આજનો દિવસ ગુજરાતી કાવ્ય અને સંગીતજગત માટે ખરેખર મહત્વનો ગણાય. આજે કવિશ્રી ઉમાશંકર જોષી અને સંગીતકાર-કવિશ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ. ( તા. 21 જુલાઇ, 1911 )
તમે તો ગુજરાતી કવિતાની સાથે સાથે સંગીતમાં પણ રસ ધરાવતા હોય, તો પુરુષોત્તમ ઉપાધ્યાય – ચંદુ મટ્ટાણી દ્વારા પ્રદર્શિત ‘સદા અમર અવિનાશ’ આલ્બમ ( ૪ સીડીનો સેટ ) ખરેખર વસાવવા જેવો છે… અવિનાશ વ્યાસની કલમ અને સંગીતને સલામ કરવાનું મન ન થાય તો કહેજો… !!
કહેવાય છે કે અવિનાશ વ્યાસે સમગ્ર ગુજરાતને ગાતુ અને રમતુ કર્યું. એમના કેટલાય એવા ગીતો છે કે જેના વગરના ગુજરાતી સંગીતજગતની કલ્પના મુશ્કેલ થઇ પડે. એચ.એમ.વી દ્વારા પ્રદ્શિત ‘Gujarati Classics’ series માં લતા મંગેશકર, આશા ભોંસલે, મુકેશ, ઉષા મંગેશકર અને પ્રફુલ દવે દ્વારા ગવાયેલા ૬૦ જેટલા ગીતો છે, એમાંથી અડધોઅડધ અવિનાશ વ્યાસ દ્વારા સંગીતબધ્ધ છે. હમણા કોઇક પુસ્તકમાં વાંચ્યુ કે અવિનાશ વ્યાસે ફક્ત ‘રાખના રમકડા’ ગીતની રચના જ કરી હોત, તો પણ એમનું નામ અમર થઇ ગયું હોત…
ચલો, તમારો વધુ સમય નથી લેવો… સાંભળો અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ થયેલું આ ગીત… અને એમા પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર ફળે એટલે પૂછવું જ શું ? જરા સ્પિકરનો અવાજ વધારીને સાંભળજો… મારા જેવા અમુકને તો વગર નવરાત્રીએ હાથમાં ખંજવાળ આવશે… ( દાંડિયા પકડવા માટે હોં..! )
આજથી તો નવરાત્રી શરુ.. ( જોકે ઘણા માટે તો હવે બીજો દિવસ પણ આવી ગયો છે. ) તો ચાલો.. આજે તો એક કલાક સુઘી ગરબાની રમઝટ બોલાવીએ. જો નવરાત્રી સિવાય ગરબા સાંભળવાના હોય, તો આવા નોન-સ્ટોપ ગરબા કરતા મને એક એક ગરબો આખો સાંભળવો વધારે ગમે. પરંતુ નવરાત્રીમાં એક પછી એક ગરબો આવતો રહે અને આપણે નાચતા રહીએ.. એની જ મઝા છે. અને આજે અહીં જે ગરબા મૂક્યા છે, એમાં એક ખાસિયત એ છે કે એમાં દરેક ગરબાની 2-3 કડીઓ છે… એટલે બીજા બધા નોન-સ્ટોપ ગરબાની સરખામણીએ એક ગરબો વધારે વાર સાંભળવા મળે. અને બીજો ફાયદો એ કે ઘણા ગરબા, જેની આજ સુધી એક જ કડી સાંભળી હોય, એ ગરબાની કોઇ નવી કડી સાંભળવા મળે.
હું જયારે 8 મા ધોરણમાં હતી, ( કદાચ 9મા ધોરણમાં ) ત્યારે સૌથી પહેલી નોન-સ્ટોપ ગરબાની કેસેટ સાંભળેલી. ભાઇ લઇ આવેલો કશેથી. ’49 નોન-સ્ટોપ ઘમાલ ગરબા’ એવું કંઇક ટાઇટલ હતું. એ કેસેટ તો સાચા અર્થમાં સાંભળી સાંભળીને ઘસી નાખી હતી. બીજા વર્ષે કદાચ ‘ખેલૈયો’ આવી હતી. પછી તો ભાઇએ એવી ઘણી બધી કેસેટ ભેગી કરી હતી. ધીમે ધીમે નોન-સ્ટોપ ગરબાનો ક્રેઝ થોડો ઓછો થયો. પછી તો નવી કેસેટ આવવાની બંધ થઇ.. કારણ કે બધામાં લગભગ સરખું જ હોય.. પણ ખાસ કરીને નવરાત્રીના સમયે હજુ પણ મઝા આવે.
બધાને મારા તરફથી નવરાત્રીની શુભકામનાઓ. ( મારા બાળપણના, અતુલની સુવિધા કોલોનીના ગરબાની વાતો કરવી છે.. પણ 2-3 દિવસ પછી.. આજે તો બસ ગરબાની મઝા જ લઇએ…. )
આવતા શનીવારથી તો નવરાત્રી શરુ થાય છે. ગુજરાતમાં તો ઘણા સમયથી માહોલ સર્જાવાનું શરૂ થઇ ગયું હશે. નોન-સ્ટોપ ગરબાની નવી કેસેટ ( અને હવે તો સીડી ) બજારમાં આવી જાય, જ્યાં જુઓ ત્યાં નવરાત્રી માટેના કપડા અને ઘરેણા… મેદાનોમાં સ્ટેજ બંધાવાના શરૂ જાય..
આમ તો ઘ્યાન હતું કે નવરાત્રી આવે છે, પણ કાલે એક મિત્ર સાથે વાત કરી ત્યારે ખબર પડી, કે અરે… આ નવરાત્રી તો આવતા શનીવારથી જ છે. અમેરિકામાં પણ નવરાત્રી તો થાય જ છે, અને ગયા વર્ષે સેન ફ્રાંસિસ્કોની નવરાત્રી માણી પણ હતી, પરંતુ.. ફરક ખબર પડી જાય છે. અતુલ કોલીનીની ગણેશ ચતુર્થીની વાત કરી હતી ને, એમ જ એક દિવસ ત્યાંની નવરાત્રીની પણ વાત કરીશ.
આજે તો નવરાત્રી શરૂ થવાની તૈયારી રૂપે થોડા ગરબા સાંભળીયે.
સ્વર : હેમંત ચૌહાણ
The audio file has been removed from this page. Please visit SoorMandir.Net to purchase this and many more albums from Soor Mandir.