આજે કવિ શ્રી ડો. દિનેશ શાહના ૭૫મા (75th) જન્મદિવસે – એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મઝાનું ગીત..! Happy Birthday Dinesh Uncle! Wishing you great time ahead!
ગીતની શરૂઆત થોડું કુતુહલ કરાવે એવી છે. પહેલી પંક્તિ સાંભળીને એવો વિચાર આવે કે રેતી પરનું આ ગીત કવિ ક્યાં લઇ જશે? અને આગળ ગીત સાંભળો, તો કવિની પહોંચને સલામ કરવાનું મન થઇ આવે – કાચશીશીથી લઇ ને સિલિકોન ચીપમાં રહેલી રેતી – અને જીવનમાં વણાઇ ગયેલી રેતી (જે આપણે મોટેભાગે નજરઅંદાજ કરતા હોઇએ છીએ) એ કવિ બખુબી આપણી સામે લઇ આવે છે.
અને હા, ગયા વર્ષે દિનેશઅંકલના જન્મદિવસે જે ગીત મૂક્યું હતું – એ બળદગાડા વાળું ગીત યાદ છે? એ ગીત સાથે જે pop quiz મૂકી’તી – એના જવાબમાં આવેલી comments વાંચવાની ખૂબ જ મઝા આવી’તી! (એના જવાબ હજુ પણ ત્યાં આપી શકો છો!)
તો આજે બીજી pop quiz .. રેતી સાથેનો બીજો કોઇ સંબંધ યાદ હોય કે ન હોય, પણ રેતીના મહેલ નાનપણમાં ઘણાએ બનાવ્યા હશે, એના કોઇ સ્મરણો અમારી સાથે વહેંચશો? ચલો, શરૂઆત હું જ કરું! અમે અતુલ સુવિધા કોલોનીમાં રહેતા, ત્યારે ઘરની સામે જ મોટ્ટું મેદાન. પહેલો વરસાદ પડે ત્યારે એ મેદાનમાં મન ભરીને નાહવાનું! અને મોટેભાગે જે રેતીના મહેલ દરિયા કિનારે બનાવાતા, એવા રેતીના મહેલ પહેલા વરસાદથી ભીની થયેલી માટી – રેતી માંથી બનાવતા..!!
સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ
યુગ યુગથી તું ધીરજ ધરીને , બેઠી કેમ અબોલ રેતી બેઠી કેમ અબોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……..
કણ કણમાં ઈતિહાસ ભર્યો તુજ, યુગ યુગથી સૌ જોતી
ગગને જયારે કોઈ ન ઊડતું , ત્યારે ઊડી તું રેતી …..
અખૂટ આ ભંડાર છે તારો , કિમત કશું નાં લેતી
કહેતા આ સૌ સસ્તી રેતી, મુજ મન તું અણમોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……
જીવન તણી આ કાચ શીશીમાં , સમયની સરતી રેતી
અંતરમાં સમાવી દીધાં અગણિત છીપલાં મોતી
ખારા નીરમાં પ્રેમે તરતાં શીરે ભરતાં સૌ રેતી
ગોદમાં તુજ આ માનવ રમતાં આનંદે કિલ્લોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …..
કાચ બની તું કંગન થઇ કોઈ ગોરી હાથે ઝૂલતી
સૈનિક આગળ રણ મેદાને બંદૂક ગોળી ઝીલતી
રાજમહેલ કે રંક તણા ઘર પાયા ભીંતો ચણતી
પાળની પાછળ રહીને મારી વહેતા પુરને ધોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ
વણઝારાની સાથી બનીને ભોમ ભોમમાં ભમતી
સિલીકન ચીપ બનીને આજે અવકાશે તું ઊડતી
ઝાંઝવાના નીર થઈને રણ વંટોળે ચડતી
તેલ ફુવારા રણમાં ફૂટતાં , અજબ છે એના મોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …
- ડૉ. દિનેશ ઓ શાહ (ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ એસ એ)
Share what you loved...