નોંધ – હેતલના અવાજમાં આ ગીતના રેકોર્ડિંગની રાહ જોવી પડશે. જે રેકોર્ડિંગ છે મારી પાસે એ કોઇક કારણસર બરાબર વાગી નથી રહ્યું. તો આ ગીતને ઐશ્વર્યા મજમુદારના અવાજમાં સાંભળીએ.
કવિ શ્રી મનોજ ખંડેરિયાની ખૂબ જ મઝાની અને જાણીતી ગઝલ – સાંભળીએ અને માણીએ એની રજૂઆત અચલ અંજારિયાના સ્વરમાં. બે વર્ષ પહેલા – માતુદિનના દિવસે ટહુકો ફાઉન્ડેશન તરફથી અમર ગુર્જરી કાર્યક્રમ કર્યો હતો – એમાં અચલભાઇએ કરેલી રજૂઆતનું રેકોર્ડિંગ!
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.
કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
– મનોજ ખંડેરિયા
(ગાયક સ્વરકાર શ્રી શ્યાલમ મુન્શીના સ્વરમાં રજૂઆત અને કવિ શ્રી મનોજ ખંડેરિયાના પોતાના અવાજમાં આ ગઝલનું પઠન સાંભળવા અહીં ક્લિક કરો – https://tahuko.com/?p=769)
કવિ ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયા ના જન્મદિવસે જુલાઇ ૬ ના દિવસે – ટહુકો પર ૨૦૦૯ થી શરૂ કરેલા મનોજ પર્વને આગળ વધારીએ! અને આ વર્ષના મનોજ પર્વની શરૂઆત કરીએ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલા આ તદ્દન તરોતાજા સ્વરાંકન સાથે. ઘણા સમયથી અમરભાઇના મનમાં રમતી આ ગઝલનું સ્વરાંકન આજે જ – કવિ શ્રી ના જન્મદિવસે જ – એમણે પૂરુ કર્યું છે – અને દિવસ પૂરો થાય એ પહેલા ટહુકોના સૌ મિત્રો સાથે વહેંચવા માટે એમની પાસેથી પરવાનગી મળી ગઇ છે 🙂
જો કે આ એકદમ rough recording છે… એટલે સ્ટુડિયો જેવી sound quality નથી. પણ મને ખાત્રી છે કે સૌ મિત્રોને આ oven freshness સાથે આવેલા રેકોર્ડિંગમાં એટલી જ મઝા આવશે.
સ્વર – સંગીત : અમર ભટ્ટ
બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
San Francisco Bay Area ના કલાકારો તરફથી એક વધુ નજરાણૂ!! અસીમ-માધ્વી મહેતાનું સ્વરાંકન અને સૌ કલાકારોનો સહિયારો સ્વર!
Saptak Vrund, California, brings you yet another beautiful Gujarati group song “Unalo Kaljhal Thaye Chhey”, to celebrate the scorching summer heat musically!
Special Thanks To: Narendra Shukla, Pragna Dadbhawala, and Maneshwar Judge
** This is a KAMP Music Production **
ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.
આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
નોંધ ઃ ભલે વર્ષોથી આ ગીત સાંભળુ છું છતાં અમુક શબ્દોમાં ખબર નથી પડી રહી… એક વ્હાલી મિત્રએ મને શબ્દો સાંભળીને લખવામાં મદદ કરી છે, પણ જે કાંઇ ભૂલ થઇ હોઇ એ તરફ તમારું ધ્યાન જાય તો જણાવશો ઃ)
વગડાની વચ્ચે તળાવ,
મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છે
ગોરી મને લેવા દો લ્હાવ,
નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે
બાળ રે પણાથી પ્રિતડી બંધાઈ,
વ્હાલીડાના રંગે હું તો ગઇ રે રંગાઇ
લાગ્યો મને કાળજડે થાક,
સપનામાં આવી મધરાતે નાગેડો મારો છોડે છે
ગોરી મને લેવા દો લ્હાવ,
નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે
વગડાની વચ્ચે તળાવ,
મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છે
માથે છે ગાગર ને પગમાં ઝાંઝર,
આંખ્યુમાં છલકે રૂપનો સાગર,
આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો
પાણીડો મારી જોડે છે
આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો
ગોરી તું મારી જોડે છે
_______________
અને હા, વગડાની વચ્ચે શબ્દો પરથી બીજા બે જાણીતા અને ગમતા ગીતો ઃ
(લયસ્તરો પર ધવલભાઇની વાત)જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે. – ધવલ શાહ