જેનો એક-એક શેર એક ગઝલની ગરજ સારે – એવી જલન માતરીની આ સદાબહાર ગઝલ.. સાથે એમનું એટલું જ સુંદર મુક્તક.. અને એ પણ પુરુષોત્તમ ઉપાધ્યાયના દિગ્ગજ સ્વર – સ્વરાંકન સાથે..
અને સાથે બીજું એક બોનસ.. આ રેકોર્ડિંગ Live Program નું છે, એટલે વચ્ચે વચ્ચે પુરુષોત્તમ ઉપાધ્યાય જે વાતો કરે છે – કવિતા વિષે, ગુજરાતી ભાષા વિષે, ક્ષેમુ દિવેટીઆ વિષે, રાગ વિષે.. એ સાંભળવાની પણ એટલી જ મજા આવે છે. જાણે થોડી વાર માટે આપણે પણ એમને રૂબરૂ જ સાંભળ્યા હોય…!! (Weekend ની મજા લીધા પછી એમ પણ સોમવારે સવારે થોડી વધારે energy ની જરૂર પડે ને? તો આ ગઝલ સાંભળીને ચોક્કસ એ extra energy મળી રહેશે..! 🙂 )
પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો
સ્વર : સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
.
મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
ચડી આવે યદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે
જેણે તુષાર શુક્લનું હસ્તાક્ષર સાંભળ્યું હશે – એને માટે ‘લ્યો, અમે તો આ ચાલ્યાં..’ – શબ્દો જરાય અજાણ્યા ન હોય. એજ રદીફ-કાફિયા સાથેની શૂન્ય પાલનપુરીની આ ગઝલ જો કે કંઇ અલગ રંગો ઉપસાવે છે.
લયસ્તરો પર વિવેકભાઇએ રજૂ કરેલી આ બંને ગઝલો અને સાથે એનો કરાવેલો આસ્વાદ જરા પણ ચુકવા જેવો નથી..
શબ્દો છે શ્વાસ જેના….. એવા વ્હાલા કવિ – વિવેક ટેલરને આજે, એમના જન્મદિવસ પર – એમની જ ગઝલ ભેટ.. સૂર-સંગીતના બોનસ સાથે 🙂
સ્વર : અમન લેખડિયા
સંગીત : મેહુલ સુરતી
.
અને હા.. ‘Birthday Boy’ પણ કંઇક કહેવા માંગે છે. 🙂
આ ગઝલ જયશ્રીની લાંબા સમયની સૌમ્ય ઊઘરાણી અને ઊર્મિની પઠાણી દાદાગીરીના કારણે આજે આપ સહુ સમક્ષ રજૂ થાય છે એ મારી વર્ષગાંઠ નિમિત્તે મને મળેલી સહુથી પ્રેમાળ અને વિશિષ્ટ ભેટ છે… આજનો આ દિવસ મારા માટે ‘ખાસ’ છે અને એ માટે હું જયશ્રી અને ઊર્મિ બંનેનો આભાર તો નહીં માનું પણ આવી બે મિત્રોના મિત્ર હોવાનો ગર્વ જાહેરમાં વ્યક્ત કરું છું… મેહુલ સુરતી અને અમન લેખડિયા બંને મિત્રો છે અને સગાંથી વધારે વહાલાં છે એટલે આ અમૂલ્ય ભેટ બદલ એ બંનેના પ્રેમનો પણ હકપૂર્વક સ્વીકાર કરું છું….”
– વિવેક ટેલર
———-
Posted on September 28, 2006
અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.