Category Archives: ગઝલ

ગઝલ પાસે – ઉર્વીશ વસાવડા

તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે
અને અર્થોનો એ જાદુ ગજબ મળશે ગઝલ પાસે

યુગોથી તપ્ત રણની પ્યાસ લઇને તું ભલે આવે
છિપાવે પ્યાસ પળમાં એ પરબ મળશે ગઝલ પાસે

ફક્ત બે ચાર ટીપામાં નશો એનો ચડી જાતો
સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે

નિરાશા જિંદગીની ચોતરફથી ઘેરશે જ્યારે
નવી આશાનું એકાદું સબબ મળશે ગઝલ પાસે

ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે

બબ્બે કાફિયાની ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

(પાણી ઉછાળા ખાય સાગરમા…. Fort Bragg, CA – Aug 30, 2008)

* * * * *

આંખ જો ખોલું તરત દેખાય ઉંબરમાં સજનવા
એકલું પાણી ઉછાળા ખાય સાગરમાં સજનવા

શું સતત લખવું અને આ ભૂંસવું ચલ રૂબરૂ મન,
જાતનો દરિયો શેં ઓળંગાય અક્ષરમાં સજનવા

શુંખલાઓ કૈં સહજ બસ ગોઠવાતી આપમેળે,
હોઇ કોઇ પ્રશ્ન પણ બોલાય ઉત્તરમાં સજનવા

આંગણે આષાઠથી આસો લગી કૈં રોજ અવસર,
ઓરડે કૈં રોજ દીવા થાય ઝરમરમાં સજનવા

શ્વાસ જાણે હોય છે તારીખનું મિસ્કીન પાનું,
સામટાં કૈં સ્થળસમય બદલાય પળભરમાં સજનવા

H अब के हम बिछड़े तो … – एहमद फराज़

रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ… આ ગઝલ પહેલીવાર મેંહદી હસનના અવાજમાં સાંભળેલી ત્યારથી ખૂબ જ ગમી ગયેલી.. અને એટલે જ કદાચ મને મેંહદી હસનના અવાજ અને એહમદ ફરાઝની કલમ માટે ખાસ માન છે..!! એ જ જોડી આજે ફરી એકવાર… આશા છે કે આ ગઝલ પણ તમને ગમશે..

સ્વર : મેંહદી હસન

अब के हम बिछड़े तो शायद कहीं ख़्वाबों में मिलें
जिस तरह सूखे हुए फूल किताबों में मिलें

ढूँढ उजड़े हुए लोगों में वफ़ा के मोती
ये ख़ज़ाने तुझे मुमकिन है ख़राबों में मिलें

तू ख़ुदा है न मेरा इश्क़ फ़रिश्तों जैसा
दोनों इन्सां हैं तो क्यों इतने हिजाबों में मिलें

ग़म-ए-दुनिया भी ग़म-ए-यार में शामिल कर लो
नश्शा बढ़ता है शराबें जो शराबों में मिलें

अब न वो मैं हूं न तू है न वो माज़ी है फ़राज़
जैसे दो साये तमन्‍ना के सराबों में मिलें

(हिजाब: परदा, ख़राबा: मरुमारीचिका, माज़ी: बीता हुआ समय)

એક અણસારનો પડદો છે – રૂપજીવિનીની ગઝલ – જવાહર બક્ષી

(સંગે-મરમરની લહેરો…. 10 Miles Beach, Fort Bragg, California – Nov 30, 2008)

* * * * *

સ્વર – હેમા દેસાઇ
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

– જવાહર બક્ષી

* * *
અને હા… Happy Birthday to વ્હાલા કવિ ડૉ. મુકુલ ચોક્સી 🙂

તડકાના ટુકડા સંઘરવાનું છોડ – કાજલ ઓઝા

(ઝૂરતો ખાલીપો…. Death Valley, California – Aug 28, 2008)

* * * * *

તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી
બીજાની આંખોમાં તરવાનું છોડ.

વાયદાનાં ફૂલોની મોસમ તો વીતી ગઇ
વગડે વગડે હવે ફરવાનું છોડ.

તારી આંખોમાં ભલે ખાલીપો ઝૂરતો
બીજાની રાતોને ભરવાનું છોડ.

તારી હથેળીમાં ચડવા દે રંગ કોઇ
મુઠ્ઠીની રેત જેમ સરવાનું છોડ.

પગલાંની છાપ હવે ક્યાંય નથી પડવાની
છોડ બધું, નીકળી જા… ડરવાનું છોડ.

એની સુગંધે ક્યાં લગી જીવીશ તું?
એક એક શ્વાસ માટે મરવાનું છોડ.

તારી ભીતર આખો ઝાકળનો દેશ છે
તડકાના ટુકડા સંઘરવાનું છોડ.

તારી ભીનાશ એની સમજણની બહાર છે
રૂંવે રૂંવેથી નીતરવાનું છોડ.

બાવળ તો બાવળ ને થોરડું તો થોરડું
જાણી લે, ફૂલ નથી – ખરવાનું છોડ.

બીજાથી જુદો, પણ એય નર્યો માણસ છે
માગવા-તરફડવા-કરગરવાનું છોડ.

કોણે કીધું કે તને કોઇ નથી ઝંખતુ – ચાહતું
એક પછી એક સાપ ડંખવાનું છોડ.

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી – પ્રભુલાલ દ્વિવેદી

.

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.

ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નીયમ બદલાતા નથી.

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે

સ્વર : સંગીત : ??

.

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે

અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે

ચાલી નીકળો – છાયા ત્રિવેદી

(કિનારા તોડીને દરિયા ઊમટે …. Fort Bragg, CA – Nov 29, 2008)

* * * * *

તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો,
ખુદનો છાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો.

કિનારા તોડીને દરિયા ઊમટે સઘળા,
મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો.

લ્હેરાતાં ઊગશે ખેતર ત્યાં ઇન્દ્રધનુનાં,
સૂકી ભોંમાં, સપનાં વાવી, ચાલી નીકળો.

પવન બનીને મોસમ પોતે પછી શોધશે,
ટહુકાઓ કંઠે છુપાવી, ચાલી નીકળો.

પોતીકાં આકાશને અઢળક વીધ્યેં રાખો,
વરસાદી યાદોને ચાખી, ચાલી નીકળો.

– છાયા ત્રિવેદી

ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

આ ગઝલ મનહર ઉધાસની પહેલી ગુજરાતી ગઝલ છે – અને ગુજરાતી ગઝલોને લોકપ્રિય કરવામાં મનહર ઉધાસનો ફાળો કેટલો મોટો છે, એ કદાચ કોઇ ગુજરાતી ગઝલ પ્રેમીને કહેવાની જરૂર નથી..

સ્વર : મનહર ઉધાસ

.

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

એવું બને કંઇ? – કૃષ્ણ દવે

ટહુકો પર ૧૦૦૦ પોસ્ટ મુકાયાના અવસર પર કવિ શ્રી કૃષ્ણ દવે એ ખાસ ટહુકો અને એના વાચકો માટે મોકલેલી કાવ્યાત્મક શુભેચ્છાઓ..

પાંદડી પર લ્હેરખીથી તું લખે કાગળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
મ્હેંકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયમ ઝાકળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?

હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

જેમ બાળક પ્હેલવેલો એકડો ઘૂંટે ને દેખાડે બધાને હોંશથી એવી જ રીતે-
આંગણામાં સ્હેજ ભીની માટીએ ઘૂંટી હતી કૂંપળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

એ જ તો ખૂબી છે પર્વતની ઉકેલી જો શકો તો કંઇક ઉગી જાય અંદર એટલી ભીની લીંપીથી-
પથ્થરોના પૃષ્ઠ પર છાપ્યા કરે ખળખળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

ખુદની ઓળખને કદિ ભૂલ્યો નથીને એટલે તો આ મજા લૂંટી રહ્યો છું
ને જુઓ હું મૂળ મુકી જ્યાં ઉભો છું એ ભૂમી એ તળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

– કૃષ્ણ દવે