Category Archives: ટહુકો

ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની – અનિલ ચાવડા

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?

સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?

વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.

એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.

– અનિલ ચાવડા

માતૃભાષા – પન્ના નાયક

આજે ૨૧ ફેબ્રુઆરી – આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ..!!  (See: wiki) આજના દિવસની શુભેચ્છાઓ સાથે – પન્ના નાયકની આ કવિતા ફરી એકવાર…

**********
આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા
મને
હજીય ફિલાડેલ્ફિઆમાં
સપનાં ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
કેટલાક ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’
‘આ કોની છબિ છે ?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી ?)

– પન્ના નાયક

હરિ તો હાલે હારોહાર ! – કૃષ્ણ દવે

હું જાગું ઈ પ્હેલા જાગી ખોલે સઘળા દ્વાર

હરિ તો હાલે હારોહાર
નહિતર મારા કામ બધા કાંઈ ઉકલે બારોબાર ?
હરિ તો હાલે હારોહાર.
ખૂબ ઉકાળે, બાળે, ગાળે, દ્વેષ રહે ના લેશ
પછી કહે થા મીરા કાં ધર નરસૈયાનો વેશ
હું ય હરખની હડી કાઢતો ધોડું ધારોધાર
હરિ તો હાલે હારોહાર.
વાતે વાતે ઘાંઘા થઇ થઇ ઘણાય પાડે સાદ
સાવ ભરોસે બાથ ભરી જે વળગે ઈ પ્રહલાદ
તાર મળ્યે ત્રેવડ આવે ઈ નીરખે ભારોભાર
હરિ તો હાલે હારોહાર.
મુઠ્ઠીમાં શું લાવ્યા એની ઝીણી એને જાણ
પ્હોચ પ્રમાણે ખાટા મીઠા પણ જે ધરતા પ્રાણ
એની હાટડીએ હાજર ઈ કરવા કારોબાર
હરિ તો હાલે હારોહાર.
– કૃષ્ણ દવે

ટહુકાનું ભાષાંતર હોય? – મકરંદ મુસળે

મૌનનો ક્યાંયે મંતર હોય ?
ટહુકાનું ભાષાંતર હોય ?

કક્કો ઘૂંટીને શું થાય ?
પ્રેમનું તે કંઈ ભણતર હોય ?

મહેનતથી મ્હેંકે છે કાય,
પરસેવાનું અત્તર હોય ?

આભ જુઓ ત્યારે સમજાય,
ભીંત વગર પણ છત્તર હોય.

માતા જેવું કોઈ ન ગાય,
હાલરડાનું જંતર હોય ?

– મકરંદ મુસળે

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં….

સ્વર – અમી
સંગીત – શ્યામલ સૌમિલ મુન્શી
આલ્બમ – મેઘધનુશ

બા પેલા બાગમાં દોડી દોડી જાઉં (૨)
નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં

આંબાની ડાળે ટહુકે કોયલડી (૨)
કોયલની સાથી ગાઉં ગાઉં ગાઉં

વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો (૨)
હિંચકે હિંચકા ખાઉં ખાઉં ખાઉં

છોડવે છોડવે ઊડે પતંગિયા (૨)
હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં

હરિયાળી બાગમાં નાચે છે મોરલો (૨)
મોરલો બોલે મેં આઉં આઉં આઉં

ॐ તત સત શ્રી નારાયણ તું – આચાર્ય વિનોબા ભાવે

સ્વર – આશિત દેસાઇ, હેમા દેસાઇ
આલબ્મ – ભક્તિ સાગર

ॐ તત સત શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરૂ તું.
સિધ્ધ બુધ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું.
બ્રહ્મ મઝદ તું, યહવ શકિત તું, ઈસુ પિતા પ્રભુ તું.
રુદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહીમતાઓ તું.
વાસુદેવ ગૌ વિશ્વરુપ તું, ચિદાનંદ હરિ તું.
અદ્રિતીય તું, અકાલ નિર્ભય આત્માલિંગ શિવ તું.
ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તું.

– આચાર્ય વિનોબા ભાવે

વરસાદમાં – ઉર્વીશ વસાવડા

એ રીતે આવીને મળ વરસાદમાં
છોડ છત્રી, ને પલળ વરસાદમાં

આપણું શૈશવ મળે પાછું ફરી
હોય એવી બે’ક પળ વરસાદમાં

તાપથી તપતી ધરાના દેહ પર
લેપ લપાતો શીતળ વરસાદમાં

મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં

વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી
તું કહે વરસે છે જળ વરસાદમાં

– ઉર્વીશ વસાવડા

મારા સપના માં આવ્યા હરી – રમેશ પારેખ

સ્વર / સંગીત – શૌનક પંડ્યા

સ્વર: ગાર્ગી વોરા
આલ્બમ: સંગત

.

મારા સપના માં આવ્યા હરી
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી,

સામે મરકત મરકત ઊભા
મારા મનની દ્વારિકાના સુબા,

આંધણ મેલ્યા’તા કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરી બોલ્યા : અરે બ્હાવરી …!

– રમેશ પારેખ

તું મને ના ચહે – હરીન્દ્ર દવે

તું મને ના ચહે,
ને ચહું હું તને,
પ્યાર ના એ મને આવડે છે.

પ્રેમમાં માત્ર પરિત્યાગનો ભાવ,
તો આપણા પંથ જુદા પડે છે.

હું ના બંધન કોઈ માનનારો કદી,
હું ન ‘ચિરકાળ ચાહીશ’ એવું કહું;
કાલ સૌંદર્ય તારું જશે ઓસરી
ને નહીં હુંય તે આજ જેવો રહું.

કાલ તો ઉગશે કાલ
આ આજને માણવા ચિત્ત તારું ચહે છે ?

આવ, તો, આવ હે !
અધરને આંગણે
હ્રદય ત્યાં વાટ તારી લહે છે.

– હરીન્દ્ર દવે

(આભાર – લયસ્તરો.કોમ)

નાનું સરખું ગોકુળિયું – નરસિંહ મહેતા

સ્વર – ઉદય મઝુમદાર
સંગીત દિગ્દર્શક – કૌમુદી મુનશી
આસ્વાદ – હરીન્દ્ર દવે
આલ્બમ – નરસૈયો ભક્ત હરિનો (પરીખ પરિવાર અધિકૃત)

સ્વર – કરસન સગઠિયા

નાનું સરખું ગોકુળિયું, મારે વ્હાલે વૈકુંઠ કીધું રે,
ભક્તજનોને લાડ લડાવી, ગોપીઓને સુખ દીધું રે. – નાનું. ૧

ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના’વે રે
છાશ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે રે.- નાનું. ૨

વણકીધે વહાલો વાતાં કરે,પૂરણ બ્રહ્મ અવિનાશી રે,
માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વિકારી રે. – નાનું. ૩

બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે,
નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે. – નાનું. ૪

– નરસિંહ મહેતા

(શબ્દો :  http://gu.wikisource.org)