Category Archives: કાવ્યપ્રકાર

ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા

સૌને મારા અને અમિત તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. સૌને દિવાળીના ફટાકડા, રંગોળી, મઠિયા, ચોળાફળી, ઘૂઘરા, ચેવડો, અને ભરપૂર મિઠાઇઓ સાથે દિવાઓ ભરી દિવાળી મુબારક..!!

સ્વર : હંસા દવે
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ…

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ…હો રામ…
ઊંચી મેડી તે મારા સંતની રે….

– નરસિંહ મહેતા

એક જ રવિવાર કેમ ? – જિગર જોષી ‘પ્રેમ’

રોજે મનમાં સવાલ થાતો કોણ રમી ગયુ ગેમ !
આખેઆખા અઠવાડિયામાં એક જ રવિવાર કેમ ?

સવારમાં તો સ્કૂલે જાવું બપોર પછી હોય ટ્યુશન
ગજા બહારનું લેશન દેવું થઈ ગઈ છે આ ફેશન
પડ્યો પડ્યો સુકાઈ જાવાનો ‘બચપણ’ નામનો ડેમ
રોજે મનમાં સવાલ થાતો……

ભણવું ભણવું ભણવું ભણવું બીજી નહીં કોઈ વાત
હવે તો ભણતર નામે સાલો લાગે છે આઘાત
ડિક્શનેરીમાંથી ભૂંસાઈ જાશે હૂંફ, લાગણી ને ‘પ્રેમ’
રોજે મનમાં સવાલ થાતો……

જળકમળ છાંડી જાને બાળા – નરસિંહ મહેતા

ટહુકો પર ઘણા વખતથી ગુંજતું આ ગીત… આજે ફરી એકવાર – એક નવા સ્વર સાથે… અને એ પણ ટહુકોના એક એકદમ ખાસ Supporter ની ફરમાઇશ પર.. 🙂

kaliyanag_krsna

.

સ્વર : ??

.

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2

Continue reading →

જન્મોજનમની આપણી સગાઇ – મેઘબિંદુ

ટહુકો પર પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત, આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર….

સ્વર : હંસા દવે

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

butterfly
(ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને……….)

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

જન્મોજનમની આપણી સગાઇ,
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

મને હું અજય ને અભય ચીતરું છું – નિર્મિશ ઠાકર

સવારે સવારે હ્રદય ચીંતરું છું,
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું.

હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યા.
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું.

જડી આખરે એક પીંછી ક્ષણોની,
હતી કલ્પના, તે સમય ચીતરું છું.

નવાં સર્જનોનાં જ એંધાણ છે આ,
હજી એકધારા પ્રલય ચીતરું છું.

લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં,
મને હું અજય ને અભય ચીતરું છું.

કહે એવું તે તારામાં શું છે ! – રવિ ઉપાધ્યાય

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : નવીન શાહ, ગાયિકા : રેખા ત્રિવેદી, ‘ સનમ શોખીન ’ ( 1995 ) મ્યુઝિક ઓડીયો આલ્બમમાં ધ્વનીમુદ્રિત

.

કહે એવું તે
તારામાં શું છે ! મારામાં શું છે !
હું જોઉં જ્યાં – તું હોય જ ત્યાં
કહે – એ શું છે ?

તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય
ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… મારામાં શું છે ?

તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
તારા નયનોમાં મારું આજ મને દર્પણ દેખાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?

સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો – ગની દહીંવાલા

સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો

પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળના પંખીઓ
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો

વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો

માટીને મહેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો

અંધાર આવું આવું કરે બારી બા’રથી
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો

સૂરજના મનના મેલ નિશાએ છતા થયા
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો

કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે “ગની”
‘કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો

Happy Birthday to શમ્મી કપૂર..!!

શમ્મી કપૂરના ગીતો એટલે મસ્તી..આજે જેટલા ગીતો લઇને આવી છું, એ તો એમના ગમતા ગીતોની એક ઝલક માત્ર છે, એમ કહીશ.. અને શમ્મી કપૂરના ગમતા ગીતોમાં ફક્ત નાચમ્-કુદમ્ હોય એવું યે નથી, ‘એહસાન તેરા હોગા મુઝપર.. અને આવાઝ દેકે હમેં તુમ બુલાઓ.. જેવા પ્રણયથી ભ્રપૂર ગીતો પણ મને એટલા જ ગમે છે.

મોટેભાગે એવું હોય છે કે કોઇ ગીત ક્યાં તો સંગીતકારને લીધે ગમે, કોઇ ગાયકીને લીધે ગમી જાય, તો કોઇ ગીતના શબ્દો જ એવા હોય કે સીધા હ્રદયમાં ઊતરી જાય.. શમ્મી કપૂરના ગીતોમાં આ બધા કારણો તો હોવાના, પણ એમાં એક મહત્વનું પાસું ઉમેરાય છે – શમ્મી કપૂર..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

* Is Rang Badalati Duniya Main

* Tumne Kisi Ki Jaan Ko

* Aaj Kal Tere Mere Pyar Ke Charche

* Aasmaan Se Aaya Farishta

* Badan Pe Sitare Lapete Hue

* Badtamiz Kaho Ya Kaho Jaanwar

* Chahe Koi Muze Jungalee Kahe

* Khuli Palak Mein

* Laal Chhadi Maidaan Khadi

* O Haseena Zulfon Wali

* Tumsa Nahin Dekha

* Dil Ke Zarokhon Mein

* Aawaz Deke Humen Tum Bulao

* Subhanallah Haseen Chahera

શમણાં – લાલજી કાનપરિયા

આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર
માગીએ તો મબલખ કાંટા મળે અહિ, ફૂલો તો કેવળ બે-ચાર!

સૌના નસીબનો હિસ્સો લઇને સૌ
ભજવે છે જીવનનો વેશ
ચાંદરણું હોય ભલે ચાર જ દિવસોનું
પણ આવે છે સાલ્લો ટેસ!

મેહુલો તો આજકલ વરસે છે ક્યાં? લાગણીઓ વરસે ધોધમાર,
આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર.

પંખીઓ આજકલ મૂંગા મંતર
અને ઝાડવાએ પાડી હડતાળ
બાઇમીરાં મશગૂલ છે ભજનુંની ધૂનમાં
નરસિંહ બજાવે કરતાલ!

મનવાને મુગતિ નથી આ પાર કે મુગતિ નથી પેલ્લે પાર!
આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ – નરસિંહ મહેતા

સ્વર : ઉદય મઝુમદાર
સંગીત : નીનુ મઝુમદાર

.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

– નરસિંહ મહેતા