ગ્લૉબલ કવિતા:૩૯: ઘર વિશે, વિદેશથી – રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)

Home-thoughts, from abroad

Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!

And after April, when May follows,
And the whitethroat builds, and all the swallows!
Hark, where my blossomed pear-tree in the hedge
Leans to the field and scatters on the clover
Blossoms and dewdrops—at the bent spray’s edge—
That’s the wise thrush; he sings each song twice over,
Lest you should think he never could recapture
The first fine careless rapture!
And though the fields look rough with hoary dew,
All will be gay when noontide wakes anew
The buttercups, the little children’s dower
—Far brighter than this gaudy melon-flower!

– Robert Browning

આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!

અને આ એપ્રિલ જશે પછી જે વસંત લઈને મે આવશે,
અને આ સઘળા અબાબિલો ને આ શ્વેતકંઠો ગળું ગજવશે!
સાંભળ, વાડામાંનાંમારાંફુલ્લ કુસુમિત નાસપતિ જ્યાં
ખેતની ઉપર લચી પડીને ઘાસની ઉપર વિખેરે છે
ફૂલ ને ઝાકળ – સ્પ્રેની વક્ર નળીના છેડે બેસીનેત્યાં-
જો ને કેવી ડાહી ચકલી, ગીત દરેક જે દોહરાવે છે,
ક્યાંક આપ એવું ન વિચારો, ઝીલી ન શકશે ફરી એ ક્યારેક
એ પહેલો બેફિકર હર્ષોદ્રેક!
અને ભલેને જીર્ણ તુષારેમેદાનો નિષ્પ્રાણ લાગતા,
બધું જ આનંદિત ભાસશે, બપોર જ્યારે જગાડશે નવલાં
બટરકપ્સના પીળાં ફૂલો, બચ્ચાંઓના ખરા ખજાના
– આ ભદ્દા તડબૂચના ફૂલો કરતાં તો ભઈ, લાખ મજાના!

– રોબર્ટ બ્રાઉનિંગ
(અનુ. વિવેક મનહર ટેલર)

‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’વાળી વાત ગમે એટલી સાચી કેમ ન હોય, ‘ધરતીનો છોડો ઘર’ જ હોવાનો. ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિતામાં ભલે અઢારમી સદીના ઇંગ્લેન્ડનું વાતાવરણ છે પણ કવિતાનું હાર્દ કાળાતીત અને સ્થળાતીત છે. કોઈપણ સદીના કોઈપણ શહેરને આ કવિતા પૂરેપૂરી તાજગી સાથે સ્પર્શે છે.

રોબર્ટ બ્રાઉનિંગ. ૦૭-૦૫-૧૮૧૨ના રોજ કેમ્બરવેલ, લંડનમાં જન્મ. પિતાના અંગત પુસ્તકાલયમાં એ જમાનામાં ૬૦૦૦થી વધુ પુસ્તકો હતા. એટલે સાહિત્યની ગલીઓમાં જ મોટા થવાનું થયું. વિપુલ સર્જનશક્તિના માલિક. કહે છે કે પાંચ વર્ષની વયે તો બ્રાઉનિંગ સડસડાટ લખતા-વાંચતા શીખી ગયા હતા. ૧૨ વર્ષની ઉંમર તો કવિતાનું પુસ્તક લખી નાખ્યું પણ કોઈ છાપનાર મળ્યું નહીં. અડધું સ્કૂલે, અડધું ઘરે એમ ભણ્યા ને અડધું ઇંગ્લેન્ડમાં, અડધું ફ્રાંસ-ઇટાલીમાં એમ જીવ્યા. કવિતા સિવાયની કોઈ આજીવિકા સ્વીકારવી ફાવી નહીં. શેલીથી ખાસ્સા પ્રભાવિત-એમની જેમ જ નાસ્તિક અને શાકાહારી બન્યા. ઉંમરમાં છ વર્ષ મોટાં કવયિત્રી એલિઝાબેથ બેરેટ સાથેની એમની પ્રણયથી પરિણય સુધીની કથા –ખાનગી લગ્ન કરીને ભાગી જવું વિ.- એ અંગ્રેજી સાહિત્યના યાદગાર ‘રિઅલ લાઇફ રોમાન્સિસ’માંની એક છે. એમની કવિતાઓનું આખરી પુસ્તક પ્રગટ થયું એ જ દિવસે ૧૨-૧૨-૧૮૮૯ના રોજ વેનિસ, ઇટાલીમાં નિધન.

વિક્ટોરિયન યુગ (૧૮૩૦-૯૦) એ ભૌતિકવાદની ચરમસીમા હતી. ગામડાંઓનો વિધ્વંસ, શહેરીકરણ અને બાળમજૂરી આ યુગના સૌથી મોટા નાસૂર બની રહ્યા. વાંચન શોખ બન્યું. પુસ્તકો અને લેખકોની વાત કરવી એ સ્ટેટસ સિમ્બૉલ ગણાતું. ‘અતિ’ કહી શકાય એ માત્રામાં સાહિત્ય લખાવા-છપાવા-વંચાવા માંડ્યું. સ્ત્રી સાઇકલ ચલાવે તોય હાહાકાર મચી જતો. ‘વિક્ટોરિયન’ યુગ એ ઇંગ્લેન્ડનો કદાચ સૌથી વધુ દંભપ્રચુર ગાળો હોવાથી એ ગાળાના સર્જકોને વીસમી સદીના અર્ધભાગ સુધી અવગણવામાં આવ્યા હતા. બ્રાઉનિંગ પણ એમાંથી બચ્યા નહોતા પણ કાળક્રમે એમની કાવ્યશક્તિ અને મૌલિકતા વધુને વધુ પ્રસંશા પામતા ગયા અને આજે એ નિઃશંકપણે મહાન સર્જકોમાંના એક ગણાય છે. નાટ્યાત્મક એકોક્તિ (Dramatic monologue) યુક્ત કથનશૈલીના એ ખાં હતા. રોમાન્ટિસિઝમ કાવ્યશૈલીના એ હિમાયતી હતા.એમના સમયની શૃંગારુ-કાવ્યશૈલીની સામે સરળતા અને લયાત્મક્તાને એમણે પ્રાધાન્ય આપ્યું. પ્રેમ, ફિલસૂફી, રમૂજ-કાળો કટાક્ષ, સામાજિક નિસ્બત અને ઇતિહાસ એમની કવિતાઓમાં વેરાયેલા જોવા મળે છે. પ્રેમકાવ્યોમાં ટૉ બ્રાઉનિંગની કાવ્યશક્તિ શીર્ષસ્થ છે. જિંદગીમાં પહોંચબહારનું કંઈક ‘ઉચ્ચ’ હાંસિલ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએની એમની માન્યતા એમના સર્જનમાં સતત દેખાય છે. એ કહે છે, ‘આપણી મહત્ત્વકાંક્ષાઓ જ આપણી શક્યતાઓ છે.’ છંદોલયની રમતના એ બેતાજ બાદશાહ હતા. એમના શબ્દભંડોળ અને ભાષકર્મની નજીક ભાગ્યે જ કોઈ પહોંચી શકે. એ કહેતા, ‘ધ્યેય, હાંસિલ થાય કે ન થાય, જિંદગીને મહાન બનાવે છે: શેક્સપિઅર બનવા મથો, બાકીનું કિસ્મત પર છોડી દો.’

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત કવિતા બે અંતરામાં વહેંચાયેલી છે. પહેલો અંતરો નાનો ૮ પંક્તિનો છે, જેમાં ટ્રાઇ, ટેટ્રા અને પેન્ટામીટર, ૩-૩-૪-૪-૫-૫-૫-૩ મુજબ પ્રયોજાયા છે. બીજો લાંબો અંતરો ૧૨ પંક્તિનો, જેમાં આઠમી પંક્તિના ટેટ્રામીટરને બાદ કરતાં લગભગ બધી જ પંક્તિમાં પેન્ટામીટર પ્રયોજાયા છે. પ્રાસરચના બંને અંતરામાં અલગ-અલગ અને અટપટી લાગે છે પણ કવિતાને ૮-૧૨ના બદલે ૧૦-૧૦ના બે ભાગમાં વહેંચી નાંખીએ તો વિચિત્ર લાગતી પ્રાસરચના સરળ ભાસવા માંડે છે: અ-બ-અ-બ/ક-ક/ખ-ખ/ગ-ગ. બે અસમાન અંતરાઓ, બંનેમાં અસમાન પંક્તિલંબાઈ –પહેલા અંતરામાં વધઘટ તો બીજામાં લગભગ સમાન પંક્તિઓમાં એક જ ટૂંકી પંક્તિ અને અસમાન પ્રાસરચના – બ્રાઉનિંગ જેવા માસ્ટર-પોએટને શું છંદ અને પ્રાસમાં સમજ નહીં હોય ? કે પછી હોમ-સિકનેસથી વ્યથિત માનવીની અસ્તવ્યસ્ત મનોદશાનો તાદૃશ ચિતાર આપવા માંગે છે કવિ?ખેર, મૂળ કવિતાના સ્વરૂપને વફાદાર રહીને પંક્તિસંખ્યા અને પ્રાસરચના ગુજરાતી અનુવાદમાં પણ યથાવત્ રાખવા સાથે મૂળ રચનાની સમાંતરે જ માત્રામાં પણ વધઘટ કરીને છંદ પ્રયોજવાનો વ્યાયામ અહીં કર્યો છે.

‘હોમ-થોટ્સ ફ્રોમ અબ્રોડ’ લખનાર બ્રાઉનિંગે જ સાત જ પંક્તિની એક કવિતા ‘હોમ-થોટ્સ ફ્રોમ ધ સી’ પણ લખી છે, જેનો ધ્વન્યાર્થ જોકે અલગ જ છે. જો કે એમાં પણ “Here and here did England help me: how can I help England?” (અત્રે-તત્રે બધે ઇંગ્લેન્ડ મને મદદરૂપ થયું હતું, હું શી રીતે ઇંગ્લેન્ડને મદદ કરી શકું?)–એમ વતન માટેની પ્રેમભરી ચીસ તો નીકળે જ છે. જો કે અડધી જિંદગી ઇટાલીમાં વિતાવનાર બ્રાઉનિંગ અન્ય એક કવિતા -De Gustibus- માં આમ પણ લખે છે: ‘મારું હૃદય ઊઘાડો અને તમે જોઈ શકશો કે અંદર કોતર્યું છે, ‘ઇટાલી’. અમે એટલા જૂના પ્રેમી છીએ: એ પહેલાં પણ કાયમ જ (કોતરેલું) હતું, અને કાયમ જ (કોતરેલું) રહેશે.’

શીર્ષક ન આપ્યું હોય તોય કવિતા શેની છે એ તરત સમજી શકાય છે એટલે શીર્ષક અહીં કવિતામાં પ્રવેશવાનો ઉંબરો બનવાના બદલે ઘર કોનું છે એ નિર્દેશતી નેઇમ્પ્લેટ માત્ર બનીને રહી જાય છે. આપણામાંથી બહુ ઓછા એવા હશે જે ઇચ્છતા હોય કે એમની જન્મભૂમિ અને કર્મભૂમિ અલગ હોય. પણ અભ્યાસ, આજીવિકા કે અન્ય કોઈપણ કારણોસર ઘણાં લોકોને ટૂંકા-લાંબા ગાળા કે કાયમી ધોરણે પણ ઘર યા વતનવિચ્છેદ ભોગવવાનું નસીબ થતું હોય છે. બ્રાઉનિંગ કહે છે, ‘જેટલા આઝાદ આપણે દેખાઈએ છીએ, એટલા જ વધુ સાંકળથી બંધાયેલા છીએ!’ ખલિલ જિબ્રાન કહે છે, ‘અને એકલા અને માળા વગર જ ગરુડે સૂર્ય તરફ ઊડવાનું છે.’

માળો ત્યજી ગયેલા આવા કોઈક પંખીને માળો ફરી યાદ આવ્યો છે. કેલેન્ડરનું પાનું ફર્યું છે અને એપ્રિલ દૃષ્ટિગોચર થયો નથી કે નાયક વતનની યાદોમાં ખોવાઈ જાય છે. એપ્રિલ એટલે વસંતની શરૂઆત અને ઇંગ્લેન્ડની આબોહવાની વિષમતા જેણે વેઠી હોય એ જ સમજી શકે છે કે ઇંગ્લેન્ડમાં વસંત એટલે શું અને એવામાં ઇંગ્લેન્ડમાં હોવું એટલે શું ! ‘ઍઝ યુ લાઇક ઇટ’માં ‘આહ, હવે જ્યારે હું આર્ડનમાં છું, હું વધુ પાગલ છું; જ્યારે હું ઘરે હતો, હું વધુ સારા સ્થળે હતો; પણ મુસાફરોએ સંતોષી હોવું જોઈએ’ કહેતો શેક્સપિઅર ‘કિંગ હેનરી પાંચ’માં ‘…તો પછી ઇંગ્લેન્ડ તરફ’ જ કહે છે. વસંત એવો સમય છે જ્યારે વિશાળકાય એલ્મ વૃક્ષની નીચામાં નીચી ડાળીઓ કે એની છાંયમાં ઊગી આવેલ ઝાડી-ઝાંખરાં પણ નાનીનાની પાંદડીઓથી નવપલ્લવિત થઈ રહ્યાં છે. કોકિલ પંચમસૂર આલાપી રહ્યા છે. પણ આ બધું જે કોઈ પાસે નાયક જેવી પારખુ નજર હોય કે બ્રાઉનિંગ જેવા રોમાન્ટિસિઝમના આરાધકને જ નજરે ચડે છે.

મે મહિનામાં તો વસંત પરાકાષ્ઠાએ પહોંચશે. નાના-મોટા પંખીઓ સૂરાવલિઓ રેલાવશે. ‘સાંભળ’ કહીને કવિ ભાવકને કાન સરવા કરવા ઇજન આપે છે. ફળોથી લચી પડેલું નાસપતિનું ઝાડ નીચે ફૂલ અને ઝાકળ પાથરીને શોભામાં અભિવૃદ્ધિ કરે છે એવામાં ખેતરમાં દવા છાંટવાના પંપની વાંકી નળી પર બેઠેલી ચકલી હર્ષવિભોર થઈ ગીત ગાય છે અને ક્યાંક તમે એમ ન માની બેસો કે એ વસંતના વૈભવથી અને આનંદથી બેફિકર છે એટલે એ ગીત ફરીથી દોહરાવે પણ છે. ઝાકળ સૂકાઈ રહ્યું હોય કે થીજી રહ્યું હોય તો બપોર સુધીમાં તો વાસી લાગવા માંડે છે પણ બપોર થતાં જ બટરકપના નાનાં-નાનાં પીળાં ફૂલો –જે ભેગાં કરવાં બાળકોની પ્રિય રમત છે- ખીલી ઊઠીને ખેતરનું વાતાવરણ જ આખું બદલી દે છે. ઇંગ્લેન્ડથી દૂ…ર કવિ જ્યાં છે, ત્યાં પણ તડબૂચના પીળાં ફૂલ ખીલ્યાં જ છે પણ વતનના ફૂલ અને વતનની ધૂળ… ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’, અરે! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.’ ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?!

જિબ્રાન કહે છે, ‘તમારું ઘર લંગર નહીં, કૂવાથંભ હોવું જોઈએ; ઘાને ઢાંકી દેતું ચળકતું પડ નહીં પણ આંખનું રક્ષણ કરતું પોપચું હોવું જોઈએ.’ જી.કે. ચેસ્ટરટને ખૂબ સરસ વાત કરી હતી, ‘હવે એ એનું ઘર હતું. પણ એ એનું ઘર નહીં બની શકે જ્યાં સુધી એ ત્યાંથી ગયો નથી અને પરત ફર્યો નથી.’ ઘર છૂટે ત્યારે જ એની કિંમત સમજાય. જિબ્રાનના કહેવા મુજબ ‘પ્રેમ એની ઊંડાઈ જાણતો જ નથી, જ્યાં સુધી જુદાઈની ઘડી આવતી નથી.’ વતનથી દૂર થવાનું થાય ત્યારે જ વતન શું હતું એની સમજણ પડે છે.

ગીત લખાયું એ અરસો ઇંગ્લેન્ડના ઔદ્યોગીકરણ અને શહેરીકરણનો તબક્કો હતો અને સેંકડો-હજારો લોકોએ પેટિયું રળવા ઘરબાર છોડ્યા હતા અને આ બધા પોતાની કલ્પનાના એ જ ‘ગામઠી’ અને વધુ ‘પ્રાકૃતિક’ ઇંગ્લેન્ડની યાદોમાં જ જીવતા હતા, જીવવા માંગતા હતા. બ્રાઉનિંગ જો કે આ ગાડરિયા પ્રવાહનો હિસ્સો નહોતા અને એમની રચના અને વતનપ્રેમ વધુ નૈસર્ગિક હોવાનું પણ અનુભવાય છે. આ વતનપ્રેમ જોકે એટલો પ્રબળ પણ નથી કે સાંકળ તોડીને વતન પરત ફરી શકાય. ‘નામ’ ફિલ્મનું ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગીત, કહે છે, જ્યારે વિદેશી થિએટરમાં ભારતીયો જોતાં ત્યારે આખું થિએટર ધ્રુસકે ચડતું, લોકો પૈસા ફેંકતા, પણ કેટલા લોકો વિદેશ છોડીને સ્વદેશ પરત ફર્યા હશે?

ગ્લૉબલ કવિતા: ૩૮: આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)

આખરી દેવતાઓ

એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસમાંની એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ કડક થયો છે
દૈવી પ્રવાહીથી નહીં પણ લોહીથી.
તેણી એને પકડે છે અને ચૂસીને
વધુ કડક બનાવે છે. પેલો ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહી હતી,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને કંપકંપી ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયાં હતાં એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.

– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)

સંભોગથી સમાધિ તરફ લઈ જતું નિર્વસનતાનું મહાગાન

વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રોએ જે ઘડીએ તન ઢાંકવાનું શરૂ કર્યું, આપણાં મન પર પણ પરદા પડી ગયા. માણસ અને પ્રકૃતિ વચ્ચે ભેદ સર્જાયો. માણસ માણસથી પણ દૂર થઈ ગયો. દુનિયામાં ઘણી જગ્યાએ મનુષ્યો ન્યુડિસ્ટ કૉલોની કે ન્યુડ બીચ ઊભાં કરીને ફરીથી પ્રકૃતિની નજીક જવાની કોશિશ પણ કરે છે પણ કોઈ સાંધો કે રેણ આ ભેદ દૂર કરી શકવા સમર્થ નથી. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. વસ્ત્રોની સરહદની પેલે પારના કોઈક કલ્પપ્રદેશની કવિતા અમેરિકાના ‘સોશ્યલ વૉઇસ’ બની ગયેલા કવિ ગાલવે કિન્નલ લઈને આવ્યા છે.

ગાલવે કિન્નલ. અમેરિકામાં રહોડ આઇલેન્ડ પર જન્મ(૦૧-૦૨-૧૯૨૭).બાળપણથી જ એડગર એલન પૉ અને એમિલિ ડિકિન્સનથી પ્રભાવિત અને એમની જેમ જ એકાંતપ્રિય અને ખાસ્સા અંતર્મુખી. એમ.એ. સુધીનો અભ્યાસ. બાર્બરા બ્રિસ્ટોલ સાથે લગ્ન. વિશ્વપ્રવાસી. યુરોપ અને મધ્યપૂર્વમાં વર્ષો ગાળ્યાં. બે વર્ષ અમેરિકન નૌકાદળમાં સેવા પણ બજાવી. ઇરાનમાં પત્રકારિત્વ પણ કર્યું. ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખનના પ્રોફેસર અને અમેરિકન અકાદમી ઓફ પોએટ્સના ચાન્સેલર. વિશ્વભરની યુનિવર્સિટીઓમાં કવિતા શીખવતા. કોંગ્રેસ ઓફ રેસિયલ એક્વલિટી (CORE)-વંશીય સમાનતાના સક્રિય કાર્યકર, એ માટે એકવાર જેલવાસ પણ ભોગવ્યો. વિયેટનામ યુદ્ધ વખતે સરકારનો ભારે વિરોધ કરી યુદ્ધ-કર ન ભરવાની ચળવળના પ્રણેતાઓમાંના એક. પુલિત્ઝર પ્રાઇઝ, નેશનલ બુક એવૉર્ડ જેવા અનેકાનેક ખિતાબ-અકરામોથી નવાજિત. ૮૭ વર્ષની ઊંમરે લ્યુકેમિયાના કારણે ૨૮-૧૦-૨૦૧૪ના રોજ એક યુગ અંત પામ્યો.

યુ-ટ્યુબ પર એમના પ્રભાવશાળી કાવ્યપઠનની ક્લિપ્સ સાંભળવા જેવી છે. એ કહેતા કે, ‘કોઈ કવિતા નહીં લખે, જો આ વિશ્વ સંપૂર્ણ હોય.’એમના મિત્ર સી.કે.વિલિયમ્સના મત મુજબ,‘કિન્નલની કવિતા તમારી ભીતર એક માંદગી –સિન્ડ્રોમ ઑફ ધ સિંકિંગ હાર્ટ – જન્માવે છે. તમે કવિતાની મૌલિકતા, ઊંડાઈ-પહોળાઈ, કાબેલિયત, ચાતુર્યથી ઘાયલ થઈ જાવ છો. આવી કવિતા એણે કેવી રીતે લખી? હું તો આવું કદી લખી નહીં શકુંની ઈર્ષ્યા ઘેરી વળે છે. પણ પછી તમે એના ગાઢ પ્રેમમાં ગિરફ્તાર થઈ જાવ છો.’ બીજા વિશ્વયુદ્ધ પછીના અમેરિકાના સહુથી વધુ વખણાયેલા-વંચાયેલા-ચર્ચાયેલા કવિઓમાંના એ એક છે. રોજિંદી જિંદગીના અનુભવોને એ બૃહદ ફલક પર કાવ્યાત્મક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બળો સાથે સાંકળે છે. મુક્ત પદ્યશૈલીમાં એ આપણા મનોજગતના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોને યથાર્થ આલેખી શકે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને મનુષ્યજીવનના સમતુલનને એ હળવે હાથે સ્પર્શે છે.

‘આખરી દેવતાઓ’ પણ મુક્ત કવિતા છે. આ નિર્વસનતાનું, પારદર્શિતાનુંગાન છે. કપડાંના નિયમો ફગાવીને જ પ્રારંભાતી આ કવિતા છંદ-પ્રાસ કે અંતરાની કાખઘોડી વિના જ ઊભી રહી શકે છે.કવિતાનું શીર્ષક ‘આખરી દેવતાઓ’ વિચાર માંગે છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓએ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે. ઓશો રજનીશે તો સંભોગથી સમાધિ સુધી જવાનો માર્ગ પણ પ્રશસ્ત કર્યો હતો.

નગ્નતાને સ્વીકારવા માટે હિંમત કરતાં પણ વધુ તો બાળસહજ નિર્દોષતા જોઈએ. નાનો બાળક જ ‘રાજા નાગુડિયો’ કહીને બૂમ પાડી શકે. આપણે ત્યાં ‘અંજળપાણી’ની જેમ જ ‘નગ્ન સત્ય’ ખોટો શબ્દપ્રયોગ રુઢ થયો છે. સત્ય તો નગ્ન જ હોય ને? આડંબરથી પર જ હોય ને? અને સત્યનો પ્રકાશ લાધે ત્યારે માણસ વસ્ત્રોથી પર અને પાર થઈ જાય છે. ‘યુરેકા’ કહીને આર્કિમિડિઝ શહેરની ગલીઓમાં નિર્વસ્ત્ર દોડી નીકળ્યો એ એનું ગાંડપણ નહોતું, સત્યના પ્રકાશથી એ ચકાચૌંધ થઈ ગયો હતો.જૈનોમાં એક સંપ્રદાય દિગંબર છે, જેને વેદોમાં ‘વાતરશના’ કહે છે. ‘દિશાઓ છે વસ્ત્રો જેનાં તે’ એમ દિગંબરનો બહુવ્રીહિ સમાસ શાળામાં ભણતાં ત્યારે આ શબ્દના ઊંડાણનો અહેસાસ સુદ્ધાં નહોતો. જે માણસ બધું જ ત્યાગી દે છે એને વસ્ત્ર પણ બોજ લાગે છે. બધું ત્યાગી દેનાર જ ઈશ્વરની નજીક જઈ શકે છે. એ વાત અલગ છે કે લોકો વસ્ત્રો પહેરીને દિગંબર મહારાજસાહેબના આશીર્વાદ લેવા જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જે નીતિને માત્ર સારામાં સારા વસ્ત્ર તરીકે જ પહેરે છે એ દિગંબર રહે તો સારું.’ કુંભમેળામાં પણ નાગા બાવાઓનો એક વિશાળ સમુદાય છે. નાગા બાવાઓનો એક પંથ ભરૂચ નજીકના અવાખલ પ્રદેશ સાથે સંકળાયેલો છે. કહે છે કે લાવ લુશી નામના શૈવપંથીએ વીરશૈવ નાગાઓની પરંપરા ત્યાંથી આદરી હતી. વસ્ત્રોથી આઝાદી એ અપરિગ્રહનું પ્રથમ પગથિયું છે.

કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પેટની ભૂખ એ પ્રાથમિક ભૂખ છે. નિર્વસ્ત્રતા અહીં સાહજિક અને એટલી બધી નૈસર્ગિક છે કે એ આદિમ ભાવોને પણ સીધી ઉજાગર નથી કરતી. ટૂંકા વાક્યમાં ગતિપૂર્વક કવિ કહે છે, ‘પેલી બોલાવે છે. આ ફરે છે.’ નગ્નતા આડંબરનો અવકાશ જ શૂન્ય કરી દે છે. सीधी बात। नो बकवास। આદિમભાવથી પ્રેરિત નાયિકા નાયકને બોલાવે છે. બેરીઝથી વધુ ચડિયાતું કંઈક છે એ હવે નાયકને સમજાય છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. જ્યારે બલિ આવકાર આપે છે ત્યારે એક-એક પગલાંમાં એક-એક લોકને સમાવી લેતા વામનના પગલાંને નાના અમથા માથા પર અટકી જવું પડે છે.

ઘૂંટીભેર પાણીમાં દેખાતા નાયિકાના પ્રતિબિંબને ટુકડા-ટુકડા કરતો નાયક લીલ-પાંદડાં અને કીચડ ફેંદતો આગળ વધે છે ત્યારે દૃશ્યમાન જગત વચ્ચેની આત્મીયતા છતી થાય છે. પ્રતિબિંબ ગમે એટલું સુંદર કેમ ન હોય, એનો નાશ કરીએ તો જ વાસ્તવ હાથમાં આવે. યોનિમાર્ગ ખોલીને સસ્મિત આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં નાયક પેલીની ભૂખનું પહેલાં વિચારે છે. નાયક-નાયિકા તો સાવ નિર્વસ્ત્ર છે પણ નાયિકાના મોંમાં જે બેરી નાયક મૂકે છે એ બેરીએ ધુમ્મસનું ખમીસ પહેર્યું છે. કેવું અદભુત કલ્પન! બેરી પર ચોંટેલું ધુમ્મસ હજી સૂકાયું નથી એના પરથી કલ્પી શકાય છે કે વહેલી પરોઢનો આ સમય હશે. નાયિકાને પણ ઉતાવળ નથી. પેલો વારફરતી બેરીઝ ખવડાવે છે, પેલી ખાય છે. ગ્રીક દેવતા ઇરોઝ પ્રેમનો દેવતા કહેવાય છે અને એ પ્રેમ બાબતમાં કદી ઉતાવળ કરતો દેખાતો નથી. અહીં પણ આ બે મનુષ્યોનું મિલન એ કક્ષાનું છે એ બતાવવા કવિ ઉતાવળ કરતા નથી. સંભોજ અને સંભોગ –આમેય બે પ્રવેશક અને પ્રવેશ સમાવતી સમાન ક્રિયા નથી?

આકાશમાં ચકરાવા લેતાં, મસ્તી કરતાં બે અબાબિલ આ જ બંનેનો સ્નેહ પ્રતિબિંબિત ન કરતાં હોય એમ એકની ઝપટમાં જીવડું આવી જતાં બંને આનંદવિભોર થતાં નજરે ચડે છે. મૂળ કવિતામાં Swallow શબ્દ એકીસાથે ત્રણ પંક્તિઓમાં બીજા ક્રમે આવીને મજાનું ભાવવિશ્વ રચે છે જેમાં પહેલી બે વાર Swallows ક્રિયાપદ તરીકે બેરી ગળવાની પ્રક્રિયા અને ત્રીજીવાર Swallows સંજ્ઞા તરીકે, પક્ષીના નામનિર્દેશન માટે વપરાયું છે. અનુવાદ કરીએ ત્યારે ઘણીવાર આવી નાની-મોટી ચમત્કૃતિઓ કમને પણ ગુમાવવી પડતી હોય છે. પુરુષ ઉત્તેજિત થયો છે. ગ્રીક દેવતાઓની નસોમાં ichor-ઇકરનામનું દૈવી પ્રવાહી દોડતું પણ નાયક મનુષ્ય છે. એનું લિંગ લોહીના ભરાવાથી ઉત્તેજીત થયું છે અને નાયિકા એને ઝાલીને-ચૂસીને વધુ ઉત્તેજીત કરે છે.

સેક્સનો સમાજમાં ફેલાવો જેટલો આજે છે એટલો આ પૂર્વે ક્યારેય નહોતો. પૉર્નોગ્રાફીથી મોટો કોઈ ધંધો નથી પણ એની સામે એ પણ હકીકત છે કે સેક્સની બાબતમાં આજનો સમાજ જેટલો પછાત, સંકીર્ણ અને રુગ્ણ વિચારધારાથી પીડાય છે એટલો પણ આ પૂર્વે કદી નહોતો. સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. આમેય, વસ્તુ જેટલી વધુ વેચાય એટલું એનું મૂલ્ય ઓછું. સેક્સનું વેચાણ આકાશે ગયું છે ને મૂલ્ય પાતાળે. જુઓ તો, આ નાયક શું કરે છે! પહેલાં એણે બેરી ખવડાવી હવે ઓરલ સેક્સ પામ્યા પછી એ ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. સૃષ્ટિમાં સૌનું આગમન યોનિમાર્ગેથી જ થતું હોવા છતાં, મંદિરોમાં જઈને આપણે યોનિની પૂજા કરતાં હોવા છતાં સ્ત્રીને અને સ્ત્રીના જનનાંગોને બજારકક્ષાનું જે નિમ્નસ્થાન આપણા કહેવાતા અતિમુક્ત સમાજે આપ્યું છે એ કલ્પનાતીત છે.

નાયક પણ મુખમૈથુનનો પ્રતિસાદ એનાથી આપે છે. દ્વૈત અદ્વૈતાય છે. બંનેના આ દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. દેડકો, કાગડો, અબાબિલ – બધા જ ખુશ છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યની સર્વાનુભૂતિ અને અસ્તિત્વનો એકમાત્ર અર્ક છે. પ્રણયમાં કે જીવનમાં સુખ અને દુઃખની પરાકાષ્ઠાએ અનુભૂતિની તીવ્રતા એકસમાન જ હોવાની. પ્રણયમાં દુઃખની ચરમસીમાએ ‘મરીઝ’ પણ ‘મને મારી પ્રેમાળ મા યાદ આવી’ જ કહે છે અને એ જ રીતે માત્ર પ્રેમની ક્ષણોએ જ મનુષ્ય ઈશ્વરની લગોલગ હોય છે એમ ‘બધું જ સમજાવી દેતી’માતૃતુલ્ય આંતર્દૃષ્ટિ પણ પ્રેમની ચરમસ્થિતિએ જ ખૂલે-ખીલે છે.

Last Gods

She sits naked on a rock
a few yards out in the water.
He stands on the shore,
also naked, picking blueberries.
She calls. He turns. She opens
her legs showing him her great beauty,
and smiles, a bow of lips
seeming to tie together
the ends of the earth.
Splashing her image
to pieces, he wades out
and stands before her, sunk
to the anklebones in leaf-mush
and bottom-slime—the intimacy
of the visible world. He puts
a berry in its shirt
of mist into her mouth
She swallows it. He puts in another.
She swallows it. Over the lake
two swallows whim, juke, jink,
and when one snatches
an insect they both whirl up
and exult. He is swollen
not with ichor but with blood.
She takes him and sucks him
more swollen. He kneels, opens
the dark, vertical smile
linking heaven with the underearth
and licks her smoothest flesh more smooth.
On top of the rock they join.
Somewhere a frog moans, a crow screams.
The hair of their bodies
startles up. They cry
in the tongue of the last gods,
who refused to go,
chose death, and shuddered
in joy and shattered in pieces,
bequeathing their cries
into the human mouth. Now in the lake
two faces float, looking up
at a great maternal pine whose branches
open out in all directions
explaining everything.

– Galway Kinnel

મને કહોને પરમેશ્વર કેવા હશે ? – પ્રીતમલાલ મજમુદાર

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
કેવા હશે ? શું કરતા હશે ?

– મને…

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને
તારાને ગૂંથનાર કેવા હશે ?

– મને…

આંબાની ઊંચી ડાળીએ ચડીને
મોરોને મૂકનાર કેવા હશે ?

– મને…

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી
કોયલ બોલાવનાર કેવા હશે ?

– મને…

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ?

– મને…

– પ્રીતમલાલ મજમુદાર

ગ્લૉબલ કવિતા: ૩૭ : પિતાજી ઘરે પાછા ફરતા (દિલીપ ચિત્રે) (અનુ. વિવેક મનહર ટેલર)

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં મુસાફરી કરે છે
મૂક સહપ્રવાસીઓની વચ્ચે પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થાય છે
એમનો શર્ટ અને પેન્ટ પાણીથી તરબોળ છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો અને ચોપડીઓ ઠાંસીને ભરેલો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ભેજાળ ચોમાસાની રાતમાં ઘર તરફ ધૂંધળાઈ રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મ પર,
રેલ્વેલાઇન ઓળંગે છે, કતારમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપ-ચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું જોઉં છું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા.
એ સંડાસમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અણબનાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમની હથેળી પરના ધોળાં વાળ પર લટકી રહ્યાં છે.
એમના અતડાં બાળકો હાસ્યો કે રહસ્યો
એમની સાથે વહેંચતા ઘણુંખરું બંધ થઈ ગયાં છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

Father Returning Home

My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.
Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.

– Dilip Chitre

પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?

ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. ઓરડા. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. – ઘરની બનાવટમાં પહેલાં ઈંટોની સાથે આ બધા ભાગ ભજવતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર પણ એટલા જ બહોળા અને દિલ પણ એવી જ મોકળાશવાળા. જેમ-જેમ ઘર BHKથી બનવા માંડ્યા, તેમ-તેમ પરિવાર પણ નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ પણ એવા જ સાંકડા થવા માંડ્યા. સાંકડા દિલવાળા પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. આવા એક પરિવારમાં વિધુર, વૃદ્ધ છતાંય કદાચ કમાવા જનાર બાપનું સ્થાન આ કવિતામાં શબ્દોથી નહીં, આંસુઓથી ચિતરે છે દિલીપ ચિત્રે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં પરિવાર મુંબઈ આવી વસ્યો. એમના પિતા એક જમાનામાં આપણે ત્યાં જે સ્થાન કુમારનું હતું, એ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા હતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કાર જ હતું. ૧૬ વર્ષની ઉંમરે તો એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય બની રહેશે. ૨૨ વર્ષની ઉંમરે પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન કર્યા. એમનો એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો હતો. કવિ. લેખક. અનુવાદક. વિવેચક. સંપાદક. અચ્છા ચિત્રકાર, ફોટોગ્રાફર અને ફિલ્મનિર્માતા પણ. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને જ દેહવિલય.

સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર સર્જકોમાંના એક દ્વિભાષી સર્જક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાં પણ એમણે નોંધનીય પદાર્પણ કર્યું. તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા.

પચાસ અને સાઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ જંગલમાં દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે શરૂ કર્યો અને એમાં દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધિનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં આનો મુખ્ય ફાળો હતો. પોતાની દ્વિભાષીયતા માટે તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્’ ભારતના અમર સાહિત્યિક વારસાના તેઓ પ્રખંડ ચાહક-પ્રચારક હતા. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય એ સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર કોણ છે, મારો દોસ્તોએવસ્કી કોણ છે.’

સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદ-પ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું. આ રચના પણ એમાંની જ એક છે એટલે કાવ્યવિધા અછાંદસ છે. નાટકીય આત્મસંભાષણયુક્ત (dramatic monologue) આત્મકથનાત્મક શૈલી વાપરવામાં આવી છે. પિતાજીના ઘર તરફના પ્રયાણ અને ઘરની અંદરની પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકવા માટે કવિ કવિતાને ૧૨-૧૨ પંક્તિના બે ખંડમાં વહેંચે છે, એટલું જ. ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની આ એક અંગ્રેજી કવિતા છે. કાવ્યમાંના પિતા કવિના પિતા હોઈ શકે, પણ હોય જ એવું બિલકુલ જરૂરી નથી. હૃદયની આરપાર તીણી તીખી છરીની જેમ નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતા res ipsa loquitar જેવી, એટલી સાફ અને સીધી છે કે એના વિશે કશું પણ ન બોલીએ તો ચાલે. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે. કંઈક એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર અહીં આપણને બતાવે છે. મુંબઈ જેવા મહાનગરની આ વાત હશે એ સંદર્ભ ટ્રેન, પરાંઓના ઉલ્લેખ અને કવિના મુંબઈગરા હોવા પરથી સમજી શકાય છે. અપ-ડાઉન કરનારાઓની સાથે પિતાજી પણ ટ્રેનમાં ઘરે પરત ફરી રહ્યા છે. મોડી સાંજનો સંધિકાળનો સમય છે.

સંધિકાળ અહીં બેવડા સ્તરે પ્રયોજાયો છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ જ આવી ઊભા છે અને આંખોની જેમ જ નિસ્તેજ થતા જતા સંબંધોથી દુનિયાને દેખી-અણદેખી કરવા મથી રહ્યા છે. આ ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવવા કવિ કવિતામાં રસ્તામાં થોડાથોડા અંતરે માઇલસ્ટૉન્સ આવતા જાય એમ ઠેકઠેકાણે સંદર્ભો મૂકતા જાય છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, નિસ્તેજ આંખો, ભૂખરું પ્લેટફૉર્મ, ફિક્કી ચા, વાસી રોટલી, સ્ટેશન પકડાયા વિનાનો રેડિયો. આ દરેક માઇલસ્ટૉન પર પિતાની જિંદગીની ગમગીની આપણી વધુને વધુ નજીક આવતી જાય છે.

ટ્રેનની આ મુસાફરી રોજિંદી અને યંત્રવત્ છે કેમકે પિતાની આંખો સામેથી એક પછી એક પરાં પસાર થાય છે પણ આંખો ખુલ્લી હોવા છતાં કોઠે પડી ગયેલાં એ દૃશ્યો દેખાતાં નથી. શું હજી આ ઉંમરે પણ એ નોકરી કરતાં હશે? કવિએ આ પ્રશ્ન નથી ઊભો કર્યો, નથી જવાબ આપ્યો. પણ વરસાદના દિવસોમાં, ભીનાં કપડાં, કાદવથી ખરડાયેલો રેઇનકોટ પહેરીને ટ્રેનની મુસાફરી અને કાદવમાં ચાલીને ઘર તરફ સાંજે પરત ફરવાની કવાયત શું ઈંગિત કરે છે, કહો તો! આંખોનું તેજ ઉંમરના કારણે તો ઘટ્યું જ છે પણ ઘરમાં પોતાની હાલતથી વાકેફ હોવાથી નજર વધુ ધૂંધળી પડે છે.

‘મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!’

થેલો પડુ-પડુ થતી ચોપડીઓથી ઠાંસેલો છે. જિંદગીના થેલામાં પણ વરસોના અનુભવના પુસ્તકો ઠાંસી-ઠાંસીને ભરેલા છે અને પોતાની પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસના કારણે એ પણ જાણે પડુ-પડુ થઈ રહ્યા છે.

ખરી કવિતા તો પિતાનું ટ્રેનમાંથી ઉતરવું એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દ જેવું દેખાય છે એમાં છે. ટ્રેન તો તરત આગળ વધી જવાની, બીજા મુસાફરોને મંઝિલ પહોંચાડવા. પિતા પસાર થઈ જતી ટ્રેન સાથેનો સંદર્ભ ગુમાવી દીધો હોય એમ ભાસે છે. જિંદગીના વાક્યમાંથી પણ એ સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દની જેમ જ ખડી પડ્યા છે ને? ચપ્પલ પહેરીને કાદવમાં ચાલવું કપરું છે પણ એ ઘરે પહોંચવા ઝડપ કરે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘એ ઝડપ કરે છે’ કહીને કવિ પિતાની તત્પરતા નીચે અંડરલાઇન કરે છે.

પણ તત્પરતા શેની છે? ઘરે તો એ જ ફિક્કી ચા, વાસી રોટલી, અને અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ બાપને ઘરવટો આપી દેનારા સંતાનો જ વસે છે. જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતો શ્રવણ, રાજગાદીનો ત્યાગ કરી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. સામા પક્ષે માવતર આજેય કમાવતર થતું નથી. બાપ એ બાપ છે. ઘર તરફની ઝડપ એની દુર્દમ્ય પારિવારીક ભાવનાઓનું પ્રતીક છે.

ઘરમાં પણ એનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું જ છે એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. ગમે એટલી બાહ્ય કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું કપરું છે. પોતાના પૂર્વજોએ પણ આજરીતે પોતાની જાત છેવટ સુધી રેડી દઈને વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. સદીઓ પહેલા સાંકડા ખૈબર ઘાટમાં થઈને ભારતવર્ષ પર ચડી આવેલા આર્યોનો આ સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા ચિત્રમાં પ્રાણ ફૂંકી દે છે અને એક સીધુંસાદું શબ્દચિત્ર ઉત્તમ કાવ્ય બની રહે છે.

ગ્લૉબલ કવિતા : ૩૬ : હું – ચૈરિલ અનવર (અનુ. વિવેક મનહર ટેલર)

I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

હવે મારો અંત હાથવેંતમાં છે એવો પૂર્વાભાસ થાય એ વખતે માણસના મનમાં કેવા ભાવ જાગતા હશે? બધા કંઈ સહદેવ નથી હોતા પણ જીવનમાં ક્યારેક સહદેવની જેમ માણસને પોતાનું ભવિષ્ય નજરે ચડતું હોય છે. જે રસ્તે પોતે ચાલે છે એનો અંત ક્યાં છે એનો ખ્યાલ ઘણીવાર અંત આવતા પહેલાં જ આવી જાય છે અને નિશ્ચિત મૃત્યુનો અંદેશો થઈ આવે ત્યારે? પ્રસ્તુત કવિતામાં ઇન્ડોનેશિયાના કવિ ચૈરિલ અનવર અંત આગણે આવી ઊભો હોવાની પ્રતીતિ થાય એ વખતના સંવેદન લઈને આવ્યા છે.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. એને એ પણ અંદાજ આવી ગયો હતો કે એનો દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાના ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો જન્મ અને બે જ વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ કે ટી.બી.? અલ્લાહ જાણે! મૃત્યુ બાદ અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. રસીકરણના પૈસા માટે એણે ઊઠાંતરી કરી હોવાનું મનાય છે. પણ ઊઠાંતરીમાં પણ અનવરનો હાથ જાદુઈ ફેરફાર અને પરિણામ સાથે છવાઈ જતો. એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત છે. ટી.એસ. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

જીવતો હતો ત્યારે એની કવિતાઓ મોટાભાગના સામયિકોમાંથી સાભાર પરત થતી. વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં એની કવિતામાં ઊતરી આવે છે. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નવી પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા અને ઉદ્દામવાદી વિચારસરણી, બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યનો પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ જ હોવાની. પણ આ બધી જ મર્યાદાઓથી આગળ મૂળ ભાષા જાણતા જ ન હોય એ ભાવકોને જે-તે ભાષાના સાહિત્યકાર અને સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેનું અનુસર્જન સદા આવકારણીય રહ્યું છે.

જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી અને પછી એ ‘સેમાન્ગત’ (આત્મા) શીર્ષકથી પ્રગટ થઈ હતી. બદલાયેલું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે પ્રથમ શીર્ષક એની પ્રાણશક્તિ નિર્દેશે છે એમ ઇન્ડોનેશિયન સાહિત્યના વિવેચક નેતિ કહે છે. ૧૯૪૩નો સમય એટલે ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય. બીજું, આખી રચના ‘હું’ની છે અને ત્રીજું, ટોળામાંથી ખદેડી મૂકવામાં આવેલા માણસની છે. ત્રણેયમાં લય કે સુનિશ્ચિતતા શક્ય નથી એટલે જ કવિ કદાચ અનિયમિત પંક્તિલંબાઈ, અનિયમિત પંક્તિઓના અંતરાઓ અને અછાંદસ પદ્ધતિ પસંદ કરે છે.

બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતનો યક્ષપ્રશ્ન પણ એ જ હતો કે માણસ એ રીતે જીવે છે જાણે કદી મરવાનો જ ન હોય. પણ અહીં પોતાનો સમય નજીક આવી ગયો છે એ કવિ સમજી ચૂક્યો છે. રચનામાંથી પસાર થતી વખતે સમજી શકાય છે કે કવિ કયા સમયના આવવાની વાત કરે છે. આઝાદીની લડતના સમયે કવિતા લખાઈ છે અને કવિ પોતે ગરીલા સૈનિક તરીકે પણ લડી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સ્પષ્ટ થાય છે. આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે જ હોય એવું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ જ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કવિનો આ મિજાજ કવિતા ઉઘડતાવેંત જ સંભળાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. નાયક જેને સંબોધીને વાત કરી રહ્યો છે એનું રૂદન પણ એ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ એ જ કહે છે કે રડવું બિલકુલ જરૂરી નથી.

કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકપક્ષ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ ચૈરિલનો સ્વભાવ જ બંડખોર હતો. એ ટોળાંમાંનો એક કદી હતો જ નહીં. ઇન્ડોનેશિયાના સમાજ અને જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી જે છૂટો પડે એ કચડાઈ જ જાય, બહુ ઓછાં આગળ વધી શકે, અને ભાગ્યે જ કોઈ આ એકાકી અવસ્થામાં બચી જઈ શકે. અનવર બિલકુલ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાવું પોતાના માટે કેટલી ગૌણ બાબત છે એની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ આ શીર્ષકને બાદ કરતાં કવિતાની તેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. જીંથરીની ટીબી હોસ્પિટલમાં દાખલ રાવજીને નાની વયે ખાતરી થઈ ચૂકી હતી કે હવે મરણ ઢૂંકડુ છે. એ શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહે છે. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે. નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે.

બાણથી છેદાઈ ગયા પછી ભીષ્મ મૃત્યુની ઇચ્છા કરે છે પણ નાયક ગોળીથી છલની-છલની થઈ જવા છતાં અટકતો નથી. માત્ર ઘા જ નહીં, દર્દોને પણ ઊંચકીને એ આગળ જ વધતા રહેવાની નેમ ધરાવે છે. ઘા તનના હોય છે, દર્દ મનના. અને તન કરતાં મનને ઉપાડવું બહુધા વધુ દોહ્યલું હોય છે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી આવી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ ચીસમાં એટલી બધી વાસ્તવિકતા છે કે હજાર વર્ષ જીવી શકાય કે કેમ એ વાતની અતાર્કિકતા ગજવે ઘાલીને ભાવક પણ પૂરેપૂરો કવિના પક્ષે બેસી જઈને જાણે કે ‘તથાસ્તુ’ ન કહેતો હોય એમ કાવ્યાંતે હળવું સ્મિત હોઠે વસાવીને પોરસાય છે.

એક જગ્યાએ ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વ્યક્તિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં – કૃષ્ણ દવે


(Picture from: http://pricebaba.com/blog/may-die-thanks-smartphone)

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !
કો’ક વળી ડૂબે છે દરીયાના મોજામાં, કો’ક વળી ખાબકે છે ખાઈમાં.
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

કો’ક વળી વાંકો થઇ જુએ છે ખુદને પણ ડાળને તો મૂળ છે તે ઝૂકે
વળગીને વ્હાલ કરે નમણી બે વેલ એમાં ઝાડ એના ફોટા ના મૂકે.
કો’કને ખીણ આખી જોઈએ છે ક્લિકમાં તે લટકી પડે છે એની ટ્રાઇમાં
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

કો’ક વળી પોતાનો ચહેરો જુએ છે ને એમાં રહે છે ગળાડૂબ
કો’ક વળી પોતાનો પડછાયો પક્કડવા કરતો રહે છે ઉડાઉડ
કો’ક વળી છાપાના હેડીંગમાં લપસે તો કો’ક વળી કેપિટલ “આઇ”માં
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

– કૃષ્ણ દવે

ગ્લૉબલ કવિતા : ૩૫ : એક ગીત – ટી.એસ.એલિયટ (અનુ.: વિવેક મનહર ટેલર) A Song

If Time and Space, as sages say,
Are things which cannot be,
The sun which does not feel decay
No greater is then we.
So why, Love, should we ever pray
to live a century?
The butterfly that lives a day
Has lived eternity.

The flowers I gave thee when the dew
Was trembling on the vine,
Were withered ere the wild bee flew
To suck the eglentine.
So let us haste to pluck anew
Nor mourn to see them pine,
And though our days of love be few
Yet let them be divine.

If Space and Time, as sages say,
Are things which cannot be,
The fly that lives a single day
Has lived as long as we.
But let us live while yet we may,
While love and life are free,
For time is time, and runs away,
Though sages disagree.

– T. S. Eliot 
એક ગીત
(અ-૧)
સમય અને અવકાશ, જે રીતે સંત કહે છે,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે નહીં,
માખી જેનું જીવન એક જ દિવસનું છે,
આપણા જેટલું જીવન એણે જીવી લીધું સહી.
પણ જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી તો જીવીએ,
પ્રીત ને જિંદગી જ્યાં સુધી આઝાદ રહી.
સંત કદી સહેમત એમાં નહિ થાય ભલે ને
કાળ તો કાળ જ છે અને એ નક્કી જશે વહી.

(અ-૨, બ-૨)
ફૂલ જે મેં આપ્યાં’તાં તુજને જ્યારે ઝાકળ
હળવે હળવે કંપી રહ્યું’તું વેલી ઉપર,
ગયાં વિલાઈ મધમાખ ઊડી આવે આગળ
કરવા માટે એમાંથી રસપાન મધુર,
સૂકાઈ ગયાં એનો શું કરવો શોક પળેપળ?
નવાં-નવાં નિત ચૂટવાં માટે બનો અધિર,
છો ને ખૂટી ગ્યાં હો કેમ ન પ્રીતનાં અંજળ,
બનાવી દઈએ જે છે એને જ દિવ્ય-સુંદર.

(બ-૧)
સમય અને અવકાશ, જે રીતે સંત કહે છે,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે નહીં,
આ સૂર્ય જેનો થાતો નથી ક્ષય કદીયે,
આપણા લોકોથી જરાયે મહાન નથી.
તો, શા માટે આપણે કદીય એવું પ્રાર્થીએ
કે પ્રેમ આપણો રહે જીવતો સદી-સદી?
પતંગિયુ જે આમ તો એક જ દિવસ જીવે છે,
એ આમ જુઓ તો જીવન જીવી રહ્યું શાશ્વતી.

– ટી. એસ. એલિયટ
(અનુવાદ: વિવેક મનહર ટેલર)

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે…

‘સમય જ નથી મળતો, યાર!’ અને ‘તમને આવું બધું કરવા માટેનો સમય ક્યાંથી મળી રહે છે?’ – આ બે બિંદુઓની વચ્ચે આપણા મોટાભાગના સંબંધ આખી જિંદગી વિતાવી લેતા હોય છે. અસ્તિત્વના આરંભબિંદુથી જ માણસ સમય નામનો કોયડો ઉકેલવા સતત મથતો આવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓના લીટાઓથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત સુધી સમયના પગલાં જોવા મળે છે. સમયથી પર અને પાર જવાની મથામણ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે. આ કવિતા સમયના તકલાદીપણાને નજર સામે રાખી ‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે’નો ગુરુમંત્ર શીખવાડે છે. There is a time for all things કહેતો શેક્સપિઅર પણ ટી.એસ.એલિયટની આ કવિતામાં યાદ આવે.

થોમસ સ્ટર્ન્સ એલિયટ. (૨૬-૦૯-૧૮૮૮થી ૦૪-૦૧-૧૯૬૫) વીસમી સદીના દિગ્ગજ કવિઓમાંના સૌથી મોખરેના એક. જન્મ અમેરિકામાં પણ ૨૫ની ઉંમરથી ઇંગ્લેન્ડમાં અને ૩૯ની ઉંમરે અમેરિકન નાગરિકત્વ ફગાવીને બ્રિટિશ નાગરિકત્વનો સ્વીકાર. એ જ અરસામાં એકત્વવાદ ત્યજીને એન્ગ્લો-કેથલિક સંપ્રદાયનો પણ સ્વીકાર. બહુઆયામી વ્યક્તિત્વ- કવિ, નાટ્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક. ઉત્તમ પદ્યનાટ્યકાર પણ. શાળાશિક્ષક. બેંક ક્લર્ક અને પછી ફેબર એન્ડ ફેબરના સંપાદક અને ડિરેક્ટર. ૧૯૪૮માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. વીસમી સદીના સૌથી નોંધપાત્ર સીમાચિહ્ન ગણાતા ‘વેસ્ટ લેન્ડ’ કાવ્યના ઉલ્લેખ વિના એલિયટનો પરિચય અધૂરો રહી જાય. જન્મજાત (બંને બાજુના) હર્નિયાના કારણે બાળપણથી શારીરિક રમતોથી દૂર રહેવું પડ્યું ને આડઅસરરૂપે સાહિત્ય સાથે સ્નેહસૂત્રે જોડાયા. ઉમર ખૈયામની રૂબાઈઓની અસર નીચે ચૌદ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. સાહિત્યમાં માસ્ટર્સ. ફિલસૂફીમાં પી.એચ.ડી. ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ. વિવિયન હેય-વુડ સાથે દુઃસ્વપ્ન સમા પ્રથમ લગ્ન (૧૯૧૫-૩૩). વેલેરી ફ્લેચર સાથે બીજા (૧૯૫૭-૬૫). ૭૭ વર્ષની ઉંમરે એમ્ફિસિમાના કારણે મૃત્યુ. કબર પરની મૃત્યુનોંધ: ‘મારા આરંભમાં મારો અંત છે, અંતમાં આરંભ.’

કવિતા આધુનિક સભ્યતાની સંકુલતાનો અરીસો હોવો જોઈએ એમ એ દૃઢપણે માનતા અને એ જ રીતે કવિતા પણ લખતા. એમના મતે કવિની લોકો તરફની ફરજ માત્ર આડકતરી છે; સીધી ફરજ ભાષા પરત્વે, પહેલી એની જાળવણીની અને બીજી એના પ્રસાર અને સુધારની. એલિયટના મતે કવિએ આસપાસ બોલાતી ભાષાને જ કવિતાની સામગ્રી તરીકે વાપરવી જોઈએ. એમની કવિતાનું ઊડીને આંખે વળગે એવું અને પહેલું પાસું છે કઠિનતા. કવિતામાં પ્રાસ અને પંક્તિની લંબાઈની અનિયમિતતા, વિરોધાભાસી કલ્પનોની ઘટ્ટતા, છંદપલટાનું કૌશલ્ય, અને સંયમિત શૈલીની તાકાતને લઈને એ ગિફ્ટેડ અને ઓરિજનલ તો ગણાયા પણ અઘરા પણ એટલાજ બન્યા. ભલે એમના મતે અધિકૃત કવિતા સમજાય એ પહેલાં પ્રત્યાયન કરતી હોવી જોઈએ પણ એમની કવિતા ભાવકના પક્ષે જબરદસ્ત સજ્જતા માંગી લે છે. એલિયટની વિચારધારા, કલ્પનો, ભાષાની લાક્ષણિકતા અને કથનની વિચક્ષણતાનો પૂર્વાભ્યાસ એલિયટને હાથમાં લેતાં પહેલાં હોવો જરૂરી છે. પ્રખર બુદ્ધિમતા અને નખશિખ કારીગીરીના સમન્વયના કારણે એમની કવિતાઓ કોઈપણ પ્રકારના સુધારાના અવકાશ વિનાની સંપૂર્ણ લાગે છે. સત્તરમી સદીના જોન ડન જેવા મેટાફિઝિકલ કવિઓ અને ઓગણીસમી સદીના બોદલેર જેવા પ્રતીકવાદીઓ પરત્વેની આસ્થા, એઝરા પાઉન્ડની આધુનિકતા – આ બધું કાયાપલટ પામીને, રસાઈને એલિયટની કવિતામાં આવ્યું ત્યારે જે ફ્લેવર ઊભી થઈ એણે કવિતાની દુનિયામાં ક્રાંતિ સર્જી. ૧૯૩૦ સુધીમાં તો એમની પ્રસિદ્ધિ દંતકથા સમાન બની રહી અને પછીના ત્રણ-ત્રણ દાયકા સુધી એમણે અંગ્રેજી કવિતા અને સાહિત્યિક વિવેચનના ક્ષેત્રો પર એકહથ્થુ શાસન કર્યું એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. જોકે એલિયટ તો કહેતા કે, ‘દાન્તે અને શેક્સપિઅરે દુનિયા એમની વચ્ચે વહેંચી લીધી છે. કોઈ ત્રીજું છે જ નહીં.’

પ્રસ્તુત રચનાના બે સંસ્કરણ ઉપલબ્ધ છે: કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજ માટે આ કવિતા ૧૯૦૫માં ‘અ લિરિક’ શીર્ષકથી લખી હતી. (બ-૧, બ-૨) ૧૯૦૭માં આ જ કવિતા કોલેજના સામયિક માટે એમણે સુધારીને લખી ત્યારે એક ફકરો બદલી નાંખ્યો હતો (અ-૧, અ-૨), જે જોતાં સમજી શકાય છે કે બે વર્ષમાં એલિયટનો કાન વધુ પુખ્ત બન્યો હતો અને લય વધુ સમૃદ્ધ. આઠ પંક્તિના બે અંતરા અને અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અહીં છે. સોળ વર્ષની ઉંમરે શાળામાં કવિતા લખવાની કવાયત ખાતર લખાયેલી અ કવિતામાં શિક્ષકને કોઈ વડીલનો ‘હાથ’ દેખાયો હતો પરંતુ એલિયટની માતા, જે પોતે પણ કવયિત્રી હતાં, એમણે કહ્યું કે એમણે લખેલા કોઈ પણ પદ્ય કરતાં આ રચના વધુ સારી છે. શેક્સપિઅરના સમસામયિક બેન જોન્સનના ‘સોંગ ટુ સિલિયા’ (Drink to me only with thine eyes)નો પ્રભાવ આ કવિતા પર સાફ નજરે ચડે છે. એલિયટે જાતે જ કહ્યું હતું, ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

શરૂઆતની કવિતાઓમાંથી જ એલિયટની સમય અંગેની ફિલસૂફી છતી થાય છે. લૌકિક સમય, સમયહીનતા અને શાશ્વતી – આ કાળબિંદુઓ સાથેની રતિ એ એલિયટની ગતિ છે. સોળ વર્ષની ઉંમરે લખાયેલી આ કવિતામાં પણ સમય અને શાશ્વતીના કોયડામાંનો રસ છતો થાય છે. સમયમાંથી પસાર થઈને જ સમયને જીતી શકાય એમ એલિયટ માને છે. એ કહે છે કે ગત સમય અને અનાગત સમય ચૈતન્યાવસ્થા માટે બહુ ઓછો અવકાશ રાખે છે. સભાન હોવું એટલે સમયમાં ન હોવું. ભગવદગીતામાં એક શ્લોક છે:

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्॥ (2;12)

(એવું ક્યારેય નહોતું જ્યારે હું કે તું અથવા આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવુંય નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ). આપણું અસ્તિત્વ સમયની બંને તરફ વિસ્તરેલું છે, સમયાતીત છે, શાશ્વત છે. એલિયટ કહે છે, વર્તમાન સમય અને ગયેલો સમય બંને કદાચ ભવિષ્યકાળમાં હાજર હોય. જો કે આ કવિતામાં એલિયટ સમય અને અવકાશના અનસ્તિત્વ વિશે સાધુસંતોના પ્રવર્તમાન વિચારોથી ઉફરી ગતિ કરે છે અને ‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ, સરકી જાયે પલ’ (મણિલાલ દેસાઈ)ની વાસ્તવિકતાનું જ યશોગાન કરે છે.

ઘડિયાળના કાંટા અટકી-બટકી જાય તોય સમય અટકતો-બટકતો નથી કેમકે સમયનો સ્વ-ભાવ રહેવાનો નહીં, વહેવાનો છે પણ ઘડિયાળ કાંડે બાંધીને આપણે એમ જ માનવા માંડીએ છીએ કે આપણે સમયને બાંધી લીધો છે. હકીકત એ છે કે સમયનું સોનું સમય પર ન વાપરીએ તો કથીર બની જાય છે.

‘મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
હવે આ હાથ રહે ના હેમ!’ (પ્રિયકાન્ત મણિયાર)

ઉમાશંકર જોશી પણ કહી ગયા,

‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !’

ઊંઘમાં જ ચાલીને આપણે જીવન વિતાવીએ છીએ. આપણો અડધો સમય જાતને ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. શંકરાચાર્ય કહી ગયા તેમ, कालः क्रीडति गच्छत्यायु| (કાળ એની ક્રીડા કરે છે, આયુષ્ય ઓછું થતું જાય છે). એલિયટ આ સમજે છે એટલે કહે છે કે જો સંતોની વાત માની લઈએ કે સમય અને અવકાશ એ જ વસ્તુ હોય જે કદી હોય જ શકે નહીં, જો સમય અને અવકાશ માત્ર આભાસ હોય, ભ્રમણા હોય, તો માખી, અથવા પતંગિયું, જેનું આયુષ્ય એક જ દિવસનું છે એ પણ આપણા જેટલું જ જીવે છે એમ કહી શકાય. બીજા પક્ષે, સૂર્ય જે કદી ક્ષય પામતો નથી એ પણ આપણા જેટલું જ જીવ્યો ગણાય, આપણાથી મહાન ન ગણાય. સમયનું અસ્તિત્વ જ ન હોય તો આપણો પ્રેમ સદીઓ સુધી જીવે એવી પ્રાર્થનાય શા માટે? ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ નથી. ત્યાં નાનું-મોટું, ભારે-હલકું બધું એકસમાન છે. એમ જ સમય વિનાના સ્થળે લાંબુ-ટૂંકુ, નાનું-મોટું – બધું સરખું જ છે. સમય આપણી જિંદગીને માપવા માટેની માપપટ્ટી છે. સમયનો જ એકડો કાઢી નાંખીએ તો પછી સરખાવવાનું શું બચે?

સંતો ભલે સહમત નહીં થાય, કાળ તો બંધ પણ ન બાંધી શકાય એવી નદી છે, એ તો સતત વહેશે જ. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે? કબીર પણ એટલે જ કહે છે, ‘काल करे सो आज कर, आज करे सो अब। पल में प्रलय होएगी, बहुरि करेगो कब।।’ આજ વાત ગંગાસતી કહી ગયા, ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ! નહિતર અચાનક અંધાર થાશે.’ એલિયટ પણ વીજળીનો લિસોટો પ્રકાશ આપતો હોય એટલીવારમાં જીવન જીવી લેવાનું ઇજન આપે છે. ફરી ઉમાશંકર જોશી યાદ આવે: ‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે.’

ખરી કવિતા બીજા અંતરામાં છે. આપણને જ્યારે જિંદગી મળી ત્યારે એ ઝાકળબુંદથી સદ્યસ્નાતા, નવપલ્લવિત ફૂલ સમી હતી. પણ જીવનનો સાચો રસ આપણે ચૂસી-માણી-પ્રમાણી શકીએ એ પહેલાં તો ફૂલ કરમાવાં માંડ્યાં. આ કંઈ માથે હાથ દઈ બેસવાની-રડવાની ઘડી નથી. સમયની શીશીમાંથી જે રેતી સરકી ગઈ, એનો અફસોસ કરવાના બદલે ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં!’ (નર્મદ) કહીને આવનારી ક્ષણોને ભરપૂર જીવી લેવાની કોશિશ કેમ ન કરીએ? શેક્સપિઅરે પણ કહ્યું હતું, ‘I wasted time and now doth time waste me.’ (મેં સમયને વેડફ્યો, હવે સમય મને વેડફી રહ્યો છે.)

અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા, ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે (મકરંદ દવે)

નિતનવી તક ઝડપવા તૈયાર રહીએ અને નિતનવી તક ન પણ મળે તો જે પણ આપણી પાસે છે એને જ ચાહી-ચાહીને દિવ્યસુંદર કેમ ન બનાવી દઈએ? જિંદગીને મુક્તમને જીવવા અને ‘દિવ્ય’ પ્રેમના ચંદ દિવસોને સનાતનમાં પરિવર્તિત કરવા કવિ આમંત્રે છે. ‘ચાલ્યું ગયું એ પાછું ટીપુંય આપો તો બદલામાં ચાહે રગ-રગ લો’નો નોસ્ટાલ્જિક મોહ ત્યજીને આજમાં જીવતાં શીખી શકાય તો જીવનનું વન નંદનવન છે.

ગ્લૉબલ કવિતા: ૩૪ : वाक्यानी – લાલ દીદ (અનુ. વિવેક મનહર ટેલર)

नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि भु चू मि मिलो ना जाना
चू कु भु कु क्यों सन्देह् ॥

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

Lord, I have not recognized myself (as one with Thee)
Continually have I shown affection for this single body.
That Thou art I, that I am Thou, that these are joined in one I knew not.
It is doubt to say, ‘Who am I?’ and ‘Who art Thou?’

An idol is but a lamp of stone, a temple is but a lump of stone.
From crown to sole each is of but the one stuff.
O learned Pandit! What is this to which thou offerest worship?
Bring thou together a determined mind and thy vital airs.

When the sun disappeared, then came the moonlight;
When the moon disappeared then only mind remained;
When mind disappeared, then naught anywhere was left;
Then whither did earth, ether and sky go off together?

Whatever work I may do, the burden of the completion thereof lieth on myself,
But the earnings and the collecting of the fruits thereof are another’s.
If in the end, without thought for their fruits, I lay these works as an offering before the Supreme Self,
Then, where’er I may go, there is it well for me.

વાખ્યાની

નાથ ! ન જાણું, હું છું કોણ ?
ચાહ્યો કાયમ મેં આ કુદેહ,
તું હું, હું તું, આ મેળથી અજાણ,
તું કોણ ? હું કોણ ? શો સંદેહ ?

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ પથ્થર,
પૂજ્ય પૂજારી! તું શું પૂજે છે?
મન પવન એક ક્યારે કરશે?
સૂર્ય ગયો ત્યાં પ્રકાશ્યો ચંદ્ર,
ચંદ્ર ગયો તો બસ, બચ્યું ચિત્ત;
જો ચિત્ત ગયું તો ક્યાંય કશું નહીં,
આભ, ધરા, અવકાશ ગયા ક્યાં?

જે જે કરું એ મારે જ માથે,
ફળ એનું કોઈ બીજાના હાથે?
આશ વિના અર્પું સૌ એને,
જ્યાં જઉં ત્યાં સહુ શ્રેષ્ઠ છે મારે.

-લાલ દીદ
(અંગ્રેજી અનુવાદ: જ્યૉર્જ ગ્રિઅરસન, લાયનલ બાર્નેટ)
ગુજરાતી અનુ. વિવેક મનહર ટેલર

(મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી અનુવાદ કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાક્યાની’ પુસ્તકમાંના શબ્દકોશ અને સંસ્કૃત-અંગ્રેજી ભાષાંતરનો સહારો લીધો છે.)

ઉપર અલ્લા, નીચે લલ્લા !

લલ્લા કહો, લલ્લેશ્વરી કહો કે લાલ દીદ… એ ચૌદમી સદીની શરૂઆતમાં (જન્મ આશરે ૧૩૦૧ અથવા ૧૩૧૭-૨૦?; મૃત્યુ: ૧૩૭૩?) પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી શૈવ પંથની પ્રચારક, અર્ધનગ્ન વણજારણ સૂફી સાધ્વી અને કવયિત્રી યોગિની હતી. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. ૧૨ વર્ષની વયે લગ્ન. લગ્ન પછીનું નામ પદ્માવતી. કહેવાય છે કે સાસુએ ત્રાસ આપી આપીને એને ઘર ત્યાગવા મજબૂર કરી હતી. કાશ્મીરીઓ કહે છે, ‘होन्ड मारान किना काथ, लाली नलवुच बालि न झाह’ (મેંઢ માર્યો હોય કે ઘેટું, બધું સરખું જ; લલ્લાના ભાણામાં હંમેશા પથરો જ આવતો.) પથરા પર ભાત પાથરી દેવાતો જેથી વધુ માત્રામાં ભાત આપેલો દેખાય. લલ્લા કહેતી, ‘એ લોકોએ મને અપમાનોના કોરડા માર્યા, ગાળોથી વધાવી, એમનું ભસવું મારે મન કંઈ નથી. એ લોકો આતમફૂલ અર્પવા પણ આવે તો મને પરવા નથી. નિઃસ્પૃહ, હું આગળ વધું છું.’ લલ્લા બેવફા છે એની સાબિતી મેળવવા એની પાછળ ગયેલા પતિને લલ્લા જંગલના એકાંતમાં ભક્તિમાં લીન નજરે ચડી. આખરે ૨૬ની ઊંમરે ગૃહત્યાગ કરીને લલ્લાએ પરિવ્રાજિકા-વણજારણની જિંદગી અપનાવી. કહે છે, એ અર્ધનગ્ન કે સંપૂર્ણ નગ્ન રઝળપાટ કરતી, નૃત્ય કરતી અને ગીતો રચતી-ગાતી. લલ્લા જાતે કહે છે, ‘મારા સ્વામીએ મને એક જ નિયમ આપ્યો છે, બાહ્ય ભૂલી જા, ભીતર જા. મેં, લલ્લાએ, આ શિક્ષણ દિલમાં ઉતારી દીધું, એ દિવસથી હું નગ્ન નાચતી ફરું છું.’ રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે આજે ફરી રહ્યાં છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. લલ્લાની રચનાઓ પેઢી દર પેઢી કંઠોપકંઠ વહી આવી હોવાથી, કાળક્રમે ભાષામાં ઘણો બદલાવ આવ્યો હોવાથી વર્તમાન વાખ એના મૂળ વાખ કરતાં અલગ જ હશે એમાં શંકા નથી પણ છંદોલય અને લલ્લા માટેનો સ્નેહાદર લેશમાત્ર બદલાયા નથી. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. કાશ્મીરમાં એવા હિંદુ કે મુસલમાન જડવા મુશ્કેલ છે, જેમની જીભે લલ્લાની વાખ રમતી ન હોય.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એને અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા છે તો બીજી તરફ સમર્પણ, સાધના અને સ્વ જ સર્વ હોવાનો- अहम ब्रह्मास्मिના અનાહત નાદમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધુંજ રસાઈને ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં ગંગાસતીની પેઠે વીજળીના ચમકારે મોતીડાં પરોવી લે છે. ફરક એટલો જ કે લલ્લાની વીજળી એકવાર પ્રકાશે પછી સનાતન બની રહે છે, અચાનક અંધાર થાતો નથી. એમનેમ કંઈ ‘ઉપર અલ્લા, નીચે લલ્લા’ કહેવાયું નથી.

યજુર્વેદમાં વ્યાસના આગ્રહથી શિવ શુકદેવને બ્રહ્મ રહસ્યના ચાર સૂત્ર આપે છે:

प्रज्ञानं ब्रह्म (પ્રકટ જ્ઞાન બ્રહ્મ છે)
अहम् ब्रह्माऽस्मि (હું જ બ્રહ્મ છું)
तत्त्वमसि (એ તત્ત્વ તું જ છે)
अयमात्मा ब्रह्म (આ આત્મા બ્રહ્મ છે)

લલ્લાની પ્રથમ વાખનો પ્રધાન સૂર પણ આ બ્રહ્મરહસ્યની ફરતે જ ગૂંથાયેલ છે. ‘હું કોણ છું’નો સનાતન પ્રશ્ન લલ્લા ઊઠાવે છે અને કહે છે કે આખી જિંદગી હું જાતને ઓળખી ન શકી. આ દેહની આસક્તિ પાછળ જ જીવન પૂરું થઈ ગયું. જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ ગઈ. પણ આપણો ‘હું’ અને બ્રહ્મનો ‘તું’ – બંને અભિન્ન છે; દ્વૈત નહીં, અદ્વૈત છે એ તથ્ય જ વિસરાઈ ગયું. શ્રીકૃષ્ણ કહે છે, ‘सर्वस्य चाहं हृदि सन्निविष्टो’ (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું.) મનુષ્ય, પ્રકૃતિ અને પરમેશ્વર-બધા એક જ છે. પરમબ્રહ્મની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું, શંકા સેવવી એ જ સૌથી મોટી ભૂલ છે. જીવમાત્ર શિવનો જ અંશ છે એ સત્ય ભીતર ઝળહળે નહીં ત્યાં લગી આપણે મોક્ષ માટે લાખ-હજાર વાનાં કેમ ન કરીએ, વ્યર્થ છે. લલ્લા કહે છે, ‘પ્રેમઘેલી હું ફરીફરીને પાછી આવું છું તો ગુરુજી મારા ઘર(શરીર)માં જ જડે છે.’

બીજા વાખમાં લલ્લા આજ વાત અલગ રીતે કરે છે. એ કહે છે, ઈશ્વર પથ્થર છે, મંદિર પણ પથ્થર છે. માથાથી પગ સુધી બધા માત્ર પથ્થર જ છે. આપણે શેની પૂજા કરીએ છીએ? શું પૂજીએ છીએ? પથ્થર? ખરો ઈશ્વર તો આપણી અંદર જ છે કેમકે આપણે ઈશ્વરના જ અંશ છીએ. નવાઈ લાગે પણ કાશ્મીરના જંગલોમાં સાતસો વર્ષ પહેલાં નગ્ન રખડતી એક યોગિની અને ચારસો વર્ષ પહેલાં ગુજરાતમાં સોનીનો ધંધો કરતો ‘પથ્થર એટલા પૂજે દેવ’ કહેનાર અખો કેટલી હદે સમાન વિચાર ધરાવે છે:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

લલ્લા પણ આ જ કહે છે. બ્રહ્મજ્ઞાન બહારથી નથી આવવાનું. આપણું મન અને આપણા શ્વાસ – ચિત્ત અને પ્રાણ –એકાકાર ન થાય તો ઈશ્વર ક્યાંથી મળવાનો? યોગિની લલ્લાનો સાફ ઈશારો યોગિક પ્રાણાગ્નિહોત્ર, પવિત્ર શ્વાસોની આહૂતિ –પ્રાણાયમ તરફ છે. એ કહે છે, ‘પલાંઠી વાળીને શ્વાસ રોકવાથી સત્ય નહીં મળે. દીવાસ્વપ્ન મોક્ષના દરવાજા સુધી નહીં લઈ જાય. પાણીમાં ગમે એટલું મીઠું નાખો, એ સમુદ્ર નહીં બને.’ એ કહે છે, ‘એ જાણે છે કે એ જ ઈશ્વર છે, એ કોની પૂજા કરે?’ લલ્લા ભૂખ-તરસથી શરીરનું દમન કરવાની ના કહે છે. કહે છે, ‘એના બદલે શરીર ગબડે ત્યારે એને હાથ આપો. સોગંદો અને પ્રાર્થનાઓ જાય ભાડમાં, બસ, અન્યોને મદદ કરો. આથી વધુ સાચી કોઈ ભક્તિ જ નથી.’ આમ, લલ્લા સર્વેશ્વરને સ્વમાં અને સર્વમાં શોધવા કહે છે.

ત્રીજા વાખમાં પણ લલ્લા void in to voidની જ વાત કરે છે. યોગમાં ચંદ્ર અને સૂર્ય ક્રમાનુસાર સૌથી ઉપરના અને નીચેના ચક્રો ગણાય છે. સૂર્ય અદૃશ્ય થયો તો ચાંદો પ્રકાશ્યો. ધ્યાનની ચરમસીમાએ સૂર્ય-ચંદ્ર, અર્થાત્ સૃષ્ટિ એના સંદર્ભો ગુમાવી અદૃશ્ય થાય છે. ચિત્ત જ રહી જાય છે. ‘અદૃશ્ય થવા’નો ખરો અર્થ ‘ચેતનામાં ઉપસ્થિતિ ઓગળી જવી’ થાય છે. મતલબ યોગી એની ચેતનાને મર્ત્યલોકમાંથી ઊંચે લઈ જઈ બ્રહ્મલોક સુધી વિસ્તારે છે. અહીં, વ્યક્તિગત આત્મા અને સમષ્ટિ વચ્ચેનો તફાવત સર્વસમાવિષ્ટ ચેતનામાં ડૂબીને સમરસ થઈ જાય છે. લલ્લા ઘણીવાર અવકાશ અવકાશમાં ભળી જવાની વાત કરે છે.

ચોથા વાખમાં ભગવદગીતાનો कर्मण्येवाधिकारस्ते, मा फ़लेषु कदाचन्નો શંખધ્વનિ સંભળાય છે. કહે છે, જે હું કરું છું એની જવાબદારી મારા જ માથે છે તો એનું ફળ બીજાને મળે એ કેમ ચાલે? વાલિયો લૂંટારો લૂંટ-ખૂન કરે અને પેટ પરિવારનું ભરાય? આપણા આ કર્મ બીજી દુનિયામાં કે બીજા જન્મમાં આપણી સાથે આવતાં નથી, એ અહીં જ વરસદારોના હાથમાં મજાક બનીને રહી જાય છે. સાચો ધ્યાની અને જ્ઞાની તો માત્ર કર્મ જ કરે છે અને ફળની આશા ન રાખી, બધાં જ ફળ ‘એ’ને સુપ્રત કરી દે છે. આમ કરીએ તો દુનિયામાં જ્યાં જઈએ, બધે અછોવાનાં જ છે. ફળની આશા વિનાના કર્મમાં अखिलम् मधुरम् જ હોવાનું. ભક્તિયોગ તરફ ધ્યાન આપીને મનુષ્ય ફળની આશા વિના કર્મયોગમાં પ્રવૃત્ત થાય તો એના કર્મના તમામ ફળ મોક્ષસ્વરૂપે એ પોતે જ પામનાર છે. પણ છોડવું એ મેળવવાની એકમાત્ર પૂર્વશરત છે.

લલ્લા કહે છે, ‘મૂર્ખ, પુસ્તકમાંથી પ્રાર્થના કરીને રસ્તો નહીં જડે, તમારા હાડપિંજર પરની સુગંધ કોઈ ઈશારો નહીં આપે. સ્વ પર ધ્યાન આપો. આજ ઉત્તમ સલાહ છે.’ એ કહે છે કે શિવ હિંદુ કે મુસલમાનમાં ફરક કરતો નથી. સૂર્ય બધા પર સમાનરીતે જ પ્રકાશે છે. સાધુ હો કે ગૃહસ્થ, લલ્લા ફરક જોતી નથી. કહે છે, ‘જો તમે તમારી ઇચ્છાઓને સમયની નદીમાં ઓગાળી દીધી હોય તો તમે જોઈ શકશો કે ઈશ્વર સર્વત્ર છે અને સંપૂર્ણ છે. જે તમે જાણો છો, એ જ તમે થશો.’

ટૂંકમાં, સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નાચતી-ફરતી લલ્લા નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આડંબરના વસ્ત્રો ઠેઠ ભીતરથી ફગાવી દઈ તમે સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કરો તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના દેહને મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે.

એક કાગળ જૂનો…. – વિવેક મનહર ટેલર

IMG_4784
(ડાઉન મેમરી લેન…. ….ગોવા, નવે., 2015)

*

કબાટના ખાનાં સાફ કરતી વખતે
એક જૂનો કાગળ
હાથ આવ્યો.
ગડીબંધ કાગળના રંગ-રૂપ જોઈને જ ઘણું ઘણું યાદ આવી ગયું.
સમયે પણ સમય જોઈને
કાંટા પર ફરવું પડતું મેલીને
મારી અંદર ઝંપલાવ્યું.
ઘસાવા આવેલ એ કાગળમાં શું હતું
એ આટલા વરસેય ભૂંસાયું નહોતું.
હાથના હળવા કંપને હૈયાથી ઝાલીને ગડી ઊઘાડી.
ક્યારેક લોહીમાં વહેતા એ કાગળમાંના ચિરપરિચિત અક્ષરો
ઘસાયેલા કાગળમાંથી ખડી પડી
મારી ચોકોર વીંટળાઈ વળ્યા.
મને…મને…મને…ની બૂમોથી હું આખો છલકાઈ ઊઠ્યો.
કોને તેડું ને કોને નહીંની અવઢવમાં
હું ત્યાં જ બેસી રહ્યો.
કેટલી વાર તે તો કેમ કહી શકાય ?
સમય તો કાંટા છોડીને…

છપાક્ કરતાંકને બે’ક અક્ષરોએ ભીંજાયા હોવાની બૂમો પાડી
ને હું સફાળો…
આંખમાંથી અદૃશ્ય થઈ ગયેલી દૃષ્ટિ ક્યાંકથી પાછી ફરી.
એક હળવા કંપ સાથે (હૈયા અને) કાગળની ગડી કરી ફરી ખાનામાં….
ગાલ લૂછ્યા
ને
ગળામાં હાડકાંની જેમ અટકી ગયેલો સમય
સમય વરતીને ફરી કાંટા પર ટંગાઈ ગયો,
નિરંતર ગોળ ગોળ ફરવા માટે.
મેં પણ ખાનું બંધ કર્યું
ને કામે લાગ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૨-૨૦૧૫)

*