ગ્લૉબલ કવિતા : ૩૦ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ

મકાનમાલિક, મકાનમાલિક,
મારું છાપરું ગળતું છે.
મેં એના માટે કઇલું’તું તે હો યાદ નંઈ,
ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં હો તૂટી ગઇલાં છે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ઉપર આઇવો તિયારે.

દહ રૂપિયા, તું કે’ય કે મારે તને આલવાના છે?
તું કે’ય છે કે અજી બાકી છે દહ રૂપિયા?
અંહ, આ દહ રૂપિયા ફાલતુના છે તો બી આલી દઈશ,
તું ઘર તો રિપેર કરાવ પેલ્લા.

હું કીધું ? તું ખાલી કરાવવાનો ઓડર લાવહે?
તું મારી લાઇટ કપાવવાનો કે હું ?
મારો સામાન હો તું ઊંચકીને
હેરીમાં ફેંકાવવાનો કે હું?

ઉહ-અંહ ! બઉ મોટી ફિશિયારી ની માર.
બોલ, બોલ – જે બોલવું હોય એ બોલી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
હું એક જ ફેંટ આલીશ ને તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
ને ઉથલાવી દેવા માંગે છે જમીન!

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.
ભાડૂતને જામીન નહીં.
ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

*

રંગભેદ અને આપણી અંધારી માનસિકતા – વો સુબહ કભી ભી આયેગી?

મનુષ્યજાતિના શરીરે આજદિન સુધીમાં ફૂટી નીકળેલું સૌથી ગંધાતું ગૂમડું ગુલામી અને રંગભેદનું છે. આજની તારીખે પણ એનો સંપૂર્ણ ઈલાજ થઈ શક્યો નથી એય મનુષ્યજાતિની અત્યાર સુધીની સૌથી મોટી કમનસીબી જ ને? અઢારમી સદીના અંતભગ સુધીમાં મોટાભાગના અમેરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થઈ ગઈ હતી. અબ્રાહમ લિંકનના શાસનકાળમાં ૧૮૬૫માં ગુલામીપ્રથાનો વિધિવત્ કાયદેસર અંત આવ્યો એના ૭૫ વર્ષ પછી છે…ક ૧૯૪૦માં એક અમેરિકન કવિ આ કવિતા લખે છે અને કાયદા તથા વાસ્તવિક્તા વચ્ચેની વિશાળ ખાઈથી અવગત કરાવે છે. કવિતા લખાયા બાદ બીજા ૭૫થી વધુ વર્ષ વીત્યાં પણ દુનિયામાંથી શ્વેત-શ્યામ, અમીર-ગરીબ અને ઊંચ-નીચના ઓળા જરાય ઓસર્યા છે ખરાં?

લોહી થીજી જાય એવી આ કવિતાના સર્જક જેમ્સ મર્સર લેન્ગ્સ્ટન હ્યુસ (૦૧-૦૨-૧૯૦૨થી ૨૨-૦૫-૧૯૬૭) જેઝ પોએટ્રી અને હાર્લેમ પુનરુજ્જીવનના અગ્રિમ પ્રણેતા હતા. મુખ્યત્વે કવિ. નાટ્યકાર, નવલકથાકાર અને અખબારી કોલમિસ્ટ તરીકે પણ નોંધપાત્ર. જન્મતાવેંત મા-બાપ અલગ થયા એટલે મા અને નાની સાથે રહી મોટા થયા. શહેરે-શહેરે ભટક્યા અને અંતે હાર્લેમમાં સ્થિર થયા. ન્યુયૉર્કના ‘ગ્રેટ ડાર્ક સિટી’ હાર્લેમ પરગણામાં હબસીઓની મોટી વસ્તી છે અને વીસમી સદીના વીસી-ત્રીસીના દાયકામાં એ નાઇટક્લબ્સ અને જેઝ બેન્ડ્સ માટે ખ્યાતનામ હતું. Harlem Renaissance એ લેન્ગ્સ્ટન અને ઝોરા હર્સ્ટ્ન જેવા સર્જકોની રંગભેદની નીતિ પરત્વેની જાગરૂકતાની ફળશ્રુતિ હતું. આ નૂતન નીગ્રો ચળવળ આફ્રિકી-અમેરિકન કળાની જનેતા પુરવાર થઈ. કોઈપણ એક વિચારધારાને વળગી રહ્યા વિના, વિક્ટોરિયન નૈતિક મૂલ્યો અને મધ્યમવર્ગીય શરમના અંચળા ફગાવીને ઉગ્ર ચર્ચાઓ અને નૂતન પરિમાણો સાથે જે આફ્રિકી-અમેરિકન કળાનો હાર્લેમથી શરૂ થઈ આખા અમેરિકામાં દાવાનળની જેમ ફેલાવો થયો એ એ બાદની કળાઓનો મુખ્ય પાયો બની રહ્યો.

વૉશિંગ્ટન ડીસીની એક હૉટલમાં એંઠી ડીશ-ટેબલ સાફ કરવાની નોકરી કરતા હ્યુસે વેચલ લિંસી નામના કવિની ડીશની બાજુમાં ત્રણ કવિતાઓ મૂકી અને બીજા દિવસે દેશભરના અખબારોમાં સમાચાર છપાયા કે લિંસીએ બસબૉય તરીકે કામ કરતા હોનહાર આફ્રિકી-અમેરિકન કવિને શોધી કાઢ્યો છે. હ્યુસને સ્કોલરશીપ મળી અને જિંદગીની ગાડી યુનિવર્સિટીના રસ્તે આગળ દોડી. ચોવીસ વર્ષની ઊંમરે તો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. અખબારોએ એમના વિશે અત્યંત નીચ કક્ષાનું ઘસાતું પણ લખ્યું પણ સૂર્યને ક્યાં સુધી છાબડાથી ઢાંકી શકાય? રંગભેદની નીતિ જ એમનું પ્રમુખ હથિયાર બની રહી. આફ્રિકી-અમેરિકન અનુભવ એમના લેખનનો મુખ્ય વિશેષ. લક્ષ્મણના કોમનમેનની જેમ હ્યુસનો હાર્લેમની ગલીઓમાં રહેતો ‘સિમ્પલ’ વિશાળ જનમાનસ સુધી પહોંચી ગયો. કેટલાક લોકો એમના લખાણોમાં કાળા પુરુષો તરફનો પ્રેમ જોઈને એમને હોમોસેક્સ્યુઅલ પણ માનતા. હકીકતે એ એન મેરી કૉઝીના પ્રેમમાં પણ પડ્યા હતા પણ પ્રેમિકા બીજાને પરણી ગઈ. એમના પ્રમુખ ચારિત્ર્યલેખક આર્નોલ્ડ રેમ્પરસાદના મતે એ asexual હતા. પ્રોસ્ટેટના કેન્સર અંગેની સર્જરીના કોમ્પ્લિકેશનના કારણે 65 વર્ષની ઊંમરે એમણે વિદાય લીધી.

અંગ્રેજીમાં જૂના જમાનામાં બેલડ યાને લોકગીતમાં સામાન્યરીતે રાજપરિવાર, શૌર્ય યા પરીકથા વણી લેવાનો રિવાજ હતો. ચાર લીટીના અંતરામાં અ-બ-ક-બ પ્રાસ રચના અને પહેલી અને ત્રીજીમાં ચાર અને બીજી-ચોથીમાં ત્રણ ભારયુક્ત સ્વરની વ્યવસ્થા હોય છે. પ્રસ્તુત રચનાનું સ્વરૂપ ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રખ્યાત આફ્રિકી-દક્ષિણ અમેરિકી સંગીતપ્રકાર બ્લ્યુઝ જેવું છે જે અંત ભાગમાં અચાનક બદલાઈ જાય છે. જેઝ કવિતા જેવા આ બેલડમાં છ ચતુષ્ક અને ત્રણ ત્રિપદી છે. પહેલાં છ ચતુષ્કમાં પારંપારિક બેલડ મુજબની પ્રાસ-છંદ યોજના જોવા મળે છે. છઠ્ઠો અંતરો ઇટાલિક્સમાં છે, એ વક્તા અને કવિતાના ટોનમાં પરિવર્તન પણ સૂચવે છે. પછી ત્રણ ત્રિપદીઓમાં કવિતાના વાતાવરણની સાથે જ છંદ અને પ્રાસ બંને બદલાતાં-ખોરવાતાં નજરે ચડે છે. આખરી ત્રણ પંક્તિઓ કેપિટલ લેટર્સમાં (ગાઢા ટાઇપમાં) છે, જે કાયદાનું દબાણ અને અશ્વેતના શોષણની તીવ્રતા બંનેની સૂચક છે.

‘મકાનમાલિકનું ગીત’ શીર્ષક પરથી સમજાય છે કે કવિતામાં ભાડૂત પણ હોવાનો. અને કવિતામાં કટાક્ષ પણ ત્યાંથી જ શરૂ થઈ જાય છે કેમકે હકીકતમાં આ મકાનમાલિકનું નહીં, ભાડૂતનું ગીત છે. કવિતા પૂરી થાય ત્યાં સુધી આપણે ગરીબી અને અમીરી વચ્ચેનો વર્ગવિગ્રહ જ કેન્દ્રસ્થાને અનુભવીએ છીએ પણ છે…ક છેલ્લી લીટીમાં આવતો ‘હબસી’ શબ્દ આ વર્ગવિગ્રહને વધુ એક સ્તર ઊંચે –રંગભેદ સુધી- લઈ જઈ તીવ્રતમ બનાવે છે. અનૌપચારિક અને શેરીમાં બોલાતી વ્યાકરણના નિયમો વિનાની અભદ્ર ભાષા માત્ર અભણ ભાડુતના વ્યક્તિત્વ પર જ નહીં, સમાજમાં નીચલા વર્ગના લોકોને મળતી અપૂરતી તક પર પણ ધારદાર પ્રકાશ નાંખે છે. ટપોરી ભાષા કવિતામાં પ્રાણ પણ પૂરે છે. છઠ્ઠા ફકરામાં માલિકની હાજરી સાથે કવિતાની ભાષા પણ બદલાય છે.

કવિતા અને બીજો અંતરો – બંનેની શરૂઆત ‘મકાનમાલિક’ની દ્વિરુક્તિથી થાય છે કેમકે ભાડૂત જાણે છે કે આખરે એણે બહેરા કાન સાથે વાત કરવાની છે, દીવાલ સાથે માથાં ફોડવાનાં છે. ગયા અઠવાડિયે જ ભાડૂતે ગળતાં છાપરાંને રિપેર કરાવવાની તાકીદ કરી છે પણ મકાનમાલિકે ન તો કોઈ કાર્યવાહી કરી છે કે ન તો ફરિયાદને યાદ રાખવાની દરકાર કરી છે. મકાનમાં ચડવા માટેના પગથિયાં પણ એ હદે તૂટી ગયાં છે કે માલિક પડ્યા નહીં એની જ નવાઈ છે અને આ પગથિયાં પરથી તો ભાડૂત અને એના કુટુંબે દિવસમાં પચાસવાર ચડ-ઉતર કરવાની, યાને સતત પડવાનો, ઈજા-ફ્રેક્ચરનો ઓથો માથે રાખીને જીવવાનું. ગળતું છાપરું, તૂટેલાં પગથિયાં – આ બધી મૂળભૂત તકલીફો અને એના સમારકામ માટે માલિક તરફથી સેવાતી નકરી બેદરકારી ગરીબના શૂન્ય જીવનમૂલ્યનું દ્યોતક છે. આટલું ઓછું હોય એમ દુકાળમાં અધિકમાસ જેવો માલિક પાછી ઊઘરાણી કરે છે. ઘરનું સમારકામ કરાવી આપે તો ભાડૂત એ પણ આપવા તૈયાર છે.

માલિક સાચા અર્થમાં માલિક છે. જન્મસિદ્ધ અધિકાર હોય એમ એ ઘર ખાલી કરાવવાનો ઓર્ડર લઈ આવવાની, વીજળી કપાવી નાંખવાની, સામાન ઊંચકીને શેરીમાં ફેંકાવી દેવાની ત્રણ-ત્રણ ધમકી આપે છે. ભાડૂતની કમાન છટકતાં જ એ મુક્કો મારીને માલિકની બોલતી બંધ કરી દેવાની ધમકી આપે છે અને કવિતામાં ગતિ આવી જાય છે. છંદપરિવર્તન થાય છે, બેલડની પ્રાસરચના ભાંગી પડે છે, જે અવ્યવસ્થા ઈંગિત કરે છે.

ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવેર-રિએક્ટ કરી માલિક પોલિસને બોલાવે છે. પોલિસનો અવાજ ફક્ત સીટી પૂરતો છે પણ છે સાવ હૃદયહીન અને વિચારહીન. પોલિસની કામગીરી કવિએ એક-બે શબ્દોમાં જ આટોપી લઈને કવિતાની અને કાનૂનની ઝડપ યથાર્થ ઊભી કરી છે. છાપાં પણ રાઈનો પર્વત કરીને હેડ-લાઇન્સ બનાવે છે. ભાડૂતની ફરિયાદ ત્યાંની ત્યાં રહી જાય છે પણ એક ગરીબનો અવાજ ઊંચો થતામાં જ સત્તાપરિવર્તનના ભણકારા સાંભળતી સિસ્ટમ ત્રણ મહિના માટે કીડા-મંકોડાની કિંમતના માણસને જેલમાં ધકેલી દે છે. છેક છેલ્લી લીટીમાં કવિ બંધ દાબડી ખોલે છે ત્યારે ખબર પડે છે કે ભાડૂત હબસી પણ છે માટે માલિક ગોરો હોવો જોઈએ.

ફરી યાદ કરીએ કે, ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક ૧૯૪૦માં લખાયેલી આ કવિતા છે. ચાર અવાજ સંભળાય છે. પહેલો, ભાડૂતનો. બીજો, મકાનમાલિકનો. ત્રીજો, પોલિસનો અને ચોથો અખબારનો. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્ર અને એ રીતે પ્રવર્તમાન સમાજનો પણ આપણે સાંભળી શકીએ છીએ જ્યાં ગોરાઓ સામે માથું ઊંચકવાનો વિચારમાત્ર ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે. એ જમાનામાં પાવલી જેવી વાત માટે અશ્વેતોને રૂપિયા જેવડી સજા છાશવારે થતી પણ પરિસ્થિતિ આજેય બદલાઈ નથી. માઇકલ જેક્સને ચામડીનો રંગ બદલવામાં આખી જિંદગી ખર્ચી નાંખી.

આફ્રિકામાં રંગભેદની નીતિનો શિકાર બનેલ એક વકીલ નામે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બન્યો પણ એના જેવું મનોબળ કે સફળતા બધાનાં નસીબમાં તો નહીં જ ને! નેલ્સન મંડેલાએ કહ્યું હતું, ‘ચામડીનો રંગ, પશ્ચાદભૂ કે ધર્મના કારણે કોઈ બીજાને નફરત કરતું જન્મતું નથી. લોકો નફરત કરતાં શીખે છે, અને જો નફરત કરતાં શીખી શકાય તો પ્રેમ કરતાં તો શીખી જ શકાય, કેમકે પ્રેમ એના વિરોધી કરતાં વધુ નૈસર્ગિકતાથી માનવહૃદય સમીપે આવે છે.’ માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું, ‘મારું સ્વપ્ન છે કે મારાં બાળકો એક દિવસ એવા દેશમાં જીવશે જ્યાં એમનું મૂલ્યાંકન ચામડીના રંગથી નહીં, પણ ચારિત્ર્યના ગુણોથી થાય.’ જોએલ એફ. કહે છે, ‘લૉન્ડ્રી એકમાત્ર એવી વસ્તુ છે જેને રંગના આધારે અલગ તારવવી જોઈએ.’ કબાટોના કબાટ ભરાઈ જાય એટલું સાહિત્ય રંગભેદ વિશે લખાયું છે, લાખો પ્રવચનો અપાયાં છે પણ તોય એ કહેવું મુશ્કેલ છે કે કાળા-ધોળાંને એક રંગે ચિતરે એવી सुबह कभी तो आयेगी….

*

The Ballad of landlord

Landlord, landlord,
My roof has sprung a leak.
Don’t you ‘member I told you about it
Way last week?

Landlord, landlord,
These steps is broken down.
When you come up yourself
It’s a wonder you don’t fall down.

Ten Bucks you say I owe you?
Ten Bucks you say is due?
Well, that’s Ten Bucks more’nI’l pay you
Till you flx this house up new.

What? You gonna get eviction orders?
You gonna cut off my heat?
You gonna take my furniture and
Throw it in the street?

Um-huh! You talking high and mighty.
Talk on-till you get through.
You ain’tgonna be able to say a word
If I land my fist on you.

Police! Police!
Come and get this man!
He’s trying to ruin the government
And overturn the land!

Copper’s whistle!
Patrol bell!
Arrest.

Precinct Station.
Iron cell.
Headlines in press:

MAN THREATENS LANDLORD
TENANT HELD NO BAIL
JUDGE GIVES NEGRO 90 DAYS IN COUNTY JAIL!

– Langston Huges

2 replies on “ગ્લૉબલ કવિતા : ૩૦ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ”

  1. Even today we see the same injustice to African -American in all murder trials and blacks are crucified and whites are aqiuited. These are daily news all over USA.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *