ઢોલ્લા સામલા ધણ ચંપાવણ્ણી,
નાઈ સુવણ્ણ-લેહ કસવટ્ટઈ દિણ્ણી
હિઅઈ ખુડુક્કઈ ગોરડી ગયણિ ધુડુક્કઈ મેહુ,
વાસારત્તિ પવાસુઅહં વિસમા સકડુ એહુ.
અગલિઅ-નેહ-નિવટ્ટાંહં જોઅણ-લખ્ખુ જાઉ,
વસિર-સોએણ વિ જો મિલૈ સહિ, સોકખહં સો ઠાઉ
પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહા પરોકખહા કેમ્વ,
મઈ વિન્નિ-વિ વિન્નાસિઆ નિદ્દ ન એમ્વ ન તેમ્વ.
સાવ-સલોણી ગોરડી નવખી ક-વિ વિસ-ગંઠિ
ભડુ પચ્ચલ્લિઉ સો મરઈ જાસુ ન લગ્ગઈ કંઠિ
વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !
સિરિ જરખંડી લોઅડી ગલિ મણિઅડા ન વીસ
તો-વિ ગોટ્ઠડા કરાવિઆ મુદ્દાએ ઉઠ્ઠ-બઈસ!
એ હુ જમ્મુ નગ્ગહ ગિઅઉ ભ્રડસિરિ ખગ્ગુ ન ભગ્ગુ,
તિકખા તુરિય ન વાહિયા ગોરિ ગલિ ન લગ્ગુ !
મહુ કંતહા બે દોસડા હેલ્લિ, મ ઝંખઈ, આલુ
દેં તહા હઉં પર ઉવ્વરિઅ જુજઝંતહા કરવાલુ
ભલ્લા હુઆ યુ મારિયા બહિણે, મહારા કંતુ,
લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એંતુ !
– ‘સિદ્ધ-હૈમ’માંથી
ઢોલો કેવો શામળો, ધણ છે ચંપાવર્ણ
કસોટી ખાતર પડી ન હો જાણે રેખા સ્વર્ણ
હૈયે ખટકે ગોરડી, ગગને ધડૂકે મેહ,
મેઘલરાતે યાત્રીને વસમું સંકટ એહ.
અગણિત સ્નેહ કરંત કો લાખો જોજન જાય,
સો વર્ષેય મળે, સખી! સુખનું ઠામ જ થાય.
પિયુસંગમાં ઊંઘ ક્યાં, પરોક્ષ હો તો કેમ?
બંને રીતે ખોઈ મેં, ઊંઘ ન આમ ન તેમ.
સાવ સલૂણી ગોરી આ નવલો કો વિષડંખ
ઊલટું મરે છે વીર એ, ન લાગી જેને કંઠ
વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !
માથે જર્જર ઓઢણી, ન કંઠ મણકા વીસ,
તોય કરાવી ગોરીએ ગોઠિયાવને ઉઠબેસ.
વ્યર્થ ગયો એ જન્મ, ભડ! શિર તલવાર ન ભાંગી
તીખા હય ન પલાણિયા, ગોરી ગળે ન લાગી!
મુજ કંથમાં છે દોષ બે, ન ખોટું બોલ લગાર,
દેતા હું ઊગરી, સખી, ઝઝૂમતાં તલવાર
ભલું થયું કે મારિયો, બહેના, મારો કંથ,
સહિયરમાં લાજી મરત, જો ભાગી ઘર ફરંત.
રૂપાંતર: વિવેક મનહર ટેલર
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?
ત્રીસ હજાર વર્ષ જૂના ચિત્રો? મધ્યપ્રદેશમાં ભીમબેટકાની ગુફાઓમાં જઈને ટાઢ-તાપ-તડકા-પવનના તમાચાઓ ત્રીસ-ત્રીસ હજાર વર્ષોથી એકધારા સહન કર્યા બાદ પણ અડીખમ રહેલા ખુલ્લી ગુફાઓમાંના ભીંતચિત્રોને જોઈને આંખ ચાર થઈ જાય. કોઈ પણ જાતની સંસ્કૃતિનું કે સભ્યતાનું નામોનિશાન પણ નહોતું એ સમયે પણ જંગલી માનવી ગુફાઓમાં એવા રંગો વડે ચિત્રો દોરતો હતો જે હજારો વર્ષોથી એવાંને એવાં છે. વિશ્વ આખામાં ઠેકઠેકાણે આવાં ગુફાચિત્રો મળી આવે છે જે સૂચવે છે કે આજનો હોય કે ગઈકાલનો – માનવમાત્રને કળા અને આંતરિક અભિવ્યક્તિ વિના ચાલ્યું નથી. વિશ્વભરની ભાષાઓમાં હજારો વર્ષો જૂનું સાહિત્ય જડી આવે છે એ પણ એ જ કારણે કે साहित्यसंगीतकलाविहीन: साक्षात्पशुः पुच्छविषाणहीनः।
ભાષા જ આપણને પ્રાણીઓથી અલગ તારવી આપે છે. અને ભાષા સતત પરિવર્તનશીલ છે. ભાષા નદી સમાન છે. એ સતત વહેતી અને બદલાતી રહે છે. આજે આપણે ઑનેસ્ટનો અર્થ પ્રામાણિક કરીએ છીએ પણ ચારસો વર્ષ પહેલાં શેક્સપિઅરના સમયમાં એનો અર્થ સારો માણસ થતો હતો. ચૌસરની અંગ્રેજી, શેક્સપિઅરની અંગ્રેજી અને આજની અંગ્રેજી ભાષા સામસામે મૂકીએ તો ત્રણેય અલગ ભાષા જ હોય એવું અનુભવાય. છસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના સમયથી ગુજરાતી ભાષાની નદીનો પ્રવાહ આજ તરફ વળવો શરૂ થયો પણ હજાર વર્ષ પહેલાંની ગુજરાતી વાંચીએ તો હરદ્વાર ગોસ્વામી જેવો જ પ્રશ્ન આપણને થાય:
એના કરતાં હે ઈશ્વર, દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?
લગભગ હજાર વર્ષ પહેલાંના આ દુહા જે-તે સમયની ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે પણ પહેલી નજરે આ ગુજરાતી ગુજરાતી લાગતી જ નથી. આ દુહાઓ ‘હેમચંદ્ર’ના દુહા તરીકે ઓળખાય છે
કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિની વાત કરીએ તો ૧૦૮૯ની સાલમાં કાર્તક સુદ પૂનમના દિવસે ધંધુકા ખાતે જન્મ. બાળપણનું નામ ચાંગદેવ. નવ જ વર્ષની વયે દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. હેમચંદ્ર બન્યા. જૈન ઉપાશ્રયમાં શાસ્ત્રભ્યાસ કર્યો. આચાર્યપદ મેળવ્યું. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં એમણે સાહિત્ય અને ભાષાવિષયક જે ઊંડુ ખેડાણ કર્યું એ न भूतो, न भविष्यति છે. પ્રવર્તમાન ગુજરાતી ભાષાને નિશ્ચિત દિશા મળી. જૈન રાજધર્મ બન્યો અને અહિંસા પરમોધર્મ. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગો પર એમણે કામ કર્યું. ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનું અને ‘શબ્દાનુશાસન’માં ગ્રંથસ્થ કરવાનું મહાન કાર્ય એમણે કર્યું. કહે છે કે જયસિંહે સિદ્ધપુરમાં એમના ‘સિદ્ધહેમ’ની હાથી ઉપર શોભાયાત્રા કઢાવી હતી.
પ્રસ્તુત દુહાઓ ભલે હેમચંદ્રના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે, પણ એના કર્તા હેમચંદ્ર પોતે નથી. ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયના ચતુર્થ ખંડમાં એમણે ‘અપભ્રંશ વ્યાકરણ’ના નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. આ ઉદાહરણો એટલે આ દુહાઓ. આમ તો આ દુહાઓની સંખ્યા ઘણી મોટી છે પણ અહીં માત્ર દસ દુહાઓ સમાવ્યા છે. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દુહાઓને આજની ગુજરાતીના દુહાઓમાં ઢાળવા માટે શ્રી રમેશ જાનીએ આપેલા શબ્દાર્થ-સમજૂતિની સહાય લીધી છે.
શ્રી રમેશ જાની ‘કવિતા અમૃતસરિતા’ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં પ્રાકૃત અને આજની ગુજરાતી ભાષાની સમાનતા વિશે કહે છે, ‘કોઈ કોઈ શબ્દનો પડઘો આપણી ભાષામાં પડતો હોય એમ નથી લાગતું? ‘સામલા’ અને ‘શામળા’ વચ્ચે, ‘ચંપાવણ્ણી’માંના ‘વણ્ણી’ અને ‘વર્ણી’ કે ‘વરણી’ વચ્ચે, ‘નિદ્ડી’ અને ‘નીંદરડી’, ‘સલોણી’ અને ‘સલૂણી’ વચ્ચે, ‘ગોરડી’ અને ‘ગોરી’ વચ્ચે, ‘ભડુ’ અને ‘ભડ’ વચ્ચે, ‘હેલ્લિ’ અને ‘હે અલી’, ‘ખુડુક્કઈ’ અને ‘ખડકે’ કે ‘ખટકે’, ધુડુક્કઈ’ અને ‘ધડકે’, ‘વારિસ’ અને ‘રસ’ વચ્ચે માત્ર નામનો જ ભેદ નથી?’
એક પછી એક આ દુહા જોઈએ:
(૧) ઢોલો [ધવ(ધણી)+લો] યાને ધણી એકદમ શામળા વર્ણનો ને ધણિયાણી ચંપાના ફૂલ જેવી ગૌરવર્ણી. બંને સંભોગમાં રત હોય ત્યારે કાળા ધણીની ઉપર પત્નીની ધવલ કાયા જાણે સોનાની રેખા કસોટી પર પડી ન હોય એમ લાગે છે. કસોટી એટલે સોના-રૂપાનો કસ જોવા માટેનો પથ્થર જેના પર સોના-ચાંદીને ઘસીને પારખવામાં આવે છે. ‘નળાખ્યાન’ના પંદરમા કડવામાં પ્રેમાનંદ પણ આ ઉપમા પ્રયોજે છે:
ગલસ્થળ નારંગફળ શા, આદિત્ય ઇંદુ અકોટી;
અધર પ્રવાળી, દંત કનકરેખા, જિહ્વા જાણે કસોટી
(ગાલ નારંગીના ફળ જેવા, સૂર્ય-ચંદ્ર કાનની કડી જેવા, હોઠ લાલ, દાંત જાણે કે સુવર્ણરેખા અને જીભ જાણે કસોટી.)
(૨) મેઘલરાત એટલે અંધારી તારા વગરની રાત. આવામાં પાછો પ્રવાસ. એક તરફ હૈયામાં ગોરીની યાદ ખટકતી હોય તો બીજી તરફ આકાશમાં મેઘ ગરજતો હોય. બંને બાજુ સંકટ. બંને તરફ વરસાદ. બંને રીતે ભીનાં જ થવાનું ને વળી આગળ પણ વધવાનું.
(૩) પરસ્પર અસીમ-અપાર પ્રેમ કરનારમાંથી કોઈ એકને કો’ક કારણોસર કદાચ લાખ જોજન દૂર જવાનું થાય અને બે જણ કદાચ સો-સો વર્ષ સુધી પાછાં મળી જ ન શકે; બસ, વિયોગના તાપમાં તવાયા કરે પણ જે ઘડીએ આ બે અતૃપ્ત આત્માઓ ભેગાં થશે એ ઘડી, એ મિલનની ઘડી નિતાંત સુખની ઘડી જ બની રહેશે… સાચો પ્રેમ કદીપણ ઉપસ્થિતિ કે સમયનો મહોતાજ નથી હોતો. એ તો એમ જ કહે,
હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.
(૪) મિલન અને વિરહ – બંનેમાં મીઠી પીડા છે. પ્રિયતમ સાથે હોય તો ઊંઘવાનો પ્રશ્ન જ નથી આવતો. રાત આખી કામકેલિમાં ક્યાં વીતી જાય એય ખબર ન પડે. એથી વિપરિત પ્રિયજન પરોક્ષ-આંખથી અળગો હોય, દૂર ગયો હોય તો એની યાદમાં રાત આખી પડખાં ઘસી-ઘસીને જ વિતાવવી પડે છે. ઊંઘ ન તો મિલનમાં આવે છે, ન જુદાઈમાં. પ્રેમ બંને જ સ્વરૂપે ઊંઘનો દુશ્મન છે.
(૫) નખશિખ લાવણ્યમયી આ સુંદરી કંઈ અલગ જ પ્રકારનો વિષડંખ ધરાવતી નાગણ છે. નાગ તો જેને ગળે લાગે એ મરણ પામે છે પણ એથી ઊલટું, આ સુંદરી તો જે વીરપુરુષને ગળે નથી લાગતી એ બિચારો દુઃખી થઈને, તિરસ્કૃત થઈને મરી જાય છે. સૌંદર્યની કેવી ઉત્તમ પરિભાષા!
(૬) જેની આપણે કાગડોળે રાહ જોતાં હોઈએ એની આવવાની વકી હોય ત્યારે કાગડો ફળિયે આવી બેસે તો ઘરનું કોઈક કહે કે ફલાણો માણસ આવતો હોય તો ઊડી જજે. કાગડો ઊડી જાય તો એ માણસ તરત આવશે અન્યથા વિલંબ થાય એવી આપણે ત્યાં માન્યતા છે. કાગડો કા-કા કરી રહ્યો છે પણ ઊડતો નથી અને એ ઊડે તો જ પરદેશ ગયેલો પિયુ પાછો ફરે એમ માનતી પ્રોષિતભર્તૃકા કાગડાને ઊડાડવા પથરાં વીણવા વાંકી વળે છે પણ પ્રિયતમના વિરહમાં એ સૂકાઈને એવી તો કાંટા જેવી થઈ ગઈ છે કે એના કૃષ હાથમાંથી અડધાં કંકણ નીકળી જઈને જમીનમાં પડે છે. પણ રહે! અચાનક જ પિયુ પધારતો નજરે ચડે છે અને હરખઘેલી ભાન ભૂલીને દોડે એમાં બે હાથ અથડાય છે કે હર્ષનું માર્યું શરીર ફૂલવા માંડે છે પણ બાકીના કંગન તડાક્ કરતાંકને ત્યાં જ તૂટી જાય છે… કાગડો, વિરહ અને પિયામિલનની આ વાત પર બાબા ફરીદની અમર પંક્તિઓ જરુર યાદ આવે:
कागा सब तन खाइयो, चुन-चुन खइयो मांस
दो नैना मत खाइयो, पिया मिलन की आस
(૭) સૌંદર્યની જ બોલબાલા છે. મુગ્ધ ગોરીના માથા પરની ઓઢણી પણ સાવ જીર્ણ થઈ ગયેલી હતી ને ગળાની માળામાં પૂરા વીસ મણકાં પણ નહોતા પણ એ છતાં સુંદરતાનો પ્રકોપ તો જુઓ! ગોરીએ બધા જ ગોઠિયાઓને ઉઠબેસ કરાવી.
(૮) ભારતીય રાજવી પરંપરામાં વીરપુરુષનું એક ચિત્ર દોરવામાં આવ્યું છે જેમાંના એક પણ રંગ ઉપટેલા હોય તો તમને પુરુષ હોવાનું ઓળખપત્ર જ ન મળે. જે ભડવીરે યુદ્ધમાં માથે તલવાર ઝીલી નથી, તોફાની ઘોડાઓને પલાણ્યા નથી ને સુંદરીને ગળે નથી લગાડી એનો તો જન્મારો જ એળે ગયો.
(૯) વીરપુરુષોનું આપણે ત્યાંનું સંસ્કૃતિચિત્ર આ દુહામાં વધુ બળવત્તર થયું છે. નાયિકાની સખી એના કંથના વખાણ કરતાં થાકતી નથી એને વારતા નાયિકા કહે છે, હે સખી! તું મારા કંથના ખોટેખોટા વખાણ ન કર, કેમકે એનામાં બે દોષ તો છે જ. માન્યું કે એ મોટો દાની છે ને એણે ભલે દાનમાં બધું જ દઈ દીધું પણ હું તો બાકી જ રહી ગઈ ને? મતલબ એ પૂરો દાનવીર નથી. અને એ એવો મોટો શૂરવીર પણ નથી. યુદ્ધ કરતાં કરતાં એની તલવાર પણ રહી ગઈ મતલબ પૂરી શૂરવીરતાથી યુદ્ધમાં ઝંપલાવવામાં એ કાચો પડ્યો છે.
(૧૦) અને આ આખરી દુહો તો પુરુષાતનની પરાકાષ્ઠા છે. યુદ્ધમાં કેસરિયા કરવા એ આપણી જૂની પરંપરા રહી છે. એ જ વાત આ દુહામાં પણ કહેવાઈ છે. સખી સાથે વાત કરતાં-કરતાં નાયિકા કહે છે કે, બહેન! સારું થયું કે મારો પતિ યુદ્ધમાં જ મરાયો. જો એ જીવતો ઘરે પરત ફરત તો હું લાજથી મરી જાત. માણસની જિંદગી કરતાં એની શૂરવીર તરીકેની પ્રતિષ્ઠાની વધુ કિંમત છે. યુદ્ધમાં સૌભાગ્ય છીનવાઈ જાય એમાં સૌભાગ્ય નજરે ચડે છે. પોતે વિધવા બને એ ચાલે, પણ ખંડિત મર્દાનગીવાળા ભાગેડુ પતિની સધવા બનવું ભારતીય આર્યનારીને મંજૂર નથી.
ગૌરવાન્વિત શૌર્યછલકંતી ગરવી ગુજરાતનું ખરું સૌંદર્ય અને પ્રજાનું ખમીર હજાર-બારસો વર્ષ પૂર્વે પ્રવર્તમાન આ દુહાઓમાંથી છલકાય છે. આપણા વડવાઓની આ ભાષા પરથી ગુજરાતી ભાષાની નદી કેવાં કેવાં વળાંકો ને વહેણમાં વહીને આપણી આજ સુધી પહોંચી હશે એનો હૃદયંગમ ચિતાર પ્રાપ્ત થાય છે.