Category Archives: બેગમ અખ્તર

મેં તજી તારી તમન્ના – મરીઝ

સ્વર : બેગમ અખ્તર

.

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : પુરષોત્તમ ઉપાધ્યાય
પ્રસ્તાવના : અમર ભટ્ટ

.

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– મરીઝ

ગળતું જામ છે – મરીઝ

ઘણા વખત પહેલા બેગમ અખ્તરના અવાજમાં સાંભળેલી આ ગઝલ – આજે આ ગઝલના સ્વરકાર – પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં :

.

લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, મુકેશ, મોહમ્મદ રફી…. વગેરે હિન્દી સંગીત જગતના દિગ્ગજોથી લઇને, શાન, સાધના સરગમ, જગજીત સીંગ, રૂપકુમાર રાઠોડ જેવા આજના જાણીતા બીન-ગુજરાતી કલાકારોના ગુજરાતી ગીતો આપણે સાંભળ્યા છે, પણ તમને ખબર છે કે ‘મલ્લિકા-એ-ગઝલ’ તરીકે ઓળખાતા ‘બેગમ અખ્તર’ના અવાજમાં પણ ગુજરાતી ગીતો છે ? સાંભળો ‘મરીઝ’ સાહેબની આ ખૂબ જ જાણીતી ગઝલ…

સ્વર : બેગમ અખ્તર

.

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !
આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

——————-

ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને ટહુકોની વર્ષગાંઠ પર આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે – બરકત વિરાણી ‘બેફામ’

‘બેફામ’ની ગઝલથી શરૂ કરેલી ટહુકો.કોમના જન્મદિવસની ઉજવણી પૂરી પણ ‘બેફામ’ની જ ગઝલથી કરીયે તો ? ( અરે ચિંતા ના કરો, ટહુકો પર તો મને બહાનુ જ જોયતુ હોય છે – એટલે આ ખરેખર તો ઉજવણી પૂરી નથી થતી, બસ.. એક બ્રેક…!! )

હા… તો આપણે વાત કરતા હતા આજની આ સ્પેશિયલ ગઝલની.. પણ મને લાગે છે કોઇ વાત કરવાની જરૂર જ નથી. સંગીતકાર ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ અને ગાયક ‘બેગમ અખ્તર‘નું નામ જોઇને તમને સમજાઇ જ ગયું હશે, કે બેગમ અખ્તરે ગાયેલી ફક્ત બે ગુજરાતી ગઝલમાંની આ બીજી ગઝલ. (પહેલી ગઝલ ‘ગળતું જામ છે’ – આપણે ટહુકાની સાચ્ચી બર્થ ડે વખતે સાંભળેલી, યાદ છે ને ? )

સ્વર : બેગમ અખ્તર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

mysore-palace.jpg

.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે.

ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે

વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.

ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.

જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

કોણ દુનિયાને પિછાણે? કોણ દુનિયાથી બચે?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.

છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.

મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.

એવી દુનિયામાં ભલા દુખના દિલાસા કોણ દે?
એક્નો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.

જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે.
——————-

ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.