Category Archives: કવિઓ

YouTube સિરીઝ ‘અમે તમે અને આપણે’ના 100 એપિસોડ નિમિત્તે સંપાદક નંદિતા ઠાકોર સાથે વિશેષ સંવાદ

સાહિત્ય વિશેનું કોઈ પણ નવું કામ શરુ કરવા માટે વિચાર વસ્તુની સમજણ, ઉત્સાહ અને એક દિશા જોઈએ, પણ એ જ કામ સતત રીતે દર અઠવાડીએ કરવા માટે ખંત અને લગન જોઈએ. અને જયારે દર અઠવાડીએ નવા જ લેખકો, સંગીતકારો અને ગાયકોની રચનાઓને રજૂ કરવાની હોય ત્યારે સ્પષ્ટ concept, દૂરંદેશી વાળું સઘન આયોજન, વિવિધ વ્યક્તિત્વો સાથે કામ કરવાની સૂઝ અને આવડત અને એથીય વધુ જોઈએ પોતાના કામમાં, વિષયવસ્તુમાં દ્રઢ વિશ્વાસ.
નંદિતા ઠાકોરની શ્રેણી ‘અમે તમે અને આપણે’ આવા પ્રેમ, દ્રઢ વિશ્વાસ અને લગનનું જ સુંદર પરિણામ છે. આ અનન્ય શ્રેણી જે કોવિડ મહામારી વખતે શરુ થઇ અને વિસ્તરી, એના 100 એપિસોડ આજે પુરા થાય છે ત્યારે આ સાહિત્ય, સંગીત પ્રત્યેના નંદિતા બેનના પ્રેમની ખાસ ઉજવણી ‘ટહુકો’ના ‘આંગણા’માં કરતાં અત્યંત આનંદ થાય છે. 
તો લો આ રહ્યો  ‘અમે તમે અને આપણે’ નો 100મો એપિસોડ –

નંદિતા બેનના વિવિધરંગી વ્યક્તિત્વ વિષે વધુ જાણો જાણીતા કવયિત્રી જયશ્રી મર્ચન્ટના શબ્દોમાં
નંદિતા ઠાકોર, અમેરિકામાં ડાયસ્પોરાનું એવું નામ કે જે લેખક, કવિ, ગાયક, સંગીતકાર અને શાસ્ત્રીય સંગીત વિશારદ છે. ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા એવા સાહિત્યકાર અને કવિ છે જેઓ કવિતા, ગીત અને ગઝલ તો લખે પણ એને સંગીતબદ્ધ પણ કરે અને ગાઈ પણ શકે. પોતાની આ સાહિત્ય-સંગીતની સફરના રસ્તે તેઓ માત્ર પોતાના જ શબ્દોના અજવાળાં નથી પાથરતાં, પણ, અનેક નવા-જૂના કવિઓના શબ્દોને પણ ખૂબ વ્હાલથી, લાડ લડાવીને પાછાં અછોવાનાયે કરે. પોતે તો ઉર્ધ્વગામી સફર પર હોય પણ ન જાણે કેટલાય જાણીતા અને અજાણ્યા નામોને પોતાની સાથે આંગળી પકડીને નંદિતાએ બિલકુલ “સેલ્ફલેસ” – નિ:સ્વાર્થપણાથી સાહિત્યની આ આકાશગંગાની સેર કરાવી છે.
આજના અણધાર્યા અને કપરા સમયમાં “અમે તમે ને આપણે” જેવી અદ્ભૂત શ્રેણીના ૧૦૦ એપિસોડ અત્યંત શ્રમ લઈને સંજોવવા એ તો કાંકરામાંથી ઘઉં વીણવા જેવું કષ્ટદાયક કામ છે. કોઈ પણ જાતનો અભિમાનનો ભાર રાખ્યા વિના નંદિતાએ આ કષ્ટને હસતાં-રમતાં, સહજતાથી અપનાવીને, મરજીવાની જેમ, સાહિત્યના ઊંડા સમંદરમાં ડૂબકી મારીને સાચા મોતી લઈ આવવાનું કામ કર્યું છે. અન્ય સાહિત્યકારોના ઉજળા પાસાને પણ પોતીકા માનીને એટલા જ ખંતપૂર્વક અને ખુશીથી રજુ કરવામાં નંદિતાના સ્વભાવનું ઋજુ પાસું ઉજાગર થાય છે. અને આ જ વાત નંદિતાને એક મુઠ્ઠી ઊંચેરી વ્યક્તિ બનાવે છે.
નંદિતાએ પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનમાં બેચલર્સ અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યું છે. એમણે પત્રકારત્વનો બહોળો અનુભવ લીધો છે. ‘નિલાંબરી’, ‘ક્ષણોની સફર’ અને ‘મારામાં તારું અજવાળું’ જેવા ત્રણ કાવ્યસંગ્રહો તથા અનુભૂતિના અક્ષર’ નામે પત્રસંપાદન આપીને આપણી ભાષાને સમૃદ્ધ કરી છે. નંદિતાએ ‘કૃષ્ણપ્રીત’ – હિન્દી ભક્તિ ગીત આલ્બમ બહાર પાડ્યું છે. જેમાં ગીત, સંગીત અને સ્વર, બધું જ નંદિતાનું છે. વાચન-લેખન ઉપરાંત પ્રવાસ,ફોટોગ્રાફી અને સંગીત જેવા ગમતા વિષયોને એમની પ્રિય કોફીની વરાળમાં ઘોળીને પી જનાર નંદિતા પાસેથી ‘ફિલ્ટર કોફી’ની શ્રેણીમાં આવા રસપ્રદ વિષયોનો નિચોડ મળે છે. અમારા માટે આ ગર્વ અને ગૌરવની વાત છે કે આ શ્રેણીનો લાભ અમારા “આપણું આંગણું” ના સાહિત્યને સમર્પિત બ્લોગને મળી રહ્યો છે.
આજે આવા નંદિતા ઠાકોરની આ સફરને આપ સહુ સમક્ષ મૂકતાં “ટહુકો” અને “આપણું આંગણું”ની ટીમ આનંદ અનુભવી રહી છે.

અમે તમે ને આપણે YouTube સિરીઝના 100 એપિસોડ નિમિત્તે સંપાદક નંદિતા ઠાકોર સાથે વિશેષ સંવાદ ‘ટહુકો’ અને ‘આપણું આંગણું’ બ્લોગના સંયુક્ત ઉપક્રમે –

‘આપણું આંગણું’ બ્લોગ Link – http://aapnuaangnu.com/
‘અમે તમે અને આપણે’ Youtube Channel Linkhttps://www.youtube.com/channel/UC-7dI31Qq1-lgdqvibwCxeg

આપણે ગીત લખીએ – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : સોહની ભટ્ટ
સંગીત : ‘સૂર’

.

ચલો આપણે ગીત લખીએ
સીધી સાદી રીત લખીએ

પથ્થરને વાદળ કહેશું ને જણને કહીશું ઝાડ
રેતી કહેશે સાંભળ અલ્યા સાંભળશે વરસાદ

ઘાસ અને તડાકાને છાની
વાત હોય છે નિત લખીએ

એક ઝરણને કાંઠે ઊગ્યાં ફૂલને ફૂટે પાંખ
એક અજાણ્યું વાદળ ખોલે નક્ષત્રોની આંખ

વિસ્મયનું જંગલ ને એમાં
ઊજળો-ઝાંખો દીપ લખીએ

મસમોટી દુનિયાની ચાલો મુઠ્ઠી ભરીએ એક
ને ખીસામાં મમરા નીચે મૂકી દઈએ છેક

ઠેક મારતી ખિસકોલીના
પટ્ટા જેવી પ્રીત લખીએ

ચલો આપણે ગીત લખીએ
સીધી સાદી રીત લખીએ

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

દરિયો મારો દોસ્ત -ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : અનુષ્કા,હેત્વી,મિસ્કા,નેહા,પ્રિયાંશુ,રોશીતા,સ્પૃહા,સ્વરા,ત્રિશા,યુગ આનંદકુમાર,યુગ શ્રેયસકુમાર
સંગીત : દેવાનંદ ચાવડા
સ્વરાંકન : ધ્રુવ ભટ્ટ

.

દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો
દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો

દરિયો મારા ગામમાં આવે દરિયો દરેક નામમાં આવે
રુદિયે ભરી હામમાં આવે કોક દી ભીની આંખમાં આવે

દરિયો મારા મનમાં જાગ્યાં સપનાંઓની છોળ છે હો
દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો.

દરિયો જાતો દરિયો ના’વા રેતમાં બેસે તડકો ખાવા
ઓટમાં આઘે બેટમાં જાવા ભરતી ઘેરાં ગીતને ગાવા

દરિયાજીને વાદળું બની વરસી જાવા હોંશ છે હો
દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ગ્લૉબલ કવિતા : ૨૧૩ : મુસાફરી – મેરી ઑલિવર

The Journey

One day you finally knew
what you had to do, and began,
though the voices around you
kept shouting
their bad advice–
though the whole house
began to tremble
and you felt the old tug
at your ankles.
“Mend my life!”
each voice cried.
But you didn’t stop.
You knew what you had to do,
though the wind pried
with its stiff fingers
at the very foundations,
though their melancholy
was terrible.

It was already late
enough, and a wild night,
and the road full of fallen
branches and stones.
But little by little,
as you left their voices behind,
the stars began to burn
through the sheets of clouds,
and there was a new voice
which you slowly
recognized as your own,
that kept you company
as you strode deeper and deeper
into the world,
determined to do
the only thing you could do–
determined to save
the only life you could save.

– Mary Oliver

મુસાફરી

એક દિવસ આખરે તમે જાણી ગયા કે
તમારે શું કરવાનું છે અને શરૂ કર્યું,
ભલે તમારી આસપાસના અવાજો
એમની બકવાસ સલાહો આપતા
ચિલ્લાતા રહ્યા હતા-
ભલે ઘર આખેઆખું
ધ્રુજવા માંડ્યું હતું
અને તમને જૂનું ખેંચાણ વર્તાવા લાગ્યું હતું
તમારી ઘૂંટીઓ પર.
“મારું જીવન દુરસ્ત કરો!”
-દરેક અવાજ પોકારતો હતો.
પણ તમે અટક્યા નહીં.
તમે જાણતા હતા કે તમારે શું કરવાનું છે,
ભલે પવન એની કઠોર આંગળીઓ વડે
ખણખોદતો હતો
છેક પાયાઓને,
ભલે એમની ગ્લાનિ
ભયંકર હતી.

પહેલાં જ વધુ પડતું મોડું
થઈ ચૂક્યું હતું, અને રાત તોફાની હતી,
અને રસ્તો પણ ભર્યો પડ્યો હતો તૂટેલ
ડાળીઓ અને પથરાંઓથી.
પણ ધીમે-ધીમે,
જેમ જેમ તમે એમના અવાજોને પાછળ છોડતા ગયા,
વાદળાંઓની રજાઈઓમાંથી
તારાઓએ ચમકવું શરૂં કરી દીધું,
અને એક નવો જ અવાજ સંભળાયો
જે ધીરે રહીને તમે
ઓળખ્યો કે તમારો ખુદનો જ હતો,
જેણે આ દુનિયામાં
તમારી સંગત જાળવી રાખી
જેમ જેમ તમે આઘે ને આઘે ફર્લાંગ ભરતા ગયા,
સંકલ્પબદ્ધ કરવા માટે
એ એકમાત્ર વસ્તુ જે તમે કરી શકો છો-
સંકલ્પબદ્ધ બચાવવા માટે
એ એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો.

– મેરી ઑલિવર
(અનુ.: વિવેક મનહર ટેલર)
એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો…

ઇયળ આપણે બધાએ જોઈ છે. ઠિચૂક-ઠિચૂક ચાલતી ભદ્દી ઇયળ કદાચ બધાંને ન પણ ગમે. પરંતુ એક દિવસ આ બદસૂરત કીટ ફૂલપાન ખાવાના જીવનચક્રને ત્યાગે છે. પોતાની લાળના તાંતણાંઓ પોતાની આસપાસ વીંટાળીને એ કોશેટો બનાવે છે, અને પોતે આ કોશેટામાં કેદ થઈ જાય છે. અઠવાડિયાઓના અંતરાલ બાદ કોશેટો તોડીને પતંગિયું બહાર આવે છે. બદસૂરત ઇયળ મનમોહક પતંગિયામાં પરિવર્તિત થઈ જાય છે. ઈંડાથી ઇયળ અને ઇયળથી પતંગિયા સુધીનું આ રૂપાંતરણ એક મુસાફરી છે. મેરીની આ કવિતા આવી જ એક કાયાપલટની મુસાફરીની વાત કરે છે.

મેરી ઓલિવર. ઓહાયો, અમેરિકામાં જન્મ (૧૦-૦૯-૧૯૩૫). પચાસથી વધુ વર્ષ માસાચુસેટ્સમાં. ૨૦૧૭માં આ લેખ પહેલીવાર લખ્યો ત્યારે જીવનસાથી ફોટોગ્રાફર મોલી મેલોની કૂકના નિધન બાદ ફ્લોરિડામાં રહેતાં હતાં. અગિયાર-બારની વયે કવિતા શરૂ કરી. એ કહેતાં, ‘પેન્સિલની મદદથી હું ચંદ્ર સુધી જઈ આવી’તી. કદાચ અસંખ્ય વાર.’ શાળામાંથી ગુલ્લી મારીને ચોપડીઓ સાથે જંગલમાં રખડવા જવામાં એક્કો. એમિલિ ડિકિન્સનની જેમ એકાકીપણું અને આંતરિક આત્મસંભાષણ એમની પ્રમુખ ચાહના. એકાંતવાસી. મિતભાષી. કવિતા જ બોલે એમ માનનારા. ચાલ-વાની બિમારી. જંગલમાં સ્વૈરવિહાર કરતાં કરતાં કવિતા લખવાના આદતી. એક વિવેચકે કહ્યું હતું કે, ‘મેરીની કવિતાઓ વધુ પડતા શહેરીકરણ માટે ઉત્તમ મારણ છે.’ બાળપણમાં ચર્ચમાં જતાં તો ખરાં, પણ ફાવતું નહીં. રૂમીથી એટલા પ્રભાવિત કે દિવસમાં એકવાર તો વાંચતાં જ. કોલેજ ગયાં પણ ડિગ્રી મેળવી નહીં. કવિ અને શિક્ષક તરીકે જીવ્યાં. ગરીબીમાં મોટા થયાં. ૨૦૧૨માં ફેફસાના કેન્સરમાંથી ઊભાં થયાં પણ કવિતાની જેમ ધુમ્રપાનની આદત ન છૂટી. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ લિમ્ફોમાના કારણે નિધન.

કવિતા, કાવ્યશાસ્ત્ર, કવિતા વિષયક પુસ્તકો અને નિબંધ -ખૂબ લખ્યું. છેલ્લે ૮૦ વર્ષની વયે પણ ‘ફેલિસિટી’ નામનો કાવ્યસંગ્રહ આપ્યો. અનેક પુસ્તકો. પુલિત્ઝર સહિતના ઢગલાબંધ પુરસ્કારો. કુદરત, સ્થાનિક રંગ અને રોમેન્ટિસિઝમનાં મૂળિયાં એમના સર્જનમાં દૃઢીભૂત થયેલાં દેખાય છે. સ્પષ્ટ અને માર્મિક અવલોકન અને હૂબહૂ આલેખનના કારણે એમની કવિતાઓ દિલની વધુ નજીક અનુભવાય છે. કવિતામાં કુદરત ઉપરાંત ‘હું’ને કેન્દ્રસ્થાને રાખે છે કેમકે એમનું માનવું હતું કે કવિનો ‘હું’ જ ભાવકનો ‘હું’ બની જાય છે. એમના મતે કવિતા એ ખૂબ જ એકાકી વ્યાસંગ છે.

૧૯૬૩માં પ્રગટ થયેલ ‘મુસાફરી’ સ્વરૂપની દૃષ્ટિએ મુક્તપદ્ય છે. સળંગસૂત્રી છે, સિવાય કે એક અંતરાલ જે છત્રીસ અનિયત પંક્તિલંબાઈવાળી કવિતાને અઢાર-અઢાર પંક્તિના બે સમાન ખંડોમાં વહેંચે છે. કોઈ નિર્ધારિત પ્રાસરચના પણ અમલી નથી કેમકે દુન્યવી અંધાધૂંધીની આંધીમાંથી નીકળતી જિંદગીની આ કવિતા છે. જિંદગીમાં કેઓસ હોય છે, પ્રાસ કે છંદ નહીં. પહેલી અઠાર પંક્તિમાં નાનામોટાં પાંચ વાક્યો છે, જેમાંનું પહેલું વાક્ય નવમી લીટીમાં જઈને વિરમે છે. બીજા ખંડમાં એક જ વાક્ય અઢારેઅઢાર લીટીઓ કવર કરી લે છે. આ સળંગસૂત્રિતાના કારણે ભાવક પણ મુસાફરી કરતો હોય એમ એકીશ્વાસે કવિતામાંથી પસાર થાય છે. રૂપક શારીરિક યાત્રાનું છે, વાત વ્યક્તિગત બદલાવની, એકાકી-આધ્યાત્મિક મુસાફરીની છે. મેરીની કવિતાઓમાં સામાન્યતઃ પ્રકૃતિના વણપ્રીછ્યાં પાનાંઓ ખૂલે છે, પણ અહીં પ્રકૃતિ એક રૂપકથી વિશેષ નથી. કથનરીતિ દ્વિતીય પુરુષ સંબોધનની છે. ફરી-ફરીને પંદરેકવાર કવિતામાં ‘તમે-તમારું’ આવ્યે રાખે છે, જે ભાવકને સતત પકડમાં રાખે છે. પરિણામે, કથકનો આપણી સાથેનો આ એકતરફી વાર્તાલાપ આપણને આપણી સાથે જ થતો અનુભવાય છે. સ્વકેન્દ્રી રચના સર્વસ્પર્શી બને છે.

‘એક દિવસ આખરે તમે જાણી ગયા કે’થી કાવ્યારંભ થાય છે. અહીં ‘એક દિવસ’ અને ‘આખરે’ શબ્દ અગત્યના છે. એક દિવસ આખરે આ જાણ થઈ છે, મતલબ અનેક દિવસો, કદાચ વર્ષોનાં વર્ષ અજ્ઞાનતામાં વીતી ચૂક્યાં છે. આટઆટલો સમય આપણે કદાચ ઊંઘતાં જ રહી ગયાં. હશે, પણ જીવનમાં કેટલું ઊંઘી નાંખ્યું એના કરતાં જાગવાની ખટઘડી આવી કે કેમ અને આવી ત્યારે જાગ્યાં કે નહીં એ વધુ મહત્ત્વનું છે. આપણને બધાને એક દિવસ તો જાણ થાય જ છે કે આ सुब्ह होती है, शाम होती है; उम्र यूँ ही तमाम होती है (અમીરુલ્લાહ તસ્લીમ)ની ઘરેડમાં ઘાણીના બળદ પેઠે એક જ જગ્યાએ ફરતા રહ્યા હોવાના કારણે જિંદગીમાં यूँ भी होने का पता देते हैं, अपनी जंजीर हिला देते हैं (બાકી સિદ્દીકી)થી વિશેષ કંઈ સજીવ બચ્યું જ નથી.

મેરી કહે છે કે એક દિવસ આખરે આપણને ખબર પડી કે આપણે શું કરવાનું છે અને એ કરવું શરૂ પણ કર્યું. ઊઠ્યા તો ખરા જ, જાગ્યાય ખરા. કેમ? તો કે આજે અંદરથી ‘એ’ અવાજ આવ્યો છે. અને જ્યારે ‘એ’ અવાજ જાગે છે ત્યારે બાહ્ય કોલાહલ સંદર્ભો ગુમાવી બેસે છે. ઝાડ બધા પાંદડાં ખેરવીને નવા પર્ણોની તૈયારી કરે એમ જ આપણે પણ જૂનું બધું ખેરવીને નવા માર્ગ, નવા જીવનની તૈયારી કરવાની છે. બધાના જીવનમાં મહાભિનિષ્ક્રમણની આ તક ‘એક દિવસ’ ‘આખરે’ આવે જ છે, સવાલ માત્ર એટલો જ છે કે આ અવાજ આપણા કાન સાંભળશે ખરા કે આજુબાજુની માયાજાળ સદી ગઈ હોવાના કારણે આપણે એને અવગણીને સાંકળ હલાવતા બેસી રહીશું? મેરી પૂછે છે, ‘સાંભળો, તમે માત્ર જરા-તરા શ્વસી રહ્યાં છો એને જિંદગી કહો છો?’ એ કહે છે, ‘મારે ખતમ થવું નથી, આ વિશ્વની માત્ર એક મુલાકાત લઈને.’ અને એ આપણને પણ પૂછે છે, ‘કહો મને, શું છે તમારી યોજના તમારી આ એક જંગલી અને કિંમતી જિંદગી વડે?’

યાત્રા પ્રારંભાશે, ત્યારે દુનિયાભરની “સુગ્રથિત એન્ટ્રોપી” ચિલ્લાવા માંડશે, સલાહોનો ધોધ વરસવો શરૂ થશે. મેરી આ સલાહોને બકવાસ કે ખરાબ કહે છે. કારણ? કારણ કે જાગૃતિથી એ પ્રાપ્તિ તરફના પ્રવાસને અટકાવવા માટે છે. વળી સ્વાર્થી સલાહો આપતા અવાજો માત્ર કાનાફૂસીના સ્તરે નથી, એ તો ગળું ફાડી રહ્યા છે. સારું અને સાચું હંમેશા કાનને મખમલી અવાજે પંપાળશે પણ ખરાબ હશે એ ઘાંટા જ પાડશે. ખોટો અવાજ મોટો જ હોવાનો. તો જ એ સચ્ચાઈને દબાવી શકે ને! તમારું ઘર પણ તૂટી જવાનું ન હોય એમ ધ્રૂજવા માંડશે. આ ઘર એટલે આપણે પોતે જ. આપણું જીવન જ. જૂના સંબંધો-વળગણોનું ખેંચાણ સાંકળ બાંધી હોય એમ ઘૂંટીએ અનુભવાશે. સગપણની-જવાબદારીઓની બેડીઓ પગને પાછા ખેંચશે. દરેક જણ પોતાનું જીવન દુરસ્ત કરવા મદદના પોકાર કરશે. પણ કોલ ઝીલી લીધા પછી શું આતમમાર્ગનો મુસાફર રોક્યો રોકાશે ખરો? જૂનાને તોડ્યા વિના નવું મળતું નથી. દુનિયાને અવલનવલ ઘાટ આપવા તો સુન્દરમે કહ્યું એમ, ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા.’ શ્રીધરાણીએ પણ કહ્યું, ‘સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના’ હોય એને સમારીએ તો નવીનીકરણ જ થાય કેવળ, નવસર્જન માટે તો જૂનાંને હટાવવું જ પડે, નવી જગ્યા સર્જવી પડે. પોતે જેમના માટે જીવે છે એ પોતાના નથીનો અહેસાસ થવો જરૂરી છે. વાલિયા લૂંટારાનો આખો પરિવાર ચિલ્લાયો કે તું ખૂન કર, ચોરી-લૂંટફાટ કંઈ પણ કર. તું જાણે. બધા પાપ તારા માથે. અમારું ભરણપોષણ તારી જવાબદારી પણ તારા પાપમાં અમારી કોઈ હિસ્સેદારી નથી. એ ‘એક દિવસ’ ‘આખરે’ વાલિયાને ચાલી નીકળવાનું આહ્વાન આપતો આ અવાજ સંભળાયો. વર્ષોથી ગેરસમજ ઉપર જામી ગયેલો રાફડો તૂટ્યો અને શબ્દશઃ શરીર પર બાઝ્યો ત્યારે વાલિયો વાલ્મિકી બન્યો. રાજકુમાર સિદ્ધાર્થને અટકાવવા એના પિતાએ ઓછાં અછોવાનાં કર્યાં હતાં! પત્નીએ પણ પુત્રને આગળ ધરેલો. એવુંય નહોતું કે સિદ્ધાર્થ પરિવારને પ્રેમ નહોતા કરતા. પણ સર્વજનોનો અવાજ જે દિવસે સ્વજનોની ચીસને અતિક્રમી ગયો એ ‘એક દિવસ’ ‘આખરે’ એ જાણી ગયો કે શું કરવાનું છે. બસ, નીકળી પડ્યો. જિબ્રાને કહ્યું હતું, ‘મુસાફરી કરો અને કોઈને ન કહો, લોકો સુંદર ચીજોને ખતમ કરી નાંખે છે.’ રૂમી કહે છે, ‘તમે પિંજરામાંથી છટકી ચૂક્યા છો, તમે તમારી પાંખો પ્રસારી લીધી છે, હવે ઊડો.’ સિદ્ધાર્થ પણ પિંજરામાંથી છટકીને ઊડ્યો તો બુદ્ધ બન્યો.

જ્ઞાનમાર્ગનો મુસાફર જાણી જાય છે કે એણે શું કરવાનું છે. એ અટકતો નથી. ભલે આંધી પાયા હચમચાવી નાંખતી હોય, ભલે આજુબાજુવાળાઓની ગ્લાનિ ભયંકર હોય, પણ વટેમાર્ગુ સમજે છે કે ઓલરેડી મોડું તો થઈ જ ચૂક્યું છે. બધાને અવગણો. આગળ વધો. ઇતરના અને ભીતરના અવાજમાં ફરક છે. ભીતરનો અવાજ જીવનગીતાના રથનો સારથિ છે. એ સાથે હશે તો ભલભલી ગ્લાનિ કમળપત્ર પરથી પાણી માફક સરી જશે. મુસાફરી તો ક્યારની આદરવાની હતી. રાત અંધારી છે અને તોફાની પણ. અને જીવનમાં ક્યાંય roses roses all the way હોતું નથી. જીવનપથ હંમેશા પારાવાર વિપદાભર્યો જ હોવાનો. પણ ભલે ધીમે તો ધીમે, પ્રવાસ શરૂ કરવો જરૂરી છે. શરૂઆત કરી દો તો વાદળોની ચાદર હટાવીને તારાઓ પણ ચમકી-ચમકીને પથ પ્રદર્શિત કરશે. પ્લુટાર્ક કહે છે, ‘તોફાનમાં જહાજની મુસાફરી પહેલાં કપ્તાન કહે છે કે હંકારવું અનિવાર્ય છે, જીવવું નહીં.’

યાદ રહે, પહેલું પગલું જ સૌથી અગત્યનું છે. બધું એના પર જ અવલંબિત છે. રૂમીએ કહ્યું હતું, ‘ચાલવું શરૂ કરો. તમારા પગ ભારી થશે, થાકી જશે. પણ પછી તમને ઊંચકી જતી ઊગેલી પાંખોની અનુભૂતિની એ ક્ષણ આવશે.’ યાદ રહે, આ મુસાફરી તમારી મુસાફરી છે અને તમારા સિવાય કોઈ બીજું આ મુસાફરી તમારા વતી કરી નહીં શકે. ધમ્મપદ કહે છે, ‘તમારી બરાબરીના અથવા બહેતર લોકો સાથે મુસાફરી કરો અથવા એકલા જ કરો.’ રાજેન્દ્ર શાહે કહ્યું, ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’ પણ આ મુસાફરી હકીકતમાં ઘરબાર છોડીને જંગલમાં ચાલી નીકળવાની વાત નથી. આ મુસાફરી છે તમારા વળગણો, આસક્તિમાંથી મુક્ત થઈ તમારી પોતાની જાત સુધી પહોંચવાની. આ મુસાફરી જેટલી બહારની છે, એટલી જ અંદરની પણ છે કેમકે જે સ્વને પામી લે છે એ જ સર્વને પામી શકે છે.

જંગલી અંધારું સમાધાનથી પર હોય છે પણ આગળ વધતાં જઈશું તો બાહરી શોરબકોર ક્રમશઃ શમતો જશે અને તમને પોતાનો અવાજ સંભળાવા માંડશે, જેને ચિલ્લાઈ-ચિલ્લાઈને દબાવી રખાયો હતો. સંસારમાં બીજું બધું સાથ છોડી દેશે, પણ તમારો અવાજ, જો એ પોતીકો હશે તો તમારી સંગતિ કાયમ જાળવી રાખશે. જાતને પ્રાપ્ત કરવાની આ ઘડી આત્મસાક્ષાત્કારની ઘડી છે. આ ઘડીએ તમે જાણી જાવ છો એ સનાતન સત્ય કે તમે યદિ કોઈને બચાવી શકો છો તો એ માત્ર તમારી પોતાની જાતને જ. અને આ દુનિયામાં તમે આ એક કામ કરવાથી વિશેષ બીજું કશું જ કરવા કદી સક્ષમ હતાં જ નહીં. કોઈ હોતું નથી. દુનિયાને બચાવવાની જરૂર નથી, જાતનો જ ઉદ્ધાર કરો. દરેક જણ પોતાને ઉગારી લેશે તો દુનિયા આપોઆપ જ ઉગરી જવાની. ગૌતમ, મહાવીર, કબીર- કોઈએ સંપ્રદાયની સ્થાપના કરી નથી. સંપ્રદાય તો ભક્તોએ ઊભા કર્યા. જે ધર્મગુરુ સંપ્રદાયની સ્થાપના જાતે કરે છે એ તો તરકટી તકસાધુ પયગંબરો છે.

ઈસુથી લઈને મહંમદ સુધી અને ગૌતમથી લઈને ગાંધી સુધી – કંઈ કેટલાય મસીહા-પયગંબર-ધર્મગુરુ પૃથ્વીના પટ પર આવ્યા અને ગયા. માણસ બદલાયો નહીં. બદલાશે પણ નહીં. કેમકે સનાતન સત્ય માણસ માત્ર પોતાના રસ્તે ચાલીને જ મેળવી શકે છે, કોઈના ચીંધેલા કે ચાતરેલા રસ્તે નહીં. બુદ્ધ થવું હોય કે મહાવીર- પોતાનો રસ્તો તો જાતે જ શોધવો પડે. પડેલા ચીલે ચાલવાથી કંઈક કર્યાનો આત્મસંતોષ થાય એટલું જ, બાકી જ્ઞાન મેળવવું હોય, અંતિમ સત્ય શોધવું હોય તો तोबे एकला चलो रे (તમે એકલા ચાલો રે- ટાગોર). ‘તું તારા દિલનો દીવો થા ને’ કહો કે પછી, ‘દોસ્ત! સહુનું પોતીકું અજવાળું હોવું જોઈએ’ કહો, દરેકે પોતાની મુસાફરી જાતે જ કરવાની છે. રૂમી પૂછે છે, ‘અને તમે? તમે ક્યારે શરૂ કરશો તમારી અંદરની એ લાંબી મુસાફરી?’ એક ગીત સાથે વાત પૂરી કરીએ:

જાત કહે એ સાચુ, સાધુ
જાત કહે એ સાચુ.

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો! સાચ આપકી બાની,
ઘટનાં અંધિયારાં પીવાં કે ઘાટ ઘાટનાં પાણી?
ગૌતમ, મહાવીર, મહંમદ, ઈસુ, નાનક, હો કે સાંઈ,
ભીતરના દરિયે ડૂબ્યા જે, સહજ સમાધિ પાઈ.
લાખ ગુરુ પડતાં મેલીને
ખુદની ભીતર જાંચુ.

મસમોટા ગ્રંથોનાં પાનાં જીવનભર ઊથલાવ્યાં,
અક્ષરની ગલીઓમાં ક્યાયે અજવાળાં ના લાધ્યાં;
પ્રશ્ન થયો આ લહિયાઓએ કેટલા ગ્રંથો વાંચ્યાં?
અવર અંગુલિ ઝાલી બોલો, કોણ અલખને પામ્યા?
ખુદનું ખુદ લખે તે સાચુ,
જાતનું પુસ્તક વાંચુ.

રે હંસા -ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : બ્રિયા ભટ્ટ,ઈરમ શેખ,ક્રિશા પટેલ,વૈદેહી પટેલ,યશ્વી ઠક્કર,યુગ મેકવાન
સંગીત : દેવાનંદ ચાવડા
સ્વરાંકન : કચ્છનો લોકઢાળ

.

રે હંસા શબદ પિયાલા ભરીને પી વળ્યાં જી
એને કેવાં કીરતન કેવાં નામ રે
હંસા એવાં રે જડે તે જણને રોકવા જી

હંસા શબદ તમુંને નભમાં લઈ વળે જી
રહેશે પ્રથમી પટે પરછાઈ રે
હંસા છાયાને જીવ્યાં તે અજરા હુઈ ગયાં જી

હંસા છાયા તો જીવે છે એનાં તેજમાં જી
એમાં કોઈ દીન પડે નહીં ઝાંખ રે
હંસા નથી એ સૂરજ ના તો ચાંદની જી

રે હંસા અખશર ઉકેલો થારા નામરા જી
જેને ઉકલ્યા પોતાના નિવાસ રે
એ તો ક્યાંયે ના જવાના પાછા આવવા જી

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ભાળો ભાળો રે – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : મેધા ભટ્ટ
સંગીત : શ્યામલ ભટ્ટ
સ્વરાંકન : માળવાના લોકઢાળ પર આધારિત

.

ભાળો ભાળો રે ભાઈ મારા ભાળો
નજરું ભીતર નાખ
એમાં ભાળો રે સાધો
વણદીઠયા હો જી

હાલો હાલો રે ભાઈ મારા હાલો
ખોલી બંધ કમાડ
મારગ લેજો રે સાધો
વણચીંધ્યા હો જી.

વરસો વરસો રે ભાઈ મારા વરસો
વરસો અન: આધાર
કોઈ રહે ના સાધો
વણભીંજ્યા હો જી.

ગાઓ ગાઓ રે ભાઈ મારા ગાઓ
ઝીણાં ગીત હજાર
શબદ વણજો રે સાધો
વણકીધા હો જી.

ભણજો ભણજો રે ભાઈ મારા ભણજો
શીખજો અકથ અવાક
એવા રહેજો રે સાધો
વણશીખ્યા હો જી.

મળજો મળજો રે ભાઈ મારા મળજો
ક્યાં ક્યાં લેશું અવતાર
એવા રહેજો રે સાધો
વણછૂટ્યા હો જી.

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ખમ્મા વીરાને – ન્હાનાલાલ કવિ

રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

Video Credits :
Singer – Ishani Dave ,Hardik Dave
Original Lyrics : Nanhalal Kavi
Additional lyrics : Pranav Pandya
Music Rearranged and Programmed By – Hardik Dave
Piano – Nayan Kapadiya
Recorded at- Swarag Studio

ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ
મોંઘામૂલો છે મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ
બીજો સોહાગી મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

રાજ તો વિરાજે રાજમંદિરે રે લોલ
પારણે વિરાજે મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ
ફુલમાં ખીલે છે મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

આંગણે ઉજાસ મારે સૂર્યનો રે લોલ
ઘરમાં ઉજાસ મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

એક તો આનંદ મારા ઉરનો રે લોલ
બીજો આનંદ મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

દેવે દીધી છે મને માવડી રે લોલ
માવડીએ દીધો મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

-મહાકવિ નાનાલાલ

ગ્લૉબલ કવિતા: ૨૧૨ : વાખ્યાની – લલ્લા

वाक्यानी

नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि भु चू मि मिलो ना जाना
चू कु भु कु क्यों सन्देह् ॥

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

વાખ્યાની

નાથ ! હું કોણ છું? હું ના જાણું,
ચાહ્યો સદા મેં આ જ કુદેહ,
તું જ હું, હું જ તું, મેળ ન પ્રમાણું,
તું કોણ? હું કોણ? શો સંદેહ?

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ વસ્તુ,
એક પવન મન બંનેને કર,
પૂજ્યા કરે છે, પંડિત! શું તું?

સૂર્ય ગયો, પથરાઈ જ્યોત્સ્ના,
ચંદ્ર ગયો, બસ, ચિત્ત બચ્યું ત્યાં;
ચિત્ત ગયું તો ક્યાંય કશું ના,
આભ, ધરા, અવકાશ ગયાં ક્યાં?

મારાં કર્મો મારા જ માથે,
પણ ફળ એનાં બીજાં જ ખાશે;
શ્રેષ્ઠ હશે, જ્યાં જઉં, સંગાથે,
દઉં સઘળું એને જો વિણ આશે.

– લલ્લા
(અનુ. વિવેક મનહર ટેલર)


ઉપર અલ્લા, નીચે લલ્લા !

કહે છે સમયથી મોટો બીજો કોઈ વિવેચક નથી થયો, નહીં થશે. સમય કોઈની શેહશરમ રાખતો નથી. એની ચાળણી ભલભલાંને ચાળી નાંખે છે. ઇતિહાસ સાક્ષી છે કે ભલભલા સર્જકો અને એમના બહુખ્યાત સર્જનોને પણ જો ગુણવત્તા ન હોય તો, સમય નામનો અજગર બેરહમીથી ગળી ગયો છે. અને પોતાના સમયમાં જરાપણ જાણીતા ન હોય એવા સર્જકોને સમયે ગુમનામીની ગર્તામાંથી પણ બહાર ખેંચી આણ્યા છે. જીવતી હતી ત્યારે એમિલી ડિકિન્સનને કોણ જાણતું હતું? એની કવિતાઓ ક્યાં તો સાભાર પરત કરાતી અથવા પુષ્કળ કાંટછાંટ પછી પ્રગટ કરાતી. એના નિધન બાદ એની બહેને એની કવિતાઓ પ્રગટ કરી અને આજે એનું નામ શ્રેષ્ઠતમ અંગ્રેજી કવિઓમાં માનપૂર્વક અગ્રસ્થાને શોભે છે. વિલિયમ બ્લેક,થરો, કિટ્સ, કાફ્કા જેવા સર્જકો મૃત્યુ પછી જ દુનિયાની સામે પ્રગટ થયા અને અમર થઈ ગયા. જે મરીઝને મુશાયરામાં હુરિયો બોલાવીને બેસાડી દેવાતા, એ જ પછી ગુજરાતના ગાલિબ તરીકે પોંખાયા. સૉશ્યલ મિડીયાના અતિક્રમણના કારણે આજે મણમણના ભાવે સર્જકો આપણા માથે થોપાઈ રહ્યા છે અને ઇયત્તા ગુણવત્તાનો ભોગ લેશે એવો ડર સર્વત્ર પ્રવર્તી રહ્યો છે, પણ સમયના માથે છોડી દો બધું. જે ખરું સોનુ હશે એને જ સમય સાચવનાર છે. બાકીનું આપોઆપ ભૂંસાઈ જશે. નરસિંહ કે મીરાંને ટકી રહેવા માટે કોઈ સૉશ્યલ મિડીયાની જરૂર પડતી નથી. સમય જેને ભૂંસી-ભૂલાવી શક્યો નથી એવું જ એક નામ છે કાશ્મીરની લલ્લા.

લલ્લા કહો, લલ્લેશ્વરી કહો કે લાલ દીદ… એ ચૌદમી સદીની શરૂઆતમાં (જન્મ આશરે ૧૩૦૧ અથવા ૧૩૧૭-૨૦?; મૃત્યુ: ૧૩૭૩?) પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી શૈવ પંથની પ્રચારક, અર્ધનગ્ન વણજારણ, સૂફી સાધ્વી અને કવયિત્રી યોગિની હતી. એ એટલી આત્મીય લાગે છે કે એને વહાલથી તુંકારે જ બોલાવવી પડે. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. ૧૨ વર્ષની વયે લગ્ન. લગ્ન પછીનું નામ પદ્માવતી. કહેવાય છે કે સાસુએ ત્રાસ આપી આપીને એને ઘર ત્યાગવા મજબૂર કરી હતી. કાશ્મીરીઓ કહે છે, ‘होन्ड मारान किना काथ, लाली नलवुच बालि न झाह’ (મેંઢ માર્યો હોય કે ઘેટું, બધું સરખું જ; લલ્લાના ભાણામાં હંમેશા પથરો જ આવતો.) પથરા પર ભાત પાથરી દેવાતો જેથી વધુ માત્રામાં ભાત આપેલો દેખાય. લલ્લા કહેતી, ‘એ લોકોએ મને અપમાનોના કોરડા માર્યા, ગાળોથી વધાવી, એમનું ભસવું મારે મન કંઈ નથી. એ લોકો આતમફૂલ અર્પવા પણ આવે તો મને પરવા નથી. નિઃસ્પૃહ, હું આગળ વધું છું.’ લલ્લા બેવફા છે એની સાબિતી મેળવવા એની પાછળ ગયેલા પતિને લલ્લા જંગલના એકાંતમાં ભક્તિમાં લીન નજરે ચડી. ૨૬ની વયે ગૃહત્યાગ કરીને એણે પરિવ્રાજિકા-વણજારણની જિંદગી અપનાવી. કહે છે, એ અર્ધનગ્ન કે સંપૂર્ણ નગ્નાવસ્થામાં રઝળપાટ કરતી, નૃત્ય કરતી અને ગીતો રચતી-ગાતી. લલ્લા કહે છે, ‘મારા સ્વામીએ મને એક જ નિયમ આપ્યો છે, બાહ્ય ભૂલી જા, ભીતર જા. મેં, લલ્લાએ, આ શિક્ષણ દિલમાં ઉતારી દીધું, એ દિવસથી હું નગ્ન નાચતી ફરું છું.’ રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે બોલાય છે. તમામનું કર્તૃત્વ નક્કી કરી શકાયું નથી. પણ જે છે એ સર્વોત્તમ છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. લલ્લાની રચનાઓ પેઢી દર પેઢી કંઠોપકંઠ વહી આવી હોવાથી, અને કાળક્રમે કાશ્મીરી ભાષામાં પણ ઘણો બદલાવ આવ્યો હોવાથી વર્તમાન વાખ એના મૂળ વાખ કરતાં અલગ જ હશે એમાં શંકા નથી, પણ એ વાખોનો છંદોલય, એમાં રસીબસી અનનુભૂત કવિતા અને લલ્લા માટેનો લોકાદર લેશમાત્ર બદલાયા નથી. લલ્લાની વાખ નાના કદ-કાઠી, પ્રવાહી લય, ચુસ્ત પ્રાસનિયોજન, સતત રણક્યે રાખતી વર્ણસગાઈ અને આંતર્પ્રાસોના કારણે વાંચતાવેંત હૃદયમાં સ્થાન કરી લે છે. મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી તરજૂમો કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાખ્યાની’ પુસ્તકમાં સમાવિષ્ટ અંગ્રેજી ભાષાંતર અને કાશ્મીરી-અંગ્રેજી શબ્દકોશ; રંજીત હોસકોટેના ‘આઇ, લલ્લા’પુસ્તકમાંના અંગ્રેજી અનુવાદ તથા મૂળ કાશ્મીરી રચનાના નાદ-વર્ણનો સહારો લીધો છે.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એ અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા રજૂ કરે છે તો બીજી તરફ ઈશ્વરસાધના અને સુવાંગ સમર્પણ. સ્વ જ સર્વ છે -अहम ब्रह्मास्मि- ના અનાહત નાદમાં એને સંપૂર્ણ શ્રદ્ધા છે. ધ્યાનથી પરખીએ તો લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધું જ રસાઈને વાખની ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં એ રીતે સમાઈ જાય છે, જે રીતે ગંગાસતી વીજળીના ક્ષણાર્ધભરના ચમકારામાં મોતીડાં પરોવી લે છે. લલ્લાના વીજચમકારનો પ્રકાશ સનાતન છે, અચાનક અંધાર થાતો નથી. એમનેમ કંઈ ‘ઉપર અલ્લા, નીચે લલ્લા’ કહેવાયું નથી. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. કાશ્મીરમાં એવા હિંદુ કે મુસલમાન જડવા મુશ્કેલ છે, જેમની જીભે લલ્લાની વાખ રમતી ન હોય.

થોડી વાખનો સ્વાદ ચાખીએ:

(૦૧)
યજુર્વેદમાં વ્યાસના આગ્રહથી શિવે શુકદેવને બ્રહ્મ રહસ્યના ચાર સૂત્ર આપ્યાં હતાં:

प्रज्ञानं ब्रह्म (પ્રકટ જ્ઞાન બ્રહ્મ છે)
अहम् ब्रह्माऽस्मि (હું જ બ્રહ્મ છું)
तत्त्वमसि (એ તત્ત્વ તું જ છે)
अयमात्मा ब्रह्म (આ આત્મા બ્રહ્મ છે)

લલ્લાની પ્રથમ વાખનો પ્રધાન સૂર આ બ્રહ્મરહસ્યની ફરતે જ ગૂંથાયેલ છે. સ્વની શોધ સનાતન રહી છે. જન્મથી મૃત્યુપર્યંત જે મકાનમાં આપણે રહીએ છીએ એ મકાનની ખરી ઓળખ કેટલા કરી શકે છે? ब्रह्म सत्यं, जगत मिथ्या નો સ્વીકાર અસ્તિત્વના તળ તાગવા આપણને મજબૂર કરે છે. જો કે ઉપનિષદ એમ પણ કહે છે કે, जगदपि ब्रह्म सत्यं न मिथ्या॥ (જગત પણ બ્રહ્મ છે, આ સત્ય છે, મિથ્યા નહીં) લલ્લા પણ ‘હું કોણ છું’નો શાશ્વત પ્રશ્ન ઊઠાવતાં કહે છે કે આખી જિંદગી હું આ જાતને જ ઓળખી ન શકી. દેહની આસક્તિ પાછળ જ જીવન પૂરું થઈ ગયું. કાયા તો માત્ર પિંજરું છે, પંખી તો એમાં કેદ આત્મા છે. ઓળખ આત્માની કરવાની હોય. પણ આપણી આખી જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ જાય છે. આપણો ‘હું’ અને બ્રહ્મનો ‘તું’ – બંને અભિન્ન છે; દ્વૈત નહીં, અદ્વૈત છે (जीवब्रह्मैक्य) એ તથ્ય જ વિસરાઈ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે, ‘सर्वस्य चाहं हृदि सन्निविष्टो’ (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું.) મનુષ્ય, પ્રકૃતિ અને પરમેશ્વર-બધા એક જ છે. પરમબ્રહ્મની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું, શંકા સેવવી એ જ સૌથી મોટી ભૂલ છે. જીવમાત્ર શિવનો જ અંશ છે એ સત્ય ભીતર ઝળહળે નહીં ત્યાં લગી આપણે મોક્ષ માટે લાખ-હજાર વાનાં કેમ ન કરીએ, વ્યર્થ છે. લલ્લા કહે છે, ‘પ્રેમઘેલી હું ફરીફરીને પાછી આવું છું તો ગુરુજી મારા ઘર(શરીર)માં જ જડે છે.’ सर्वँ खल्विदं ब्रह्म| (આ બધું બ્રહ્મ જ છે.) (છાન્દોગ્ય ઉપનિષદ)

(૦૨)
બીજા વાખમાં લલ્લા આજ વાત અલગ રીતે કરે છે. એ કહે છે, મંદિરમાં પ્રસ્થાપિત દેવની મૂર્તિ પથ્થર છે, સ્વયં મંદિર પણ પથ્થર છે. આટલું જ નહીં, માથાથી પગ સુધી બધા માત્ર પથ્થર જ છે. એક જ પદાર્થ છે. આપણે શેની પૂજા કરીએ છીએ? શું પૂજીએ છીએ? પથ્થર? આપણે શેની પૂજા કરવાની છે? પથ્થરની કે ઈશ્વરની? ખરો ઈશ્વર તો આપણી અંદર જ છે કેમકે આપણે ઈશ્વરના જ અંશ છીએ. નવાઈ લાગે પણ કાશ્મીરના જંગલોમાં સાતસો વર્ષ પહેલાં નગ્ન રખડતી એક યોગિની અને ચારસો વર્ષ પહેલાં ‘પથ્થર એટલા પૂજે દેવ’ કહેનાર ગુજરાતના એક સોની અખા વચ્ચે કેટલી હદે વિચારસામ્ય જોવા મળે છે:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

લલ્લા પણ આ જ કહે છે. બ્રહ્મજ્ઞાન બહારથી નથી આવવાનું. આપણું મન અને આપણા શ્વાસ – ચિત્ત અને પ્રાણ –એકાકાર ન થાય તો ઈશ્વર ક્યાંથી મળવાનો? યોગિની લલ્લાનો સાફ ઈશારો યોગિક પ્રાણાગ્નિહોત્ર, પવિત્ર શ્વાસોની આહૂતિ –પ્રાણાયમ તરફ છે. એ કહે છે, ‘પલાંઠી વાળીને શ્વાસ રોકવાથી સત્ય નહીં મળે. દીવાસ્વપ્ન મોક્ષના દરવાજા સુધી નહીં લઈ જાય. પાણીમાં ગમે એટલું મીઠું નાખો, એ સમુદ્ર નહીં બને.’ એ કહે છે, ‘એ જાણે છે કે એ જ ઈશ્વર છે, એ કોની પૂજા કરે?’ લલ્લા ભૂખ-તરસથી શરીરનું દમન કરવાની ના કહે છે. કહે છે, ‘એના બદલે શરીર ગબડે ત્યારે એને હાથ આપો. સોગંદો અને પ્રાર્થનાઓ જાય ભાડમાં, બસ, અન્યોને મદદ કરો. આથી વધુ સાચી કોઈ ભક્તિ જ નથી.’ આમ, લલ્લા સર્વેશ્વરને સ્વમાં અને સર્વમાં શોધવા કહે છે.

(૦૩)
સૂર્ય અદૃશ્ય થાય ત્યારે ચાંદો પ્રકાશે છે અને ચંદ્ર અસ્ત થાય ત્યારે સૂર્યનો ઉદય થાય છે. પણ આ તો સમયચક્ર થયું. લલ્લા એની વાત નથી કરતી. લલ્લા void in to voidની વાત કરે છે. ચાંદ-સૂરજનો યૌગિક સંદર્ભ એને અભિપ્રેત છે. આપણા શરીરમાં સાત મૂળ ચક્રો છે, જે ઊર્જાપ્રક્રિયા માટેના મૂળભૂત સ્રોત છે. આ સિવાય યોગમાં ચંદ્ર અને સૂર્ય ક્રમાનુસાર સૌથી ઉપરના અને નીચેના ચક્રો ગણાય છે. ધ્યાનની ચરમસીમાએ સૂર્ય-ચંદ્ર, અર્થાત્ સૃષ્ટિ એના સંદર્ભો ગુમાવી અદૃશ્ય થાય છે. ચિત્ત જ રહી જાય છે. અને ચિત્ત પણ ઓગળી જાય ત્યારે ચૈતન્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ચિત્ત યાને consciousness ને અતિક્રમી જાય છે, ત્યારે ક્યાંય કશું બચતું નથી. આભ, ધરા, અવકાશ બધું જ અદૃશ્ય થઈ જાય છે. ‘અદૃશ્ય થવા’નો ખરો અર્થ અહીં ‘ચેતનામાં ઉપસ્થિતિ ઓગળી જવી’ થાય છે. મતલબ યોગી એની ચેતનાને મર્ત્યલોકમાંથી ઊંચે લઈ જઈ અમર્ત્યલોક-બ્રહ્મલોક સુધી વિસ્તારે છે. વયષ્ટિ અને સમષ્ટિ વચ્ચેનો તફાવત સર્વસમાવિષ્ટ ચેતનામાં ડૂબીને સમરસ થઈ જાય છે. લલ્લા ઘણીવાર અવકાશ અવકાશમાં ભળી જવાની વાત કરે છે. એક વાખમાં એ કહે છે, જ્યારે શાસ્ત્રો ઓગળી જાય છે, ત્યારે જપ રહે છે, જ્યારે જપ ઓગળી જાય છે ત્યારે ચિત્ત રહે છે, જ્યારે ચિત્ત ઓગળી જાય છે ત્યારે શું બચે છે?

(૦૪)

ચોથા વાખમાં ભગવદગીતાનો कर्मण्येवाधिकारस्ते, मा फ़लेषु कदाचन्નો શંખધ્વનિ સંભળાય છે. કહે છે, જે હું કરું છું એની જવાબદારી મારા માથે છે. મારાં કર્મનો મારે જ અંજામ આપવાનો છે. એનાં ફળ બીજાને મળે એનો સંતાપ કેમ કરવો? ખૂન-લૂંટ-ચોરી વાલિયો લૂંટારો કરે પણ પેટ પરિવારનું જ ભરાય ને! આંબો રોપે એક પેઢી અને ફળ ખાય આવનારી પેઢીઓ. આપણાં કર્મ બીજી દુનિયામાં કે બીજા જન્મમાં આપણી સાથે આવતાં નથી, એ અહીં જ વારસદારોના હાથમાં મજાક બનીને રહી જાય છે. સાચો ધ્યાની અને જ્ઞાની તો માત્ર કર્મ જ કરે છે અને ફળની આશા ન રાખી, બધાં જ ફળ ‘એ’ને સુપ્રત કરી દે છે. આમ કરીએ તો દુનિયામાં જ્યાં જઈએ, બધે અછોવાનાં જ છે. ફળની આશા વિનાના કર્મમાં अखिलम् मधुरम् જ હોવાનું. ભક્તિયોગ તરફ ધ્યાન આપીને મનુષ્ય ફળની આશા વિના કર્મયોગમાં પ્રવૃત્ત થાય તો એના કર્મના તમામ ફળ મોક્ષસ્વરૂપે એ પોતે જ પામનાર છે. પણ છોડવું એ મેળવવાની એકમાત્ર પૂર્વશરત છે.

લલ્લા કહે છે, ‘મૂર્ખ, પુસ્તકમાંથી પ્રાર્થના કરીને રસ્તો નહીં જડે, તમારા હાડપિંજર પરની સુગંધ કોઈ ઈશારો નહીં આપે. સ્વ પર ધ્યાન આપો. આજ ઉત્તમ સલાહ છે.’ એ કહે છે કે, ‘શિવ હિંદુ કે મુસલમાનમાં ફરક કરતો નથી. સૂર્ય બધા પર સમાન રીતે જ પ્રકાશે છે. સાધુ હો કે ગૃહસ્થ, લલ્લા ફરક જોતી નથી.’ આ જ વાત એ આરીતે પણ કહે છે: ‘સૂર્ય શું બધા સ્થળને પ્રકાશિત નથી કરતો? શું એ માત્ર સારી ભૂમિને જ રોશન કરે છે? વરુણ શું દરેક ઘરમાં નથી પ્રવેશતો?’ અન્યત્ર એ કહે છે, ‘જો તમે તમારી ઇચ્છાઓને સમયની નદીમાં ઓગાળી દીધી હોય તો તમે જોઈ શકશો કે ઈશ્વર સર્વત્ર છે અને સંપૂર્ણ છે. જે તમે જાણો છો, એ જ તમે થશો.’

ટૂંકમાં, સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નાચતી-ફરતી લલ્લા નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આત્મા પરથી આડંબરના વસ્ત્રો ફગાવી દઈ સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કર્યું હોય તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના નિર્વસ્ત્ર દેહને વાસનાસિક્ત નજરોથી જોવાના બદલે મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે.

હરિ તને – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર ,સ્વરાંકન : જયંતિ રવિ

.

સ્વર : રાસબિહારી દેસાઇ

.

હરિ તને શું સ્મરીયે આપણ જળમાં જળ સમ રહીયે
વણ બોલે વણ સાંભળીયે પણ મબલખ વાતો કરીયે
હરિ તને શું સ્મરીયે …

કોને કોના દર્શન કરવા કોનું ધરવું ધ્યાન
ચાલને એવું રહીયે જેવું લીલાશ સાથે પાન
હું પાણી, તું દરીયો એમાં શું બુડીયે શું તરીયે!
હરિ તને શું સ્મરીયે …

પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી
હું થી તું અળગો છે એવી વાત ક્યહીંથી સુઝી
કોને જોડું હાથ, ચરણમાં કોના જઈને પડીયે!
હરિ તને શું સ્મરીયે

– ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

જાગ્યા મારાં સપનાં – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : શ્યામલ ભટ્ટ

.

જાગ્યા મારાં સપનાં વીણપાર
સંતો ભાઈ જાગ્યા મારાં સપના વીણપાર
સપને સાંઠીકા મેં તો ભાળીયાં હો જી

લઇ અમે ઉડિયા અંકાશ
સંતો રે સાધો લઇ અમે ઉડિયા અંકાશ
વિના કોઈ આધારે દળમાં વાવીયા હો જી

વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર
સંતો ભાઈ વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર
નભને ખાલીપે ઝૂલ્યાં ઝાડવાં હોજી

ઝૂલેને બોલાવે આવો આમ
સંતો ભાઈ ઝાડવાં બોલે કે આવો આમ
આવો ને લઇ જાજો મારાં છાંયડા હો જી

એવાં છાંયે પોઢાડી લઇ જાત
સંતો ભાઈ એવા છાંયે પોઢાડી લઇ જાત
સપને ઊંઘ્યાં ને સપને જાગીયા હો જી

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત