ગ્લૉબલ કવિતા : ૪૨ : વિલાપ – (અજ્ઞાત) (ચાઇનીઝ)

Lament

Cheek by cheek on our pillows,
we promised to love until green mountains fall,

and iron floats on the river,
and the Yellow River itself runs dry;

to love till Orion rises in the day
and the north star wanders south.

We promised undying love until the sun
at midnight burns the sky.

by Anonymous
(Chinese T’sang Dynasty)

વિલાપ

તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું
જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,

અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;

પ્રેમ કરવાનો જ્યાં સુધી મૃગશીર્ષ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.

આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.

– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર

પ્રેમના આંસુથી દિલના કાગળ પર લખેલી બેવફાઈની કવિતા

પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમની રેખા ખેંચો કે ઉત્તરથી દક્ષિણની, ગઈકાલથી આજની રેખા ખેંચો કે આજથી આવતીકાલની, આ ભાષાથી તે ભાષાનો છેદગણ કાઢો કે આ સંસ્કૃતિથી તે સંસ્કૃતિનો – લાગણીઓ એકસરખી જ જોવા મળવાની. એ છતાંય પ્રેમથી વધુ સનાતન, સર્વવ્યાપી અને સેલિબ્રેટેડ લાગણી બીજી કોઈ જોવા નહીં મળે. તડકા વિનાનું અસ્તિત્વ શક્ય જ ન હોવા છતાં જેમ મનુષ્યમન હંમેશા છાંયડા માટે જ તરસવાનું તેમ, નફરત-ગુસ્સો-અદેખાઈ વગેરે દુઃખદાયક લાગણીઓ વિનાનું હૃદય શક્ય જ ન હોવા છતાં હરએક દિલ પ્રેમ માટે તો તલસવાનું જ. જિંદગીના અફાટ બળબળતા રણની વચ્ચે પ્રેમ રણદ્વીપની ટાઢક લઈને આવે છે. પણ સમસ્યા એ છે કે પ્રેમ હંમેશા એના ગજવામાં ક્યાં જુદાઈ, ક્યાં બેવફાઈ લઈને જ આવે છે. અને આ બેવફાઈ અને જુદાઈ દુનિયાની દરેક ભાષામાં દરેક સમયે ઉત્તમ સાહિત્ય અને કળાના પ્રાણતત્ત્વ બન્યાં છે. પ્રસ્તુત કવિતા પણ પ્રણય અને બેવફાઈની જ વાત કરે છે. આ રચના કોણે લખી છે એની તો માહિતી નથી પણ ચીનમાં તાંગવંશના શાસનકાળ દરમિયાન એ લખવામાં આવી છે.

ઇ.સ. ૬૧૮થી ૯૦૭ સુધી ચીનમાં તાંગ વંશનું શાસન રહ્યું. આ સમયગાળો કોસ્મોપોલિટન કલ્ચર માટે સર્વોત્તમ બની રહ્યો. ચાઇનીઝ કવિતા અને કળાનો એ સુવર્ણકાળ હતો. એ સમયના લગભગ ૨૨૦૦થી વધુ સર્જકોની લગભગ ૪૯૦૦૦ જેટલી રચનાઓ કાળની થપાટો સહન કરીને પણ આજદિનપર્યંત સલામત રહી છે. કવિતા રાજદરબારમાં સ્થાન પામવા માટેનું અનિવાર્ય સાધન બની ગઈ હતી એટલે ગળાકાપ સ્પર્ધાઓ પણ યોજાતી. ચાઇનિઝ ભાષામાં ‘શી’ (Shi/Shih) એટલે કવિતા. એ સમયમાં ‘ગુશી’ એટલે કે પ્રાચીન કવિતા જે પારંપારિક કાવ્યસ્વરૂપને વફાદાર હતી અને ‘જિંટિશી’ એટલે કે અર્વાચીન કવિતા જેમાં પંક્તિની લંબાઈ, પ્રાસરચના બધામાં ફરક હતો – એમ બે મુખ્ય પ્રવાહ હતા જેમાંથી જિંટિશી એ સંપૂર્ણપણે તાંગ વંશની ભેટ હતી.

લગભગ બારસો- ચૌદસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોકગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો જ ચિત્કાર આપણી ભીતર જગાડે છે. વાલ્મિકીના હૃદયમાં અબોલ પક્ષી માટેની સંવેદના જાગી હતી, અહીં નિજ પ્રેમસંબંધના હૈયામાં જુદાઈનું અને બેવફાઈનું તીર ભોંકાવાની વેદના જન્મે છે. સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ વચનો આપે છે અને કોઈક કારણોસર છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની એ ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…

રચનાની શરૂઆત નજાકતથી થાય છે. ગાલ સાથે ગાલ અને તકિયો – નકરી સુંવાળપ અને મૃદુતા. કદાચ આ નાજુકાઈ જ એ વાતનો ઇશારો છે કે જીવનની સુનિશ્ચિત દુર્દમ્યતા આ ઋજુ સંબંધ કેમે કરી ઝીલી શકનાર નથી. અને આશંકાની આ હળવી કંપારી બીજી જ પંક્તિમાં વાસ્તવિક્તામાં ફેરવાય પણ છે, જ્યારે ‘વચન આપ્યું હતું’ એમ કહીને કવિ ભૂતકાળ તરફ અંગૂલિનિર્દેશ કરે છે. બે પ્રેમીઓના શરીરના સાયુજ્યની વાતની વચ્ચે આ વિલન જેવા ‘હતું’ની હાજરી આપણને સમજાવી દે છે કે આ વચન પળાયું નથી. પ્રેમની ધરતી પર તો કદી વચનોનો દુકાળ પડતો જ નથી. શેક્સપિઅરના નામે ચડી ગયેલ બિડવિન (Bedouin) ગીતમાં બેયર્ડ ટેલર કહે છે, ‘હું તને ચાહું છું, એવો પ્રેમ કે જે સૂર્ય ઠંડો પડી જાય કે તારાઓ ઘરડા થઈ જાય ત્યાં સુધી મરે નહીં.’ આવું જ એક બહુ જાણીતું અંગ્રેજી વાક્ય પ્રેમીઓએ એકબીજાને કહી કહીને ઘસી નાંખ્યું છે: ‘Rivers can dry. Mountains can fly. You can forget me, but never can I.’

અતિશયોક્તિ તો પ્રેમનો સનાતન અલંકાર છે. ચાંદ-તારા તોડી લાવવાથી સમયની પેલે પાર સુધી જવાની વાતો પ્રેમમાં સહજ ને વળી બેઉ પક્ષે સ્વીકાર્ય પણ છે. શેક્સપિઅર સત્તરમા સૉનેટમાં કહે છે, ‘હું જો તારી આંખની સુંદરતા આલેખી શકતો હોત, અને તાજા આંકડાઓમાં તારી તમામ મોહક અદાઓને ગણી શક્યો હોત, તો આવનાર યુગ કહેત, ‘આ કવિ જૂઠાડો છે; આવા દિવ્ય સ્પર્શ કદી પાર્થિવ ચહેરાઓને સ્પર્શ્યા જ નથી.’ નાયક પણ પ્રેમમાં ગરકાવ છે. પ્રેમની પરાકાષ્ઠાએ બંને પ્રેમીઓ એકમેકને વચન આપે છે કે આપણો પ્રેમ કદી નાશ નહીં પામે. શેક્સપિઅર જ અઢારમા સૉનેટમાં કહે છે, ‘જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લઈ શકશે, અથવા આંખ જોઈ શકશે ત્યાં સુધી આ (કવિતા) જીવશે, અને એ તને જીવન આપતી રહેશે.’ પ્રસ્તુત કાવ્યમાં પણ જ્યાં સુધી લીલા અર્થાત્ ભર્યાભાદર્યા પર્વતોનું પતન ન થાય કે ભારીખમ લોઢું નદી પર તરવા ન માંડે કે ગંગા (ચીનની યેલો રીવર) જેવી બારેમાસ છલકાતી-ઉભરાતી નદી સ્વયંભૂ સૂકાઈ ન જાય, મૃગશીર્ષનો તારો ધોળા દિવસે ન ઊગે કે ધ્રુવનો તારો ઉત્તરને બદલે દક્ષિણમાં ન ઊગે અને ભર રાત્રિએ સૂર્ય ઊગી આવીને આકાશને ઝળાંહળાં ન કરી દે ત્યાં સુધી, અર્થાત્ यावत्चंद्रोदिवाकरौ સુધી એકમેકને અમર પ્રેમ કરવાના કોલ બંનેએ એકબીજાને આપ્યા હતા.

પ્રેમમાં હોય ત્યારે દુનિયાના દરેક પ્રેમીને એમ જ લાગતું હોય છે કે એમનો પ્રેમ રોમિયો-જુલિયેટ, શીરી-ફરહાદ, લૈલા-મજનૂ, હીર-રાંઝા જેવો જ અથવા એથીય અદકેરો અને અમર અવિનાશી છે. પ્રેમમાં અભિવ્યક્તિ બધાથી ઉદાર હોય છે. એક શબ્દમાં પતતું કામ પ્રેમ દસ વાક્યોમાં પતાવે છે. શેક્સપિઅરે કહ્યું કે પ્રેમ આંધળો છે ને હકીકત પણ એજ છે કે પ્રેમના ચશ્માંમાંથી પ્રેમિકા સામે વિશ્વસુંદરીનીય કોઈ વિસાત નજરે ચડતી નથી. છવ્વીસ્સો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફો કહે છે, ‘જે રીતે હવાનું ઝોકું વૃક્ષને નમાવે છે એમ જ પ્રેમ મને ઝુલાવે છે, પ્રેમ મને ફરીથી બંદી બનાવી લે છે અને હું કડવીમીઠી એષણાથી કંપી ઊઠું છું.’ ખલિલ જિબ્રાન કહે છે તેમ, ‘સદાકાળથી એમ જ છે કે અળગા થવાની ક્ષણ આવી ઊભતી નથી ત્યાં સુધી પ્રેમને એનું પોતાનું ઊંડાણ ખબર પડતી નથી.’ તરસ લાગી હોય તોજ પાણીની મહત્તા સમજાય.

પણ મોટાભાગના ‘અમર’ પ્રેમ ફટકિયા મોતી જ સાબિત થતા હોય છે. અહીં જે બે પ્રેમીની વાત છે એ કદાચ બેવફાઈના કારણે છૂટા પડ્યા છે. કવિએ કોઈ ખુલાસો કર્યો નથી. ગાલિબ લખે છે:

तुझ से क़िस्मत में मिरी सूरत-ए-क़ुफ़्ल-ए-अबजद
था लिखा बात के बनते ही जुदा हो जाना

(હે આંકડાના મેળથી ખુલનારા તાળા ! મારી કિસ્મતમાં કદાચ વાત બનતા જ અલગ થઈ જવાનું લખાયું હતું.) તાળું બંધ હોય ત્યારે દાંડી કાયાની અંદર હોય છે પણ જેવી ચાવી ફેરવો કે આંકડાવાળા તાળામાં નિશ્ચિત આંકડા મેળવો કે દાંડી અને કાયા જુદા થઈ જશે. વાત બને, બે પ્રેમીઓ લગ્નગ્રંથિથી જોડાય, સંસારક્રમ આગળ વધે એ પહેલાં જ બંનેના નસીબમાં જુદા પડવાનું લખાયું. જેણે બેવફાઈ કરી હશે એની જિંદગી તો નદીના પ્રવાહ પેઠે સમયના કિનારાઓ વચ્ચે આગળ વહેવા માંડી હશે. પણ જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો-

दिल से मिटना तिरी अंगुश्त-ए-हिनाई का ख़याल
हो गया गोश्त से नाख़ुन का जुदा हो जाना | (ગાલિબ)

(દિલથી તારી મહેંદીવાળી આંગળીનો ખ્યાલ મટી જવો અર્થાત, મારા માંસથી નખ જુદો થઈ જવો)

લગભગ બેહજાર વર્ષ જૂની ‘ગાથાસપ્તશતી’માં સાતવાહન હાલ પ્રાકૃત ભાષામાં કહે છે:

परित्र्प्रोस-सुन्दराइं सुरएसु लहन्ति जाईँ सोक्खाइं।
ताइं च्चित्र्प्र उण विरहे खाउग्गिण्णाईँ कीरन्ति॥

અર્થાત્, પ્રેમીઓ જુદા પડે છે ત્યારે એક સમયે જે આનંદ આપતું હતું એ ઊલટી જેવું લાગે છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે: ‘હે હૃદય ! શાંત થા. શા માટે આટલું સહન કરે છે? જેને તું પ્રેમ કરે છે એ તને ચાહતું નથી.’ પણ હૃદય શાંત થતું નથી. જૂની બધી વાતો યાદ આવે છે. પ્રસ્તુત રચનામાં ‘આપણે વચન આપ્યું હતું’ની દ્વિરુક્તિ પ્રેમીના જીવનમાં પ્રેમ અને પ્રિયપાત્રનું શું મહત્ત્વ હતું એ વાતને અંડરલાઇન કરી આપે છે. રોજર ડિ બસી-રબુટિને કહ્યું હતું, ‘હવા જે આગ માટે છે, એ જ અનુપસ્થિતિ પ્રેમ માટે છે; એ નાનાને હોલવી નાંખે છે, મોટાને ભડકાવે છે.’ રુમીએ પણ કહ્યું હતું, ‘…જ્યારે હું તારાથી દૂર હતો, આ દુનિયાનું કોઈ અસ્તિત્ત્વ નહોતું, બીજી કોઈનું પણ નહીં.’ સાચો પ્રેમ પ્રેમીને ઓગાળી દે છે અને પ્રિયપાત્રને પોતામાં ઓગળી-ભળી ગયેલ અનુભવે છે. પોતાની નાડીમાં સામાના ધબકારા સંભળાય એ પ્રેમ. ‘હું’ અને ‘તું’ પીગળી જઈને ‘અમે’ બને એ રાસાયણિક પ્રક્રિયાનું નામ જ પ્રેમ છે.

પાબ્લો નેરુદા કહે છે, ‘આવજે, પણ તું મારી સાથે જ હશે, તું જશે મારા લોહીના એક બુંદમાં જે દોડતું હશે મારી નસોમાં અથવા બહાર, એક ચુંબનમાં જે મારા ચહેરાને બાળતું હશે, અથવા એક આગના પટ્ટામાં જે મારી કમર ફરતો હશે.’ જેફ હૂડે કહ્યું હતું, ‘અંતર લોકોને અલગ નથી કરતું, મૌન કરી દે છે.’ અહીં પણ નાયક બંને વચ્ચે આવી ગયેલા અંતરને અવગણીને ચિત્કારે છે. નાયિકા સામે છે કે નહીં એનો કવિતામાં ઉલ્લેખ નથી, આ ચિત્કાર એ સાંભળે છે કે નહીં એ આપણે કદી જાણી શકવાના નથી પણ દિલમાં ખૂંપી ગયેલું તીર જ્યાં સુધી ખેંચીને કાઢી નાંખવામાં નહીં આવે ત્યાં સુધી એ નાયકને ચેનના શ્વાસ લેવા દે એમ નથી એટલે નાયક તારસ્વરે સાથે લીધેલા પણ પળાય એ પહેલાં જ તૂટી ગયેલા વચનો અને છૂટી ગયેલા સાથને એ વચનોની દુહાઈ આપીને ખોવાયેલ પ્રેમ પરત મેળવવાની આખરી કોશિશ કરે છે.

કવિ કોણ છે એ ખબર નથી. વિલાપ કરનાર નાયક છે કે નાયિકા એ ખબર નથી. બંને છૂટાં થયાં છે પણ કેમ એ ખબર નથી. વિલાપ સામા વ્યક્તિની હાજરીમાં થાય છે કે નહીં એય ખબર નથી. વિલાપનું કોઈ પરિણામ આવે છે જે નહીં એય ખબર નથી પણ આઠ જ પંક્તિની આ અનિશ્ચિત કવિતામાં પ્રેમની સચ્ચાઈ અને પ્રેમીહૈયાનું કલ્પાંત સુનિશ્ચિત છે અને જિંદગીમાં જેણે પ્રેમમાં જુદાઈ કે બેવફાઈનો જરા પણ સ્વાદ ચાખ્યો હશે એને દોઢ હજાર વર્ષ પહેલાંની આ રચના પોતાના જ દિલના કાગળ પર પ્રેમના આંસુઓથી હજી ગઈકાલે જ લખાયેલી કેમ ન હોય એવી તરોતાજા જ લાગશે.

2 replies on “ગ્લૉબલ કવિતા : ૪૨ : વિલાપ – (અજ્ઞાત) (ચાઇનીઝ)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *