સોળમા વરસે — તુષાર શુક્લ

સોળમા વરસે પ્રેમ થાય કે ના ય થાય, એ બને
પ્રેમ થાય ત્યાં વરસ સોળમું બેઠું લાગે, મને
શું લાગે એવું, તને?

પ્રેમ એટલે ઘડી એકલાં, ઘડી ભીડમાં ભમવુ
પ્રેમ એટલે રૂમાલ સાથે આંગળીઓનું રમવુ
કોઈ ભલે ને હોય ન સામે, એકલાનું મલકાવું
પ્રેમ એટલે વગર કારણે આંખોનું છલકાવું
છાના પગલે આવી મહેકે, અંતરના ઉપવને-

ખુલ્લી આંખો, ખુલ્લું પુસ્તક, પ્રોફેસર પણ સામે
હાજરી પત્રકને ભુલી મન, વહે કોઈ સરનામે
અઘ્યાપકનો એકે અક્ષર પડતો નહીં જ્યાં કાને
લખી ગયૂં કોઈ મનનું ગમતું નામ આ પાને પાને
જોઈ તને જ્યાં હોઠ ખુલ્યાં ને શું કહી દીધું તને?

અલી, કાનમાં કહે ને મને !

શબ્દને અજવાળવાથી શું હવે ? – હર્ષ બ્રહ્મભટ્ટ

કવિ હર્ષ બ્રહ્મભટ્ટની એક ગઝલ – કવિ મિત્ર વિવેક ટેલરની ટિપ્પણીઓ સાથે 🙂
—–

એક પળને પાળવાથી શું હવે ?
ને સમય પંપાળવાથી શું હવે ?

રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
આ હવાને ગાળવાથી શું હવે ?

ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
પાનખરને ટાળવાથી શું હવે ?

અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?

ક્યાં બચ્યાં છે શ્હેર એકે જીવતાં ?
પૂર પાછાં ખાળવાથી શું હવે ?

-હર્ષ બ્રહ્મભટ્ટ

નિરાશાના ઘનઘોર અંધારાસભર આ ગઝલ ‘અંદર દીવાદાંડી’ના સંગ્રહકાર કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લઈને આવ્યા છે. અંધારાનો નિયમ છે કે આંખ ચૂંચી કરીને જોવું પડે. અડાબીડ તમસના કાળા અંધકારને ઓઢીને ઊભેલી આ ગઝલને જરા આંખ ચૂંચી કરીને જોઈએ તો અંદર સાચે જ દીવાદાંડીનો પ્રકાશ પડતો દેખાશે. દરેક જણ પોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખું વિશ્વ ચોખ્ખું થઈ જશેની વિધાયક ભાવના કવિ કેવા નકારાત્મક શબ્દોથી ઊજાગર કરે છે ! આપણી ભીતર જ -આપણા લોહીમાં જ – એવા એવા દૂષણોનું પ્રદૂષણ ગોરંભાઈ બેઠું છે કે હવે બહારના પ્રદૂષણોને અટકાવવાની વાતો કરવી સર્વથા વ્યર્થ છે. અંદર અજવાળું ન થાય ત્યાં સુધી હવાને ગાળવાથી ફાયદો શો? ભીતરના અર્થ જ્યાં સુધી રળિયાત ન થાય ત્યાં સુધી ઠાલાં શબ્દોને અજવાળવાથી શું વળવાનું છે ? જંગલ એટલે ઊગી નીકળવાની આશા… આપણે ભીતર કે બહાર ક્યાંય કશું નવું કે લીલું ઊગી શકે એવી શક્યતાય ક્યાં બચવા દીધી જ છે કે હવે પાનખરને અટકાવવાની કામના કરવી?

યાદ રહે… કવિનું અંધારું એ સમાજનું અજવાળું છે. કવિની નિરાશા એ વિશ્વની આશાની આખરી કડી છે. કવિ જ્યાં તૂટી પડતો જણાય છે ત્યાં જ સમાજના ઘડતરની ને ચણતરની પહેલી ઈંટ મૂકાતી હોય છે. કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા… – વિવેક મનહર ટેલર

Global કવિતાઃ અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

ગ્લોબલ કવિતા ‘category’ માં આજે માણીએ ખૂબ જ જાણીતા પર્શિયન કવિ ‘રૂમિ'(30 September 1207 – 17 December 1273)ની એક કવિતા!

*******
અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)
May 25, 2013 at 12:30 am by વિવેક · Filed under અછાંદસ, રૂમી, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

પ્રભાતિયું… – રમેશ પારેખ

સૂર્યે સવાર પાડી ઘરને કર્યું અડપલું લગરીક સોનવરણું
છાંયાને બ્હાને કાજળનું ઘરના ગાલે કીધું અધિક-નમણું!

પોતાના કેશ સૂકવે તડકામાં તાજી તમતમતી ષોડ્ષી સુકન્યા
છાંયાઓ ભાત પાડીને ઠેરઠેર કરતા એ પર્વનું ઉજવણું

પંખીના કલરવોને મુઠ્ઠીમાં પકડી-પકડી ઉડાડતા કિશોરો
ફળિયું ભરીને આંખો ફફડાવતી કિશોરીનું પાડતા ખિજવણું

માથેથી સરતો સાલુ સંકોરતી ગૃહિણી કંકાવટીમાં ઘોળી-
કંકુના સાથિયાઓનું રૂપ ઉંબરામાં, ભભરાવે બમણું-બમણું

પૂજાની ઓરડીમાં ઈશ્વરને લાડ કેવાં-કેવાં લડાવે વૃદ્ધા!
ન્હવરાવે, લૂછે, વંદે, પ્હેરાવે ફૂલ, ઓઢાડે વ્હાલનું ઉપરણું

ટૂંકા પડે છે જેની ળા પનાની વ્હાલપને ઓસરી ને ફળિયું
એ વૃદ્ધમાંથી દોડે બાળકની કિલકારીનું ઠેકઠેક ઝરણું.

– રમેશ પારેખ

હળવાશ – પન્ના નાયક

તને પ્રેમ કર્યો હતો

ભૂલી જવા
મેં
આપણા હાસ્યના ફુવારા
મુશળધાર વરસાદમાં ભેળવી દીધા,
આપણી વિશ્રંભકથા
પતંગિયાંઓની પાંખ પર મૂકી દીધી,
અને
આપણા આશ્લેશની નિકટતા
તાજા જ પડેલા સ્નોને સોંપી દીધી.

હવે
હું
સ્મૃતિરહિત.

– પન્ના નાયક

Global કવિતા (સાપ્તાહિક કોલમ) ~ એક નવી શરૂઆત…

એક નવી શરૂઆત… “ગુજરાત ગાર્ડિયન” દૈનિકમાં દર મંગળવારની પૂર્તિમાં કવિ વિવેક મનહર ટેલરની કોલમનો પ્રારંભ… “ગ્લોબલ કવિતા” – અન્ય ભાષાની કવિતાઓનો ગુજરાતી અનુવાદ તથા ટૂંકો આસ્વાદ….! અને દર શનિવારે ટહુકો પર પણ એ ગ્લોબલ કવિતાને ફરી એકવાર મમળાવવાનો મોકો!

01-768x771

જેનીએ ચૂમી લીધો મને

જેનીએ ચૂમી લીધો મને જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ ચૂમી લીધો મને.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાના શબ્દો અને સામાન્ય વાતચીતના શબ્દોમાં તાત્વિક રીતે કંઈ જ ફરક નથી. તો પછી એવું શું હશે જે વાતચીતના શબ્દોને કવિતાની કક્ષાએ લઈ જતું હશે ? જેમ્સ લે હન્ટની આ કવિતા પર નજર નાંખીએ.

પહેલી નજરે જોઈએ તો માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિને ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે. આગળ જોઈએ તો કવિ સમય સાથે ગુફ્તેગૂ માંડતા નજરે ચડે છે. સમય પર આરોપ છે કે એ બધી મીઠી વાતો પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થાય છે ત્યારે આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે પથારી સુધી પણ લંબાતો નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેશ છે એ સ્પર્શી જાય છે. કેમકે કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ છે. નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, દુઃખી પણ ઘણો છે અને તન-મન-ધન, ત્રિવિધ રીતે જીવનમાં નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, મનમાં હતાશા. જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.

એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) નાયક પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી દીધા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. સુન્દરમે લખ્યું હતું, ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

નાયક સમયને જે ઉપાલંભ આપે છે આગળ કહ્યું એમ આ કાવ્યનો પ્રાણ છે. સમય ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે. સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. પણ કવિ એને જે ચીમકી આપે છે એની મજા છે. કવિ સમયને કહે છે કે તું તારી ડાયરીમાં બધું જ નોંધી લેજે. મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયેંબિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે –ગુરુ-લઘુ, ગુરુ-લઘુ – થાય છે. જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. મૂળ અંગ્રેજી કવિતામાં અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

તારા અક્ષરના સમ – મૂકેશ જોશી

જો મારી આંખોનો આટલો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ –
– તારા અક્ષરના સમ

તું મારી વાદળી શાહીમાંથી વાદળાં કેવાં ઉડાડતો હું જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી

કેવી પગલાઇ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ
– તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યાં
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા

જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલા મેં લીધા જનમ
– તારા અક્ષરના સમ

– મૂકેશ જોશી

તડકાની અડકી … – નંદિતા ઠાકોર

તડકાની અડકી એક નાની શી લ્હેર
હું તો સોનેરી સોનેરી થઇ ગઈ ચોમેર.

ફૂલનાં ઝુમખડાં શું હળવે લળી’તી હું તો
કોળેલી કાયાના કેફમાં
ખુલતી સ્હવાર તણું ઘેન ભર્યું આંખમાં
ને મોરલાની મ્હેક મારી ઠેકમાં
હું તો સૂરજમુખી થઈને ખીલી આ મેર.

પગલું હું માડું ત્યાં કિરણોની મેંદીની
લાલી ચીતરે છે મારી પાની
સોનેરી રજકણને ખંખેરું તળિયેથી
ઘડી ઘડી હું ય છાનીમાની

ભર રે બપોર હવે તારે તે આંગણે
વેરાતી જાઉં ભલી હું આણી પેર.

– નંદિતા ઠાકોર

તને ટહુકાઓ આપું તો લઈશ કે? – નંદિતા ઠાકોર

અલી તને ટહુકાઓ આપું તો લઈશ કે?
ખુલ્લી હથેળીઓમાં સૂરજ ઉગાડું
પછી તડકાઓ આપું તો લઈશ કે?

તને આખું આકાશ કેમ આપી શકાય
ભાગ એમાં છે આખા એ ગામનો
સપનાને સોંસરવા વીંધીને એના પર
સૂરજ ચીતરાયો નકામનો
(કહે) મારી આ આસમાની આંખોના ભૂરાછમ
સપનાંઓ આપું તો લઈશ કે?

ટહુકા કે તડકાઓ આપી તો દઉં
એને કેમ કરી ઘરમાં લઇ જાશે?
તારી આ જાત હવે તું થી જળવાય નહી
કેમ કરી સપનાં જળવાશે?
આપણા વિયોગ પછી ઉંબરમાં અટકેલાં
પગલાંઓ આપું તો લઈશ કે?

– નંદિતા ઠાકોર

લ્યો આવી ગઈ દિવાળી – અનિલ ચાવડા

સમગ્ર ટહુકો પરિવાર, અને San Francisco Bay Area ના કલાકારો તરફથી એક ખૂબ જ પ્રેમભરી દિવાળીની શુભકામનાઓ અને નૂતનવર્ષાભિનંદ. અને સાથે માણીએ કવિ શ્રી અનિલ ચાવડાનું આ મઝાનું દિવાળી ગીત!

Music : Asim and Madhvi Mehta
Music Arrangement : Asim Mehta
Vocals:
Darshana Bhuta Shukla, Asim Mehta, Madhvi Mehta, Neha Pathak, Sanjiv Pathak, Bela Desai, Hetal Brahmbhatt, Ameesh Oza, Parimal Zaveri, Aanal Anjaria, Achal Anjaria, Palak Vyas, Ashish Vyas, Ratna Munshi
Photography and Videography:Narendra Shukla and Achal Anjaria

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

(આભાર – અનિલચાવડા.કોમ)