ગઇ કાલે તો આપણે દીયર-ભાભીની હોળી પણ રમી લીધી, અને આજે હોળીનો પૈસો માંગવા નીકળ્યા… જરા ઉંધુ ખાતુ થઇ ગયું આ તો, હેં ને ? !! ચલો વાંધો નહીં.. એમ પણ પૈસો માંગીયે જ છીએ ને.. ક્યાં આપવાનો છે.!! 🙂
સ્વર : નિશા ઉપાધ્યાય
COMPOSED BY SHRI ASHIT DESAI
(આજે છે રંગ રંગ હોળી….)
.
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !
આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ !
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ !
ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ !
દાણ માગે છે દાણી, નવાઈલાલ !
આવ્યાં નિશાળિયા દોડી, નવાઈલાલ !
શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ !
ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ !
જૂની પોતડી પ્હેરી, નવાઈલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ !
ઊંધી તે પ્હેરી ટોપી, નવાઈલાલ !
હસશે ગામની ગોપી, નવાઈલાલ !
ચશ્માની દાંડી વાંકી, નવાઈલાલ !
આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ !
ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ !
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ !
કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ !
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ !
મૂછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ !
કાળા કલપમાં બોળો, નવાઈલાલ !
કૂવાકાંઠે તે ના જાશો, નવાઈલાલ !
જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ !
આજે સપરમો દા’ડો, નવાઈલાલ !
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ !
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !
————————-
આભાર : ઈન્દ્રવદન મિસ્ત્રી