Category Archives: કાવ્યપ્રકાર

H दमादम मस्त कलंदर……..

આ વાત બીજાને કેટલી લાગુ પડે એ તો મને ખબર નથી, પણ મારા માટે તો આ ‘દમાદમ મસ્ત કલંદર’ અને રુના લૈલાનો અવાજ જાણે એકબીજા ના પર્યાય છે.. આમ તો મેં આશા ભોસલે, આબિદા પરવીન જેવા કલાકારોને પણ આ ગીત ગાતા સાંભળ્યા છે, પણ તો યે, રુના લૈલાનું નામ આ ગીતથી અલગ નથી કરી શકી.

હું ઘણી નાની હતી ત્યારે દુરદર્શનના ‘નવા વર્ષ’ના કોઇ કાર્યક્રમમાં પહેલી વાર આ ગીત એમના અવાજમાં સાંભળ્યું હતું. અને ત્યારે ભાઇએ કે મમ્મીએ એવું કંઇ કહ્યું હતું, કે બાંગ્લાદેશ સાથેની કોઇ એક વાતમાં જ્યારે થોડી ખેંચતાણ હતી, ત્યારે હસવામાં એવું કહેવાતું કે બાંગ્લાદેશ જો રુના લૈલા આપણને આપી દે, તો આપણે પણ કંઇક જતુ કરવા તૈયાર છે. 🙂
સ્વર : રુના લૈલા

ओ हो हो…..
ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

चार चराग तेरे, बर्ण हमेशा – 3
पंजवा में बारण, आइ बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

हिंद सिंद पीरा तेरी नौबत बाजे – 3
नाल वजे घडियाल बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

ओ हो… ओ हो हो…. ओ…..
हर दम पीरा तेरी खैर होवे – 3
नाम-ए-अली बेडा पार लगा झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

ओ लाल मेरी पत रखियो बला झुले लालण
सिंदरी दा, सेवण दा, सखी शाहबाज़ कलंदर
दमादम मस्त कलंदर, अली दम दम दे अंदर
दमादम मस्त कलंदर, अली दा पहेला नंबर

( મને આ શબ્દોનો અર્થ એટલો સમજાતો નથી, પણ સાંભળવું ઘણું જ ગમે છે. કોઇને અર્થ ખબર હોય, તો જણાવશો. )

Dama dam mast kalandar, duma dum mast qalandar , runa laila , listen online

સ્વ-રૂપ – પ્રફુલ દવે

મેકઅપ વિના જ મારી કને આવ, જિંદગી !
સાદું સીધું જ, મારી કને લાવ, જિંદગી !

ચહેરો બદલ ન તું, કે ન પડદો તું પાડી દે,
ઓળખ છુપાવી આમ, ના બનાવ, જિંદગી !

જાળું કરોળિયો કોઇ જાતે બનાવે એમ,
ગૂંથી ભરમની જાળ, ના ફસાવ, જિંદગી !

જળને ન ઝાંઝવું કહે, ન ઝાંઝવાને જળ,
દઇ વ્યર્થ કલ્પના તું ના સતાવ, જિંદગી !

અર્થહીન દોડતાં થાકી ગયો સતત,
માયાહરણ મને તું ના બતાવ, જિંદગી !

————-

( કવિ પરિચય )

ગુજરાત, આપણું વ્હાલ અને વૈભવ…

વ્હાલા ગુજરાતીઓ…

સૌ પ્રથમ તો સૌને ‘ગુજરાત દિન’ની હાર્દિક શુભેચ્છાઓ.. અને આજના આ ખાસ દિવસે આપણી સાથે ગુજરાતની થોડી વાતો અને ગુજરાતના ગૌરવવંતા ગીતો લઇને હાજર છે દેશગુજરાત.કોમ ના જપન પાઠક. જપનની ઓળખાણ આપવા હું એટલું જ કહીશ, કે એકવાર દેશગુજરાત.કોમની મુલાકાત જરૂર લેશો. ‘Ahmedabad is changing’ નો episod હોય કે પછી વર્ષો પહેલાના વાઘ ‘બળેલો’ની વાતો, કે પછી શરદપૂનમની વાતો, જપનને સાંભળવાનો જેટલી વાર લ્હાવો મળે, ચુકવા જેવો નથી.

તો આજે હવે હું તમારો વધુ સમય નહીં લઉં, સાંભળો : જપન પાઠક અને એમની વાતો, સાથે સાથે આપણા ગીતો તો ખરા જ.

.

અને હા, ‘ગુજરાત દિન’ નો આ ઉત્સવ આપણે કાલે પણ ઉજવશું, કારણ કે કાલે ટહુકો પર નવી પોસ્ટ મુકવાના સમયે અહીં અમેરિકામાં 1 લી મે થઇ હશે. એટલે કાલે સાંભળશું, જેને હું ગર્વથી ‘ગુજરાતનું ગૌરવ’ કહું છું, એવા આપણા મેહુલભાઇએ સંગીતબધ્ધ કરેલ ગીત ‘ગુણવંતી ગુજરાત…’. એમના આલ્બમ ‘પ્રેમ શોર્ય ગુજરાત’નું આ મારું સૌથી ગમતું ગીત.

જપને જે ગુજરાતપ્રેમને લગતા ગીતોના આલ્બમની વાત કરી ને, એના વિષે એક વાત કહું? 1 મે, 2004 ના દિવસે, ગુજરાતને ચાહતા, અને ગુજરાતી સાંભળતા અદના ગુજરાતીને અર્પણ એવું આલ્બમ ‘મેહુલ સુરતી’ એ બહાર પાડ્યું હતુ, ‘પ્રેમ શોર્ય ગુજરાત’. (આજનું શિર્ષક પણ મેહુલભાઇના જ શબ્દો છે). મને આશા છે કે ઘીમે ઘીમે આ આલ્બમ વિષેની જાગૃતતા વધે, અને દેશભક્તિના હિન્દી ગીતો જેટલા પ્રચલિત છે, એટલા જ આ બધા ગીતો પણ પ્રચલિત અને સરળતાથી ઉપલબ્ધ બને.
પણ એની વધુ વાત કરીશું આવતી કાલે. આજે તો બસ આટલું જ કહીશ.

જય જય જન્મ સફળ ગુજરાતી….. જય જય ધન્ય અદલ ગુજરાત……

જય ગુજરાત.

( ટહુકો.કોમના મુલાકાતીઓ તરફથી અને મારા તરફથી પણ, મિત્ર જપન પાઠકનો હ્રદયપૂર્વક આભાર.)

Jay jay garavi Gujarat, jai jai garvi Gujarat, Gujarat din special songs, listen online gujarati music, japan pathak jyan jyan vase ek gujarati , sadakaal gujarat

મુક્તક – સુરેન ઠક્કર ‘મેહુલ’

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

Muktak, suren thakkar mehul, tahuko.com – listen Gujarati music online

ઘેલી વસંત આવી રે… – નીનુ મઝુમદાર

પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો,
વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,
ને છુટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજે
ડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે

ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદીના સ્વરમાં આ શબ્દો સાથે જ્યારે આ ગીત શરુ થાય છે, ત્યારે કોઇ પણ ઋતુમાં વસંતનું વાતાવરણ ઉભુ કરી દે છે. જેટલીવાર સાંભળો, એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવું સુંદર ગીત.

કોઇ ગીત તમને એના શબ્દોને લીધે ગમી જાય, કોઇ એના સંગીત કે પછી કોઇ ગાયકીને લીધે. પણ આ ગીત માટે એક વાત જરૂર કહીશ, આટલીવાર સાંભળવા છતાં હું એ નક્કી નથી કરી શકી કે મને આ ત્રણમાંથી સૌથી વધુ શું ગમી ગયું !

શબ્દોની જ વાત કરું, તો આ ગીતની દરેકે દરેક કડીમાં કવિએ વસંતને એવી અલગ અલગ ઉપમાઓ આપી છે કે કવિની કલ્પનાને સલામ કર્યે જ છુટકો. પછી એ કરિયાવરના લીલા પટોળા હોય, ભીક્ષા માંગતા ભમરાનો ગુન ગુન કરતો એકતારો, કે રાત-દિવસનો ગરબો. વસંતનો ઉત્સવ ઉજવતા માનસપટલ પર દરેક કડી એક અલગ જ ચિત્ર ઉભું કરી દે…. આનંદકેરી લહેરે આપણે પણ ઝુમી ઉઠીયે…..

Semi-classical જેને કહી શકાય, એવું આ ગીતનું સંગીત પણ એટલું જ કર્ણપ્રિય છે. રાગનું નામ તો નથી ખબર, પણ ગાવાનું મન થઇ જાય એટલો સરસ રાગ છે ગીતનો, અને આખા ગીતમાં વાગતા તબલા અને ખંજરી ખાસ ધ્યાન ખેંચે છે. ‘નાચે છે નટરાજ નચાવી…. આ કડી પછી જે ફક્ત તબલા વાગે છે, એ સાંભળીને તો જાણે આપણને નાચવાનું મન થઇ જાય…

અને ઉદય મઝુમદાર – રેખા ત્રિવેદીની જોડીનો કંઠ પણ એટલું જ ધ્યાન આકર્ષે છે. બે ગાયકો વચ્ચે જયારે આવો સરસ તાલ-મેલ ( આ ગુજરાતી શબ્દ છે ? ) હોય, ત્યારે એક Duet ગીતની મજા જ નીરાળી હોય છે.

ગીત – સંગીત : નીનુ મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી

.

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…

રોકો વસંતને – જયંત પાઠક

આપણા ગુજરાતમાં તો વસંત ઋતુ ક્યારની આવી ને ગઇ… પણ આ વખતે અહીં અમેરિકામાં મોડી મોડી હજુ હમણા જ વસંત આવી છે. ( જો કે મારા કેલિફોર્નિયામાં તો એ પણ કંઇ એટલું જણાતુ નથી. ) વસંતની પધરામણીનું એક ખુબ જ સુંદર ગીત આવતી કાલે… પણ આજે વાંચીયે જયંત પાઠકની આ કવિતા. લાગે છે કે આવા જ કોઇ પ્રેમીની ફરિયાદ ઉપરવાળાએ સાંભળી લીધી હશે 🙂

પણ હા, એક વાત જરૂર કહીશ… નાની અમથી, પણ તરત જ ગમી જાય એવી સુંદર કવિતા.

487959_503747943907_2028149490_n

 

આવતી રોકો વસંતને
મારે આંગણિયે ફુલડાંના ફાલ
લાવતી રોકો વસંતને

એ તો આંગણને આંબલિયે ટહુકો કરે,
અહીં એકલડું ઉર મારું હીબકાં ભરે.
કોઇ હેતસૂના હૈયાની ડાળ
હલાવતી રોકો વસંતને.

શાને શીળો સમીર બની અંગે અડે !
મારા ઝૂરતા જીવન સાથ રંગે ચડે !
એની વેણુંમાં વેદનાનું વ્હાલ
વહાવતી રોકો વસંતને.

ગઝલ – આદિલ મન્સૂરી

surprised

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

અબોલા – પ્રહલાદ પારેખ

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !

આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં તુજ નેન

અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?

તું ઇટ્ટાકિટ્ટા છોડ – રમેશ પારેખ


અરે,
આમ નજર ના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયું બનાવી શકાય છે ?

એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક ન યે હોઉં
પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડી યે જાઉં…

હું કોઇ નક્કી નહીં હોઉં.

તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઇશ
તું ચાલે તે રસ્તે હોઇશ.
તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઇશ

ક્યારેક રીંસે ભરાઉં તો
તું મને સંભારે પણ હું તો તારી યાદમાં જ ન આવું
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસું.
ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઇ પત્ર બની
હું અચાનક જડું ને તને રડાવી ય દઉં, હું…

પણ અંતે તો સોનલ,
તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારું બદલાતું દ્રશ્ય.
આપણે અરસપરસ છીએ.
તારા સ્તનનો ગૌર વળાંક હું છું,
તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું,
તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું.
હઠીલો છું.
તારી સકળ સુંદરતા બની તને ભેટી જ પડ્યો છું –
તારું સકળ સોનલપણું જ હું છું, લે…
અને તારે મારો ઇનકાર કરવો છે ?
એ પ્રયત્ન કરી જો.
દરિયા વચ્ચે બેસીને કોઇ દરિયાનો ઇનકાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે ?

તને હું બહું કનડું છું, કેમ ?
શું કરું ?
પ્રેમ સિવાય મારા માટે બધ્ધું જ દુષ્કર છે –
તું જ કહે,
તને ન ચાહું તો હું શું કરું ?

આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ?
એક શરીરની બે આંખ છીએ ?
મને તો ખબર જ પડતી નથી.
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.

આ તું અને હું ના ટંટા પણ શા માટે ?
અરે… રે
તું સાવ બુદ્ધુ જ રહી.
આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
કંઇ ‘જુદાઇ’ ન કહેવાય.

ચાલ, ઇટ્ટાકિટ્ટા છોડ,
અને કહી દે કે, હું હારી…

હસતા રમતા – બાળગીતો

સુરતના હોબી સેંટર (the play group nursery) દ્વારા બહાર પડાયેલું બાળગીતોનું આલ્બમ હસતા રમતા, બાળકોની સાથે સાથે મોટેરાને પણ હસતા અને રમતા ( કે પછી રમવાનું મન થઇ જઇ એવા) કરી દે એવું છે… ઇટ્ટા કિટ્ટા (Click to listen the full song) ગીતની સાથે બાળપણમાં થતા ભાઇ-બહેનના રોજના એ મીઠા મીઠા ઝગડાઓ યાદ આવે, તો ટન ટન ટન બેલ પડ્યો સાંભળીને પોતાની સ્કુલના દિવસો યાદ આવી જાય… ‘અંગ્રેજીની લ્હાય’ સાંભળીને ય હસવું આવી જાય, પણ કંઇક અંશે એ સાચી વાત છે…
બાળકોની રસવૃતિને અનુકુળ સરળ શબ્દો અને મોર્ડન સંગીત સાથેના 12 અલગ અલગ ગીતો સાથેના આ આબ્લમનું રેકોડિંગ મેહુલ સુરતીના ‘સોંગબર્ડ સ્ટુડિયો’માં થયું છે, જેનું વિમોચન 8મી માર્ચ, 2007 ના દિવસે થયું.
અહીં હસતા રમતાના થોડા ગીતોની એક ઝલક આપું છું, મને ખાત્રી છે કે નાના-મોટા બધ્ધા બાળકો (!)ને આ ગીતો જરૂર ગમશે.
hasta ramta

પંડિત ચાલ્યા જાય છે…
પગમાં જુના જુતા પહેરી પંડિત ચાલ્યા જાય છે

————————

ચાલો ઝટ ઝટ છતરી ઉઘાડો
વર્ષાની રાણી આવી….
વર્ષાની રાણી.. ટપ ટપ ટપ ટપ ટપ…..

——————————-

આ અમારો બચુડો અંગ્રેજી ભણવા જાય
કહે કદી એ હાય…
કહે કદી ગુડબાય…
કોની આગળ જઇને કહીએ અંગેજીની લ્હાય

———————————-

ટન ટન ટન ટન બેલ પડ્યો ને સ્કુલમાં થઇ ગઇ છુટ્ટી
ભારી દફતર ખભે મુકીને મેં તો દોટ મુકી

———————————-

તમારે આ આલ્બમ ખરીદવું હોય, તો નીચે આપેલા કોઇ પણ ઇમેઇલ પર કે ફોન પર સંપર્ક કરી શકો છો.
For Inquiries in USA :
Monal Sonecha : mailto:sonechamd@yahoo.com
For Inquiries Outside USA :
Rupang Khansaheb : mailto:rupangkhansaheb@gmail.com
Phone : +91 9825115852