હવે આ હાથ રહે ના હેમ !
મળ્યું સમયનું સોનું પરથમ વાપર્યું ફાવ્યું તેમ
હવે આ હાથ રહે ના હેમ !
બહુ દિન બેસી સીવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા
જેહ મળે તે દર્પણ જોવા વણ લીધેલો નેમ… હવે આ હાથ રહે ના હેમ !
ભર બપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોય નહિ વ્હેમ … હવે આ હાથ રહે ના હેમ !
કદી કોઇને કાજે નહિ મેં કટકોયે એ કાપ્યું
અન્યશું દેતા થાય અમૂલખ મૂલ્ય નહિ મેં માપ્યું
રતી સરખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ ? … હવે આ હાથ રહે ના હેમ !
– પ્રિયકાન્ત મણિયાર





