ગ્લૉબલ કવિતાના મેન્યુમાં હવેથી લોકલ કવિતા પણ ઉમેરાય છે… એકાંતરે અઠવાડિયે ગુજરાતી કાવ્યાસ્વાદ રજૂ કરીશ… આપને આ ફેરફાર કેવો લાગ્યો એ જરૂર કહેજો…
આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.
ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની !
– બળવંતરાય ક. ઠાકોર
કવિતા ક્યાંથી આવે છે? શી રીતે આવે છે? જાણો છો?
શરીર પર જે સ્થાન ચામડીનું છે, એ જ સ્થાન મનુષ્ય માટે કળાનું છે. મનુષ્ય જ્યારે બોલતા પણ નહોતો શીખ્યો ત્યારે પણ એને કળામાં રસ પડતો. લાખો વર્ષ જૂની ગુફાઓમાંથી મળી આવેલાં ભીંતચિત્રો આ વાતની સાહેદી પૂરાવે છે. દુનિયાભરની અલગ-અલગ સંસ્કૃતિઓમાંથી જે પણ જૂનામાં જૂની હસ્તપ્રતો મળી આવી છે, એમાં કવિતા મોખરાનું સ્થાન ધરાવે છે. કવિતામાં મનુષ્યને રસ પડે જ છે પણ કવિતાની સર્જનપ્રક્રિયામાં તો સવિશેષ રસ પડે છે. કાવ્ય ગોચર છે પણ કાવ્યસર્જન અગોચર છે, ને કદાચ એટલે જ પરાપૂર્વથી સૃજનપ્રક્રિયાનો તાગ મેળવવાની કળાકારોની નેમ રહેતી આવી છે. અંદર કોઈક છે, જે મનોજ ખંડેરિયાની ભાષામાં સર્જકને મજબૂર કરે છે કાગળ પર પોતાને અવતારવા માટે:
મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’,
મને કોઈ મનમાંથી આપે છે જાસો.
કવિની ભીતર આ કઈ ગંગા ફૂટે છે, જેને સમયસર જટામાં ઝીલી ન લેવાય તો સૃષ્ટિનું ધનોતપનોત નીકળી જાય એની કવિઓને પહેલી કવિતા લખાઈ એ દિવસથી તલાશ છે. પ્રસ્તુત રચનામાં બ.ક.ઠા. સર્જનપ્રક્રિયાનું આવું જ એક પાનું ઉકેલવાની કોશિશ કરે છે.
પ્રોફેસર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ૨૩-૧૦-૧૮૬૯ના રોજ ભરૂચ ખાતે જન્મ. ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને મેટ્રિક મુંબઈથી. જેમ શાળા, એમ કોલેજમાં પણ વારાફરતી ભાવનગર, મુંબઈ અને પૂણેને લાભ આપ્યો. ૧૮૯૩માં એમ.એ. કર્યા વિના જ પૂણેની કોલેજ છોડી દીધી. વારાફરતી કરાંચી, વડોદરા, અજમેર, અને અંતે પૂણેની કોલેજોમાં આધ્યાપક તરીકે સેવા બજાવી. ૧૯૨૪માં નિવૃત્ત થયાના ત્રણ વર્ષ બાદ પૂણે છોડી દસ વર્ષ વડોદરા અને ત્યારબાદ અંત સુધી મુંબઈ રહ્યા. રાજકોટના રાજકુમારના અંગત સહાયક બન્યા. અજમેર નગરપાલિકાના ચેરમેન થયા. શાળા, કોલેજ અને વ્યાવસાયિક પરિભ્રમણ જોઈને ખ્યાલ આવે છે કે ફરે તે ચરે કહેવતનો એમનાથી ઉચિત પ્રયોગ ભાગ્યે જ કોઈકે કર્યો હશે. ૦૨-૦૧-૧૯૫૨ના રોજ નિધન.
ઉત્તમ કવિ અને સર્વકાલીન શ્રેષ્ઠ વિવેચક. એ સિવાય નાટ્યકાર, નવલિકાકાર અને અનુવાદક પણ ખરા. ખાસ્સા પ્રયોગખોર. વિશ્વસાહિત્યના ઊંડા અભ્યાસુ પ્રો. ઠાકોર ગુજરાતી સૉનેટના પિતા ગણાય છે. એ આપણે ત્યાં પહેલવારકુ સૉનેટ લાવ્યા પણ અને સ્થિર પણ કર્યું. અંગ્રેજી બ્લેન્ક વર્સ (પ્રાસહીન પદ્ય)ની નજીક જવા માટે ભાગ્યે જ પ્રયોજાતા અગેય પૃથ્વી છંદનો એમણે એ હદે નવોન્મેષ કર્યો કે અનુગામી પેઢીઓનો એ પ્રિય છંદ બની રહ્યો. ગુજરાતી પિંગળને એના નિર્ણાયક તબક્કામાં જે રીતના પ્રભાવી નેતાની આવશ્યકતા હતી, એ ઠાકોરના રૂપમાં સાંપડ્યા. પ્રવાહી પદ્યના એ પ્રબળ હિમાયતી હતા. પ્રવર્તમાન વૃત્તો સાથે એમણે કરેલ સભાન પ્રયોગો ગુજરાતી કવિતાનું બહુમૂલ્યવાન ઘરેણું છે. પંડિતયુગના સાક્ષર કવિ હોવા છતાં એમણે કવિતામાં રસોર્મિ, વિચાર-બુદ્ધિ, અર્થસઘનતા, વિષયબાહુલ્ય વિ.ને પ્રાધાન્ય આપ્યું હતું. વેવલાવેડામાં રમમાણ, પોચટ, આંસુ સારતી, વધુ પડતી શબ્દાળુ ગુજરાતી કવિતાના તેઓ વિરોધી હતા. બ.ક.ઠા.ની કાવ્યરીતિએ અનુગામી પેઢીઓને દીર્ઘકાળ સુધી પ્રભાવિત કરી છે.
ભણકારા’ સૉનેટ વિશે વાત કરતાં પહેલાં સૉનેટનો ઇતિહાસ જોઈ લઈએ. નદી એના ઉદગમસ્થાનેથી નીકળે છે ત્યારે નાનકડી ધાર સમી હોય છે, પણ પ્રવાહ જેમ જેમ આગળ વધે તેમ તેમ એમાં અનેક નાળાં-વેકળાંઓ ઉમેરાતાં જાય છે અને પ્રવાહ વિશાળ થતો જાય છે. નદી માર્ગમાં ક્યાંક ઝરણાં જેવી તોફાની, તો ક્યાંક ધોધ જેવી વિકરાળ અને વળી ધીર-ગંભીર થયેલી પણ જોવા મળે છે. અલગ-અલગ પૃષ્ઠભૂ સાથે સમરસ થઈ આગળ વધતી નદી માર્ગમાં સેંકડો વળાંક લઈ આખરે સાગરમાં ભળી જઈ સાગર બની જાય છે. કવિતા વહેતી નદી જેવી છે… કવિતા કવિના ઉરઝરણથી ફૂટીને ભાવકના ઉરસાગરમાં ભળી જાય છે. કાળના પટ પર વહેતી કવિતાના માર્ગમાં હજાર ચડાવ-ઉતાર આવે છે, એમાં સતત કંઈને કંઈ નવું ભળતું રહે છે, એ સતત જૂનું કાંઠે છોડીને આગળ વધે છે અને સમયે સમયે એના રૂપરંગ પણ સતત બદલાયે રાખે છે. મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, નાટ્યકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ, અછાંદસ –એમ કાવ્યના પ્રકારો સમયસમયાંતરે નદીના રૂપની જેમ બદલાતા આવ્યા છે.
સૉનેટ આવો જ એક કાવ્યપ્રકાર છે. ૧૩મી સદીમાં ઇટલીમાં સિસિલિઅન કવિઓ જેમ કે જિઆકોમો ડ લેન્ટિની જેવાના હાથે સૉનેટનો જન્મ થયો, પેટ્રાર્કના હાથે એ શુદ્ધિકરણ પામ્યું અને ૧૬મી સદીમાં સર થોમસ વાયટ તથા હેન્રી હૉવર્ડ, અર્લ ઑફ સરેનો હાથ ઝાલીને એ અંગ્રેજીમાં આવ્યું. શેક્સપિઅર, મિલ્ટનના હાથે એનો નવોન્મેષ થયો અને પ્રસિદ્ધિના ચરમશિખરે એ પહોંચ્યું. ૧૯મી સદીના અંતભાગમાં સૉનેટ ગુજરાતમાં આવ્યું. જમશેદજી નસેરવાનજી પેટિટ નામના પારસી કવિના સંગ્રહ ‘મારી મજેહ અને બીજી કવિતાઓ’માં ચૌદ પંક્તિની રચનાઓ જોવા મળે છે પણ એમાં સૉનેટના મૂળભૂત સૌંદર્યનો અભાવ છે. એમના પછી ૧૮૮૮માં બ. ક. ઠાકોરે ‘ભણકારા’ સૉનેટ આપ્યું, જેને ગુજરાતી ભાષાના સર્વપ્રથમ સૉનેટનું બહુમાન મળ્યું છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે. વીસમી સદીમાં સૉનેટે ગુજરાતમાં એવી લોકચાહના મેળવી કે સૉનેટ લખ્યું ન હોય એને કવિ હોવાનો દરજ્જો મળવો મુશ્કેલ હતો પણ ભાષાની ક્લિષ્ટતા અને અન્ય કેટલાક કારણોસર એ ગીત-ગઝલ-અછાંદસના આક્રમણને ખાળવામાં વિફળ રહ્યું અને વીસમી સદીના અંતભાગથી લઈને આજદિન સુધીમાં સૉનેટની લોકપ્રિયતા સતત ઓસરતી આવી છે.
ભણકારા’ સૉનેટ અષ્ટક અને ષટક મુજબ ખંડ-વહેંચણીના કારણે પેટ્રાર્કશાઈ સૉનેટ હોવાનો ભાસ કરાવે છે. (શેક્સપિરિઅન સૉનેટ ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકનું બનેલું હોય છે.) પણ પેટ્રાર્કશાઈ સૉનેટથી વિપરિત ઠાકોરે અ-અ બ-બ ક-ક ડ-ડ પ્રકારે પ્રાસરચના કરી હોવાથી ગઝલના મત્લાઓમાંથી પસાર થતા હોવાના ભણકારા સંભળાય છે. આ નવીન પ્રાસરચનાના કારણે રચના વધુ પ્રવાહી પણ બની છે. કવિતાની મંદ ગતિને અનુરૂપ કવિએ મંદાક્રાંતા છંદ પ્રયોજ્યો છે. એ જમાનામાં છંદનું માપ જાળવવા માટે લિપિમાં હૃસ્વ-દીર્ઘની જે છૂટો લેવાનો રિવાજ હતો એ અહીં પણ નજરે ચડે છે. મોટા ભાગની પંક્તિઓમાં પંક્તિ અને વાક્ય કે વાક્યાંશ હાથમાં હાથ મિલાવી ચાલે છે. પંક્તિ પૂરી થાય ત્યાં વાક્ય પણ પૂરું થાય છે. માત્ર પાંચમી, સાતમી અને તેરમી પંક્તિમાં અપૂર્ણાન્વયનો હાથ ઝાલીને વાક્ય એકમાંથી બીજી પંક્તિમાં રેલાય છે. આત્મકથનાત્મક શૈલીના આ સૉનેટમાં અષ્ટક પછી તરત ભાવપલટો (વોલ્ટા) આવે છે અને કાવ્યાંતે ધારી ચોટ પણ.
રાત્રિના છેલ્લા પહોરનો સમય છે. થોડી વારમાં જ રાતનું સ્થાન ઉષા લેશે. ભડભાંખળું થવામાં જ છે. આવા સમયે શાંત વહેતી નર્મદા નદીમાં એક નાની અમથી નાવમાં કવિ આડા પડ્યા-પડ્યા પ્રકૃતિપાન કરી રહ્યા છે. નર્મદા જેવી નદીમાં આવા સમયે નાનકડી નાવમાં કોઈ પાગલ જ એકલો નૌકાયાને નીકળે! કવિ જો કે શાણપણ અને ગાંડપણની વચ્ચેની પાતળી ક્ષિતિજ પર વસવાટ કરતું પ્રાણી છે. કવિ જ શા માટે, કળાકારમાત્રને આ વાત લાગુ પડે છે. દુનિયાથી અલગ ચાલવા માટે ગાંડપણ અનિવાર્ય છે. અને ભણકારાના નાયક પાસે એ પૂરતી માત્રામાં હોવું જોઈએ એમ માની શકાય છે. જ્યાં નાવ છે ત્યાં નર્મદાનો પટ ખાસ્સો વિશાળ હોવો ઘટે કેમકે એક તરફ કિનારા પરનું ધુમ્મસ આઘે ઊભું છે અને નદીના શાંત પાણી પણ સુપ્ત છે. દૂર કિનારે ધુમ્મસમાં અદૃશ્ય હોઈ માંડ નજરે ચડતાં વૃક્ષો ઊંઘી રહ્યાં હોવાની મજાની કલ્પના સાથે સૉનેટનો પ્રારંભ થાય છે. અને નર્મદા જાણે કોઈ સુંદરી સૂતી હોય એમ શાંત છે. ઊંઘમાં કોઈ મીઠું સ્વપ્ન આવે અને હોઠ ધીમું-ધીમું મલકે એમ શાંત સૂતી નર્મદાસુંદરી પણ સોહી રહી છે. છાતી ધડકે અને શ્વાસોચ્છવાસની ક્રિયા સાથે સ્તનયુગ્મ જેમ ઊંચાનીચા થાય એમ નદીના નિદ્રાવશ નીર હળુહળુ ઊંચાંનીચાં થાય છે. સ્તન પરનો તલ જે રીતે સ્તનની સાથે આપોઆપ પડે-ઊપડે એ જ રીતે નાયકની નાવ પાણીમાં આપોઆપ ધીમીધીમી હાલકડોલક થાય છે. (મેળે એટલે આપોઆપ) અહીં કવિતાનું પ્રથમ વાક્ય પૂરું થાય છે અને કવિનો કેમેરા દૂરની સૃષ્ટિ પરનું ઝૂમ સંકોરીને પોતાના પર ક્લૉઝ-અપ સુધી આવ્યો હતો એ હવે વાઇડ-એંગલ લેન્સ વડે ચાંદની અને વાયુ જેવા પ્રકૃતિતત્ત્વો પર ફોકસ કરે છે.
માણસને ઊંઘવા માટે અંધારું જોઈએ છે. આંખ પર પ્રકાશનો ધોધ વરસતો હોય તેવામાં ઊંઘવું દોહ્યલું છે. કવિ પ્રભાત પૂર્વેના ચાંદનીજડિત અંધકારમાં કિનારે ધુમ્મસમાં સૂતાં વૃક્ષો અને શાંત સરિતાજળની પેઠે સૃષ્ટિ સમગ્ર હજી નિદ્રાધીન હોવાનું કલ્પે છે. નિજના માથે ઊગેલી શુદ્ધ ચાંદની નજરે પડી જાય તો સૂતેલી આ સૃષ્ટિ ચોંકીને સફાળી જાગી જાય એનો ડર ન હોય એમ ચાંદની પણ આ સમયે તારા-નક્ષત્રોના ફૂલોની ચાદરમાં જાણે લપાઈ રહી હોય એમ સુપેરે પ્રગટ થતી નથી. સંધ્યાકાળે સૌંદર્યઘેલો થઈ ભમરો કમળના ફૂલમાં રસપાન કરવા ભરાય છે ત્યારે એને ભાન નથી હોતું કે રાત ચડતાં જ કમળ બીડાઈ જશે અને એ રાતભર માટે કેદ થઈ જશે. રાતભર કમળના ફૂલમાં બંધાઈ ગયેલો ભમરો, રાતભરની કેદની તથા ઊંઘની અસરના કારણે જે રીતે નાજુક પગલે ડોલે, સૂએ એમ આ પવન પણ ધીમો-ધીમો વાઈ રહ્યો છે. ટૂંકમાં, આ એવો સમય છે, જ્યાં જડચેતન સઘળું જાણે હજી ઘેનમાં છે.
ષટક્ (છેલ્લી છ પંક્તિના બંધ)માં કાવ્યસર્જનની હિમમોતી સરે તેવી રહસ્યમય અલૌકિક્તા અભિવ્યંજિત થાય છે. હોડીમાં સૂતા સૂતા કવિ અનાયાસ સ્ફુરેલા છંદોના લવારા કરે છે. આ છંદ-આ કવિતા સાવ નવી છે અને અધૂરી પણ છે પણ એ કોઈપણ જાતના પ્રયત્ન વિના સ્વયંસ્ફુરિત છે એટલે એ અગત્યની છે. નાયકને પ્રશ્ન પણ થાય છે કે શું એ કવિતાના લવારા કરી રહ્યો છે કે પછી નદીના ડોલતા પાણીની ગતિ ઉપર મંદ-મંદ રણકતી વીણાના તાર સજાવી રહ્યો છે. નિતાંત પ્રકૃતિના અસીમ ખોળામાં અર્ધનિદ્રા-અર્ધજાગૃતિના સમાધિસુખનો આનંદ લેતી વખતે આ ભણકારા શેના થાય છે? પુષ્પની પાંદડીઓ પર રાત્રિના આ છેલ્લા પ્રહરમાં શુદ્ધ હિમમોતી સમા ઝાકળના ટીપાં સરી રહ્યાં છે. આ ટીપાંઓનું ઉદગમસ્થાન કયું? આ ઝાકળબુંદો જાણે રાતના હૈયામાંથી, નર્મદાના વ્હેણમાંથી, આકાશગંગામાંથી સરી રહેલ ચાંદી જેવી ચાંદનીની રજમાંથી કે પછી ફીણમાંથી બનેલ વાદળીમાંથી બન્યાં છે. પ્રકૃતિના હૈયામાંથી રાત ટપકી રહી હોય, નર્મદાના વ્હેણમાંથી કોઈક અગમ વાણી ફૂટી રહી હોય, આકાશગંગામાંથી ચાંદની નહીં, ચાંદીના કણ વરસી રહ્યાં હોય અને ફીણમાંથી કોઈ વાદળ બંધાઈ રહ્યું હોય એવી રીતે કવિના સુકોમળ પુષ્પ જેવા હૃદયની પાંદડીઓ પર બરફમાંથી બનેલ મોતી ન હોય એવાં પરિશુદ્ધ કાવ્યઝાકળબુંદ ઝમી રહ્યાં છે. કવિના અંતરમાં છાનીછપની ન જાણે શી-શી તરેહની છાની ભીની બાની નીતરી રહી છે, નીંગળી રહી છે… ‘સેહ્ ની’ એ કવિનું પોતાનું તખલ્લુસ છે, જેનો ૧૮૯૦ પછીથી એમણે ત્યાગ કર્યો હતો.
રૉબર્ટ ફ્રોસ્ટે કહ્યું હતું, ‘કવિતા ત્યારે થાય છે જ્યારે લાગણીને એનો વિચાર મળી જાય અને વિચારને એના શબ્દો.’ પ્રકૃતિમાં ઊઠી રહેલા ભણકારાઓને કવિ સાંભળે છે અને એની લાગણીઓને વાચા મળે છે. ઝોન કોક્ટો (Jean Cocteau) પણ યાદ આવે: ‘કવિ શોધ નથી કરતો. એ સાંભળે છે.’ ભણકારા એટલે ભ્રાંતિજનક અવાજ. ભણકાર એટલે અવાજ નહીં, અવાજનો આભાસ. અહીં પ્રકૃતિ બિલકુલ નીરવ છે. નદી, વૃક્ષો, વાયુ, ચાંદની, નાવ, નાવમાં સૂતેલો નાયક –બધું જ શાંત છે. ક્યાંય કોઈ અવાજ નથી. પ્રક્તિની આ શાંતતાના ભણકારા કવિહૃદય ઝીલે છે. કુદરતની અવર્ણનીય રમણીયતાના ભણકારા કવિઉરમાં કાવ્યપિંડ બાંધવામાં કેવા સહાયક થાય છે એ કવિએ અજરામર સૉનેટની સહાયથી તાદૃશ કરી આપ્યું છે. સર્જનપ્રક્રિયા શું હોઈ શકે એ વિશેની આ અભૂતપૂર્વ રચના ગુજરાતી વાણીરાણીનું અમૂલ્ય છોગું છે.