આજે ગુજરાતના ગાલિબ – યાદગાર શેરોના સર્જક – ‘મરીઝ’ સાહેબના જન્મદિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના શેરોની મહેફિલ… .- આભાર – રીડગુજરાતી.કોમ
*************
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
***
એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું-
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !
***
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.
***
એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
***
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
***
હું કયાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
***
એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
***
એ દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા,
શાયદ એ સાંભળી લે જો માથું પછાડીએ.
***
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
***
બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.
***
એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.
***
ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે,
હવે કાંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી.
***
છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું, જીવન ખરાબ આપીને !
***
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
***
હવે એની ઉપરથી આપ મારી દુ:ખ કથા સમજો,
જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને.
***
મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,
‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધેકાંધે,
જીવન પણ ગયું છે સહારેસહારે.
***
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
Share what you loved...