ગ્લૉબલ કવિતા : ૧૬૭ : બેબલ પછીથી…- જેસિકા ડિ કોનિન્ક

After Babel

There is a common language
I cannot master; though it was
my first. English came second.
I do not know the nouns of this
language or its syntax. I cannot
conjugate its verbs. But rivers speak it,
as do bones and bottles left
for recycling, the geese in the lake,
screen doors, peach trees,
ambulances, trolley cars and kettles.
It is there in the static of stars.
But I remain dumb.
If I could speak this tongue,
if I had its vocabulary, if I knew
its tune, I could tell you,
and you would understand

– Jessica de Koninck

બેબલ પછીથી…

એક સર્વસામાન્ય ભાષા છે
જેના પર હું હથોટી મેળવી નથી શકતી, એ મારી
પહેલવહેલી હતી તોય. ગુજરાતી તો પછી આવી.
મને આ ભાષાની સંજ્ઞાઓ ખબર નથી
કે નથી આવડતી એની વાક્યરચના. હું એના
ક્રિયાપદોને જોડી નથી શકતી. પણ નદીઓ આ ભાષા બોલે છે,
હાડકાંઓ અને રિસાઇકલિંગ માટે રખાયેલી
બૉટલો, તળાવમાંના હંસો,
કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ,
એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ પણ.
એ તારાઓના સંગીતમાં છે.
પણ હું ગૂંગી જ બની રહી છું.
જો હું આ ભાષા બોલી શકતી હોત,
જો મારી પાસે એનો શબ્દભંડોળ હોત, જો હું જાણતી હોત
એની ધૂન, તો હું તમને કહી શકત
અને તમે સમજી શકત.

– જેસિકા ડિ કોનિન્ક
(અનુ.: વિવેક મનહર ટેલર)

પ્રકૃતિ એક ભાષા છે… શું તમે વાંચી શકો છો ?

માણસ ભાષા શીખ્યો એ પહેલાં શું પરસ્પર વાતચીત નહોતો કરતો? સભ્યતા અને વાણીના વિકાસથી ઘણું પહેલાંથી માણસ ઈશારાઓ અને અવાજોના સહારે કહેવાનું કહેતો પણ હતો, અને સમજવાનું સમજતો પણ હતો. દૃષ્ટિ ન હોય તો જે રીતે ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય વધુ સચેત બની જાય એમ વાણી અને ભાષાના અભાવમાં મનુષ્ય હાવભાવ અને અવાજોને વધુ સારી રીતે સમજી શકતો હતો. ભાષાની શોધ સાથે જ આ વિશેષ ઉપલબ્ધિ લુપ્ત થઈ ગઈ. જેસિકાની પ્રસ્તુત લઘુરચના આ વાત બહુ મજાની રીતે કહે છે.

જેસિકા ડિ કોનિન્ક. બ્રૂકલિન, ન્યૂયૉર્કમાં જન્મ. હાલ, ન્યૂજર્સીના મોન્ટક્લેરમાં રહે છે. માસાચ્યુસેટ્સ ખાતે વકાલતનું ભણ્યાં, પણ કવિતા માટે વકાલતનો ત્યાગ કર્યો. તેઓ કવિતાને સત્યની વધુ નજીક રહેવા માટે કાયદાથી વધુ સારો માર્ગ ગણે છે. કવિતા લખવાનું શરૂ કર્યું એના દાયકાઓ બાદ, અને પચાસની ઉંમર વટાવ્યા બાદ ફરી ભણ્યાં અને આર્ટ્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. ખૂબ જ સક્રિય સમાજસેવિકા. ટાઉન કાઉન્સિલ, એજ્યુકેશન બૉર્ડ તથા અનેક કમિટીઓમાં સેવા આપી ચૂક્યાં છે. પતિના અવસાન બાદ બે સંતાન અને એમના બે સંતાનો સાથે રહે છે. એક કાવ્યસંગ્રહ ‘કટિંગ રૂમ’ અને એક ચેપબુક ‘રિપેર્સ’ના લેખિકા. ઘણા સામયિકો, સંપાદનોમાં એમની રચનાઓ સ્થાન પામી ચૂકી છે. ટૂંકું લખાણ, સરળ ભાષા અને સીધી વાત એમની કવિતાના પ્રમુખ લક્ષણ છે. વાત સીધી દિલમાંથી નીકળીને આવતી હોવાથી સીધી દિલને સ્પર્શી જાય છે.

ભાષાના ગૂંચવાડા વિશે વાત કરતી આ રચનામાં છંદ-કે પ્રાસ શોધવા પણ કેમ બેસાય? સોળ પંક્તિનું આ નાનકડું અછાંદસ કાવ્ય છે. જેમને બાઇબલનો અભ્યાસ ન હોય એ લોકોને કવિતાનું શીર્ષક ‘બેબલ પછી’ બે’ક ઘડી અટકાવશે. બાઇબલ (જિનેસિસ ૧૧:૧-૯)માં એક અગત્યની વાર્તામાં શિનાર (બેબિલોન)ના લોકો સ્વર્ગ સુધી પહોંચે એવો ઊંચો ટાવર બનાવવા વિચારે છે. ટાવર બનાવવા પાછળનો હેતુ પોતાનું નામ અમર કરવાનો હતો પણ દેખીતો હેતુ લોકોને એકત્ર રાખવાનો હતો. પણ ઈશ્વરને ખ્યાલ આવી ગયો કે આ ટાવર માત્ર નામનાની કામના છે અને એ બની જશે તો લોકો ઈશ્વરની નજીક આવવાના બદલે દૂર થઈ જશે. ટાવર બને તો મનુષ્ય પોતાને ઈશ્વરનો સમોવડિયો ગણવા માંડે. સ્વર્ગમાં પહોંચવા માટે પહેલાં મનુષ્યને ઈશ્વરકૃપાની ગરજ હતી પણ ટાવર બની જાય તો ભગવાનને બાયપાસ કરીને મનુષ્ય જાતે જ સ્વર્ગમાં પહોંચી જાય. વળી, ટાવર બાંધવા માટે ઈશ્વરે આપેલા પથ્થરો કે માટી-ગારા વાપરવાના બદલે મનુષ્ય પોતે બનાવેલી ઈંટો અને ડામરનો ઉપયોગ કરવાનું વિચારતો હતો. ઈશ્વરનો આદેશ તો ‘ફળદાયી થઈ, સંખ્યા વધારી, પૃથ્વી આખી પર ફેલાઈ જવા’ (જિનેસિસ ૯:૧) બાબતનો હતો. ઈશ્વર સુધી પહોંચવા માટેનો ટાવર સાક્ષાત ઈશ્વરના આદેશનું ઉલ્લંઘન હતો. અત્યાર સુધી દુનિયામાં એક જ ભાષા હતી અને મનુષ્યો એકમેકને બરાબર સમજી શકતા હતા. પરિણામે મનુષ્યોમાં એકતા હતી પણ એકતાની તાકાતનો ઉપયોગ આમ ઈશ્વરવિરોધી થાય એ અનિચ્છનીય હતું એટલે ઈશ્વરે ટાવર બનાવનાર મજૂરોને અલગ-અલગ ભાષાઓ આપી, જેથી તેઓ એકબીજાને સમજી જ ન શકે. પરિણામે ટાવર કે શહેર બની જ ના શક્યું અને લોકો દુનિયાભરમાં વિખેરાઈ ગયા. આમ ઈશ્વરે ગૂંચવાડો ઊભો કરી ટાવર બનાવવાના વિચારને મૂર્તિમંત થતાં પહેલાં જ તહસનહસ કરી નાંખ્યો.

હિબ્રૂ ભાષામાં બેબિલોન માટે બેબલ શબ્દ છે. ‘બેબલ ’ શબ્દની ઉત્પત્તિ તત્કાલિન અક્કાડિઅન ભાષાના bab-ilu (ઈશ્વરનો દરવાજો) પરથી થઈ હોવાનું મનાય છે. (‘બાબ’: દરવાજો + ઇલુ: ઈશ્વર) બાઇબલના સૂત્રો મુજબ બેબલ સુમેરિઅન Ka-dingir નું ભાષાંતર છે, જેનો અર્થ ‘અવાજોની મૂંઝવણભરી ભેળસેળ’ થાય છે. આમ બેબલ નો એક અર્થ ‘ગૂંચવવું’ પણ થાય છે. જ્યૉર્જ સ્ટેઇનરે ‘આફ્ટર બેબલ ’ નામે ભાષાના અંગો તથા અનુવાદ વિષયક મજાનું પુસ્તક પણ લખ્યું છે. શીર્ષક વિશે કવયિત્રી સાથે ચર્ચા કરતાં આ પુસ્તકનો ઉલ્લેખ કર્યો ત્યારે એમણે જણાવ્યું કે પ્રસ્તુત શીર્ષકનો આધાર આમ તો બાઇબલની કથા જ છે, અને પ્રગટપણે તો એમના મનમાં આ પુસ્તક રમતું નહોતું જ પણ ક્યાંક અવચેતનાવસ્થામાં શીર્ષક લખતી વખતે આ પુસ્તક મનમાં આંટા મારતું હોય તો નવાઈ પણ નહીં. બેબલ નો ટાવર બનાવવો શરૂ થયો એ પછી જ ભાષાનો ગૂંચવાડો ઊભો થયો અને સમય સાથે આ ગૂંચ ઉકેલાવાના બદલે વધુને વધુ જટિલ બનતી ગઈ. નવી-નવી ભાષાઓ અમલમાં આવતી ગઈ અને સાથોસાથ જૂની ભાષાઓ ભૂંસાતી પણ ગઈ. કવયિત્રી આ કવિતાના માધ્યમથી આપણું ધ્યાન ભાષાના ગૂંચવાડા અને આદિમ બોલી સમજવા-સહિયારવા અંગેની આપણી અક્ષમતા તરફ દોરવા માંગતાં હોવાથી ‘બેબલ પછીથી’ કરતાં વધુ ઉપયુક્ત શીર્ષક કદાચ જ બીજું કોઈ હોઈ શકે. હકીકતમાં આવી કવિતા કરવાનો વિચાર આવે અને એના માટે આવું અદભુત શીર્ષક સૂઝી આવે એ ઘટના પોતે કોઈ કવિતાથી કમ નથી.

દુનિયામાં એક સર્વસામાન્ય ભાષા હોવાના સ્વીકાર સાથે કવિતાનો પ્રારંભ થાય છે, સાથે જ નિખાલસ એકરાર પણ છે કે એ ભાષા પોતાની પહેલવહેલી ભાષા હોવા છતાં પોતે એના પર હથોટી મેળવી શકતી નથી. જે ભાષા આપણે જીવનમાં સૌથી પહેલી શીખીએ એનાથી વધુ ‘માસ્ટરી’ બીજી કઈ ભાષામાં હોઈ શકે? પણ અહીં સમસ્યા એ છે કે પહેલી શીખી હોવા છતાં નાયિકા એ ભાષામાં પ્રવીણ નથી. એ કહે છે કે એની માતૃભાષા તો એના જીવનમાં પાછળથી પ્રવેશી. મન્ડેલાએ કહ્યું હતું કે તમે કોઈ વ્યક્તિ સાથે એને સમજ પડે એ ભાષામાં વાત કરશો તો એ એના મગજ સુધી પહોંચશે પણ જો તમે કોઈની સાથે એની ભાષામાં વાત કરશો તો તમારી વાત સીધી એના દિલ સુધી પહોંચશે. મન્ડેલા માતૃભાષાનું મહત્ત્વ આંકી રહ્યા છે, પણ કવયિત્રી તો માતૃભાષા શીખ્યા પહેલાંની ભાષાની વાત કરે છે. કઈ છે આ ભાષા, જેની સંજ્ઞાઓ કે ક્રિયાપદો કે વાક્યરચનાઓ –નાયિકાને કંઈ જ ખબર નથી. અહીં સુધી કવિતામાં વપરાયેલા ચારમાંથી ત્રણ વાક્યો કાવ્યપંક્તિની મધ્યમાં પૂરાં થાય છે, પણ જે ભાષાની જેસિકાને વાત કરવી છે, એ ભાષાની વાત શરૂ કર્યા બાદ એકપણ વાક્ય પંક્તિમાં અધવચ્ચે પૂરું થતું નથી. હા, અપૂર્ણાન્વય (enjambment)નો પ્રયોગ તો ચાલુ જ છે, પણ વાક્ય આગળ જતાં વચ્ચે અટકી પડતાં નથી.

માતૃભાષા કરતાંય પહેલાંની, પોતાની પહેલવહેલી ભાષા કે એનું વ્યાકરણ પોતાને આવડતાં નથી પણ નદીઓને આ ભાષા આવડે છે એમ કહીને કથક મૂળ મુદ્દા પર આવે છે. ધ સ્મિથ્સ નામના સંગીતકારોએ ૧૯૮૬માં ‘આસ્ક’ ગીતમાં ઊઠાવેલો પ્રશ્ન યાદ આવે: ‘Nature is a language, Can’t you read?’ (કુદરત એક ભાષા છે, તમે વાંચી નથી શકતા?) એન વિસ્ટન સ્પર્ન પણ આવી જ વાત કરી ગયાં: ‘પરિદૃશ્યની ભાષા આપણી મૂળ ભાષા છે. ભૂદૃશ્ય આપણું મૂળ નિવાસસ્થાન હતું; મનુષ્ય છોડવાંઓ અને પ્રાણીઓની વચ્ચે, આકાશ તળે, ધરતી ઉપર, પાણીની નજીક વિકાસ પામ્યો છે. હરકોઈ તન-મનમાં એ વિરાસતનું વહન કરે છે.’

કવયિત્રી પ્રકૃતિની ભાષાની વાત કરી રહ્યાં છે. કવિતાનો મુખ્ય ભાગ આ ભાષા પ્રકૃતિના કયા-કયા સજીવ કે નિર્જીવ તત્ત્વોને હસ્તગત છે એની યાદી રોકી લે છે. રાલ્ફ ઑસ્ટિને કહ્યું હતું: ‘માત્ર તર્કસંગત અને અતાર્કિક જ નહીં, પરંતુ નિર્જીવ વસ્તુઓનો પણ એક અવાજ હોય છે, અને મનુષ્યો સાથે તેઓ સ્પષ્ટ વાતો કરે છે, અને એ આપણું કર્તવ્ય છે કે તેમની ભાષા શીખીએ, અને તેમને સાંભળીએ.’ કવયિત્રી આકાશ તળેની નાની-મોટી, સજીવ-નિર્જીવ કેટલીક વસ્તુઓની કવયિત્રી રસપ્રદ પણ યાદૃચ્છિક યાદી આપણને આપે છે: ‘નદીઓ, હાડકાં, રિસાઇકલિંગ માટે રખાયેલી બૉટલો, તળાવમાંના હંસો, કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ, એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ.’ બાલમુકુન્દ દવેની ‘જૂનું ઘર ખાલી કરતાં’ કવિતામાં આવતી યાદીની યાદી આવ્યા વિના રહેતી નથી. અર્થગહન વસ્તુઓની સાથે સાવ જ નિરર્થક વસ્તુઓની ભેળસેળ કરીને કવયિત્રી બાલમુકુન્દ દવેની જેમ જ ભાવકને નગણ્યતા, તુચ્છતાના ઊંડામાં ઊંડા તળ સુધી લઈ જાય છે, જેથી પોતે જે કહેવું છે એ વાત વધુ પ્રભાવક બને. ખીણના તળિયેથી અચાનક પર્વતની ટોચે પહોંચાય તો જ સાચો તફાવત આત્મસાત્ કરી શકાય ને! તર્કહીન સૂચિ જ તર્કને ધાર બક્ષે છે. કોઈકે બહુ સાચું કહ્યું છે: ‘એ મારા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રકૃતિની પોતાની ભાષા છે. એ પ્રાણીઓ, વૃક્ષો, અને ઉનાળાની શીતળ લહેરખીઓના માધ્યમથી બોલે છે. તે ગુસપુસ કરે છે, ‘મને ગળે લગાવો’. અને હું લગાવું છું.’ હરમાન હેસ પણ યાદ આવે: ‘વૃક્ષો અભયારણ્ય છે. જે કોઈ પણ એમની સાથે વાત કરવાનું જાણે છે, એમને સાંભળવાનું જાણે છે, એ સત્ય શીખી શકે છે.’ ભાષાની સાચી કળ અહીં છે. આપણે પ્રકૃતિને સાંભળતા શીખવાનું છે. પ્રકૃતિ આપણી પ્રથમ ભાષા હોવા છતાં આપણે એનું વ્યાકરણ ભૂલી બેઠાં છીએ. પ્રકૃતિને સાંભળતાં ન આવડતું હોય તો ઝાડ માત્ર ઝાડ છે, પર્વત માત્ર પર્વત. અહીં વિલિઅમ બ્લેકને પણ ટાંકવાનું મન થાય છે: ‘એ વૃક્ષ જે કોઈકની આંખોને ખુશીના આંસુઓથી તર કરી દે છે, એ બીજાઓની આંખોમાં કેવળ એક લીલા રંગનો પદાર્થ છે, જે માર્ગમાં ઊભો છે.’ સાચી વાત છે, આંખ હોવી જોઈએ જે જોઈ શકે, કાન હોવા જોઈએ જે સાંભળી શકે અને હાથ હોવા જોઈએ જે અનુભવી શકે. આપણી ઇન્દ્રિયો હવે પ્રકૃત્યાનુરાગી રહી નથી. લાંબો સમય થયો, આપણે પ્રકૃતિથી અળગાં થઈ ગયાં છીએ. શહેરમાં માર્ગ પહોળો કરવા જતાં વચ્ચે નડતું ઝાડ કાપતી વખતે હવે આપણને વેદના થતી નથી. ઝાડ માર્ગની વચ્ચે આવ્યું કે માર્ગ ઝાડની વચ્ચે આવ્યો એ નક્કી કરવા જેટલી સંવેદના હવે રહી નથી.

કવયિત્રી કહે છે કે આ આદિમ ભાષા તારાઓના સંગીતમાં પણ છે, પણ હું ગૂંગી જ બની રહું છું. ભૂલથી શેક્સપિઅરના નામે ચડી ગયેલી એક અદભુત સૂક્તિ છે: ‘જે સાંભળી શકે છે એમના માટે પૃથ્વી પાસે સંગીત છે.’ આ સંગીત જડબાંની પાછળની તરફે આવેલા કાનથી સાંભળી શકાતું નથી, એ આત્માના કર્ણ જ સાંભળી શકે. એના માટે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની તૈયારી હોવી ઘટે. રેઇનર મારિયા રિલ્કેએ કેવી અદભુત વાત કરી: ‘જો આપણે પૃથ્વીની બુદ્ધિમતા સામે આત્મસમર્પણ કરી દઈશું તો વૃક્ષોની જેમ મૂળિયાં પ્રસારીને આપણે ઊંચા ઊઠી શકીશું.’ આપણે આપણી બુદ્ધિના નશામાં રત થઈ ગયાં છીએ એટલે પ્રકૃતિને આપણે સાધ્ય નહીં, સાધન તરીકે જોવા-ઉપભોગવા માંડ્યાં છીએ. અને એટલે જ આપણે આપણાં મૂળિયાં ખોઈ બેઠાં છીએ. કવયિત્રી કહે છે એમ આપણે આપણી પહેલી ભાષા જ ભૂલી ગયાં છીએ, જે આપણાં મૂળ હતી. અને મૂળ વિના કોઈ વૃક્ષ ધરતીમાં પગદંડો જમાવી, આકાશ તરફ વધી શકે નહીં.

‘વેન આઇ એમ અમોન્ગ ધ ટ્રીઝ’ કવિતામાં મેરી ઓલિવર કહે છે કે જ્યારે હું ઝાડો વચ્ચે હોઉં છું, ભલેને ગમે તે પ્રકારનાં ઝાડ કેમ ન હોય, એ લોકો ખુશીના એવા સંકેતો આપે છે, કે હું કહી શકું કે તેઓ જ મને બચાવે છે, અને દરરોજ બચાવે છે. આ જ કવિતામાં આગળ એ કહે છે-

મારી આસપાસ વૃક્ષો તેમના પાંદડાંઓમાં હલચલ કરે છે
અને આહ્વાન કરે છે. “થોભ જરાવાર.”
એમની શાખાઓમાંથી પ્રકાશ રેલાઈ રહે છે.

અને તેઓ ફરી પોકારે છે, “સરળ છે,” તેઓ કહે છે,
“અને તું પણ આ વિશ્વમાં આવી છે
આ જ કરવા માટે, આસાન થવા માટે, પ્રકાશથી
ભરીભાદરી થવા માટે, અને ચમકવા માટે.”

પ્રકૃતિ પાસેથી આપણે જીવતાં શીખવાનું છે. પ્રકૃતિ પાસે જીવનનો ખરો પ્રકાશ છે, પણ શું આપણી પાસે એ દૃષ્ટિ છે? અહીં સુધીની પૂર્વભૂમિકા બાંધ્યા બાદ જેસિકા હવે મૂળ વાત તરફ વળે છે. પ્રકૃતિના દરેક ઘટક તત્ત્વો પાસે અવાજ અને સંગીત હોવાનું જાણતી હોવા છતાં પોતે કેમ ગૂંગી જ રહે છે એ વિશે એ હવે ફોડ પાડે છે. એ કહે છે કે જો પોતે આ ભાષા બોલી શકતી હોત, જો પોતાની પાસે એનો શબ્દભંડોળ હોત કે જો પોતાને એની ધૂન આવડતી હોત તો એ આપણને જરૂર કહેત અને તો આપણે પણ એની વાત સમજી શકત. આ ભાષા આવડવી કેમ અનિવાર્ય છે એનો ઈશારો રાલ્ફ વાલ્ડો ઇમર્સનની એક વાતમાંથી મળે છે: ‘પ્રકૃતિ એક ભાષા છે અને પ્રત્યેક નવી હકીકત જે આપણે શીખીએ છીએ, એ એક નવો શબ્દ છે. એ ટુકડાઓમાં વિભાજિત કરીને શબ્દકોશોમાં સંગ્રહાયેલી મૃત ભાષા નથી, પણ સૌથી મહત્ત્વપૂર્ણ અને સાર્વત્રિક અર્થમાં સંપૂર્ણતઃ સંપૃક્ત થયેલી ભાષા છે. હું આ ભાષા શીખવા ચાહું છું- એટલા માટે નહીં કે હું એક નવું વ્યાકરણ શીખી શકું, પણ એટલા માટે કે હું એ મહાન પુસ્તક વાંચી શકું જે આ ભાષામાં લખાયું છે.’

જેસિકા પોતાની અસમર્થતાથી વાકેફ છે. એ સમજે છે કે પોતે જે સમજી શકી છે એ સમજાવવાની ઇચ્છા હોવા છતાં કોઈને સમજાવી શકવાની નથી. ‘આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ,/કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,/ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક’ (અખો) જેવી આ વાત છે. જ્યાં સુધી પોતાને પૂરી સમજ પડી નથી, ત્યાં સુધી અન્ય કોઈને સમજાવી શકાવાના નથી. પ્રકૃતિની ભાષા એવી ભાષા છે જે અન્યને શીખવતાં પહેલાં ખુદ શીખવી અનિવાર્ય છે. અને કદાચ એટલે જ સેંકડો-હજારો પ્રકૃતિકાવ્યો લખાતાં રહ્યાં હોવા છતાં, પ્રકૃતિની જાળવણી માટે ઢગલોક આંદોલનો-ચળવળો થતાં આવ્યાં હોવા છતાંય આપણે દિનબદિન પ્રકૃતિથી પરાઙ઼મુખ થઈ રહ્યાં છીએ. અંતે, ઇઆન સૉમરહેલ્ડર નામના યુવા કલાકારની એક નાની-શી વાત લઈને કુદરત તરફ વળવા કટિબદ્ધ થઈએ-

પર્યાવરણ આપણી ભીતર છે,
આપણી બહાર નહીં.
વૃક્ષો આપણાં ફેફસાં છે,
નદીઓ આપણી રક્તધારા,
અને તમે પર્યાવરણ સાથે જે કરો છો,
એ જ આખરે, તમે તમારી જાત સાથે કરો છો.

કોણ વરસાદનું કદ જુએ છે? – રમેશ પારેખ

સ્વર : ઓસમાન મીર
આલબમ : સંગત

.

કોણ વરસાદનું કદ જુએ છે? કોણ છાંટાના નિરખે ઠઠારા?
કોણ જુએ છે રેલાની દાનત? કોણ જાણે છે ઝીણા મૂંઝારા?

આ તે ચોમાસું છે કે જુલમ છે? અમને વાગે છે ઘોંઘાટ વસમો,
પડતો વરસાદ દાંડીની પેઠે, થઈ જતા સર્વ માણસ નગારાં!

એક વરસાદના અર્થ થાતાં છાપરે છાપરે સાવ નોખા,
ક્યાંક કહેવાય એને અડપલાં , ક્યાંક કહેવાય એને તિખારા.

હોત એવી ખબર કે છે આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો વરસાદથી આવી રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા?

આવે છાંટા બુકાનીઓ બાંધી, આવે વાછટ તલવાર લઈને,
છે કયો દલ્લો મારી કને કે ધાડ પાડ્યા કરે છે લૂંટારા?

મારી રોકડ મૂડીમાં તો કેવળ એક ‘ર’ છે, ને ‘મે’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના નામે લખીએ આમ હૂંડી, ને કરીએ ગુજારા
– રમેશ પારેખ

જિન્દગી પસંદ – મકરંદ દવે

જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ !
મોતની મજાક ભરી 
મોજના મિજાજ ધરી 
ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ !

નૌબનૌ સુગંધ મહીં 
જાય જે અબંધ વહી 
તાજગી ભરેલ એ તવંગરી પસંદ !
જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ.

સલામ હો હિસાબને 
કલમ અને કિતાબને 
જમા-ઉધારને જલાવતી મજલ પસંદ !
જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ.

ગુલબહારી મહેક સમી
એ હયાતી એક ગમી
ફોરમે રમી રહી ફનાગીરી પસંદ !
જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ.

મોતની મજાક સમી 
જિન્દગી પસંદ !

– મકરંદ દવે

ગુલમહોરનામા – તુષાર શુક્લ

આર.જે.ઘ્વનિત અમદાવાદમાં ટ્રી-ઇડિયટ કેમ્પઇન ચલાવે છે,અને વૃક્ષને લગતી ઘણી વાતો અને વૃક્ષ અને પ્રકૃતિ સાથે કામ કરતા ઘણા લોકોના ઇન્ટરવ્યૂ કરે છે,એમાં તુષાર શુક્લના પ્રકૃતિ પ્રેમ વિશેની વાત થઇ જેમાં કવિ તુષાર શુક્લએ એમની અછાન્દસ ‘ગુલમહોરનામા” રજુ કરી..અને કવિએ જાણે એ વૃક્ષને જીવંત કર્યું. ચાલો એમનાં જ અવાજમાં સાંભળીએ.

પઠન : તુષાર શુક્લ

.

એને કોણે વાવ્યો, ક્યારે વાવ્યો એ યાદ નથી
કારણકે
એ પણ મોટો થયો ‘તો મારી સાથે
એણે મને જોયો છે
શાળાએ જતા ,
કોલેજ જતા.
એણે મને જોયો છે
વસંતે ખીલતા
પાનખરમાં ખરતા
વર્ષામાં ભીંજાતા.
એણે મને જોયો છે ગુલમહોર થતા.
એણે જોઇ છે મારી મમ્મીને
દિવસને અંતે બંને હાથમાં
શાક કરિયાણાની થેલી સાથે ઘેર વળતાં
ને અમને જોયાં છે એની રાહ જોતાં,
સામે દોડતાં .
એ પછી એક દિવસ
એણે જોઇ મમ્મીને
એના છાંયેથી છેલ્લી વાર પસાર થતાં
તે દિવસે
હળવેકથી ખરી હતી એની પાંદડીઓ
મમ્મી પર .
જીવન આખું દોડેલી મમ્મીને
તે દિવસે એણે પહેલી વાર જોઇ સૂતેલી
ફરી કદી ન ઉઠવા.
એ સ્હેજ ઝૂક્યો,
જાણે કહેતો ન હોય ,
હું ધ્યાન રાખીશ ઘરનું !
એ વરસે ફૂલ ઓછાં આવેલાં એને.
પછી તો એણે જોઇ
ઘરમાં આવતી ગૃહલક્ષ્મીને
ને પરણીને જતી દીકરીને
ઘરમાં રમતાં સંતાનોને
ક્યારેક વેકેશનમાં વિદેશથી આવતા
આંગણે રમતા ભાણુભાને
સમય જતાં
ગ્રાઉન્ડફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધી
મકાન પણ પ્હોંચ્યું ને એ પણ.
ને પછી એ પણ આવ્યો સાથે સાથે
બીજા માળની અગાશી સુધી.
મમ્મીને કહ્યું હશે ને
છોકરાંવનું ધ્યાન રાખીશ.
પપ્પા કવિ.
એમને ગમે તો ખરો એ
પણ
મકાનના હપ્તા ભરતા પપ્પાને ચિંતા રહે,
વૃક્ષના મૂળ ઊંડા જાય
તો મકાનના પાયાને નુકસાન થાય.
એકવાર વંટોળમાં
એક મોટી ડાળ તૂટેલી પણ ખરી.
ત્યારે
મ્યુનિ.વાળા એને લઇ જતા હતા તે જોઇને
પપ્પાની આંખ પણ ભીની થયેલી.
તે સમયે એ જ એક હતો
આંગણાની શોભા
પછી તો એને છાંયે ઊભાં રહ્યાં
મોટર સાયકલ , મોટરકાર
ને બદલાતાં રહ્યાં મોડલ
પણ એ તો એનો એ જ.
અને એક દિવસ જતા જોયા એણે
પપ્પાને.
પક્ષઘાત પછી જાતે ચાલીને
આંગણમાં ન આવી શકતા પપ્પાને
અમારા ખભે સૂતા સૂતા.
તે વરસે ગુલમહોર પર ફૂલ વધારે આવ્યાં.
જાણે એની જવાબદારી વધી !
શ્રાધ્ધમાં મોટાભાઇ બારીમાં મુકે
પપ્પાને ભાવતી
ભાભીએ બનાવેલી
ખીર
ત્યારે
ગુલમહોરની ડાળ
ઝૂકે પહેલા માળની બારીએ.
નાની દીકરી સાદ કરે
પપ્પા, જૂઓ .. આવ્યો !
આજે તો અમે વેચી દીધું છે એ મકાન
સાથે લેતાં આવ્યાં છીએ સામાન
ગુલમહોર હજી ત્યાં જ છે.
ઊભો છે, અડીખમ
એના છાંયડે છે ઘર.
ગુલમહોરે મૂળ તો ઊંડા નાખ્યા છે, પપ્પા
પણ ઘરને નુકસાન નથી થવા દીધું , હોં !
અમારા આ ચાર માળના નવા મકાનનાં
આંગણામાં રોપ્યાં છે આસોપાલવ
દસ દસ ફૂટના ,
લઇ આવ્યા છીએ તૈયાર .
આ મકાન કે આસોપાલવ
ઉછર્યા નથી અમારી સાથે .
હું હજી ક્યારેક નીકળું છું
જૂના ઘર પાસેથી
ઘડીક ઊભો રહું છું ગુલમહોરને છાંયે
જાણે બેઠો હોઉં
મમ્મીની ખાદીની સાડીના પાલવ તળે
પાસે જઇને સ્પર્શું છું એની રુક્ષ ત્વચાને
જાણે પસવારું છું વૃધ્ધ પપ્પાના કૃષ હાથ
અમારા નવા ઘરની સામે તો
લટકે છે ચેનલના વાયર
એના પર કોઇ નથી બેસતું
મોટાભાઇ હજીય મુકે છે
પપ્પાને ભાવતી
ભાભીએ બનાવેલી ખીર
આ નવા મકાનમાં
ને પૌત્ર
રાહ જૂવે છે એની
પણ એ આવતો નથી ખીર ખાવા.
કદાચ એ
હજીય જઇને બેસે છે
પેલા ગુલમહોરની ડાળે.
અમે તો પળવારમાં એને છોડીને
ગોઠવાઇ પણ ગયા
આ વધુ સગવડ ભર્યા મકાનમાં
પણ
પિતૃઓ એમ નહીં છોડી શકતા હોય
જૂના ઘરની મમતા ?
જૂના ઘરના નવા મકાન માલિક
શ્રાધ્ધ નિમિત્તે કદાચ
અગાશીની પાળીએ મુકશે ખીર
ને ગુલમહોરની ડાળી તરફ જોઇને
એનું બાળક પણ
કહેશે એના ડેડીને
Dad, look .. he is here !
એને કોણ સમજાવે કે એ તારા નહીં, અમારા…
ગુલમહોર ઓળખે છે એને
કારણકે
એના મૂળ બહુ ઊંડા છે એ આંગણમાં
અને
ગુલમહોરે ઘર નથી બદલ્યું
અમારી જેમ.
-તુષાર શુક્લ

એવો છે વરસાદ – ધ્રુવ ભટ્ટ

અત્યારે સુંદર ચોમાસું છે અને વરસાદ પડતો હોય અને બાજુમાં કોઈકનો હાથ પકડીને હૂંફ મેળવી શકાય એટલું સુખ હોય ત્યારે આ ધૃવ ભટ્ટનું અદભુત ગીત કાનમાં ગુંજે. વરસાદમાં અવશ્ય સાંભળવા જેવું ગીત.

નીલા ટેલી ફિલ્મ્સ ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે. ધ્રુવ ભટ્ટ દ્વારા આપણું લેટેસ્ટ ગીત એવો છે વરસાદ!

સંગીત: કે સુમંત
સ્વર: હિમાદ્રી બ્રહ્મભટ્ટ
તબલા: કે કાર્તિક

જરાક જેવી આંગળીઓને,
એક-બીજામાં સરકાવીને
ક્યાંક છાપરી નીચે બેસી જોયા કરીએ
એવો છે વરસાદ

સાત ખોટના શબ્દોને પણ,
વાદળ પાછળ મૂકી દઈને
આ અવતારે પામ્યા તેને મોહ્યા કરીએ
એવો છે વરસાદ

ઘર કહેવાતી છાપરીઓ કે
ડુંગર ઘેર્યા ઝાડ બધાએ
આજ વરસતા જળ પછવાડે
વરસે છે જો ઝાંખાપાંખા
નભની ટોચે દેશવટાના કાળા ઘોડે
કુંવરજીની તેગ ફરેને
ઝબકારામાં એકદંડિયા મહેલ જગે છે આંખેઆખાં
છબછબિયાંથી આજ સુધીના ગારાથી લઇ
બટ્ટ મોગરા ફૂલ ભરેલાં ચોમાસામાં
હાથ હજીયે બોળ્યા કરીએ
એવો છે વરસાદ

સુરજ જયારે સંતાતો જઈ
બીક ભરેલા અડાબીડ અંધારે
ત્યારે કેવાં એનું નામ કહીને
મનમાં થપ્પો પાડી દેતાં
પણ એ ત્યાંથી નહિ નીકળે તો? ની શંકાએ મૌન રહીને
કિરણ જડે તો કહીશું માનો
ઉગી ટીસને ડાબી દેતા

તને ખબર છે મને ખબર છે એક સમયમાં કહેવી’તીને
નથી કહી તે વાતો મનમાં બોલ્યા કરીએ
એવો છે વરસાદ
– ધ્રુવ ભટ્ટ

આવતી કાલનાં ગીત – મકરંદ દવે

આવતી કાલનાં ગીત અમારાં ને
આવતી કાલની પ્રીત,

નીરખી ના જેને કાંઈ દી આંખે
પારખી ના કદી હૃદયે ઝાંખે 
તોય ઊડી ઊડી પાતળી પાંખે
ક્ષિતિજપારથી આવી અચાનક 
આજ ભરી રહી ચિત્ત
આવતી કાલનાં ગીત અમારાં
ને આવતી કાલની પ્રીત.

આજને ઉબરે ગાય જે ગાણાં
આજ છે જેનાં ઓચ્છવ-ટાણાં
સાથે મારે નહીં સુખનાં લ્હાણાં 
પ્રાણ સમાણાં સપનાનું મારે 
આંબવ આછું સ્મિત
આવતી કાલનાં ગીત અમારાં 
તે આવતી કાલની પ્રીત.

નવ વસંતને પોંખણે જાગે 
ઝાડવે ઝાડવે ઝૂંપળ લાગે
ફૂટવા, ફળવા આત સુહાગે
તમે નવાગત કાજે જીવન 
ફાલ ધરે અગણિત 
આવતી કાલનાં ગીત અમારાં 
ને આવતી કાલની પ્રીત.
-મકરંદ દવે

અમે ગાતાં ગાતાં જાશું – મકરંદ દવે

સ્વર : અમર ભટ્ટ

.

એમનું જ એક ગીત પણ ગાન સ્વરૂપે ભૈરવી રાગમાં-
કવિને કેવી વિદાયની ઈચ્છા છે-
‘અમે ગાતાં ગાતાં જાશું

અમે ગાતાં ગાતાં જાશું
આ નગરીની શેરી ને ગલીએ
ચોક મહીં કે ખૂણે મળીએ
એક સનાતન સુંદર કેરા
સૌ ઉદ્દગાતા થાશું !
અમે ગાતાં ગાતાં જાશું

અમે હૈયે,હેતે છાશું
આ જીવનમાં જે હોય કકળતા
જેને માથે બપોર બળતા
છાંયો દઈ તેને ટહુકીને
પ્રેમ પિયાલા પાશું
અમે ગાતાં ગાતાં જાશું

અમે જાતાં જાતાં ગાશું
આ નગરીને છેલ્લે દરવાજે
વિદાય-સાંજે મધુર અવાજે
સલામના સૂરે સુંદરના
ખોળે ધન્ય સમાશું
અમે ગાતાં ગાતાં જાશું’

-મકરંદ દવે

સખીરી, હરિ વરસે તો પલળું – સંદીપ ભાટિયા

સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
સ્વર : ઝરણા વ્યાસ
આલ્બમ : નિર્ઝરી નાદ

સ્વરાંકન : સુરેશ જોશી
સ્વર : રેખા ત્રિવેદી
આલ્બમ : સખી રી

સખીરી, હરિ વરસે તો પલળું
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું

હરિજ મારો ઊનાળો ને હરિ વાય તો ટાઢ
હરિથી આંખ્યું ભરીભરી ને હરિ વહે તે બાઢ

તુલસીદળ કે અશ્રુબિંદુ – હરિ નમાવે પલડું
સખીરી, હરિ વરસે તો પલળું

હરિ ધધખતા સ્મરણ, કલમ ને હરિ શાહી ને કાગળ
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા, હવે લખું શું આગળ ?

હરિ કનડતા ના વરસી – હું કોરી રહીને કનડું
સખીરી, હરિ વરસે તો પલળું

– સંદીપ ભાટિયા

ગ્લૉબલ કવિતા : ૧૬૫ : પદયાત્રી – ટોમી બ્લૉન્ટ



The Pedestrian

When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin

reflected back; it was just a horror

show that was never going to happen,
don’t protest, don’t bother with the police

for my benefit, he gave me a smile—

he too was startled, redness in his face—
when I thought I was going, a short while,

to get myself killed: it wasn’t anger

when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—

no sense getting all pissed, the commotion

of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.

– Tommye Blount

પદયાત્રી

અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં

ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,

ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ

મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;

ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.

બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?

નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,

શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.

‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.

– ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

રંગભેદ – વૈશ્વિક અન્યાયની ગંગોત્રી

‘હું શ્વાસ નથી લઈ શકતો… હું શ્વાસ નથી લઈ શકતો…’ –એ બોલતો રહ્યો પણ એને જમીન પર ઊંધો પાડી, એની ગરદન પર ઘૂંટણ દબાવીને બેઠેલ પોલિસકર્મીના બહેરા કાને ઓલવાતા અવાજના આ આર્તનાદો ન પડ્યા તે ન જ પડ્યા. જમા થયેલાં લોકો પણ ‘એની નાડી તપાસો..’ ‘જુઓ, એ શ્વાસ નથી લઈ શકતો..’ ‘શરીર હલતું બંધ થઈ ગયું છે’ બોલતાં રહ્યાં. એ પોલિસ(કુ)કર્મીના ત્રણ સાથીઓ ખડે પગે પેલા નરપિશાચની પડખે ઊભા રહ્યા. જ્યૉર્જ ફ્લૉઇડ એ ઇસમનું નામ. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એનું નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે સરેઆમ નિર્મમ હત્યા કરી. અમેરિકાથી શરૂ થઈ આખી દુનિયામાં રંગભેદ-જાતિભેદ વિરોધી દેખાવો અને તોફાનો ફાટી નીકળ્યા. પ્રસ્તુત રચના રંગભેદની કુનીતિ તરફ ધ્યાન દોરી સુપ્ત સંવેદનાઓને ઝંકોરવાની કવિની નિષ્ઠાવાન કોશિશ છે.

ટૉમી બ્લૉન્ટ. ડિટ્રોઇટ, મિશિગન ખાતે જન્મ. હાલ, મિશિગનના નોવી પરામાં રહે છે. વૉરેન વિલ્સન કૉલેજમાંથી ફાઇન આર્ટ્સમાં અનુસ્નાતક. ૨૦૧૬માં ‘વૉટ આર વી નોટ ફોર’ નામે એક ચેપબુક અને માર્ચ, ૨૦૨૦માં ‘ફેન્ટાસિયા ફોર ધ મેન ઇન બ્લુ’ પુસ્તક પ્રગટ થયાં. કવિ બનવાનું સપનેય વિચાર્યું નહોતું, પણ ટાઇપિસ્ટ મમ્મી ‘ડૉટ મેટ્રિક્સ’ (કમ્પ્યુટર સ્ટેશનરી) ઘરે લાવતી, જેના હાંસિયા-લીટી વિનાના ખુલ્લા આકાશ જેવા કોરા કાગળ ટૉમીને ખૂબ ઉત્તેજીત કરતા. એ આ કાગળો ચીતરડાંઓ અને લખાણોથી ભરી દેતા. આગળ જતાં કાગળ પરની ખાલી જગ્યા કેવી રીતે કમાવી એ સમજાયું અને લેખક બન્યા. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં બીએ કરતી વખતે તેઓ બ્લેક પોએટ્સ સૉસાયટીમાં જોડાયા. ત્યાં વિવી ફ્રાન્સિસે ટૉમીની જિંદગી અને કવિતાને દિશા બતાવી. સરળતા એમનો પ્રમુખ કાકુ છે. તેઓ પોતાની જાતને ન માત્ર શ્યામ, પણ સમલૈંગિક અને વૉયુરિસ્ટિક, તથા સ્વાર્થી અને અહંપ્રેમપ્રચુર પણ કહેવડાવે છે. બહારની દંભી દુનિયાની સામે એમને પૉર્નોગ્રાફીની નિર્દંભ નિર્વસ્ત્રતા વધુ પ્રામાણિક લાગે છે અને એમની રચનાઓમાં આ સૂર ઊઠતો સંભળાતો પણ રહે છે. અમેરિકન બ્લેક્સ પર સમાજ અને પોલિસ વડે થતા આવતા અત્યાચારો અને અન્યાયો સામેનો આક્રોશ ટૉમીની કલમ આલેખે છે.

‘રાહદારી’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. અંગ્રેજીમાં કવિએ આ સૉનેટની પંક્તિવ્યવસ્થા 2-1-2-1-2-1-2-1-2 કરી છે, જે પ્રચલિત પદ્ધતિઓથી ઉફરી તરી આવે છે. રંગભેદની વાત કરતી આ કવિતાની આ એકી-બેકી પંક્તિવ્યવસ્થા કાળા-ગોરાઓ વચ્ચેના તફાવતને કદાચ દૃઢીભૂત કરે છે. કવિએ શેક્સપિરિઅન શૈલી મુજબ a-b-a-b/ c-d-c-d/ e-f-e-f/ g-g પ્રાસાવલિ અપનાવી છે પણ ચુસ્ત પ્રાસનો આગ્રહ સેવ્યો નથી. અનુવાદમાં પંક્તિવ્યવસ્થા મૂળ મુજબ પણ પ્રાસરચના સ્વરાંત અને a-b-b-a/ c-d-d-c/ e-f-f-e/ g-g મુજબ છે. કાવ્યને ઓછી હાનિ પહોંચે એ હેતુસર એક જગ્યાએ સ્વરાંત પ્રાસનો મોહ પણ જતો કર્યો છે. અંગ્રેજી કાવ્ય પ્રચલિત આયમ્બિક પેન્ટામીટરમાં છે, અને અનુવાદ શિખરિણીમાં.

આત્મકથનાત્મક શૈલીમાં કથક કહે છે કે, એ રસ્તે ચાલી રહ્યા હતા એવામાં એક વજનદાર ટ્રક એમને ઘસાઈને એમ પસાર થઈ, જાણે એનો સાઇડ મિરર આખો હાથ ઉખાડી નાંખવા ન માંગતો હોય! કથકને એ જ મિરરમાં ડ્રાઇવર ખંધું હસતો નજરે ચડે છે, જાણે એ એનો અધિકાર હતો પણ એ ઉખાડી ન નાંખ્યો એ જ એનો ઉપકાર! સ્વપ્નમાંય વિચારી ન હોય એ વાત, એવી ભયજનક (દુર્)ઘટના ઘટી ગઈ. અજાણતાંય જો આપણું વાહન કોઈ રાહદારીને અડી જાય તો ગુનાહિત લાગણી આપણા હૃદયને ઘેરી વળે છે. આ સામાન્ય વ્યવહાર છે, પણ અહીં તો બિલકુલ વિપરિત વાત છે. નિર્દોષ રાહદારી સાથે ખરાબ રીતે ભારીખમ્મ ટ્રક ઘસાવા છતાં ડ્રાઇવર ખિખિયાટા કરે છે, કેમકે રાહદારી આફ્રિકન મૂળનો છે અને ટ્રકડ્રાઇવર અમેરિકન ગોરો છે. રંગભેદની નીતિનો આ ઘસરકો માત્ર કથકના બાવડે જ નહીં, આપણી અંદર પણ થતો અનુભવાય છે.

પણ રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. એક જાતિ કે રંગના માણસો બીજા કરતાં ચડિયાતા કે ઉતરતા હોવાની, તથા માણસના સામાજિક અને નૈતિક લક્ષણો એની જન્મજાત જૈવિક વિશિષ્ટતાઓના આધારે પૂર્વનિર્ધારિત હોવાની માન્યતા એટલે રંગભેદ કે જાતિભેદ. ચામડીનો રંગ, ધર્મ, ભાષા, જાતિ, જન્મસ્થળના આધારે એક માણસ બીજાને પોતાનાથી ‘ઓછો’ માણસ ગણી દિલમાં જન્મજાત નફરત સેવે એ દુર્ઘટનાનો ઇતિહાસ સદાકાળથી જ સાક્ષી રહ્યો છે. આ ઊંચનીચના કારણે ન માત્ર મારામારી-લૂંટફાટ કે ગુલામી, પણ જઘન્ય હત્યાઓ અને હત્યાકાંડોથી લઈને યુદ્ધ અને રાષ્ટ્રવિભાજનો પણ થયાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો. દરેક સભ્યતામાં આ થતું આવ્યું છે. પંદરમી સદીમાં પૉર્ટુગીઝો આફ્રિકા આવ્યાં ત્યારે તેઓ આફ્રિકનોને દુશ્મન ગણતાં. યુરોપિયનોની પ્રગતિ સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ આફ્રિકન સભ્યતાને બળ, કળ અને છળથી તેઓએ ગુલામ બનાવવી શરૂ કરી અને ગુલામીપ્રથા તથા શ્વેત-શ્યામ વંશવાદના શ્રીગણેશ થયા. આફ્રિકન લોકોને બંદૂક અને પૈસાના જોરે ઊઠાવીને અમેરિકા-યુરોપના દેશોમાં ગુલામી માટે મોકલવાનો સિલસિલો શરૂ થયો. શાકભાજી કરતાંય ખરાબ રીતે આક્રિકન સ્ત્રી-પુરુષો અને બાળકો વેચાવા લાગ્યા. પ્રાણીઓ સાથે પણ ન થાય એટલો બદતર વ્યવહાર એમની સાથે થતો. ઓગણીસમી સદી સુધીમાં તો જાતિવાદના ગૂમડાંએ આખી દુનિયાને ગ્રસી લીધી. ગોરાં-કાળાં સિવાય યહૂદી-બિનયહૂદીઓ, હિંદુ-મુસ્લિમ –એમ અનેક પ્રકારની ઊંચનીચ અને એના દુષ્પરિણામો દુનિયાએ જોયાં. અબ્રાહિમ લિંકન જેવા અનેક લોકો રંગભેદ અને જાતિભેદ મિટાવવાની કોશિશ કરતાં આવ્યાં છે, સેંકડો કાયદાઓ પણ ઘડાયા છે, પણ મનુષ્યોની મથરાવટી બહુ અલ્પ માત્રામાં જ બદલાઈ. મુસ્લિમ વિસ્તારમાં વાહન હંકારતી વખતે બિનમુસ્લિમ નાગરિક વધુ સતર્ક થઈ જાય છે. જાણબહાર આવી જતી આ સતર્કતા ‘હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ’ના નારાઓની પોકળતાનો વણકહ્યો પુરાવો છે. જાતિભેદના વિચાર કે વલણ સાથે કોઈ પેદા થતું નથી, પણ ગળથૂથીમાંથી જ સમાજ એ પીવડાવ્યે રાખે છે અને સમજણ આવતાં સુધીમાં તો એ લોહીમાં વહેતાં થઈ ગયા હોય છે. બહુ ઓછા લોકો સાચા અર્થમાં આમાંથી મુક્ત થઈ સમાનમાનવ વિચારધારા લઈ જીવે છે અને અન્યોના હૃદયપલટા માટે જીવનભર મથતાં રહે છે.

રંગભેદનું મટી જવું અને બધા મનુષ્યોને એકસમાન હકથી જીવવા મળે એવું રામરાજ્ય તો કદાચ સ્વપ્નમાં જ મળે, કેમકે અસમાનતાનો ખયાલ તો આપણા રંગસૂત્રોમાં જ વણાઈ ગયો છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની ઊંચનીચ તો સ્ત્રી-પુરુષ વચ્ચે જ છે. જાતિ-વંશ-રંગ-અમીરી વગેરે તો પછી આવે. સાથે રહેનાર અલગ લિંગની બે વ્યક્તિઓ વચ્ચે સમભાવ ન સ્થપાય ત્યાં સુધી અસંખ્ય અસમાનતાસભર અલગ વ્યક્તિઓ વચ્ચે સમભાવની વાત કરવી એ ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ (અખો) જેવી કપોળકલ્પના છે. રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એમણેય લોકલાજે પત્નીને અગ્નિમાં હોમવી અને જંગલમાં ત્યાગવી પડી હતી. જો કે આનો અર્થ એય નથી કે રામરાજ્યપ્રાપ્તિની કોશિશ જ ન કરવી જોઈએ. જેમ્સ બાલ્ડવિને ઉચિત જ કહ્યું હતું: ‘સામનો થાય એ બધું બદલી નહીં શકાય પણ સામનો ન કરીએ તો કશું જ બદલી નહીં શકાય.’ સાહિર લુધિયાનવીને સાંભળો:

माना कि इस ज़मीं को न गुलज़ार कर सके
कुछ ख़ार कम तो कर गए गुज़रे जिधर से हम|

એલા વ્હીલર વિલ્કોક્સ ‘પ્રોટેસ્ટ’માં લખે છે: ‘એવા સમયે મૌન રહેવાનું પાપ કરવું, જ્યારે વિરોધ કરવાનો હોય,/ માણસોને કાયર બનાવે છે. માનવ જાત/ વિરોધના બળે જ આગળ આવી છે./…/ જે મુઠ્ઠીભર લોકો હિંમત કરે છે, તેઓએ ફરી ફરીને અવાજ ઊઠાવતાં રહેવું જોઈએ/
ઘણા લોકોના ખોટાને સુધારવા માટે.’

ટ્રક ટક્કર મારીને જઈ રહી છે. જે મિરરથી ટક્કર વાગી છે, એમાંથી ચાલકનું જે સ્મિત રાહદારીને દેખાય છે, એ સ્મિત જાણે કે કહી રહ્યું છે કે તારે કશો વાંધો ઊઠાવવાની જરૂર નથી કે ક્યાંય ફરિયાદ પણ નથી કરવાની. છટાંકભરની ઘટના. ચાલક ખિખિયાતો જઈ રહ્યો છે પણ સદીઓની ગુલામ માનસિકતા બોલી રહી છે અને અશ્વેત રાહદારીને એ સંભળાઈ રહી છે, કે આ બીનાની રાવ ન ખાવી કે વિરોધ ન કરવો એમાં એનો જ લાભ છે. (કેમકે સાંભળશે કોણ? રાજ તો ગોરિયાંઓનું છે!) આ ગંદી માનસિકતાનો પડઘો વિશ્વસાહિત્યમાં સતત પડતો આવ્યો છે. અનેક પુસ્તકો, ચિત્રો, શિલ્પો અને ફિલ્મો શ્વેત-અશ્વેત લોકોમાં ઘર કરી ગયેલી આ બદી પર પ્રકાશ નાખતાં આવ્યાં છે. શેક્સપિઅરનો ‘ઑથેલો’ પણ આ રુગ્ણ માનસિકતાથી ગ્રસ્ત છે. એ ઇઆગોને કહે છે: ‘કદાચ, હું કાળો છું અને મારી પાસે એ દરબારીઓ જેવી વાતચીત કરવાની આવડત નથી, એટલે એ મને છોડી ગઈ છે.’ (અંક 3: દૃશ્ય 3)

ટક્કર થઈ એ પળે રાહદારીને ધોળે દહાડે તારા દેખાઈ ગયા. પળભર તો એને લાગ્યું કે એ જાનથી જ ગયો. એને એ ખ્યાલ પણ આવે છે કે ડ્રાઇવર પણ આ અકસ્માતથી થોડો તો ડર્યો જ હતો અને એનું મોઢું પણ લાલ થઈ ગયું હતું. પણ એ તો ક્ષણાર્ધ પૂરતું જ હશે કેમકે બીજી જ પળે તો કથકને મિરરમાં એ બત્રીસી બતાવતો દેખાયો હતો. સૉનેટની સ્થાપિત બેકી-એકી પંક્તિવ્યવસ્થાને અવગણી, એની પ્રાસવ્યવસ્થા જોઈએ તો શેક્સપિરિઅન શૈલીના ચતુષ્ક-યુગ્મક દૃષ્ટિગોચર થાય છે. ત્રણેય ચતુષ્કમાં કવિએ ડ્રાઇવરના ક્ષણભર માટે અરીસામાંથી પ્રતિબિંબિત થયેલા હાસ્યનો ઉલ્લેખ કર્યો છે. ત્રણેય જગ્યાએ જો કે એમણે શબ્દ અલગ પ્રયોજ્યા છે. મિરરમાં એક પળ નજર મોડીવહેલી પડી હોય તો ચૂકી જવાય એવા અલ્પકાલીન હાસ્ય તરફ કવિ બાર જ પંક્તિમાં ત્રણ-ત્રણવાર ધ્યાન દોરીને શ્વેત લોકોના મનમાં અશ્વેતો માટે જે દ્વેષભાવ છે એને સહેજેય ચૂકી ન જવાય એમ બરાબર અધોરેખિત કરે છે. નેલ્સન મન્ડેલાએ કહ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિ અન્યને એની ચામડીના રંગ, એની પૃષ્ઠભૂ, કે ધર્મના કારણે ધિક્કારતું પેદા થતું નથી.’ આ તફાવતજન્ય ધિક્કાર આપણને બાળપણથી શીખવવામાં આવ્યો છે, પછી એ શ્વેત-અશ્વેત હોય, યહૂદી-બિનયહૂદી હોય, હિંદુ-મુસ્લિમ હોય કે અન્ય કંઈ. ઑડ્રે લૉર્ડ સાચું કહી ગયા: ‘એ તફાવતો નથી જે આપણને વિભાજીત કરે છે. એ મતભેદોને ઓળખવાની, સ્વીકારવાની અને ઉજવવાની આપણી અસમર્થતા એ કરે છે.’

ડ્રાઇવરના મતે કદાચ રાહદારી એના રસ્તામાં નડતરરૂપ હતો એટલે ભલે ભૂલથી, પણ એને ટક્કર મારવાનો એને અબાધિત અધિકાર હતો. એની બત્રીસી જોઈ રાહદારીને સમજાય છે કે દાંતિયા કાઢવાની એ ચેષ્ટા ગુસ્સો નહોતો, પણ કદાચ ચેતવણી હતી કે ટાઢો થઈ જા, બધું બરાબર જ છે. તું કંઈ મરી-બરી નથી ગયો. આ ચેતવણીમાં રાહદારીને ‘Ni’ સંભળાય છે. આપણે ત્યાં જેમ હરિજનને ઢેડ કે ભંગી કહેવું ગાળ બરાબર છે, એમ જ પાશ્ચાત્ય દેશોમાં નીગ્રો લોકોને ‘ની’ કે ‘નીગર’ કહેવું અપશબ્દ બોલવા કે અપમાન કરવા બરાબર ગણાય છે. અંગ્રેજીમાં કવિએ ચાલાકેપૂર્વક ‘ni’ લખ્યા બાદ કૌંસમાં [ght, neighbor] ઉમેર્યાં છે. ‘ની’ પરથી ‘નીગ્રો’ કે ‘નીગર’ ઉપરાંત ‘નાઇટ’ (શુભ રાત્રિ) કે ‘નેબર’ (પાડોશી) એવું અર્થઘટન પણ થાય. અમેરિકન લોકોએ અંગ્રેજીનું સરળીકરણ કરી નાંખ્યું છે. રાત્રે છૂટાં પડતી વખતે આપણે ‘ગુડ નાઇટ’ કહીએ, પણ અમેરિકનો ‘નાઇટ’થી કામ ચલાવી લે. એમ જ આપણા ‘ભાઈ’ કે ‘બકા’ અમેરિકામાં ‘નેબર’ બની રહે છે. ‘નેબર’ શબ્દમાંથી જો કે બાઇબલનું ‘લવ ધાય નેબર’ પણ ધ્વનિત થતું સંભળાશે. કવિતા આમેય એક તીરથી અનેક નિશાન સાધતી હોય છે. પણ આ ni[ght, neighbor] નો અનુવાદ શો કરવો? એટલે નીગર કે નીગ્રોનો ‘ની’ યથાવત્ રાખીને ‘ની [ચ/કળ]’ વાપર્યું છે, જેમાંથી ‘ની’, ‘નીચ’ અને ‘નીકળ’ –એમ મૂળ કવિતામાં છે એ નહીં, પણ એની જેમ ત્રણ અલગ અર્થ તારવી શકાય છે. અનુવાદની આટલી મર્યાદા તો સ્વીકારવી જ રહી.

પેલા હાસ્યમાં રાહદારીને પોતાના માટે વપરાયેલી ગાળ ઉપરાંત ઘણું બધું સંભળાયું છે. ઠંડો થા. બધું બરાબર છે. અહીંથી નીકળ. જા. ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી. એમાં કશું દાટ્યું નથી. બધી જગ્યાએ આ જ થતું આવ્યું છે, થાય છે અને થતું રહેશે. જે થયું છે એને ભૂલી જા. કેટલું બધું! શોષિત લોકોના દિલોદિમાગમાં વસી ગયેલી પોતાના માટેની ગોરાં લોકોનાં નફરત-દ્વેષ-તિરસ્કાર-અપમાન એક-એક શબ્દમાંથી છલકી રહ્યાં છે. ડ્રાઇવર તો દાંત કાઢવા સિવાય કશું બોલ્યો જ નથી પણ જન્મથી લઈને આજપર્યંત આ દુનિયાએ અશ્વેતોના લોહીમાં જે રસાયણ રસ્યું છે, એના પડઘાં એ હાસ્યમાંથી ઊઠી રહ્યા છે. પરિણામે આ ન દેવાયેલી ચીમકી વધુ જોરથી ચીમટી ભરે છે આપણને. એબ્રાહમ જોશુઆ હેશલ લખે છે: ‘જાતિવાદ મનુષ્ય માટે સહુથી મોટો ખતરો છે- ન્યૂનતમ કારણોસર અધિકતમ ઘૃણા.’ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કહી ગયા: ‘અંધારું અંધારું દૂર નહીં કરી શકે, માત્ર પ્રકાશ જ કરી શકે. નફરત નફરત દૂર નહીં કરી શકે, માત્ર પ્રેમ જ કરી શકે.’

કાવ્યાંતે કવિ આપણી સંવેદનાની પીઠ પર મીઠામાં બોળેલી ચાબુક સટ્ટાક કરતીક વીંઝે છે: ‘એણે મને જોયો જ નહીં, અલબત્ત મેં એને જોયો.’ શ્વેત ડ્રાઇવરની દૃષ્ટિમાં આ અશ્વેત રાહદારી તુચ્છ મગતરું હતું, જેના તરફ નજર કરવાની એને કોઈ તમા જ નથી, કદાચ જરૂર સુદ્ધાં અનુભવાઈ નહીં હોય, કેમકે જે સડક પરથી એ પસાર થાય છે એ સડક પર ચાલવાનો અશ્વેતોને વળી અધિકાર જ ક્યાંનો? પણ સીદી રાહદારી સદીઓથી લાખ અપમાનિત થતો આવ્યો હોવા છતાં માનવી મટી નથી ગયો, એવું દર્શાવવા કવિ કહે છે, કે મેં તો એને જોયો, હું કશુંય નીરખવું ચૂક્યો નથી. સામાને જોવા માટેની નજર જ્યારે બધા પાસે હશે ત્યારે જ રંગભેદ-જાતિભેદ વગેરે ધરમૂળમાંથી દૂર થશે. આપણે સૌ તો પૃથ્વી પર એમ વિચરણ કરીએ છીએ, જાણે એનું ધરીબિંદુ આપણે જ ન હોઈએ. ધૂમકેતુ ‘પૉસ્ટ ઑફિસ’માં આપણને આ સનાતન સત્ય આપી ગયા: ‘મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી. બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય.’ સૉનેટની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ટક્કર મારી સૉરી ક્હેવાના સ્થાને દાંતિયા કાઢનાર શ્વેત ડ્રાઇવરના મનમાં, અને એ રીતે આખા સમાજમાં ઘર કરી ગયેલી રંગભેદની અન્યાયી નીતિ પર કોઈપણ પ્રકારના કુઠારાઘાત કરવાના બદલે એ માત્ર હળવી ટકોર કરે છે. પ્રતિકાર છે પણ ડંખ નથી, વિરોધ છે પણ ઝેર વિનાનો. અને કદાચ એટલે જ આ સૉનેટ આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે છે. જર્મન પાદરી માર્ટિન નીમોલાની એક રચનાથી વાત પૂરી કરીએ:

પહેલા તેઓ સમાજવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું સમાજવાદી નહોતો.
પછી તેઓ ટ્રેડ યુનિયનવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું ટ્રેડ યુનિયનવાદી નહતો.
પછી તેઓ યહૂદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં-
કારણ કે હું યહૂદી નહોતો.
પછી તેઓ મારા માટે આવ્યા –
અને મારા માટે બોલનાર ત્યારે કોઈ જ બચ્યું નહોતું.

સ્વરસેતુ Global Online Listeners’ Forum

ઘણા ગુજરાતીઓ જે અમદાવાદની બહાર વસે છે એમને એક વસવસો હોય છે કે અમદાવાદમાં થતા કેટકેટલાય સ્વરસેતુના કાર્યક્રમો માણી નથી શકાતા.

લો, એમનો આ વસવસો એક જ મિનિટમાં દૂર કરી દઉં. (મને થેન્ક યુ નહિ કહો તો ચાલશે)

આવતા છ મહિનામાં માણો સ્વરસેતુના ૬ કાર્યક્રમો… ઘરે બેઠા… તમારી સગવડે…

અને હા – રજિસ્ટ્રેશનમાં કે પ્રોગ્રામ જોવામાં કઈ પણ વાંધો આવે તો બિન્દાસ મને કહેજો. ટહુકો પરથી માહિતી મેળવીને રજિસ્ટેશન કરશો તો World’s Best Customer Service ની Guarantee હું આપું છું!!