Category Archives: ઊર્મિ

तेरे जाने के बाद – ઊર્મિ

લયસ્તરો પર પ્રથમવાર પ્રકાશિત થયેલી હિન્દી રદીફવાળી આ ગુજરાતી ગઝલ લખવાની પ્રેરણા ઊર્મિને જનાબ ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ ઉપરથી મળી છે.

અને આજે – વ્હાલી ઊર્મિના જન્મદિવસે આ ગઝલ આપણા સર્વ તરફથી ઊર્મિને… જન્મદિવસની અમિત શુભેચ્છાઓ સાથે.. 🙂

fall-season1-sml
(લીલોતરીની સૂકી સૂકી વિદાય…     7 નવેમ્બર 2008)

*

બંસીથી સૂર
થઈ ગ્યો દૂર, तेरे
जाने के बाद !

*

સ્વર અને સ્વરાંકન – રિષભ મહેતા

.

સ્વર – ગાયત્રી મહેતા
સ્વરાંકન – રિષભ મહેતા

.

આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.

સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.

મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.

તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.

તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.

‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.

– ઊર્મિ (૬ મે ૨૦૦૯)

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

વ્હાલા પપ્પાને… – ઊર્મિ

ઊર્મિનું આ અછાંદસ મને પણ એટલું જ પોતીકું લાગે છે.. પપ્પાની સાઇકલ, એમના હાલરડાં, એમની આગળ પૂરી થતી કેટલીય નાની-નાની જીદ.. કેટકેટલું યાદ આવી જાય..! જાણે વર્ષોની નહીં પણ ગઇકાલની જ વાત હોય એ બધી..!

આજે Father’s Day ના દિવસે મારા બંને પપ્પાઓને અને દેશ-વિદેશમાં રહેતા બધા જ પપ્પાઓ અને એમની લાડકી દીકરીઓને આ ગીત મારા અને ઊર્મિના તરફથી..!

( જાણે કે હું, પપ્પા અને તિથલનો દરિયો…. Photo : Excellent Worth)

* * * * *

વ્હાલા પપ્પા,

યાદ તમોને
સાયકલ પેલી ?
જેના પર હું રોજ
(નોકરી પરથી આવ્યા
થાક્યા પાક્યા તોય) તમોને
આગળની એ સીટ પર જ બેસીને
આંટો એક ધરાર લેવાની
કરતી જીદ?!

ને
યાદ તમોને?
રોજ રાત્રીએ
મારી એ ભજવેલી
સ્ટોરી, બેડ-ટાઇમની ?
રોજ એક ની એક
હું ભજવું.
જેમાં રોજ રોજ તમે
બત્તી ગુલ કરો
એ પછી જ
હું થાતી
બાથરૂમ જાવાની
ને
પાણી પીવાની?!

અને
બધું એ પતે પછી યે
વારંવાર
તમારી પાસે
બત્તી ચાલુ-બંધ કરાવવા
ફરીફરીને
મારી પસંદગીના
બ્લેન્કેટ માટે
હું તમને કરતી
અવશ્ય એક ટહુકો…
તમને ય તો ખબર
કે
તમારા માટે જ હતો
મારો એ સ્પેશ્યલ લહેકો-
“પપ્પા, કટ્કો જોઈએ!”

યાદ તમોને?

પપ્પા !
એ બધ્ધું જ
હવે તો
મારા ઘરમાં
ચકરાવો લઈ
ફરી થયું છે શરુ!!
મારું સ્થાન લઈને
મારો નાનકો,
હવે તો
એ બધું યે
યાદ કરાવે મને!!

ફરી ફરીને એ જ અનુભવ…
તાજો થાતો રોજ.
પરંતુ
પાત્રો હવે બદલાયાં !
હું મારી
આ નવી ભૂમિકા
ભજવાતી જોઈ રહું,
તમારા સ્થાને ?

* * *
અને હા.. સાથે સાથે આ પહેલા ટહુકો પર મુકેલા આ ‘પપ્પા સ્પેશિયલ’ ગીત સાંભળવાનું/વાંચવાનું આમંત્રણ પણ આપી જ દઉં ને 🙂

પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. – મુકુલ ચોક્સી
તો, પપ્પા! હવે ફોન મૂકું? – મનહર ત્રિવેદી
સ્નેહે સુપુત્રી…. – હિમાંશુ ભટ્ટ

અટકળ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ચોથી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..! એની ગાગરમાં ભરેલા ઊર્મિના સાગરમાંથી ગુજરાતી સાહિત્યને અવનવા ગીત-ગઝલના મોતીઓનો ખજાનો હંમેશા મળતો રહે એવી અમિત શુભેચ્છાઓ…!!!

tunnel

(અટકળનું બોગદું… Tunnel… ૨૬ ડિસેમ્બર, ૨૦૦૮)

*

તું નથી તોયે
ભાળું હું- આવું છળ
કૈં હોતું હશે ?

*

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

-’ઊર્મિ’

સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા? – ઊર્મિ

hpim0081-sml

(માહતાઈ મેરુની કે ખીણની ?… Lake George, NY… 22 ઑગષ્ટ 2005  Photo: Urmi)

*

આભ ધરાનાં
ક્ષિતિજે સરવાળા-
એ કોણે કર્યા?

*

શબ્દને બોલ, નખરાળા કોણે કર્યા?
અર્થને આમ અણિયાળા કોણે કર્યા?

મેરુની માહતાઈ તો છે ખીણથી,
મોભનાં આમ સરવાળા કોણે કર્યા?

જોખમાશે આ સત્તા બધી ચંદ્રની,
ભર અમાસે આ અજવાળા કોણે કર્યા?

તેં રચી સૃષ્ટિ કેવી આ સોહામણી!
તો પછી આંખે પરવાળા કોણે કર્યા?

પંચતત્ત્વોથી નશ્વર તેં કાયા ઘડી,
પણ મંહી નેહનાં માળા કોણે કર્યા?

આપણો તો હતો મૂળ એક જ ધરમ,
પંથનાં તો આ ઘટમાળા કોણે કર્યા?

જેને મોઘમ ગણી સાચવ્યા મેં હતા,
એજ સ્મરણોને પગપાળા કોણે કર્યા?

હું અને તું કદી પણ જુદા ક્યાં હતા?!
સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

-’ઊર્મિ’

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

અંતરંગ સખાને… – ઊર્મિ

આજે ઊર્મિની એક મઝાની ગઝલ.. એના જ હાઇકુ સાથે..!!

(વ્હાલનાં વરસાદમાં………….. Photo by : Kopfjäger)

*

શબ્દોની વચ્ચે
છોડેલી ખાલી જગ્યા…
વાંચી શકીશ?

*

આટલું જાણ્યું સખા ! એ પ્રીત પણ પ્યારી નથી,
સંગ એની એક-બે જો વેદના પાળી નથી.

જો પ્રણયની રાહ તેં આંસુથી શણગારી નથી,
છો સફરમાં હોય તું, પણ એ સફર તારી નથી.

વાંસળીની જેમ વાગી ના શકે તો જાણજે,
છે હજી પણ કૈંક અંદર… સાવ તું ખાલી નથી !

વ્હાલનાં વરસાદમાં પણ સાવ કોરો રહી જશે,
તું નહીં પલળે કદી, જો છતને ઓગાળી નથી.

પ્રેમને ઈશ્વર સમજ ને ભાગ્ય કર તું વ્હાલકુ,
ફર્ક શો છે હાથની રેખા જો હૂંફાળી નથી?!

હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.

પ્રીત, ઊર્મિ, બેબસી ને દર્દથી સજતી રહી,
જિંદગીને મેં સખા ! કંઈ ખાસ કંડારી નથી.

-’ઊર્મિ’ (સપ્ટેમ્બર 26, 2008)

યાદમાં અટવાય છે કારણ વગર -ઊર્મિ

ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

*

કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

-’ઊર્મિ’ (જાન્યુ. 2008)

…. તો બેધડક તું મારી પાસે આવજે – ઊર્મિ

આજે ૧૮ મી સપ્ટેમ્બર, વ્હાલી ઊર્મિનો જન્મદિવસ…

તો બેના, તારા જ શબ્દોમાં આજે તને ફરીથી આમંત્રણ આપું છું –

( આ સોનેરી દરવાજો જોવા… બેધડક તું મારી પાસે આવજે 🙂 )

* * * * * * *

ગઝલ પઠન : ઊર્મિ

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.

હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.

પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.

જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.

આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.

-‘ઊર્મિ’

છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ઝૂમી ગઝલ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ત્રીજી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..!

kupan3.jpg

(ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી… 2 જુલાઈ, 2007 )

*

લયમાં ઢળી
તારી યાદ- ને બની
ગઈ ગઝલ!

*

આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!

પાનખરમાં થઈ વસંતી વાયરો ઉડી ગઝલ,
ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી ગઝલ.

અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.

વેદનાને તળિયે જઈ સમૃદ્ધ થઈ પાછી ફરી,
દીન થઈ ગઈ રાહમાં, કોણે હતી લૂંટી ગઝલ?

આમ તો કાયમ કટાણે જ એ નજીક આવી હતી,
લાડ જ્યારે ના કર્યા ત્યારે ફરી રૂઠી ગઝલ.

મોકલાવ્યું મેં તને દર્પણ બનાવી ઊર્મિનું,
કંઇ ન દેખાયું તને તરડાઈને તૂટી ગઝલ.

-’ઊર્મિ’

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

હાઇકુ – ઊર્મિ

(સંધ્યા ચાલી…. Fort Bragg, CA, Nov 08)

* * * * *

(૧)
બંસીથી સૂર
થઈ ગ્યો દૂર, तेरे
जाने के बाद !

(૨)
ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

(૩)
સઘળું વ્હાલ
મોકલ્યું તને, તોય
હું ભરીભરી…!

(૪)
લયમાં ઢળી
તારી યાદ- ને બની
ગઈ ગઝલ!

(૫)
પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?

(૬)
પ્રેમપંથ છો
હો વિકટ… હું બીજે
પંથ શેં જાઉં?!

(૭)
પત્રમાં સખા,
હું મને જ મોકલું…
તું વાંચીશ ને?!

(૮)
છો હોઠ તારા
બંધ સખી ! જો, નૈન
ચુગલી કરે…

(૯)
પાણીને વાગી
ઠોકર સુહાની, તો
બન્યું ઝરણું…!

(૧૦)
સાગર ખાલી,
સંધ્યા ચાલી… ને તો યે
ઉગ્યું સપનું !

તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ – ઊર્મિ

સ્વર :  ઊર્મિ  

ભોળી ભટાક હતી ગોરસની ખાણ, કેવા કરી દીધા મુજ પર તેં જંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

વ્હેતુ’તુ વ્હાલ તારું વાંસળીનાં સૂરમાં,
ને વહેતી’તી હું ય તારી તાનનાં એ પૂરમાં.

સઘળું ભૂલીને કા’ન, ભૂલી જઈ ભાન… કેવા જપતી’તી તારા હું મંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

તડ તડ તૂટે છે પેલી કદંબની ડાળખી,
ધસમસ તૂટે છે મારી સંગે આ માટલી.

રોળીને લાગણીનાં લીલુડાં રાન… જો ને, થઈ ગયો તું કેવો છૂમંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

ઝૂરું છું પળ પળ હું, ઝૂરે છે વાંસળી,
વિરહની વેળ અમને લાગે છે આકરી.

દવલાં કરી દવમાં છોડતાં હે શ્યામ… તારું સહેજે દુભાયુ ન અંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?