Category Archives: કાવ્યપ્રકાર

નટવર નાનો રે….

સ્વર – સંગીત : ઇસ્માઈલ વાલેરા

સ્વર : ?
સંગીત : ?

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

નંદકુંવર શ્યામકુંવર લાલકુંવર
ફુલકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં
નટવર નાનો રે…..

ક્યો તો ગોરી ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં
ચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે…..

ક્યો તો ગોરી નગરની નથડી મંગાવી દઉં
નથડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે…..

ક્યો તો ગોરી ઘોઘાના ઘોડલા મંગાવી દઉં
ઘોડલાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે…..

ક્યો તો ગોરી હાલારના હાથીડા મંગાવી દઉં
હાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે…..

(આભાર – માવજીભાઈ.કોમ)

કવિ વિનાનું ગામ – અનિલ જોશી

પ્હાડ ફરીને પાછા વળતા પ્હાડ મૂકીને આવ્યા
પરોઢનું ઝાંખું અજવાળું ખાલી હાથે લાવ્યા

કુંજડીઓના હારબંધ ટહુકાની બારી ખુલ્લી
સૂર્ય ડોકિયું તાણે ત્યાં તો ઝળહળ ઝાકળ ઝૂલી

અંધકારનો ભણકારો થઇ ભમરો ફોરમ દોરે
સવારના ચહેરા પર બેસી અજવાળાને કોરે

કોરાતે અજવાળે ઊભાં રહીને પર્વત કાંખે
ખોબે ખોબે ધુમ્મસ પીધું પતંગિયાની પાંખે

ધુમ્મસ પીને ઝાંખીપાંખી એકલતાને ટેકે
ઢાળ ઊતરી ઊભાં આવીને પલાશ વનની મ્હેકે

પલાશવન તો જાય દોડતું ક્યાંય લગી હરણોમાં
પર્વત આખો થા કે મારા થંભેલા ચરણોમાં

મનમાં એવું થાય કે પૂગું પ્હાડ મૂકી સૂમસામ
અવાજના જંગલમાં ભટકે કવિ વિનાનું ગામ.

– અનિલ જોશી

જેવી તેવી વાત નથી – સંદીપ ભાટિયા

૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ માં મુકેલું કવિ સંદીપ ભાટિયાનું આ ગીત વધારે સારુ રેકોર્ડિંગ સાથે ફરી એક વાર….સ્વર સંગીત આશિત દેસાઇ….

21મી સપ્ટેમ્બર આપણા વ્હાલા કવિ જગદીશ જોષીની પુણ્યતિથી. તમને ખબર છે, આ સંદીપ ભાટિયાના ગીતમાં કવિ જગદીશ જોષીને કેમ યાદ કર્યા? કારણ એ કે – ખરેખર તો આ ગીત કવિ જગદીશ જોષીના મુત્યુપ્રસંગે લખાયું હતું. સાંભળતા જ અચાનક વિખુટા પડેલા સ્વજન યાદ આવી જાય…..

સ્વર અને સંગીત : આશિત દેસાઇ

(સ્ટ્યૂડિઓ રેકોર્ડિંગ)

(ખાનગી બેઠકનું સાધારણ રેકોર્ડિંગ)

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

– સંદીપ ભાટિયા

માડી હું તો બાર બાર વરસે આવિયો….

સ્વર – પ્રફુલ દવે, ઉષા મંગેશકર
સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – પાતળી પરમાર (૧૯૭૮)

માડી હું તો બાર બાર વરસે આવિયો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, પાણીડા ભરીને હમણાં આવશે

માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, દળણું રે દળીને હમણાં આવશે

માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, ધોણું ધોઈને હમણાં આવશે

માડી હું તો નદીયું ને નાળાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

મારે એના બચકામાં કોરી એક બાંધણી રે
માડી એની બાંધણી દેખીને બાવો હું તો થાઉં રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો માર મોરિયો રે
હેજી મોલ્યુંમાં આંબો માર મોરિયો રે

મારે એના બચકામાં કોરી એક ટીલડી રે
માડી એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો માર મોરિયો રે
હેજી મોલ્યુંમાં આંબો માર મોરિયો રે

વર્ષાની આ સાંજ – સુરેશ દલાલ


(વર્ષાની સાંજ મુંબઈમાં……Marine Drive…)

વર્ષાની આ સાંજ મને વ્યાકુલ કરે છે.
નહીં જાણું હું કેમ
આંખથી આંસુ કેરાં કૂલ ખરે છે !

હું રામગિરિનો યક્ષ નથી
કે વિરહ વેદના પચાવવાને મારી પાસ એ વક્ષ નથી.
(ને દોડધામની જટાજાળમાં ‘પ્રેમ’ એ મારું લક્ષ નથી)
પણ તોય મને કાં કયો અજંપો
આવી આવીને સતાવવાની
નાજુક નમણી ભૂલ કરે છે !

હળવે રહીને મને વળગતી
અલકાની એ માયા.
‘મેઘદૂત’માં ભળતી કાળી
મુંબઈની આ છાયા.
છવાઈ જઈને છાયા પલમાં
રંગવહેતી ધૂળ કરે છે !

– સુરેશ દલાલ

વાંસળી વાગી જમુનાને કાંઠે આજ શ્યામ હો…

જમુનાને કાંઠે….ગોપીઓ રાસ રમે….

સ્વર/સંગીત – અચલ મહેતા (રિષભ Group)

તારી વાંસળી વાગી જમુનાને કાંઠે આજ શ્યામ હો…
વાંસળીના સૂર સુણી ગોપીઓ રાસ રમે આજ હો…

વાંસળી વાગી આજ વનમાં હો…
મોરલો નાચે મારા તનમાં હો…
હે મારું મનડું નાચે તનડું નાચે
નાચે અંગ-અંગ કે
શ્યામ સંગ રાસ રમું આજ રે

વાંસળી વાગી ગગનમાં હો…
મન રહે ના આજ તનમાં હો…
હે મારું મનડું નાચે તનડું નાચે
નાચે અંગ-અંગ કે
શ્યામ સંગ રાસ રમું આજ રે

નવા નગરની વહુઆરું – ઇંદુલાલ ગાંધી

સ્વર : પરાગી અમર
સંગીત : રસિકલાલ ભોજક

નવા નગરની વહુઆરું, તારો ઘુમટો મેલ,
વડવાઇઓની વચમાં જોને નિસરી નમણી નાગરવેલ,
હે જી તારો ઘુંમટો મેલ.

તાળા નંદવાણાને પીંજરાએ ઉઘડ્યા,
સૂરજને તાપે જો સળીયાઓ ઓગળ્યાં.
ચંપકવર્ણી ચરકલડી તારે ઉડવું સે,
લાહોલીયાને વીંઝેણે તારા હૈયાને
શેડે નમતી હેલ.
હે જી તારો ઘુંમટો મેલ.

વાયરે ચડીને ફૂલ રૂમઝૂમતાં,
વગડે વેરાયા ફાગણનાં ફૂમતાં,
ફૂલડે રમતી ફોરમડે તારું ફળીયું મેલ,
સપનાં લ્હેરે રમતી તારી નીંદર
નામણી આઘી મેલ,
હે જી તારો ઘુંમટો મેલ.

– ઇંદુલાલ ગાંધી

श्री हाटकेश्वराष्टकम स्तोत्र

આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ……

સ્વર – નિનાદ મહેતા

સ્વર – કુમાર મજમુદાર

 આભાર – Shree Hatkeshver Mahadev Shansthan – Vadnagar

આ સાથે સાંભળો – આ પહેલા ટહુકો પર મુકેલા શિવભક્તિ ગીતો..!

તારા વિરહના શહેરનો – જવાહર બક્ષી

આજે કવિ જવાહર બક્ષીનો જન્મદિવસ….એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વાંચો એમની આ ગઝલ ‘તારા વિરહના શહેરનો’. પુરષોત્તમ ઉપાધ્યાયનું સુંદર સ્વરાંકન અને હંસા દવેની મધુર ગાયિકી…..

સ્વર : હંસા દવે
સંગીત : પુરષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : તારા શહેરમાં

તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.

લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.

– જવાહર બક્ષી

મને માર્યા નેણાંના બાણ રે – ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’

સ્વર : ગીતા દત્ત
સંગીત : અજિત મર્ચન્ટ
ગુજરાતી ફીલમ : કરિયાવર (૧૯૪૮)

મને માર્યા નેણાંના બાણ રે
કે મને માર્યા નેણાંના બાણ રે
વાલમજી વાતુંમાં

મને નેહભરે નેણલે નચાવી
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

પાપણ પલકારતી હા કામણ અદીઠડાં
પ્રીત કેરા કોડ રાજ ઝાઝેરા જાગિયા
મહેરામણ હૈયાના હેલે ચડ્યાં છે આજ
હવે આવ્યા છે અવસર સોહામણાં સોહામણાં
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

મારા મનને ચંદરવે આજ ચમક્યો ચાંદલિયો
એક અણજાણી વાટમાં દીઠો પાતળિયો
ને મને ઘેલી કીધી ને લજામણી વાતુંમાં
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

મારા સરવરની પાળ ક્યાંથી આવ્યો વીંઝલણો
મારા આંબાની ડાળ ક્યાંથી આવ્યો આ મોરલો
સોળ કોડે મને ઝૂલે ઝૂલાવી રે
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

– ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)