Category Archives: ગઝલ

પ્રશંસામાં નથી હોતી – આસિમ રાંદેરી

મ્યુઝિક આલબમઃ વાત તારી ને મારી છે | Audio Song # 2: પ્રશંસામાં નથી હોતી

~ કવિ: આસિમ રાંદેરી
~ સ્વરકાર અને સ્વર: અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 8850074946

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ ક્રમાંક-૨.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)

Apple Music link:
https://apple.co/3A8bJoW

Spotify Link:
https://open.spotify.com/album/54sg0Vi3UBQZnkmxxGkPYd?si=MN75UT7jS9-wEfGSwfqtrQ

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોયે છે જે એક ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

વાત તારી ને મારી છે – જયશ્રી વિનુ મરચંટ

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર – સ્વરઃ હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ

~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946

આ ગઝલના શબ્દો અને સંગીત ભલે પહેલીવાર સાંભળતા હોવ, પણ ખાસ તો મત્લા અને આ સ્વરાંકન જાણીતા અને પોતીકા લાગે છે – જાણે કે આ શબ્દોને જ સાકાર કરતા હોય  – વાત તારી મારી છે! 
વિશ્વ સંગીત દિવસે આપણું આંગણું બ્લોગ તરફથી આ વિશ્વના આંગણે ધરાયેલી ભેટ છે – આપ સૌ ને પણ એ એટલી જ પોતાની લાગશે એ આશા છે. 

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૧.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)

Apple Music Link:
https://apple.co/3xxlwC4
——————–
ગઝલ:
શબ્દની પાલખી મેં એટલે શણગારી છે
છે ગઝલ ને તે છતાં વાત તારી-મારી છે

તું કહે તો વન મહીં ને તું કહે તો મન મહીં
જ્યાં કહે ત્યાં આવવાની આપણી તૈયારી છે

ચંદ્ર થઈ ઊગ્યો છે તું બેઠી છું હું ચાતક બની
એક એવી કલ્પના મેં તારા વિશે ધારી છે

જ્યારે એને ખોલું છું કે તું તરત દેખાય છે
મારા ઘરમાં ખૂબ અંગત એક એવી બારી છે

ભગ્ન દીવો યાદનો પેટાવીને મૂક્યો છે મેં
ત્યાં જ એનું આવવું, ઘટના ઘણી અણધારી છે

અણધારી આ હલચલ થઈ ગઈ – દેવિકા ધ્રુવ

કવિયત્રી : દેવિકા ધ્રુવ
સ્વરકાર અને સ્વર: ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

અણધારી આ હલચલ થઈ ગઈ.
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખીસળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સ્હેજ જ સ્પર્શ્યો,
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્જવળ થઈ ગઈ.
– દેવિકા ધ્રુવ

વાત તારી ને મારી છે – મ્યુઝિકલ આલબમનો ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમ

વિશ્વ સંગીત દિવસને અનુલક્ષીને
|| વાત તારી ને મારી છે ||
મ્યુઝિકલ આલબમનો ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમ

સુગમ સંગીતના વળતાં પાણી છે એવું કોઈ કહે તો ભારોભાર ને હાડોહાડ લાગી આવે. વિરોધમાં આક્રમક દલીલો કરવાનું મન થાય, પણ વાસ્તવિકતા જીભ સીવી લેવા મજબૂર કરે છે. હા, એક આશ્વાસન જરૂર છે કે અનેક કલાકારો કાવ્યસંગીતની પરંપરા ટકાવવાના સુંદર પ્રયાસો કરી રહ્યા છે. એમાં એક પગલું આપણું આંગણું બ્લોગ પણ માંડે છે.

કુલ ૯ ગીતોનો ગુચ્છ ભાવકો સમક્ષ લઈને ‘આપણું આંગણું’ આવી રહ્યા છીએ. તેની ઝલક લોકાર્પણ કાર્યક્રમમાં આપીશું અને ત્યાર બાદ એક પછી એક ગીતો તબક્કાવાર વિવિધ માધ્યમ (યુટ્યુબ, વ્હોટ્સએપ, ફેસબુક, વિવિધ મ્યુઝિક પ્લેટફોર્મ વગેરે) દ્વારા પ્રસ્તુત થશે. ગાંઠના ગોપીચંદન કરીને પણ ગીતચંદન – ગઝલચંદન કરવાની આ પ્રવૃત્તિ તો જ સફળ થાય જો આપનું સ્પંદન-ચંદન આ નવાનક્કોર સ્વરાંકનોને પ્રાપ્ત થાય.

અમેરિકાસ્થિત સંનિષ્ઠ અને માનવંતા કલાકારો આ પ્રકલ્પમાં સામેલ છે. અનુભવી અસીમ મહેતાનું બારીક સંગીત-સંકલન અને છોગામાં અતિપ્રિય મિત્ર આલાપ દેસાઈનું બહેતરીન સંગીત નિયોજન જેને સાંપડ્યું છે તે `વાત તારી ને મારી છે’ મ્યુઝિકલ આલબમના ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમમાં જોડાવા વિનંતી.

પ્રકલ્પ પરિકલ્પના: જયશ્રી વિનુ મરચંટ

આલબમમાં સમાવિષ્ટ:
|| કવિ-શાયર: || આસિમ રાંદેરી, આદિલ મન્સૂરી, પન્ના નાયક, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, જયશ્રી વિનુ મરચંટ, નંદિતા ઠાકોર

|| સ્વરકાર-ગાયક: || અસીમ મહેતા, દર્શના શુક્લ, વિજય ભટ્ટ, માધ્વી મહેતા, નંદિતા ઠાકોર, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ, નેહલ રાવલ

|| ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમની વિગત ||
તા. શનિવાર, તા. 18 જૂન 2022, રાત્રે 9.00 (ભારત)
USA – PST: 8.30 AM | EST: 11.30 AM

Live on YouTube Channel: Sahitya Sarita Mumbai
Prog YouTube Link:
https://bit.ly/blog-prog

મારા એક વ્હાલા મિત્રે એકવાર કહ્યું હતું – life is 5% what happens to you and 95% how you respond. અહીં મકતાના શેરમાં કંઈક એવી જ વાત નથી? 😊

કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે,
કોઈ તારી પીડને જીરવી જવા તૈયાર છે?

રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી,
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે.

કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે,
શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે.

વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું,
આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે.

એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં તો સ્વયં પોતે જ હિસ્સેદાર છે.

– હિતેન આનંદપરા

ગઝલ – રમેશ પારેખ

ગઈકાલે ચંદ્રગ્રહણ જોયું? મારી દીકરીએ મને પુછ્યું કે મને ચંદ્રગ્રહણ જોવું કેમ ગમે છે? ત્યારે એવો વિચાર આવ્યો કે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, આપણી Solar system, દૂધગંગા… આ બધી વાતો મને યાદ કરાવે છે કે – મારા માટે જેની કલ્પના પણ શક્ય નથી એવડી મોટી આ દુનિયામાં મારું અસ્તિત્વ કેટલું?

રમેશ પારેખની આ ગઝલનો પહેલો શેર એવું જ કંઈક યાદ કરાવે છે!

કવિશ્રીની પુણ્યતિથિ એ એમને યાદ કરી આ ગઝલ માણીએ!

M

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં

તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે
માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં

એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને
એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં

મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી
હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં

ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં

– રમેશ પારેખ

ત્યારે જીવાય છે. – હિમલ પંડ્યા ‘પાર્થ’

શંકાથી પર થવાય ને! ત્યારે જીવાય છે,
શ્રધ્ધા પૂરી સ્થપાય ને! ત્યારે જીવાય છે;

સાવ જ અજાણ્યા લોકના દુ:ખ-દર્દ જોઇને,
આ આંખ ભીની થાય ને! ત્યારે જીવાય છે,

હોવું નશામાં એકલું કાફી નથી હોતું!
પીડા બધી ભૂલાય ને! ત્યારે જીવાય છે;

ગમતું કોઈક આવીને પૂછી લે ‘કેમ છો?’
ડૂમો પછી ભરાય ને! ત્યારે જીવાય છે;

છૂટાં છવાયા શેર લખો, સાચવો ભલે!
આખી ગઝલ લખાય ને! ત્યારે જીવાય છે;

તારા થઈ જવાથી મને એ ખબર પડી!
તારા થઈ જવાય ને! ત્યારે જીવાય છે.

– હિમલ પંડ્યા ‘પાર્થ’

કોણ પછી – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

આ મારી ગઝલો છે કે નહીં એની પરખ કરશે કોણ પછી ?
આપણી વચ્ચે સૌ ગુફ્તેગુ તો જાહેર કરશે કોણ પછી ?

મને અળગો રાખીને ન પૂછ્યા કર કે આ જુદાઈ કેમ છે ?
મિલનની મસ્તીની કદર આપણા જેટલી કોણ કરશે કોણ પછી ?

ગમે છે સૌ દર્દ દુઃખ જેટલાં જ મને, એનુંય કારણ છે ,
માવજત દુઃખોની મારા જેવી મારા વિના કરશે કોણ પછી ?

‘ભગ્ન’ જીવનનો ભરોસો પણ રહ્યો નહીં તો શું થઈ ગયું ?
ન હોત જો મોટ તો ખુદાનો ભરોસો કહે, કરશે કોણ પછી ?

– જયશ્રી મર્ચન્ટ

ફીણ વચ્ચે – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

થીજે સૂરજ પણ ઠંડા સમંદરના ફીણ વચ્ચે !
ઓગળે હવા ટીપે ટીપે, બળબળતા મીણ વચ્ચે !

હું પડઘા બનીને, કેવી આપ વેરવિખેર થઈ ગઈ?
બસ, હવે તો વસું છું, એકલી આ ખીણ વચ્ચે!

પથ્થરો ફેંક્યા કર્યા સતત આયના બહાર કાઢવા મને,
ચહેરો તરડાઈને યે રહ્યો અકબંધ, પ્રતિબિંબ વચ્ચે.

તમારું આમ અચાનક આવવું, નકી જ સપનું છે!
મને ખણી દો ચૂંટી, છું કદાચ હજુયે નીંદ વચ્ચે !

‘ભગ્ન’ લાગણીએ કરડાતી ગઈ સાવ છેવટે !
થીજતી ગઈ હું ધીમે ધીમે રહીને આમ હીમ વચ્ચે!

– જયશ્રી મર્ચન્ટ

સાવ અમસ્તાં – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

વરસાદ ન ય આવે, ચાલને સાથે વરસીએ સાવ અમસ્તાં !
મોસમ ભલે બદલે, પણ ન આપણેબસ બદલીએ સાવ અમસ્તાં!

ન સજવું, સજાવવું, મહેંકવું, મહેંકાવવું, ઘર, મંદિર યા બાગમાં,
આપણે તો બસ, ખીલીને કરમાઈએ સાથે, સાવ અમસ્તાં !

ક્યાં કોલ માણવા છે કે ક્યાં વચનો તોડવાં છે, આપણે અહીં ?
બસ મૂકીને હાથમાં હાથ ચાલતા રહીએ, સાવ અમસ્તાં !

આ ઝરણું, કિરણ, ઘટા, તારા, ફૂલ, પહાડો અને આ દરિયો
અહીં આમ જ બસ, નિરર્થક ફરતાં રહીએ, સાવ અમસ્તાં !

‘ભગ્ન’ શ્વાસ બંધ થવા સુધી હસતા રહીએ સાવ અમસ્તાં !
બસ અમસ્તાં અમસ્તાં, હસતાં હસતાં જીવતાં રહી, સાવ અમસ્તાં !
– જયશ્રી મર્ચન્ટ