Category Archives: ચિરાગ રતનપરા

દોડો, દોડો સુરતીલાલા… – વિવેક મનહર ટેલર

ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે સૂર્યાસ્ત પછી હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જે ફાળો ઊભો થાય એ કેન્સરપીડિતો માટે, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તથા સુરતને ગ્રીન-સિટિ બનવવા માટે વપરાશે… તો, આજે રજૂ છે અમારા પ્યારા પ્યારા સુરતીલાલાઓ માટે એક હળવા મિજાજનું ગીત……Click here for more information on the Surat Night Half Marathon 2013….

 

સ્વરકાર/સંગીતકાર અને ગાયક : ચિરાગ રતનપરા
સૌજન્ય સ્વીકાર : કૌશિક ઘેલાણી

દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો,
તન-મનમાં બાંધેલી આળસની બેડી ઝંઝોડો.

ખાણી-પીણીની લારી ઉપર રોજ લાગે છે લાઇન,
લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;
મોજ-મસ્તીની વાત આવે તો સુરતીલાલા ફાઇન,
સમાજસેવાની વાતમાં આપણે ક્યારે કરીશું શાઇન ?
માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

ત્રેવીસમી ફેબ્રુઆરીની દોડ એ કેવળ દોડ નથી,
કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;
ટ્રાફિકની સમસ્યાઓનો આજેય કોઈ તોડ નથી,
સુરતને લીલુંછમ કરવાથી મોટી કોઈ હોડ નથી,
એક દિવસ તો ટી.વી., સિનેમા, બાગ-બગીચા છોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

નાનાં-મોટાં, બચ્ચા-બુઢા, સ્ત્રી-પુરુષ સહુ આવો,
અનેક આવો, દરેક આવો, જ્યોતથી જ્યોત જગાવો;
થોડી ઇચ્છા, થોડાં સપનાં, થોડી આશા વાવો,
સુરતને ખુબસૂરત કરીએ, કદમથી કદમ મિલાવો,
મન મૂકીને દોડો, દિલથી દિલનો નાતો જોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો.

– વિવેક મનહર ટેલર

(આભાર – શબ્દો છે શ્વાસ મારા)

Surat Night Half Marathon 2013