આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ – દિલીપ જોશી

rain.jpg

આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ,
થઇ ટકોરો દ્રાર પર વરસાદ હોવો જોઇએ.

વક્ત હો હિલ્લોળતો પંખી સમો નીડે, નભે,
કાં પછી એના વગર વરસાદ હોવો જોઇએ.

ભાગ્ય જો પલ્ટી શકાતું હોત તો કહેતો ફરું,
પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ.

ભીડ જેવું કૈ કળાતું કાં નથી રસ્તા ઉપર?
હર ગલી, ઘરઘર, નગર, વરસાદ હોવો જોઇએ.

સાવ ખુલ્લું આભ છે ને તો ય એકલ સાંજ છે,
આજ પણ તારા ઉપર વરસાદ હોવો જોઇએ.

કોઇ ભટકે છે અચાનક એક ટીપું ઝીલતાં
એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ.

– દિલીપ જોશી

… કે તું આવી હશે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે, 
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી….

આજે મારું ઘણું જ ગમતું ભજન – અને એ પણ બે દિગ્ગજ સ્વરોમાં.

સ્વર : મનહર ઉધાસ

.

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન….

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો વશે ગિરધારી રે ધણી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું …..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

(આભાર : પ્રભાતના પુષ્પો)


રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ

ક્યાં અને ક્યારે એ તો યાદ નથી, પણ કશે તો મેં આ શબ્દો વાંચ્યા/સાંભળ્યા છે – અવિનાશ વ્યાસની કલમે બીજા કોઇ ગુજરાતી ગીત ન લખાયા હોત, તો પણ એક ‘રાખના રમકડા’ ગીતની રચનાએ એમને ગુજરાતી કાવ્ય-સંગીત જગતમાં અમર બનાવ્યા હોત.

તો એ અમર રચના – આજે મુળસ્વરૂપ સાથે ફરી એકવાર…

સ્વર : ગીતા દત્ત, એ.આર.ઓઝા

.

———————–

Posted on April 18, 2007

ઘણા વખત પહેલા મોરપિચ્છ પર મુકાયેલું આ ગીત આજે સંગીત સાથે ફરી એક વાર રજુ કરું છું
સંગીત : શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા. 21 જુલાઇ, 1911 )

સ્વર : આશિત દેસાઇ

.

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

———————————

ફરમાઇશ કરનાર મિત્ર : દેવેન નાયક

હું હજી ય શોધું છું જિંદગીનું સરનામું – મનહરલાલ ચોકસી

 

હું હજી ય શોધું છું જિંદગીનું સરનામું,
કોઈ આપજો મુજને રોશનીનું સરનામું.

એટલે રહું છું ચૂપ સદાયે મહેફિલ માં,
કોણ પૂછવાનું છે આ દુ:ખીનું સરનામું.

જ્યાં ગયો ત્યાં અથડાઈ સ્વાર્થની જ સો ભીંતો,
ગુમ થઈ ગયેલું છે માનવીનું સરનામું.

આપને મળ્યો ત્યારે છેવટે મળ્યું મુજને,
હુંફની હથેળીમાં દોસ્તીનું સરનામું.

ઠેશ વાગશે જયારે દુ:ખ અવરનું જોઈને,
તે ક્ષણેજ મળવાનું બંદગીનું સરનામું.

પૂછો તો ખરા…. – અવિનાશ વ્યાસ

આજે ઘણાં દિવસો પછી આ ગીત ફરી ફરીને સાંભળ્યું. ખરેખર ગાયકોએ એવા ભાવથી આ ગીતને સ્વર આપ્યો છે કે જરા વાર માટે જો બાકીની દુનિયાથી અલિપ્ત થઇને ફક્ત આ ગીતમાં ધ્યાન પરોવો તો આંખમાં ભલે આંસુ આવે કે ન આવે, પણ હ્રદયમાંથી એક આહ જરૂર નીકળે..

2 વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુક્યું હતું – એ ઓનલાઇન રેડિયો પરથી record કરેલું ‘poor quality’નું ગીત હતું. ગીત સાંભળતા જ ગમી ગયેલું, એટલે એને ટહુકો પર મુકવાની લાલચ નો’તી રોકી શકી ત્યારે. અને આજે મને ‘better quality’ ની music file મળી – તો એને પણ તમને સંભળાવવી જ પડે, બરાબર ને ?

ફિલ્મ : પારકી થાપણ

સ્વરકાર : ગૌરાંગ વ્યાસ

love-hurts.jpg

સ્વર : આશા ભોઁસલે – બદ્રિ પવાર

.

ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા

જત જણાવાનું તમને – કમલ શાહ


એક ધમાકો,
એક નહી, પણ સત્તર-સત્તર
ધોળા ધબ્બ ગુબ્બાર..
અને સેંકડો ચીત્કાર..

પછી મોડી રાતે અફવાઓનું
ગરમાગરમ બજાર..
પછી
લોહીથી ખર્ડાયેલુ
સવારનું અખબાર..

કોની વાત પર
કોને રહ્યો
કેવડો એતબાર..?
મનીયો-મોહમ્મદ-મૅક-ને મનજીત
સૌના હૈયે ઘાવ..
કોણ હવે કોને કહેઃ
“તું ના આસું વહાવ…!”

ઝાકળ જેમ ઝગમગતી
કેટ-કેટલી યાદ…
કોણ હવે કોને કરે
કેવડીક  ફરીયાદ..??

જત જણાવાનું તમને

કે બસ

જીવતું છે અમદાવાદ….!!! 

– કમલ શાહ (અમદાવાદ)

અનિલને – રમેશ પારેખ

ગુજરાતી ગઝલની અમર ત્રિપુટી – અનિલ જોશી, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ.. સમકાલિન કવિઓ અને જિગરજાન મિત્રો..!! એમાંના રમેશ પારેખ એ કવિ મિત્ર અનિલ જોશી માટે લખેલી ગઝલ..

———-

મીરાં નદીની તું નહેર, અનિલ
ને રણ ફૂંકાય ઘેર ઘેર, અનિલ

ભરાતું શ્વાસના કટોરામાં
એનું એ રિક્તતાનું ઝેર, અનિલ

આંધળો હાથ મારો ક્યાં ચીંધું
તારો મેવાડ ઠેર ઠેર, અનિલ

ઝાંઝવા એમ નહીં બને ઝરણું
ગમે તે ચશ્માં તું પહેર, અનિલ

હોઠમાં કાલસર્પયોગ અને
વક્ષની વચ્ચે કાળો કેર, અનિલ

ભૂખી દીવાલો ભક્ષ્ય માગે છે
સ્વપ્નનાં મસ્તકો વધેર, અનિલ

લબાચા જેવાં આપણાં કાંડાં
ને શબ્દ નીકળ્યા ડફેર, અનિલ

પ્રેમનો એક ટાપુ છે જેની –
રાજધાનીનું તુ શહેર, અનિલ

શ્યામ, આદિલ, મનોજ, હું, ચિનુ
છીએ એક જ ગઝલના શેર અનિલ

નવી તે વહુ ના હાથમાં રૂમાલ – અવિનાશ વ્યાસ

આજનું આ ‘નવી વહુ’નું ગીત ખાસ એક મિત્રએ મોકલ્યું છે મારા માટે, ટહુકોના વાચકોને સંભળાવવા…!! 🙂

સ્વર : હેમા દેસાઇ
સંગીત : અવિનાશ વ્યાસ

vau.jpg

.

માલા રે માલ, લહેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

હે લપટી જપટી દેતી રે તાલ
શરમને શેરડે શોભતા રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો
પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો

કંઠે મકેહતી મોગરાની માળ
આંખ આડે આવતા વીખરાયા વાળ
નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા
એના રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા

હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
બોલ બોલ તોલતી વાણી વાચાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

માલા રે માલ, લેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે – કૈલાસ પંડિત

સ્વર – સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : સૂરજ ઢળતી સાંજનો

.

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.