ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે સૂર્યાસ્ત પછી હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જે ફાળો ઊભો થાય એ કેન્સરપીડિતો માટે, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તથા સુરતને ગ્રીન-સિટિ બનવવા માટે વપરાશે… તો, આજે રજૂ છે અમારા પ્યારા પ્યારા સુરતીલાલાઓ માટે એક હળવા મિજાજનું ગીત……Click here for more information on the Surat Night Half Marathon 2013….
ખાણી-પીણીની લારી ઉપર રોજ લાગે છે લાઇન,
લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;
મોજ-મસ્તીની વાત આવે તો સુરતીલાલા ફાઇન,
સમાજસેવાની વાતમાં આપણે ક્યારે કરીશું શાઇન ?
માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો
ત્રેવીસમી ફેબ્રુઆરીની દોડ એ કેવળ દોડ નથી,
કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;
ટ્રાફિકની સમસ્યાઓનો આજેય કોઈ તોડ નથી,
સુરતને લીલુંછમ કરવાથી મોટી કોઈ હોડ નથી,
એક દિવસ તો ટી.વી., સિનેમા, બાગ-બગીચા છોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો
માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?
તાજેતરમાં સાવરકુંડલામાં પૂજ્ય મોરારી બાપુના હસ્તે શ્રી નટવર ગાંધી અને વ્હાલા પન્ના આંટીનું સન્માન કરવામાં આવ્યું. એમને આ સન્માન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ – પન્ના આંટીના તાજેતરમાં પ્રગટ થયેલા સંગ્રહ – ‘ગુલમહોરથી ડૅફોડિલ્સ’ માંથી આ કવિતા..!!!
કોયલના ટહુકા જેવો ઊગ્યો છે વસંતનો ચંદ્ર.
હું આવી રૂપાળી રાતમાં નીકળી પડી છું પાગલ થઇને.
જીવવાની મારી પાસે મબલક સગવડો છે
અને
અઢળક સપનાંઓ છે.
પવનને હું ઝંઝાવાત કરી શકું છું
અને
સમુદ્રને ઉછાળી શકું છું
સિતારાઓની સુગંધ સુધી.
હું મારા મનની મોસમને
પૂરેપૂરી માણું છું
અને
કોઇને પણ ન પિછાણવાની
મારી લાપરવાહી મારા ખભે નાખીને ચાલતી હોઉં છું.
એકાંત જ મને મારા તરફ લઇ જતું હોય છે
અને મને મારાથી દૂર કરતું હોય છે.
વિશ્વ આટલું સુંદર હશે
એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
એટલે જ
મને મારું પાગલપન ગમે છે.