ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?
– ઉમાશંકર જોશી
ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?
– ઉમાશંકર જોશી
લગભગ ૨ વર્ષ પહેલા (Nov 16, 2009) ફક્ત શબ્દો સાથે પ્રસ્તુત કરેલ આ ગીત – આજે ગૌરાંગભાઇના અદ્ભૂત સ્વરાંકન સાથે ફરી એક..! ગમશે ને? 🙂
અને હા, આ ગીતની સાથે જ યાદ આવે, એવું રમેશ પારેખનું બીજું એક ગીત છે :
હાથીમતીનું પાણી રમતું પરપોટો પરપોટો,
છાનો છપનો મેં તો એનો પાડી લીધો ફોટો.
થોડા દિવસમાં એ ગીત પણ ચોક્કસ સંભળાવીશ..! પણ એ ગીત સાથે મુકવા માટે કવિ શ્રી રમેશ પારેખે પાડેલો ફોટો મારી પાસે નથી. કવિ શ્રી ની જેમ જ તો તમે હાથમતી નદીનો છાનો છપનો કોઇ ફોટો પાડી લીધો હોય, અને ટહુકોના મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા હોય, તો એ ફોટો મને મોકલશો?
ચલો, આજે તો મઝા લઇએ આ મઝાના વૃંદગાનની!
સ્વર – ? (વૃંદગાન)
સ્વરાંકન – ગૌરાંગ વ્યાસ
( . … Photo: Shaders.co.uk)
સ્વર : ભારતી વ્યાસ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત
.
પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,
પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય,
પાણીથી કેમ કરી અળગા થવાય?
પરપોટો પાણીમાં મુંઝાય..
પાણીમાં બંધાણું એનું પોત હો ખલાસી,
અને પાણીમાં છપાણું એનું નામ.
સામગામ પરપોટા સોંસરો દેખાય,
અને પરપોટો ફૂટ્યો અહીંયા,
અરે પાણીમાં રહેવાને કાળીમાં ના રહેવા..
હો ખલાસી.. હો ખલાસી…
પરપોટો પાણીમાં મુંઝાય..
પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી,
એમાં કેમ કરી ઉડવા જવાય,
પાંગળા તરાપા ને હોડીયું પાંગળી,
તે પાણીમાં તો એ ઉડે ભાઈ.
અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..
પરપોટો પાણીમાં મુંઝાય..
– રમેશ પારેખ
કોઇક અખબારના Classified section માં (કે પછી monster.com / LinkedIn.com પર) એક ‘કવિ’ની નોકરી માટે જો જાહેરખબર આપવી હોય, તો એના Job Description માટેની વિગત અહીં પ્રસ્તુત કવિતામાં જોઇ લો.. 🙂
*********
ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.
– જયન્ત પાઠક
—————-
આ કવિતાના સંદર્ભમાં – કવિ શ્રી જયન્ત પાઠકની બીજી એક કવિતા – કવિતા ન કરવા વિશે કવિતા – પણ માણવા લાયક છે..!!
સ્વર – અભરામ ભગત અને સાથીઓ
હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી.
હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી.
હો એક રે ગાયનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ … હે જી રે કર્મનો સંગાથી
હો એક રે વેલાના દો દો તુંબડાં,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળિયાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે વાંસની દો દો વાંસળી,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવરની,
બીજી વાગે વાદીડાને રે ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે માતને દો દો બેટડા,
લખ્યાં એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય ….
હે જી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ … હે જી રે કર્મનો સંગાથી.
– મીરાંબાઈ
(શબ્દો માટે આભાર – સ્વર્ગારોહણ.કોમ, AudioFile માટે આભાર – નિતિનભાઇ પટેલ)
લયસ્તરો પર વિવેકે ગીતાંજલીનો અનુવાદ મુક્યો, તો મને સ્હેજે યાદ આવ્યું કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના કેટલાક ગીતોનો અનુવાદ અને એમનું એકદમ તાજ્જુ સ્વરાંકન મને અસીમભાઇ-માધ્વીબેન પાસેથી મળ્યું છે – એનો બીજો ભાગ તમારી સાથે વહેંચી લઉં..!
સ્વર-સ્વરાંકન : માધ્વી – અસીમ મહેતા
આલબમ – રવીન્દ્ર ગુર્જરી
સૂરની તારી ધાર વહે જ્યાં એની પ્રેરક પારે,
દેશે કે શું વાસો મને એક કિનારે? – સૂરની..
મારે સૂણવી એ ધૂન કાને
મારે ભરવી એ ધૂન પ્રાણે
સૂરધૂને એ ઊરવીણાના બાંધવા મારે તાર, વારંવારે – સૂરની..
મારા આ સૂનકારે
તારા એ સૌ સૂરેસૂરે
ફૂલની ભીતર રસ ભરે તેમ
ગુંજી રહે ભરપૂરે
મારા દિન ભરાશે, જ્યારે
કાળી રાત ઘેરાશે ત્યારે
ઉરે મારે ગીતના તારા ચમકી ઉઠે હારેહારે – સૂરની.
– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. – પિનાકીન ત્રિવેદી)
આજે ઊર્મિની એક મનગમતી ગઝલ.. એક હાઇકુ અને ઊર્મિએ જ પાડેલા આ મઝાના picture સાથે..! Happy Birthday ઊર્મિ..!!!

*
લૈને મારાથી
હૈયાવટો… શેં દીધો
રાધાપો મને ?
*
યાદ છે એ વગડા વનમાળી તને?
વાંસળીની જેમ ફૂંકી’તી મને…
ક્યાં રહ્યા’તા રાવ કરવા હોશ પણ !
મોરપીંછું મારી વશ કીધી મને.
સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં,
પણ પ્રભુતાથી પછી લૂંટી મને.
વાંસળી ફૂંકી કે ફૂંક્યો શંખ તેં,
આખરે તો બેયથી વીંધી મને.
એક તો- તારું મને ઝુરાવવું…
ને આ તારી યાદે પણ પીંખી મને.
‘ઊર્મિ’ની ભરતી સતત દીધા પછી,
એકધારી ઓટ દઈ દીધી મને.
-‘ઊર્મિ’
સ્વર – હરીહરન
સ્વરાંકન – અજિત શેઠ
આપણા દુ:ખનું કેટલું જોર ?
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !
ભારનુ વાહન કોણ બની રહે?
નહી અલૂણનું કામ, આપણ તો બડભાગી,
ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
જલભરી દ્રગ સાગર પેખે,
હસતી કમળફૂલ, કોકડું છે પણ રેશમનું,
એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
આપણે ના કંઈ રંક,
ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
-રાજેન્દ્ર શાહ
ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો
ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો
આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
– મનોજ ખંડેરિયા
આ મઝાનું પદ mp3 file અને શબ્દો લખી ટહુકોના ભાવકો માટે મોકલવા બદલ શ્રી લલિતભાઇનો ખૂબ ખૂબ આભાર.
રચના : દયારામ
સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નાનજી ભાઇ મિસ્ત્રી
સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં
હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ
વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ
હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે
વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે
કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે
કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે … હું શું જાણુ
એકલડી દેખે ત્યાં પાવ રે લાગે
રંક થઇ કાંઇ કાંઇ મારી પાસે માંગે
જ્યાં જ્યાં જ્યાંથી જાણે ત્યાંથી આડો આવી ઝુકે
દયાનો પ્રીતમ મારો કેડો નવ મુકે … હું શું જાણુ
આ મઝાનું પદ mp3 file અને શબ્દો લખી ટહુકોના ભાવકો માટે મોકલવા બદલ શ્રી લલિતભાઇનો ખૂબ ખૂબ આભાર.
રચના : મીરાબાઇ
સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નાનજી ભાઇ મિસ્ત્રી
કીને કાંકરી મોહે મારી રે
જદુપતિ જલ ભરવા દો (2)
સાવ સોનાની ઝારી અમારી
રતન જડિત રઢીયાળી
સાસુ રિસાળ મોરી નણદી હઠીલી
દિયર દે મોહે ગારી રે …..
જદુપતિ જલ ભરવા દો …કીને કાંકરી …..
કદમ્બ તળે કહાના રાસ રમે ને
નાચે રાધા પ્યારી
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ જાઉ વારી રે
જદુપતિ જલ ભરવા દો . …કીને કાંકરી ….