હરિનાં લોચનિયાં – કરસનદાસ માણેક

.

એક દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા,
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા !
શંખ ઘોરતા,ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી:
શતશગ કંચન આરતી હરિવર સન્મુખ નર્તંતી
દ્રરિદ્ર,દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,
દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતા,

તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

લગ્નવેદિપાવક પ્રજળ્યો’તો વિપ્ર વેદ ઉચ્ચરતા,
સાજન મા’જન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા;
જીર્ણ, અંજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેત સમાણું,
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું:
’બ્રાહ્મણવચને સૂરજસાખે’ કોમળકળી ત્યાં આણી,
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી,

તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

ભય-થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા:
વરુના ધાડાં મૃત ઘેટાંની માંસ—લાલચે ધાયાં !
થેલી,ખડિયા,ઝોળી, તિજોરી: સૌ ભરચક્ક ભરાણાં:
કાળી મજૂરીના કરતલને બે ટંક પૂગ્યા ન દાણા !
ધીંગા ઢગલા ધાન્યતણા સૌ સુસ્તોમાંહિ તણાણા:
રંક ખેડૂનાં રુધિર ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં:

તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

હુંફાળાં રાજવી ભવનોથી મમત અઘોર નશામાં
ખુદમતલબિયા મુત્સદીઓએ દીધા જુધ્ધ—દદામા;
જલથલનભ સૌ ઘોર અગનની ઝાળમહિં ઝડપાયા:
માનવી માનવીનાં ખૂન પીવા ધાયા થઇ હડકાયા;
નવસર્જનના સ્વપ્નસંગી ઉર ઉછરંગે ઉભરાણાં:
લખલખ નિર્મલ નવલકિશોરો ખાઇઓમાં ખોવાણા.
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

ખીલું ખીલું કરતાં માસુમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં,
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં !
વસંત,વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધા ય ભુલાણા:
જીવનમોહ તણા લઘુતમમાં પ્રગતિપાદ છેદાણા ;
હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં :
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિક્સ્યાં જ સુકાણાં;

તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

– કરસનદાસ માણેક

(આભાર – મા ગુર્જરીના ચરણે….)

 

ઓડિયો સૌજન્ય:mavjibhai.com

9 replies on “હરિનાં લોચનિયાં – કરસનદાસ માણેક”

  1. અલભ્ય આ કાવ્ય મને, એક અન્ય ગ્રુપ ના, મા શ્રી નીતીનભાઈ એ, લિન્ક મોકલી ને ઉપલબ્ધ કરાવ્યું. હ્લદયસ્પર્શી કાવ્ય. ગાયકી કોની છે ?

  2. આજના સમયે , આટલી કહેવાતી પ્રગતિ સાધવા છતાં પણ શ્રી કરસનદાસજીનું આ કાવ્ય વધુ ને વધુ સત્યની નજીક થતું જાય છે એ આજના સમયની – કળિયુગની – બલિહારી છે … આજના આ માહોલમાં હરિના લોચનિયાં વધુ ને વધુ ભીના થતાં જાય છે !

  3. કરસનદાસ માણેક ના આ કાવ્ય ને કોઇએ સ્વરબધ્ધ કર્યું છે ખરૂ?
    આપનો ખૂબ આભાર.
    જયંતિ

  4. અભિનંદન,સુરતીલાલાને દોડાવવા ઉત્સાહિત કરવા માટે.
    બંસીલાલ ધ્રુવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *