નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.
પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.
સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.
આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?
હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.
મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.
અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.
તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !
મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.
ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.
– મરીઝ