા માટે કવિએ અ-અ-બ-બ પ્રકારે ચુસ્ત (‘તાળું દે/ ફાગુને’ ને બાદ કરતાં) પ્રાસાવલિની ઈંટો વાપરી છે. ચારેય બંધની તમામ કડીઓમાં કવિએ ‘લગા લગા લલગાગા લગા લગા ગાગા/લલગા’ બહર પ્રયોજી છે અને ટૂકની કડીઓમાં ગાલગા ગાલલગા ગાગાગા બહર વાપરી છે. કવિ જો કે પ્રાસમાં દાખવ્યું છે એવું ચુસ્ત વલણ છંદની બાબતમાં દાખવ્યું નથી એટલે ઘણી જગ્યાએ છંદ કાચો પડતો જણાય છે. મુખબંધને બાદ કરતાં ટૂકની ત્રણેય કડીઓમાં છંદ અલગ-અલગ નજરે ચડે છે. નઝમ જો કે ગઝલ કરતાં ગીતની વધુ નજીકનો કાવ્યપ્રકાર હોવાથી છંદ કરતાં લય અહીં વધુ મહત્ત્વનો ગણાય અને કાવ્યપાઠ કરતાં લય ખોટકાતો અનુભવાતો ન હોવાથી કૃતિની પ્રવાહિતા જોખમાતી જણાતી નથી.

આપણી ભાષામાં ઉત્તમ કહી શકાય એવી નઝમ ઓછી જ જડે છે. એમાંય આ કવિતા તો સાવ અલગ તરી આવે છે. પ્રથમ ચુંબનનો આવેગ જેમણે પૂર્ણતયા માણ્યો હશે એવા ભાવકોને તો આ કવિતા વાંચવી શરૂ કરતાવેંત શરીરમાં અજબ રણઝણાટી શરૂ થતી અનુભવાશે, જે કવિતા પત્યા બાદ પણ ક્યાંય સુધી ચાલુ રહેશે… માય ગૉડ! ઉમાશંકરના ‘ક્યાં છે કવિતા’ સવાલનો શાશ્વત ઉત્તર બની શકે એવી આ કૃતિ છે. આશ્ચર્ય થાય, પણ આવી મજાની નઝમ આપનાર કવિની કારકિર્દીની શરૂઆત ગઝલોથી થઈ હતી. ૧૩ ઑગસ્ટ, ૧૯૬૮ની રાત્રે વિશળવાવ પોલિસ ચોકીની સામે થાંભલા નીચે સિગારેટના ખુલ્લાં ખોખાં ઉપર શ્યામ સાધુએ કવિને ગઝલસ્વરૂપ બાબત શિક્ષણ આપ્યું હતું. બીજા જ દિવસે કવિએ મજાની ગઝલ રચીને એમની પાસેથી દાદ પણ મેળવી. પરંતુ ગઝલથી શરૂ થયેલી સર્જનયાત્રા કવિની જાણ બહાર ગીત તરફ વળી ગઈ. આજે એમની પ્રમુખ ઓળખ ગીતકવિ અને હાલ, ઉદ્ધવગીતોના કવિ તરીકે પ્રસ્થાપિત થઈ છે.

પ્રથમ ચુંબનની અનુભૂતિના સેંકડો કાવ્યોમાં સર્વોપરિ સિદ્ધ થાય એવું સર્વાંગસંપૂર્ણ આ કાવ્ય છે. પુરુષ કવિએ પ્રથમ ચુંબનનો ઓચ્છવ માણી રહેલી નાયિકાના સ્ત્રીગત મનોભાવો આત્મકથનાત્મક શૈલીમાં આબાદ ઝીલ્યા છે. પરકાયાપ્રવેશ વિના સૂક્ષ્માતિસૂક્ષ્મ નારીસંવેદનોને આમ આકારવું શક્ય જ ન બને. પ્રિયતમે નાયિકાને પહેલવહેલીવાર ચૂમી છે, પણ એનો નશો કડીએ-કડીએ શબ્દે-શબ્દે અસ્ખલિત છલકાઈ રહ્યો છે. સાવ અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થતી અભિવ્યક્તિ ક્યાં-ક્યાં જઈને ઉત્સવની કક્ષાએ પહોંચે છે એ ખાસ જોવા જેવું છે. ક્યારના જમીનની અંદર સંતાઈ રહેલાં હજારો અળસિયાં અચાનક એકીસાથે બહાર આવીને ફૂલોની રેશમી જાજમ પર આળોટવાનું સુખ માણી રહ્યાં હોવાની વાતથી નઝમની શરૂઆત થાય છે. સામાન્યરીતે વરસાદની ઋતુમાં દર પાણીથી ભરાઈ જતાં શ્વાસ લેવા માટે અળસિયાં સેંકડો-હજારોના ઝુડમાં જમીનમાંથી એકસાથે બહાર આવે છે. એકમેક પર આળોટી, ચડી-ઊતરી પુનઃ જમીનમાં પોતાનો માર્ગ કરવા અંધાધુંધી મચાવતા ઢગલેબંધ અળસિયાંઓની સમૂહરમત જેમણે જોઈ હોય એ જ આ અનુભૂતિ સાચા અર્થમાં સમજી શકે. પણ આ જમીન પર તો ફૂલોની જાજમ પથરાયેલી છે. મતલબ, એવો પ્રબળ, આકસ્મિક અને અભૂતપૂર્વ રોમાંચ થયો છે, જે ઉત્તેજનાની સાથોસાથ મખમલી અહેસાસ પણ દઈ રહ્યો છે. આ ઉત્તેજના, આ રુંવે-રુંવે અચાનક રેલાઈ વળેલ રેશમી સંવેદન પ્રથમ ચુંબનનું પરિણામ છે એ વાત તો છેક મુખબંધ પૂર્ણ થાય ત્યારે ખૂલે છે. ત્યાં સુધી તો પ્રેમગીતોમાં આ પહેલાં કદી જોવા-સાંભળવા ન મળ્યું હોય એવા આ અભૂતપૂર્વ કલ્પનનું લખલખું જ આપણે તો અનુભવવાનું છે. કવિની અન્ય એક રચનામાં પણ નાયિકા ફૂલોની સેજ પર આળોટવાનું સ્પર્શસુખ માણે છે:

પવન અલકલટ વંછેરે, તો ભ્રમ થાતો કે એ છે;
શમણે આવી રોજ શામળો બાહુપાશમાં લે છે!
ખર્યાં ફૂલ ધરતી પર ભાળી, થાય; બિછાવી સેજ;
આળોટું ઘેલી થઈ ત્યાં તો સુગંધ પામું એ જ!
સ્ત્રીની ચાલચલણ શું જાણો?
તમે પુરુષ છો, કેવળ ચાલો તમે પાઘડીપને!-
– જો કે કવિમાંનો પુરુષ માત્ર પાઘડીપાને ચાલતો હોય એમ લાગતું નથી. સ્ત્રીનાં ચાલચલણ અને મનાંકનો કવિ આબાદ પકડી શકે છે એની પ્રતીતિ ‘સ્પર્શવિલાસ’ કરાવે છે. ગીતમાં બીજું પ્રતીક છે લજામણીનું. નાયિકા કહે છે, હું તો લજામણી હતી. ‘હતી.’ મતલબ? હવે નથી રહી! લજામણી તો શરમાવાનું-સંકોરાવાનું પ્રતીક. લજામણી તો અડતાવેંત બીડાઈ જાય… પણ આકસ્મિક અનરાધાર સ્પર્શસુખના ઘોડાપૂરમાં તણાઈ જવાના કારણે આ લજામણી સ્વભાવગત, જાતિગત ભાન-સાન ભૂલી, ઉન્માદી અવસ્થાનો ભોગ બને છે, અને સ્ત્રીસહજ શરમાઈ-સંકોચાઈ જવાના બદલે ઊલટું ખૂલી-ખીલી ઊઠે છે. વાહ! સ્પર્શનો, પ્રથમ ચુંબનનો આ નશો છે. જે ઘડીએ પ્રિયતમે નાયિકાને ચૂમી, એ ઘડીએ લજામણી લજામણી મટીને મજામણીમાં રૂપાંતરણ પામે છે અને આકંઠ રતિરાગનું ગાન કરે છે. રામધારી સિંહ ‘દિનકર’ની કાલિદાસ કૃતિમાં પણ એક ચુંબનથી કુમારીનું નારીમાં રૂપાંતરણ થતું દર્શાવાયું છે:

प्रथम स्पर्श से झंकृत होती वेपथुमती कुमारी,
एक मधुर चुम्बन से ही खिलकर हो जाती नारी।

કવિના મતે કાવ્યની ભાષા ‘પ્રેમની ભાષા’ છે, અને એટલે જ એમનાં ગીતોમાં પ્રેમ કેન્દ્રસ્થાને નજરે ચડે છે. પ્રથમ ચુંબનની વાત કરતી વેળાએ કવિની અન્ય રચના પણ યાદ આવે: ‘ભમરાના ગુંજારવ થાતાં,/અમે સફાળાં દોડી જાતાં;/રમણે ચડતું વસંતઋતુએ શ્યામે ચૂમ્યું મુખ!’ પ્રથમ ચુંબનની વાત જ અનોખી. સિદ્ધાર્થ નવલકથાના લેખક હરમને હેસ કહે છે: ‘પ્રથમ ચુંબન સમયે મને લાગ્યું કે મારી અંદર કંઈક પીગળ્યું છે, જેણે મને અત્યંત નજાકતથી ચોટ પહોંચાડી છે. મારી તમામ લાલસાઓ, મારાં તમામ સ્વપ્નો અને મીઠી પીડાઓ, ઠેઠ ભીતર સૂઈ રહેલા બધા જ રહસ્યો જાગી ઊઠ્યા, દરેક વસ્તુ બદલાઈ ગઈ, જાદુઈ થઈ ગઈ અને બધું જ સમજાઈ ગયું.’

પ્રથમ ચુંબનના કારણે ફેલાઈ વળતી સિહરનનો અનુભવ સ્પર્શસુખની ઊંડી નદીમાં ગરકાવ હોઈએ અને સેંકડો માછલીઓ શરીરે ગલગલિયાં કરતી હોય એવો છે. અથવા નાયિકા પોતે જ જળાશય બની ગઈ હોય અને બાળકો પોતાની અંદર છબછબિયાં કરતાં હોય એમ એને લાગે છે. સરવાળે ચુંબનની ભીનપ એ ગતિશીલ ક્રિયાશીલ ભીનપ હોવાનું સમજાય છે. હૈયું જાણે કે હાથમાં આવી ગયું છે. અનુભૂતિ જ એવી તીવ્રત્તમ હતી કે છાતીના પિંજરામાં કેદ રહેવું એના માટે સંભવ જ નહોતું. પણ પોતાની હથેળીઓના નાજુક પોલાણમાં જે ફડફડી રહ્યું છે એ ચકલીનું બચ્ચું છે કે પોતાનું હૈયું એ અસમંજસથી એ મુક્ત નથી. પોતે તો ઉન્માદી અવસ્થામાં ક્યારનુંય ભાન ભૂલી ચૂકી છે, એટલે વાસ્તવિક્તા સાથે એને મુખામુખ હજી થવુંયે નથી એટલે ‘તું જાણે’ કહી જવાબદારીનો અંચળો નાયકના સિરે એ પહેરાવી દે છે.

અક્ષુણ્ણ ચુંબનનો રોમાંચ આગળ વધે છે. નાયિકાને નાજુક લતા પર દ્રાક્ષના ઝૂમખાંની જેમ લચી પડવાનું મન થાય છે. અને ખુશીની મારી નાયિકા તો સમરકંદો બુખારા લૂંટાવી દેવાના તોરમાં વળુંભી રહી છે. કહે છે કે તું કહેતો હોય તો હું તારા આ સ્પર્શ ઉપર હું મહાકાવ્ય રચું. અને મહાકાવ્ય પણ કેવું, તો કે ‘કુમારસંભવ’ને પેટારે પૂરીને તાળું મારી દેવાનું મન થાય અને ‘વસંતવિલાસ’ને પણ બધા ભૂલી જાય એવું. કાલિદાસનું ‘કુમારસંભવ’ આપણાં અમર શૃંગારકાવ્યોમાં શિરમોર છે. કાલિદાસે શિવપાર્વતીના સંભોગશૃંગારનું એમાં અમર્યાદ વર્ણન કર્યું છે. ઉમાશંકર જોશીના મતે ‘કુમારસંભવ દ્વારા કાલિદાસે લગ્નજીવનનો આદર્શ રજૂ કર્યો છે… શિવપાર્વતીના વિવાહમાં હિંદની પરમ દામ્પત્યભાવના મૂર્ત થયેલી છે.’ વસંતવિલાસની વાત તો આપણે શરૂમાં કરી. આવા ઉત્તમોત્તમ શૃંગારકાવ્યોથી ચડી જાય એવી કવિતાઓ નાયિકાના મનમાં આકાર લઈ રહી છે. આ છે પ્રથમનો ચમત્કાર!

હવે મન ક્યાંય વાળ્યું વળતું નથી. એકાંત પણ પહેલાં જેવું એકલું નથી રહ્યું, મુગ્ધતાનો પાશ એને ચડી ગયો છે. મુગ્ધ એકાંતની ક્ષણોમાં નાયિકા આ અનુભવને સ્મરે છે અને પ્રિયજનની મહેંક એના અંગાંગથી ફૂટે છે. અન્યત્ર કવિએ ગાયું છે: ‘ફળ એ મીઠાં હોય અતિ, જેને કરકોલે સૂડો!’ મનનો સૂડો સ્પર્શસુખના ફળ એકાંતમાં કરકોલી રહ્યો છે. નાયિકા સાક્ષાત્ ઉત્સવ બની ચૂકી છે અને પોતાની ભીતર ઘેરૈયાઓ રંગોની છોળથી ધૂળેટી મનાવી રહ્યા હોવાનું મેઘધનુષ સર્જાઈ રહ્યું છે. અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થયેલી કવિતા એવી રસાળ રીતે કથકના ઉત્સવમાં પરિણમવા સુધીની ગતિ કરે છે કે ભાવકને આફરીન આફરીન પોકારવાની ફરજ પડે. પ્રથમનું માહાત્મ્યગાન ગાતું આવું જ એક અંજનીગીત –‘પડઘા’: વિવેક મનહર ટેલર- અંતે માણીએ:

એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
પડઘાયે રાખે…

સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
ફરી મને ચાખે.

જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
કોણ હવે વાખે ?

આજ મારું મન માને ના – ઉમાશંકર જોષી

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
– ઉમાશંકર જોષી

ઉડ્ડયન – રમેશ પારેખ

રમેશ પારેખનાં ધોધમાર ગીતોમાંથી પસાર થવાનો આનંદ અનેરો છે.
એમનું પ્રખ્યાત ગીત છે-
‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલાં ઓછાં પડ્યાં રે લોલ!
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં ને આભલાં ઓછાં પડ્યાં
રે લોલ!’
આ ઓછું પડવું -એ આ ગીતમાં પણ કવિ કૈંક જુદી રીતે લાવે છે. અંગ્રેજીમાં કહેવતરૂપ વાક્ય છે-
‘the sky is the limit’
કવિ એ જ વાત ગીતરૂપે અભિવ્યક્ત કરે ત્યારે આવું ગણગણવાનું મન થાય છે. -આભ તેને ઓછાં પડે!
હજી કઈંક મેળવવાની તલપ માટે મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે છે-
‘તે છતાં તૃપ્તિ સુધી ન પહોંચાયું
આમ એ એક ઘૂંટ છેટી છે’
અનહદના અનુભવ માટે ભાર ‘હોવાનો’ ખંખેરવાનો સંદેશ સૂચક છે. રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં ‘હોવા’ – being – વિશેની વાત છે-
‘હોવુંય હવે ઉત્સવ આકંઠ શ્વસી જઈએ’
ને
‘શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાંખે’.
-અમર ભટ્ટ

કવિ: રમેશ પારેખ

‘જેને ઊડવું હો વીંઝીને પાંખો
હો આભ તેને ઓછાં પડે
થાય ધખધખતો તડકોય ઝાંખો
હવાઓ એને ક્યાંથી નડે?
નથી આંકેલા નકશા પર ચાલવાની વાત
ના થકાવટના ભયથી સંકેલવાની જાત
ઝીલે તેજ તણાં નોતરાંને આંખો
તો જીવને ના સાંકડ્યું પડે!
નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળે
ઝાડ ભૂલીને ઊડીએ તો જાતરા ફળે
ભાર હોવાનો ખંખેરી નાખો
તો અનહદની ઓસરી જડે!’

અમદાવાદની ઉતરાણ – શ્યામલ મુનશી

તમે અમદાવાદમાં નથી ? તમે અગાશી પર નથી ?
નો પ્રોબ્લેમ.
આ ગીત તમને બેઉ જગ્યાએ લઈ જશે.

Amdavad ni Uttaran” , a Power-packed tune to get you hyped for the kite flying festival the city loves and celebrates. Go to your terrace with energy and enthusiasm with this fresh song and music created by Shyamal-Saumil.

અમદાવાદની ઉતરાણ, અમદાવાદની ઉતરાણ,
આકાશી મેદાને પતંગ દોરીનું રમખાણ. – અમદાવાદની ઉતરાણ

કોઈ અગરબત્તીથી પાડી કાણાં કિન્ના બાંધે,
કોઈ ફાટેલી ફુદ્દીઓને ગુંદરપટ્ટીથી સાંધે.
કોઈ લાવે, કોઈ ચગાવે, કોઈ છૂટ અપાવે,
કોઈ ખેંચે, કોઈ ઢીલ લગાવે , કોઈ પતંગ લપટાવે.
સૌને જુદી મસ્તી, જુદી ફાવટ, જુદી જાણ. – અમદાવાદની ઉતરાણ

રંગ રંગનાં પતંગનો આકાશે જામે જંગ,
કોઈ તંગ, કોઈ દંગ, કોઈ ઉડાડે ઉમંગ.
પેચ લેવા માટે કોઈ કરતું કાયમ પહેલ,
ખેલે રસાકસીનો ખેલ, કોઈને લેવી ગમતી સહેલ.
ખુશી ને ખુમારી વચ્ચે રંગીલું ઘમસાણ. – અમદાવાદની

સૂરજની ગરમીથી સૌના ચહેરા બનતા રાતા,
ઠમકે ઠમકે હાથ ઝલાતા, સઘળાં પરસેવાથી ન્હાતા.
કોઈ ટોપી, કોઈ ટોટી, પહેરે કાળાં ચશ્માં,
કોઈ ઢઢ્ઢો મચડી, નમન બાંધી, પતંગ રાખે વશમાં.
ઘીસરકાથી આંગળીઓના વેઢા લોહીલુહાણ – અમદાવાદની ઉતરાણ

નથી ઘણાંય ઘેર, સૌને વ્હાલું આજે શહેર,
ગમે છે પોળનાં ગીચીગીચ છાપરે કરવી લીલાલહેર.
વર્ષો પહેલાં ભારે હૈયે છોડયું અમદાવાદ,
તેમને ઘરની આવે યાદ, પોળનું જીવન પાડે સાદ.
પરદેશી ધરતીને દેશી આભનું ખેંચાણ. – અમદાવાદની
– શ્યામલ મુનશી

વાંકી રે કેડી ને વાંકી મોજડી – વિનોદ જોશી

કવિ : વિનોદ જોશી
સ્વરકાર : અમર ભટ્ટ
ગાયક : હિમાલી વ્યાસ-નાયક

.

વાંકી રે કેડી ને વાંકી મોજડી…
વાંકી રે પગલાંની આ વણઝાર હો, પિયુજી …

અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે,
સરવરિયાં તળિયાં લગ વિંખ્યાં મળી કમળની કૂંચી રે;

કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા,
કાંઠે રે એકલડી હું ભેંકાર હો, પિયુજી …

બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે,
અણસમજુ આંગળિયે આવે અવાવરુ પરપોટા રે;

સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં,
સૂના રે કાંઈ જીત્યાના ભણકાર હો, પિયુજી …

અટકળનાં ઝળઝિળયાં ઝિલી ભર્યા નજરના કૂપા રે,
ઘરવખરીમાં પડતર પીંછું અને પવન કદરૂપા રે;

ઊંચા રે અવસર ને ઊંચા ઑરતા,
ઊંચા રે આ અવગતિયા અણસાર, હો પિયુજી …
– વિનોદ જોશી

પાંખો દીધી ને મેં – ભાસ્કર વોરા

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ
સંગીત : ડો. ભરત પટેલ

.

પાંખો દીધી ને મેં ઉડવા કર્યું
તેં આખું ગગન મારી સામે ધર્યું

આવી દિલાવરી દેવ તારી જોઇને
આંખ માંથી અચરજ નું આંસુ ખર્યું

કંઠ રે દીધો તો મેં ગાવા કર્યું
ને તેં સાત સાત સૂરો નું અમૃત ધર્યું

આવી પ્રસન્નતા દેવ તારી જોઈને
મુખમાંથી મલ્હારી મોતી સર્યું

મન રે દીધું તો તને મળવા કર્યું
તેં આંગણું અલખના નાદે ભર્યું

આવી કરુણા દેવ તારી જોઈને
મેં ધરતી મેલી ને ધ્યાન તારું ધર્યું

-ભાસ્કર વોરા

વાયરાની ડેલીએ -રસિક દવે ‘બેહદ’

સ્વરકાર :પિયુષ દવે,ભાર્ગવ ચાંગેલા
સ્વર:પિયુષ દવે

.

વાયરાની ડેલીએ બેસીને રોજ કહાન,વાટ્યુ ને ભીંજવી છે આંખ્યથી..

નજર્યુંના પંખીઓ ઉડી ઉડી ને કહાન.મથુરાના મારગે જાતા,
છાના નિશ્વાસોને છાતીમાં પુરીને શમણાઓ રોજ નંદવાતા,
મનના વૃંદાવનને સળગાવી રાત ભર. દાઝયા કર્યું છે અમે આગથી…વાટ્યુ ને…

જમનાના નીર મારી પાંપણથી ચાલ્યાને,શૂળો થૈ ભોંકાણી રાત,
છાતીમાં ડૂમો ગોવર્ધન થૈ બેઠો ને, પારકી થઈ ગઈ છે જાત,
પવનના ઝોંકામાં વાંસળીના સૂર હવે,વાગ્યા કરે છે તમ યાદથી…વાટ્યુને…

ગાયોના બાળ હવે નાચતા નથી કે નથી ગોરજ ની સંધ્યા થાતી,
રાવ લઇ ગોપીઓ એ જાતી નથી કે નથી જશોદાજી મીઠું ખીજાતી,
ગોરસ ની મટકી રહે છે અકબંધ મારી, મારગ નથી બંધ તવ વાદથી….વાટ્યુ ને…

વાયરાની ડેલીએ બેસીને રોજ કહાન,વાટ્યુ ને ભીંજવી છે આંખ્યથી…વાટ્યુને…
-રસિક દવે ‘બેહદ’