Category Archives: ‘કાન્ત’

શરદપૂનમ Special: સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

આજે શરદપૂનમના દિવસે આ ગીત… અને સાથે અમરભાઇના સ્વર – સ્વરાંકન… બીજુ શું જોઇએ? સૌને શરદપૂનમની હાર્દિક શુભેચ્છાઓ સાથે માણીએ આ ગીત, અને સાથે અમરભાઇએ કરેલી આ ગીત વિષેની થોડી વાતો…

દર વર્ષે શરદપૂનમના દિવસે આપણી ભાષા તરફથી વિશ્વને મળેલું ભવ્યતમ સંગીતકાવ્ય યાદ આવે છે- કવિ કાન્તનું ઝૂલણા છંદમાં નિબદ્ધ ‘સાગર અને શશી‘. વર્ષો સુધી આ કાવ્યના પઠનની મજા લીધી.‘ઉદય – હૃદય‘, ‘વિમલ પરિમલ’, ‘ ગહન નિજ ગગન’- શબ્દો બોલીને નાદ માધુર્ય અને એનું અંતર્ગત સંગીત માણ્યું.
‘પિતા! કાલના સર્વ સંતાપ શામે’ માં ‘કાલ‘ એટલે સમય કે ગઈ કાલ ની વ્યથા કે આવતી કાલની ચિંતા! – આ પ્રશ્ન જ કેવળ – હજુ પણ માણું છું.
આજે આ કાવ્ય ગાન સ્વરૂપે વહેંચવું છે. કાવ્યમાંના ‘ચંદ્ર’ શબ્દ પરથી રાગ ચંદ્રકૌંસનો આધાર લઈને થયેલું આ સ્વરાંકન છે અને ઝૂલણા છંદ- પંચકલ સંધિનો છંદ- એટલે 10 માત્રાનો તાલ. રાજેન્દ્ર શુક્લ કહે છે તેમ-
‘લે આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું’
અમર ભટ્ટ

સ્વરાંકન અને સ્વર – અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: શબ્દનો સ્વરાભિષેક –  5

.

પઠન : વિનોદ જોશી

.

આજ, મહારાજ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

-મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

હિંદમાતાને સંબોધન – ‘કાન્ત’

સૌ વાચક-શ્રોતા મિત્રોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… કાલે પોસ્ટ કરેલા રિંછ-સિંહ વાળા ગીતની જેમ આ નીચેનું ગીત પણ શાળામાં ખૂબ લલકાર્યું છે..! દેશભક્તિના ગુજરાતી ગીતો યાદ કરવાના હોય તો આ કદાચ સૌથી પહેલું યાદ આવે..!! (કોઇ પાસે આનો ઓડિયો હોય તો મને વધુ માહિતી આપશો?)

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !