Category Archives: ટહુકો

શરદપૂનમ Special: સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

આજે શરદપૂનમના દિવસે આ ગીત… અને સાથે અમરભાઇના સ્વર – સ્વરાંકન… બીજુ શું જોઇએ? સૌને શરદપૂનમની હાર્દિક શુભેચ્છાઓ સાથે માણીએ આ ગીત, અને સાથે અમરભાઇએ કરેલી આ ગીત વિષેની થોડી વાતો…

દર વર્ષે શરદપૂનમના દિવસે આપણી ભાષા તરફથી વિશ્વને મળેલું ભવ્યતમ સંગીતકાવ્ય યાદ આવે છે- કવિ કાન્તનું ઝૂલણા છંદમાં નિબદ્ધ ‘સાગર અને શશી‘. વર્ષો સુધી આ કાવ્યના પઠનની મજા લીધી.‘ઉદય – હૃદય‘, ‘વિમલ પરિમલ’, ‘ ગહન નિજ ગગન’- શબ્દો બોલીને નાદ માધુર્ય અને એનું અંતર્ગત સંગીત માણ્યું.
‘પિતા! કાલના સર્વ સંતાપ શામે’ માં ‘કાલ‘ એટલે સમય કે ગઈ કાલ ની વ્યથા કે આવતી કાલની ચિંતા! – આ પ્રશ્ન જ કેવળ – હજુ પણ માણું છું.
આજે આ કાવ્ય ગાન સ્વરૂપે વહેંચવું છે. કાવ્યમાંના ‘ચંદ્ર’ શબ્દ પરથી રાગ ચંદ્રકૌંસનો આધાર લઈને થયેલું આ સ્વરાંકન છે અને ઝૂલણા છંદ- પંચકલ સંધિનો છંદ- એટલે 10 માત્રાનો તાલ. રાજેન્દ્ર શુક્લ કહે છે તેમ-
‘લે આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું’
અમર ભટ્ટ

સ્વરાંકન અને સ્વર – અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: શબ્દનો સ્વરાભિષેક –  5

.

પઠન : વિનોદ જોશી

.

આજ, મહારાજ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

-મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

ગંભીર છો કે game કરો છો? – ડૉ.મનોજ જોશી ‘મન’

સાચું કહેજો,ગંભીર છો કે game કરો છો ?
બારી છોડી પડદાને કાં પ્રેમ કરો છો !

ખુદની ફરતે રેશમ વીંટે રેશમ-કીડો,
તમે એ કરતબ અદ્દલ એની જેમ કરો છો.

ડગલે-પગલે તમે કરો છો જે કંઇ વર્તન,
બીજા કરે તો તરત પુછો છો, “કેમ કરો છો?”

ક્ષણમાં ઓગળવાની ક્યાંથી વાત કરું હું ?
તમે ક્ષણોને click કરો છો, frame કરો છો !

એક પુરાવો આપો તો પણ માની લઈશું,
માણસ હોવાનો સદીઓથી claim કરો છો !

– ડૉ.મનોજ જોશી “મન”
(જામનગર)

હરિ જેમ રાખે તેમ (અનુકુળ) રહીએ – રાજેન્દ્ર શાહ અને પિનાકીન ઠાકોર

આજે પહેલી ઓક્ટોબર – ગુજરાતી કાવ્યસંગીતના મૂર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆનો જન્મદિવસ. તો એમને યાદ કરી અમરભાઇએ એમનું એક ઓછુ જાણીતુ અને ઓછુ ગવાયેલું ગીત રેકોર્ડ કરીને મોકલ્યું, અને મેં એ તમારા બધા સાથે વહેંચવાની મંજૂરી લઇ લીધી.

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

.

હરિ જેમ રાખે તેમ અનુકુળ રહીએ..
હરિ જેમ રાખે તેમ રહીએ…

અણીગમ આત્મ મારાં ઉજળાં…
આણીગમ ગહીરા અંધાર
ઝૂલવું અંતરિયાળ,
ઝૂલણે મેલી મમતાનો ભાર …
મોકળે અંતરે મોજ લહ્યીયે જી રે…
હરિ જેમ રાખે તેમ રહીએ…

એકમેર બળબળતા ઝાંઝવા,
બીજે છેડે નિર્મળ નીર,
જલવું તરસ કેરા તાપણે
ઠરવું હરખને તીર ,
આગ ને આનંદ સંગ સહીએ જી રે..

– રાજેન્દ્ર શાહ અને પિનાકીન ઠાકોર

નવરાત્રી Special: ગરબે રમવા ​​નિસર્યા માડી….

સ્વર ઃ પાર્થિવ ગોહોલ
કવિ – ?
સ્વરાંકન – ?

.

ગરબે રમવા ​​નિસર્યા માડી
તારી આરત કાજે​.. ​
​​તાલે તાલે માંના ગરબા કેરા
ચોક નિરંતર ગાજે… ગરબે રમવા

સુર શબ્દને સથવારે કાંઈ
અવની આખી ડોલે,
ઝાંઝર ને ઝમકારે માંની​ ​
ભક્તિ અંતર ખોલે,
સરખે સરખી સાહેલી શણગાર સજી શી લાજે..

ગરબે રમવા​ ​નિસર્યા માડી
તારી આરત કાજે..
​તાલે તાલે માંના ગરબા કેરા
ચોક નિરંતર ગાજે… ગરબે રમવા

નવરાત્રી Special: ગરબે ઘૂમે સૂરજ ને ચાંદ – મિલિન્દ ગઢવી

આ સમગ્ર સૃષ્ટિ માતાજીનું એક અલૌકિક મંદિર છે અને આ મંદિરમાં રમાઈ રહ્યો છે એક મહારાસ
કે જ્યાં અણુથી લઈને આકાશગંગા સુધી બધાં જ ઘૂમી રહ્યાં છે ગરબે…

“Garbe Ghoome”
A StudioGarage Entertainment work
(Atmiya Thakkar)

Music : Kedar Upadhyay & Bhargav Purohit
Vocals : Vrattini Ghadge, Ishani Dave, Aditya Gadhvi, Jigardan Gadhavi & Shri Praful Dave
Lyrics : Milind Gadhavi

*
જૂના જમાનાના એકના એક ગરબાઓની ભીડથી અલગ તરી આવે એવો એક તરોતાજા અક્ષુણ્ણ ગરબો, આજની પેઢીના કવિની કસાયેલી કલમે અને આજના કલાકારોએ કરેલી અફલાતૂન જમાવટ…

.

( આ ગરબાનું વિડિયો version તમને youtube પર મળશે – અને એની એક નાનકડી ઝલક – આ રહી)
https://youtu.be/oqIxq4Vwt9Y

અજવાળાં ઉર અવતરે, (અને) રંજાડે નય રાત
આશિષ એવા આપજે, (મારી) માયાળુ અંબે માત

ગરબે ઘૂમે સૂરજ ને ચાંદ
માતાજી તારા મંદિરમાં
નમે નમે ચૌદે ભરમાંડ
માતાજી તારા મંદિરમાં

દખ્ખણ દેશેથી વાયરાઓ વાશે
તારલીયા તારી આરતી ગાશે
વાગે વાગે અખંડ ઝાલર આજ
માતાજી તારા મંદિરમાં

તારા ચરણે વસે છે ત્રીલોકા
આભલાંમાં અનંત અવલોકા
પગલે પગલે ઉગે રે પરભાત
માતાજી તારા મંદિરમાં

એનું નામ જ અખ્ખર ઢાઈ – રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

(આભાર – લયસ્તરો)

મને કહોને પરમેશ્વર કેવા હશે ? – પ્રીતમલાલ મજમુદાર

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
કેવા હશે ? શું કરતા હશે ?

– મને…

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને
તારાને ગૂંથનાર કેવા હશે ?

– મને…

આંબાની ઊંચી ડાળીએ ચડીને
મોરોને મૂકનાર કેવા હશે ?

– મને…

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી
કોયલ બોલાવનાર કેવા હશે ?

– મને…

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ?

– મને…

– પ્રીતમલાલ મજમુદાર

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં – કૃષ્ણ દવે


(Picture from: http://pricebaba.com/blog/may-die-thanks-smartphone)

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !
કો’ક વળી ડૂબે છે દરીયાના મોજામાં, કો’ક વળી ખાબકે છે ખાઈમાં.
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

કો’ક વળી વાંકો થઇ જુએ છે ખુદને પણ ડાળને તો મૂળ છે તે ઝૂકે
વળગીને વ્હાલ કરે નમણી બે વેલ એમાં ઝાડ એના ફોટા ના મૂકે.
કો’કને ખીણ આખી જોઈએ છે ક્લિકમાં તે લટકી પડે છે એની ટ્રાઇમાં
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

કો’ક વળી પોતાનો ચહેરો જુએ છે ને એમાં રહે છે ગળાડૂબ
કો’ક વળી પોતાનો પડછાયો પક્કડવા કરતો રહે છે ઉડાઉડ
કો’ક વળી છાપાના હેડીંગમાં લપસે તો કો’ક વળી કેપિટલ “આઇ”માં
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

– કૃષ્ણ દવે

એક કાગળ જૂનો…. – વિવેક મનહર ટેલર

IMG_4784
(ડાઉન મેમરી લેન…. ….ગોવા, નવે., 2015)

*

કબાટના ખાનાં સાફ કરતી વખતે
એક જૂનો કાગળ
હાથ આવ્યો.
ગડીબંધ કાગળના રંગ-રૂપ જોઈને જ ઘણું ઘણું યાદ આવી ગયું.
સમયે પણ સમય જોઈને
કાંટા પર ફરવું પડતું મેલીને
મારી અંદર ઝંપલાવ્યું.
ઘસાવા આવેલ એ કાગળમાં શું હતું
એ આટલા વરસેય ભૂંસાયું નહોતું.
હાથના હળવા કંપને હૈયાથી ઝાલીને ગડી ઊઘાડી.
ક્યારેક લોહીમાં વહેતા એ કાગળમાંના ચિરપરિચિત અક્ષરો
ઘસાયેલા કાગળમાંથી ખડી પડી
મારી ચોકોર વીંટળાઈ વળ્યા.
મને…મને…મને…ની બૂમોથી હું આખો છલકાઈ ઊઠ્યો.
કોને તેડું ને કોને નહીંની અવઢવમાં
હું ત્યાં જ બેસી રહ્યો.
કેટલી વાર તે તો કેમ કહી શકાય ?
સમય તો કાંટા છોડીને…

છપાક્ કરતાંકને બે’ક અક્ષરોએ ભીંજાયા હોવાની બૂમો પાડી
ને હું સફાળો…
આંખમાંથી અદૃશ્ય થઈ ગયેલી દૃષ્ટિ ક્યાંકથી પાછી ફરી.
એક હળવા કંપ સાથે (હૈયા અને) કાગળની ગડી કરી ફરી ખાનામાં….
ગાલ લૂછ્યા
ને
ગળામાં હાડકાંની જેમ અટકી ગયેલો સમય
સમય વરતીને ફરી કાંટા પર ટંગાઈ ગયો,
નિરંતર ગોળ ગોળ ફરવા માટે.
મેં પણ ખાનું બંધ કર્યું
ને કામે લાગ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૨-૨૦૧૫)

*