
કોટિ કંઠ જેના સ્તુતિગાન કરે
કોટિ કંઠ જેના સ્તુતિગાન રટે,
જેને દર્શન વિશ્વ બધું ઉમટે ;
મૃત માનવતાને જીવાડવામાં
જેની જોડી નથી ધરતીને પટે ;
એવા અદભૂત આ અવધૂતનું અંતર
આંખ ખોલી એક વાર જુઓ :
એને ભીતરમાં ભડકા સળગે ,
એનું દુ:ખ દેખી એકવાર રુવો !
એણે માનવપ્રેમનું ગાણું કર્યું :
ઝેર જીરવીને સુધા-વ્હાણું કર્યું ;
અને જૂઠને હિંસાની સામે સદા એણે
એક અખંડ ધિંગાણું કર્યું ;
અને આજે એની તપસિધ્ધિકેરે ટાણે
જૂઠ ને ઝેર રેલાઇ રહ્યા !
જેને નાથવા આયખું ગાળ્યું તે નાગના
તાંડવ આજ ખેલાઇ રહ્યા !
એણે માનવતાને મ્હોરાવવી’તી ,
દેવવાડી ધરાપે લ્હેરાવવી’તી :
હ્ર્દયે હ્ર્દયે પ્રભુના કમલો કેરી
ફોરમ દિવ્ય ફોરાવવી’તી :
અને ઉકરડા આજ ડુંગર ડુંગર
જેવડા એની મા-ભોમ પરે ;
બદબો થકી રુંધતા આત્મને દેખી
ઉર એનું કલ્પાન્ત કરે !
ઓ રે , જન્મજયંતી તણા રસિયા ,
ખોલો લોચન અંધકારે ગ્રસિયાં
જરી તો દેખો ઘન વેદનાના
વન અંતર જે એમને વસિયા
એની આત્મસૃષ્ટિને ઉચ્છેદીને
એના દેહની આરતી શીદ કરો :
ડગલે ડગલે એનું ખૂન કરી
એને પૂજવા પુષ્પથી કાં નીસરો !
એની જન્મજયંતી તો ત્યારે થશે ,
જ્યારે પ્રેમની બીન બજશે ,
જ્યારે બ્રહ્મના અંકશા મુક્ત આકાશમાં
મુક્ત ધરા દિવ્યતા સજશે ;
એને મુક્ત સમીરને નીરના નૃત્ય ની
સંગ મીલાવીને તાલ સદા
અરે મુક્ત પ્રકાશમાં મુક્ત માનવ્યનું
નાચી રહેશે મન મુક્ત યદા !