૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ માં મુકેલું કવિ સંદીપ ભાટિયાનું આ ગીત વધારે સારુ રેકોર્ડિંગ સાથે ફરી એક વાર….સ્વર સંગીત આશિત દેસાઇ….
21મી સપ્ટેમ્બર આપણા વ્હાલા કવિ જગદીશ જોષીની પુણ્યતિથી. તમને ખબર છે, આ સંદીપ ભાટિયાના ગીતમાં કવિ જગદીશ જોષીને કેમ યાદ કર્યા? કારણ એ કે – ખરેખર તો આ ગીત કવિ જગદીશ જોષીના મુત્યુપ્રસંગે લખાયું હતું. સાંભળતા જ અચાનક વિખુટા પડેલા સ્વજન યાદ આવી જાય…..
સ્વર અને સંગીત : આશિત દેસાઇ
(સ્ટ્યૂડિઓ રેકોર્ડિંગ)
(ખાનગી બેઠકનું સાધારણ રેકોર્ડિંગ)
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
વર્ષાની આ સાંજ મને વ્યાકુલ કરે છે.
નહીં જાણું હું કેમ
આંખથી આંસુ કેરાં કૂલ ખરે છે !
હું રામગિરિનો યક્ષ નથી
કે વિરહ વેદના પચાવવાને મારી પાસ એ વક્ષ નથી.
(ને દોડધામની જટાજાળમાં ‘પ્રેમ’ એ મારું લક્ષ નથી)
પણ તોય મને કાં કયો અજંપો
આવી આવીને સતાવવાની
નાજુક નમણી ભૂલ કરે છે !
હળવે રહીને મને વળગતી
અલકાની એ માયા.
‘મેઘદૂત’માં ભળતી કાળી
મુંબઈની આ છાયા.
છવાઈ જઈને છાયા પલમાં
રંગવહેતી ધૂળ કરે છે !
આજે કવિ જવાહર બક્ષીનો જન્મદિવસ….એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વાંચો એમની આ ગઝલ ‘તારા વિરહના શહેરનો’. પુરષોત્તમ ઉપાધ્યાયનું સુંદર સ્વરાંકન અને હંસા દવેની મધુર ગાયિકી…..
મીઠી રે મોરલીને કાને તેડાવી મને
એના તે સૂરમાં સાંધી
મોંઘેરા મનના વનરા તે વનમાં
ફૂલોના હાર થી બાંધી
લંબાવી હાથ એની પાધડીની સાથ
જોડે મારા પાલવની કોર
એવો મારો સાંવરિયો…..
જોયા ના તારલા ને જોઇ ના ચાંદની
જોઇ ના કાંઇ રાતરાણી
ચડતું તું ઘેન અને ધટતી તી રેન
એવી વાલમની વાણી
ભૂલીતે ભાન રહ્યું કાંઇયે ના સાન
જ્યારે ઉગી ગઇ આભમાં ભોર
એવો મારો સાંવરિયો….
Happy Valentine Day to all.
પ્રસન્ન દાંયત્યનું સુખ જેણે માણ્યું છે એવી નાયિકાના હૈયાની વાત આ કવિતામાં કવિ શ્રી મેઘબંદુ એ રજૂ કરી છે. સોલી કાપડિયાનાં સ્વરાંકનમાં અને શીલા વર્માના સ્વરે આ ગીત એક મહેફિલમાં રજુ થયું હતું…..
સ્વર : શીલા વર્મા
સંગીત : સોલી કાપડિયા
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી
વરસોનાં વરસો તો વીતી ગયાં ને
તોયે પહેલાનાં જેવો ઉમંગ
ઋતુઓનાં રંગોનાં રંગ રંગ માણ્યા
પ્રિયતમની પ્રીતિને સંગ
મારા વ્હાલમની ભાવ ભરી વાણી
એના એક એક બોલમાં ભીંજાણી
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી
જિવનભર ગમતીલો વૈભવ મળ્યો
ને તેમાંયે સ્નેહભરી પ્રીત
કહેવાનું કેટલુંયે ભીતર ભર્યું છે
પણ આંસુમાં અટવાયું ગીત
પ્રભુ ! તારી કૃપાને મેં જાણી
મારા વ્હાલમે મુજને પ્રમાણી
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી