ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ સોનલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરાં ગુલમહોર ને તે વાવવો?
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ ને
ઘરમાં આવીને ગીત છેડજે!
નૂપુર મોદીના ખુબ આભારી છીએ જેમણે શ્રી જયદેવભાઈ ભોજકના સ્વરાંકિત રચનાઓ જેને ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરા દ્વારા સ્વર આપવામાં આવ્યો છે એ બધા ગીતો મને મોકલી આપ્યાં.હજુ ઘણાંય ગીતો એમણે મોકલી આપ્યાં છે જે એક પછી એક અહીં મુકીશુ.શ્રી જયદેવભાઇ ભોજક પણ નૂપુર મોદીના સંગીત ગુરુ છે .ગીતના સંગીતકાર શ્રી જયદેવ ભોજકના ભાઈ ડો. પ્રભાતદેવ ભોજક છે.ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરાની તસ્વીર