Category Archives: આશિત દેસાઇ

રિધ્ધિ દે સિધ્ધિ દે…

આજે સાંભળીયે માતાજીની આ સ્તુતિ..!

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે,
વંશમે વૃધ્ધિ દે મા ભવાની !

હ્રદયમેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે,
અભય વરદાન દે શંભુરાની ;

દુઃખ કો દૂર કર, સુખ ભરપુર કર
આશા સંપૂર્ણ કર, દાસ જાણી ;

સજ્જન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે,
જગતમેં જીત દે મા ભવાની !

————–

અને હા.. નવરાત્રીનો છેલ્લો દિવસ છે, ગરબા ના સંભળાવું તો તમને ખોટું લાગશે? 🙂 ચલો, મારે જોખમ નથી લેવું..! આજે સાંભળો અમિતની ખાસ ફરમાઇશ પર – ફાલ્ગુની પાઠકના નોન-સ્ટોપ ગરબા..!

.

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

સ્વર : હેમા દેસાઇ
Music Arranged & Conducted by : આશિત દેસાઇ

.

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

હે ગરબો જોવાને ગજાનન આવિયા રે લોલ
સાથે રિધ્ધિ સિધ્ધિને તેડી લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને ઇન્દ્ર આવિયા રે લોલ
સાથે રાણી ઇન્દ્રાણીને લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને ચંદ્રમા આવિયા રે લોલ
સાથે રાણી રોહિણીને લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને બ્ર્હમાજી આવિયા રે લોલ
સાથે રાણી બ્ર્હમાણીને લાવિઆ રે લોલ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

તમે પાંપણને પલકારે વાત કહી કઇ – હરીન્દ્ર દવે

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

રોયા હશે ઘનશ્યામ – કિસન સોસા

કિસન સોસાનું આ રાધા-કૃષ્ણ ગીત છેલ્લા ઘણા વખતથી શોધતી હતી.. શરૂઆતમાં તો કવિનું નામ પણ ખબર નો’તી..! પણ મને ખાત્રી હતી કે કોઇક દિવસ તો મળશે જ. આજે બીજું એક ગીતના શબ્દો શોધવા એક પુસ્તક ખોલ્યું અને આ ગીત મળી ગયું. આશા છે કે મને ગમી ગયેલું આ ગીત તમને પણ ગમશે.

સ્વર:હેમા દેસાઈ
સ્વરાંકન :આશિત દેસાઈ ,કિરણ સંપત

.

રાધાની છાતી પર ઝૂકીને કોક વાર રોયા હશે ઘનશ્યામ
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે પછી શ્યામળી જમનાનું નામ.

રાધાના સ્કંધ પર ઢાળીને શીશ ક્હાન ટહુક્યા હશે એવું વેણ
ઓઢણીને દાંતમાં દાબીને રાધાને ઢાળી દીધા હશે નેણ

સૌરભના મધપુડા બંધાયા હશે પછી વૃંદાવને ફૂલફૂલમાં
કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં

રાધાને કાંઠડે બેસીને ક્હાનજી એ પીધાં હશે મીઠા વાધૂ
લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ

ક્હાનજીની છાતીએ ઘોળાયુ હશે પછી રાધાનું કેસરિયું નામ
રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.

– કિસન સોસા

મનોજ પર્વ ૦૩ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા / આદિલ મન્સૂરી

આજે મનોજ પર્વમાં માણીયે એક એવી ગઝલ, કે જે ફક્ત મનોજ ખંડેરિયાની જ નહીં, પણ ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં એક ગણાય છે..!! જાન્યુઆરીમાં આ ગઝલ ટહુકો પર પ્રથમવાર મુકેલી, ત્યારે વિવેકભાઇએ પ્રશ્ન ઉઠાવેલો કે સ્વરાંકનમાં વચ્ચે વચ્ચે બીજા કોઇ કવિના થોડા શેર ઉમેરવામાં આવ્યા હોય એવું લાગે છે, એ શેર મનોજભાઇએ લખ્યા હોય એવું લાગતું નથી..!

ખરેખર તો ત્યારે મને એ વચ્ચે આવતા શેર વિષે વધુ માહિતી નો’તી, પણ આજે તમારા માટે એ ગઝલના કવિનું નામ સાથે એના બધા જ શેર પણ લઇને આવી છું.

સૌપ્રથમ તો સાંભળીયે, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં – મનોજભાઇની આ ચિરંજીવ ગઝલ..! પ્રસ્તુત રેકોર્ડિંગ મનોજ ખંડિરિયાની વિદાય પછી એમને શ્રધ્ધાંજલીરૂપ યોજાયેલ કાર્યક્રમ ‘મનોજ પર્વ’ માંથી લેવામાં આવ્યું છે.

.

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

————————————-

અને હવે સાંભળીયે, ‘વરસોનાં વરસ લાગે’ રદ્દીફ લઇને કવિ શ્રી આદિલ મન્સૂરીએ લખેલી આ ગઝલ. આદિલભાઇએ આ ગઝલ, મનોજ ખંડેરિયાની વિદાય પછી, એમને ધ્યાનમાં રાખીને જ લખી છે..!

સ્વર : ચિનુ મોદી

.

કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

બધે ચારેતરફ હસ્તાક્ષર અંકિત છે કોઇના
દિવાલો ધોળવા બેસું વરસોનાં વરસ લાગે.

કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી

ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.

– આદિલ મન્સૂરી

————————————

અને હવે સાંભળીએ, આ બંને ગઝલ એક સાથે… પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઇના યુગલ સ્વરમાં..! ખૂબી એ છે કે પુરુષોત્તમ ઉપાધ્યાય મનોજભાઇની ગઝલના શેર રજૂ કરે છે, અને આશિત દેસાઇ સંભળાવે છે આદિલ મન્સૂરીની ગઝલ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય – આશિત દેસાઇ

.

————————————

તા.ક. : આ ટહુકોનું રૂપ ફરીથી બદલાયેલું અને થોડું અતડું લાગે છે ને? થયું એવું કે હમણા હમણા જે નવું રૂપ હતું, એ easy navigation માટે જ બદલ્યું હતું, પરંતુ કોઇક કારણે એને લીધે જ ટહુકો ઘણો ધીમો થઇ ગયો હતો..! આ નવી રૂપ પણ થોડા દિવસ અજમાવી જોઇએ..! થોડી અગવડ પડશે કદાચ તમને.. ચલાવી લેશો ને? 🙂

મને ઝાકળ જેવું તો કંઈક આપો! – વીરુ પુરોહિત

થોડા દિવસો પહેલા શિકાગોથી સાન ફ્રાન્સિસ્કો આવતા રસ્તામાં વિમાનમાંથી એવા સરસ રૂ ના ઢગલા જેવા વાદળો જોવા મળ્યા, કે સ્હેજે આ ગીતની પ્રથમ પંક્તિ યાદ આવી જાય. દરિયો વાદળની કામના કરે કે ના કરે, એ વાદળા જોઇને મને તો થઇ આવ્યું – મને વાદળ તો આપો..! 🙂

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

(વાદળ જેવું તો કંઈક આપો…. Utah, June 09)

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

કે મને ઝાકળ જેવું તો કંઈક આપો!
દરિયાની કામનાને વાચા ફૂટે તો કહે,
વાદળ જેવું તો કંઈક આપો.

આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા,
એવી છે ખીણ મારી આંખમાં,
ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ,
મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.

કોણ જાણે કેવી છે પવનોની વાત,
મને અટકળ જેવું તો કંઈક આપો.

જંગલ એવું છું કે આસપાસ ઘુમરાતા
ટહુકાઓ જીરવ્યા જીરવાય નહિ,
સૂરજ ઊગે ને રોજ થઈ જાઉં વેરાન,
મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહિ.

મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
કાગળ જેવું તો કંઈક આપો.

માંડવાની જૂઈ – જીતુભાઇ મહેતા

ગુજરાતી સુગમસંગીતના ‘Vintage Era’ નું આ ગીત.. સૌપ્રથમ પારૂલબેનની ફરમાઇશને કારણે મળ્યુ, અને લગભગ અઢી વર્ષથી ટહુકો પર ટહુકે છે..! વાચકો ઘણું બીરદાવ્યું આ ગીત, પણ જેમણે મૂળ ગીત સાંભળ્યું હશે, એમને માટે આટલા વર્ષો પછી મળેલું આ ગીત સોનું તો ખરું, પણ ૨૨ કેરેટનું, ૨૪નું કેરેટનું નહી.

અને મારા જેવા ઘણા જેમણે મૂળગીત પહેલા નો’તુ સાંભળ્યું, એમને પણ આ નવું રેકોર્ડિંગ સાંભળ્યા પછી એકાદ વાર તો ઇચ્છા થઇ જ હશે એને મૂળ ગાયકોના સ્વરમાં સાંભળવાની..!

તો આજે.. ટહુકો.કોમ proudly presents માંડવાની જૂઇ.. મૂળ ગાયકોના સ્વરમાં… (૧૯૬૨માં મુંબઇના કોઇક સંમેલનમાં થયેલી રજુઆતનું રેકોર્ડિંગ).

મૂળ ગાયકો : પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, પિનાકીન મહેતા

.

—————————-

Posted on February 21, 2007.

આજની આ પોસ્ટ ધવલભાઇ તરફથી 🙂
કવિ : જીતુભાઇ મહેતા
આ સ્વરાંકનમાં સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ

.

અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !

કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !

કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ !

ગુજરાતી સુગમ સંગીતના દરિયાના મોતી જેવું આ ગીત એક વાચક, પારુલની ફરમાઈશને લીધે સાંભળવામાં આવ્યું. ગીત શોધવામાં થોડી મહેનત કરી અને છેવટે આ ગીત શ્રી મેહુલભાઇ નાયક પાસેથી મળ્યું.
જૂઈના રૂપકથી એમાં એક કન્યાના અઘૂરા રહી ગયેલા અરમાનની વાત છે. જૂઈ અમથી અમથી મૂઈ એવી વાતથી શરૂ થતું ગીત જૂઈના અકાળે કરમાઈ ગયેલા જીવનની વાત કરે છે. જૂઈનુ જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરેલી છતાં એ જીવનના તડકા – દુ:ખો – થી ડરી ગઈ એવી વાત નાજુકાઈથી આવે છે. એનો હાથ પકડનાર તો છેવટ સુધી આવ્યો જ નહીં. એના સનમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી ગઈ. જૂઈને જેની રાહ હતી એ પવન છેવટે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ. જૂઈને રોજ રમાડતો પવન, જેની રાહમાં જૂઈ ખરી ગઈ ગઈ, એ જૂઈના મોતનો મલાજો રાખે છે. એને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એના અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી જૂઈને એ અગ્નિદેવતાને અંકે સોંપે છે.અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતારચડાવથી વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે.

ચાલ્યા જતા પ્રસંગની – જવાહર બક્ષી

(ચાલ્યા જતા પ્રસંગની એક ક્ષણ..  Nevada Falls, Yosemite National Park, April 09)

* * * * *

સ્વર: આલાપ દેસાઈ

આલ્બમ: ગઝલ રૂહાની

.

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?

– જવાહર બક્ષી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી!

સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહ્લાદને ઉગારિયો…વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે!

ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વ્હાલમા…તમે ભક્તોને આપ્યા સુખ રે!

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો…તમે સુભદ્રાબાઈના વીર રે!

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટાબેટી વળાવિયા….મેં તો વળાવી ઘર કેરી નાર રે!

ગરથ મારું ગોપીચન્દન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારે શામળો….મારે મૂડીમાં ઝાંઝપખાજ રે!

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો….મારું શામળશા શેઠ એવું નામ રે!

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા….મારું શામળશા શેઠ એવું નામ રે!

હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધાં કામ,
મહેતાજી ફરી લખજો…..મુજ વાણોતર સરખાં કામ રે!

જીત્યું હમેશા ગુજરાત… – મનિષ ભટ્ટ

સૌપ્રથમ તો પ્રજાસત્તાકદિનની સૌને શુભેચ્છાઓ.. અને આજના આ ખાસ દિવસે તમારા માટે એક ખાસ ગીત પણ લાવી છું. – અને એ પણ વિડિયો સાથે 🙂

આપણા વ્હાલા ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત. ગુજરાતના ૨૬ કલાકારો એકસાથે ‘અડાલજની વાવ’ જેવા ઐતિહાસિક સ્થળે ભેગા થાય – અને એ પણ ગુજરાતની યશગાથા ગાવા માટે – એ કંઇ નાનીસુની વાત છે?

ગીત વિષે વધુ માહિતી માટે નીચેના આર્ટિકલ પર ક્લિક કરો.

સંગીત : રજત ધોળકિયા

કલાકારો : ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, પ્રફુલ દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તી સગઠિયા, દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા

(NOTE: જો તમારા internet ની speed ઓછી હોવાથી video અટકી જાય, તો એકવાર play કરી pause કરશો, અને થોડીવાર રાહ જોઇ પછી ફરી play કરશો, જેથી પૂરેપુરું buffering થઇ જાય)

http://video.google.com/videoplay?docid=-6685746480997089333

હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!