અડધી રમતથી… (એક ઝલક)

ક્યાંથી મેળવશો આ ઑડિયો CD તથા પુસ્તકો – શબ્દો છે શ્વાસ મારા (ગઝલ સંગ્રહ) અને ગરમાળો (કાવ્યસંગ્રહ)?

ફાગણ – મનોજ શુક્લ

Photo from : http://www.cs.columbia.edu
Photo from : http://3.bp.blogspot.com

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કળી કનેથી કેસુડાની કુંજન શીખી કોયલ છૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

ગાન સુણીને કોયલનું
ભમરો જૈ ભુલતો ભાન અને,
તે બેઉની પાછળ ઘોડાપૂર
વછૂટે ફોરમ રે !
તે ધસમસતા વ્હેણ મહીં તરબોળ દિશાને કલરવ ફૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

પતંગિયાઓ ગુલમહોરને
પાંખે લઇને વનમાં ફરતાં,
ગરમાળાનાં ફૂલ ગીતની
ગલી ગલીમાં ફેરી કરતાં,
ભમરાનાં જૈ કાને પીટતાં ભેદભરમનાં ઢોલ તૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

– મનોજ શુક્લ

હઝલ(રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે) – ડૉ.રઈશ મનીઆર

આજે આપણે રઈશભાઈ સાથે હસીને થોડા હળવા થઈ જઈએ. 🙂 પ્રસ્તુત છે રઈશભાઈની એક હઝલ…એમનાં એક પ્રોગ્રામમાં લીધેલી વિડીયોની એક ઝલક.

(વિડીયો: ઊર્મિ… 6 સપ્ટેમ્બર 2007)

રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે,
ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે.

હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં,
કે વધુ બગડે છે એ જ્યારે સુધરવા જાય છે.

ત્રણ વેળા એક પિક્ચર એ જૂએ છે મોજથી,
જાય છે ચોથી વખત ત્યારે સમજવા જાય છે.

આમ ઝઘડાળુ નથી પણ ખાય છે દરરોજ માર,
બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે.

એ રહે મૂડલેશ એ સાહિત્ય જગનાં હિતમાં છે,
મૂડમાં આવે છે ત્યારે કાવ્ય લખવા જાય છે.

પ્રેમ પ્રાણીમાત્ર પર છે એને એ દર્શાવવા,
શાંત સૂતા આખલાને એ અડકવા જાય છે.

-ડૉ.રઈશ મનીઆર

આ પ્રોગ્રામમાં પ્રસ્તુત થયેલી બીજી બે હઝલો પણ રઈશભાઈનાં મુખે જ અહીં માણો.

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

ચાર વર્ષ પહેલાના Mother’s Day પર આપને સંભળાવેલું, અને ત્યારથી ટહુકો પર ગૂંજતું આ ગીત… આજે માધ્વી મહેતાના સ્વરમાં ફરી એકવાર…! આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે Mother’s Dayની રાહ ન જોવાની હોય – તો યે.. આજે એકવાર ફરી કહી દઉં.. – I love you, Mummy 🙂

આપ સૌને Happy Mother’s Day..!

સ્વર : માધ્વી મહેતા

******

Posted on: May 12, 2007

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.

પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.

.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

(આભાર : ફોર એસ.વી. )
———————————

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ , હિરલ, રમિત, આરિફ

બાલલીલાનું ગીત – રમેશ પારેખ

જેમ મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં ગીરનાર-જુનાગઢનો reference ઘણો જોવા મળે, એમ રમેશ પારેખના ગીતોમાં અમરેલી ઘણી unique રીતે જોવા મળે ખરું..! પેલું મૂછ્છ ગીત યાદ છે ને?

મારા ચ્હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા…
અમરેલી શ્હેર જેવું અમરેલી શ્હેર મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા…

અને મને તો આ ગીતની શરૂઆત જ ગમી ગઇ..! ફોઇ-ભત્રીજા(કે ભત્રીજી)નો નાતો આમ તો કેવો વ્હાલડો..! અને તો યે ગીતમાં ફોઇ આવતા હોય એવું તો પહેલી જ વાર મળ્યું..! ચલો, એ જ બહાને તમારા ફોઇને.. કે તમારા ભત્રીજા-ભત્રીજીને યાદ કરીને એકાદ ફોન કરી દેજો..! 🙂

****

આખું અમરેલી ગામ મારી ફઇ

આંગણમાં પંખીના તોરણ બંધાવ્યા, કૈં કંકુથી રંગાવ્યાં બારણાં
મહુવાથી મંગાવ્યા સીસમનાં પારણાં ને એમાં બિછાવ્યાં ઓવારણાં
ઝુલાવ મને મુંબઇના ઘુઘરાઓ દઇ…

ગાલ ઉપર કોયલનું ટપકું કરીને મારી આંખમાં બે પારેવાં આંજતી
મારે કાજ બદલી એ પોતાનું નામ મારા પીળાં રમકડાઓ માંજતી
ઢબૂરે મને ચૂમીની પાંદડીઓ મંઇ !

જનમ ને ગઝલ દઈને નરસિંહ-ભોમે.. – મનોજ ખંડેરિયા

જેમણે અમરભાઇનું સ્વરાભિષેક આલ્બમ સાંભળ્યું હશે, એમને માટે આ ગઝલનો પહેલો અને છેલ્લો શેર અજાણ્યો નહીં હોય… ચલો, આજે આખી ગઝલ માણીએ..!

____

અમીદ્રષ્ટિથી લીલુંછમ ઠૂંઠ કીધું
તમે શુષ્ક ગોકુળને વૈકુંઠ કીધું

સમર્પિત તને થઈ ગયા કોરે કાગળ,
મતું માર્યું, લે ચિહ્ન અંગૂઠ કીધું !

ખરચતાં નથી નામનું નાણું ખૂટ્યું :
છતાં કેમ તેં સાચનું જૂઠ કીધું

સવાયું મળે મૌનથી, બોલ્યે બમણું,
તને ગાઇ મેં એકનું ઊંઠ કીધું

જનમ ને ગઝલ દઈને નરસિંહ-ભોમે,
ઊંચું સ્થાન મારું તેમ બે મૂઠ કીધું.

– મનોજ ખંડેરિયા

પાનખર – વિહાર મજમુદાર

શબ્દ : વિહાર મજમુદાર
સ્વર : ગાર્ગી વોરા
સંગીત : વિહાર મજમુદાર – નિનાદ મહેતા

પાનખર...  Photo by Vivek Tailor
પાનખર... Photo by Vivek Tailor

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજી
ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ

છાલકો પગરવ તણી વાગે છે ક્યારની
ધારણા રેતી બની પથરાય આસપાસ

દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે
ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

સ્વર્ણિમ ગુજરાતની Detroit (Michigan)ના આંગણે અલૌકિક ઉજવણી

સૌ પ્રથમ તો… ગુજરાત દિનની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! આજે – ગુજરાત specific નો નહીં, પરંતુ જેમની મહેમાનગતિ મનભરીને માણી રહી છું – એવા Detroit ના ગુજરાતીઓ Specific વાત કરવી છે.

ગઇકાલે April 30, 2011 ના દિવસે.. અહીં સ્વર્ણિમ ગુજરાતની Detroit (Michigan)ના આંગણે અલૌકિક ઉજવણી માણી..! (આજે એનો બીજો ભાગ – કવિ શ્રી રઇશ મણીઆર અને કવિ શ્રી વિવેક ટેલરને માણીશું). ગુજરાતથી હજારો માઇલ દૂર.. ૮૫૦ ગુજરાતીઓથી ખીચોખીચ ભરેલા હોલમાં .. ૫ કલાક સુધી નોન-સ્ટોપ ચાલેલો એ પ્રોગ્રામ એક આશ્ચર્યજનક અને ઐશ્વર્યથી ભરપૂર અનુભવ રહ્યો..! Guest of Honor … ઐશ્વર્યા મજમુદાર વિષે તો કંઇક કહેવાનું બાકી રહ્યું જ નથી.. પણ એની સંગીત સાધનાને કાલે રૂબરૂમાં માણવાનો અનુભવ એ તમને જાણે એક અલગ જ દુનિયામાં લઇ જાય છે..!

આ કાર્યક્રમ વિશે વધુમાં .. ટૂંક સમયમાં ફરીથી વાત કરીશ..! ઘણું ઘણું કહેવું છે આ અનુભવ વિષે..! અને સાથે વહેંચવું છે બધા સાથે જે અમે ગઇકાલે માણ્યું..! અને સાથે લઇ આવીશ વધુ સારું રેકોર્ડિંગ..! પણ હાલ પૂરતું – મારા સેલફોનમાં રેકોર્ડ કરેલું આ તાના-રીરી ફિલ્મનું અદ્ભૂત ગીત માણીએ.

ગરજ ગરજ બરસો જલધર
ગરજ ગરજ બરસો ….

શતદલ – દેવિકા ધ્રુવ

માર્ચ મહિનામાં યોજાયેલ “સબરસગુજરાતી” પદ્યસ્પર્ધામાં નિર્ણાયક, કવિ અને ગઝલકાર શ્રી વિવેક ટેલરના ગુણ પત્રકમાં ૧૬૬માંથી બીજા નંબરે સ્થાન પામેલ અને નીચે પ્રમાણેની મૂલવણી પામેલ કવિતા ”શતદલ”.

વિવેક ટેલરના શબ્દોઃ

મારી દ્રષ્ટિએ “શતદલ” નામની કવિતા બીજા ક્રમાંકને પાત્ર ઠરે છે.કવિએ અર્જુનની જેમ એક વિષયને લક્ષમાં રાખ્યો છે;અને એને યોગ્ય રીતે સંમાર્જ્યો પણ છે.ઊર્મિકાવ્યોનું આજે લુપ્ત થતું નજરે પડતું કલેવર કવિએ અપનાવ્યું છે એ કવિની ભાષાપ્રીતિ અને સમર્પિતતાનું દ્યોતક છે. શબ્દસમૂહના ધ્વન્યાત્મક આવર્તનોનો સુપેરે પ્રયોગ કરીને કવિ કવિતામાંથી સંગીત પણ સર્જે છે. ચોમાસાની ઋતુનો આખો માહોલ ઉભો કરીને એક સંપૂર્ણ શબ્દચિત્ર દોરે છે. કવિને ખુબ ખુબ અભિનંદન.

******

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
ઝુલત ફૂલ શતદલ મધુવન પર.

–  દેવિકા ધ્રુવ

શાંતિ પમાડે તેને તો સંત કહીએ – બાપુ ગાયકવાડ

સ્વર -દિલીપ ધોળકિયા

શાંતિ પમાડે તેને તો સંત કહીએ
એના દાસના તે દાસ થઈને રહીએ રે… ભાઈ રે શાંતિ

કલ્પવૃક્ષ સેવ્યે દારિદ્ર રહ્યું ઊભું
ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે?… ભાઈ રે શાંતિ

રાજાની ચાકરી નિત્ય રહી ઊભી
ત્યારે પારકી તો વેઠ શીદ વહીએ રે?… ભાઈ રે શાંતિ

વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાવ્યું
ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ રે?… ભાઈ રે શાંતિ

લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો
ત્યારે તેની સંગાથે શીદ જઈએ રે?… ભાઈ રે શાંતિ

વૈધ્યનો સંગ કરે રોગ રહ્યો ઊભો
ત્યારે વૈધ્યની તે ગોળી શીદ ખાઈએ રે?… ભાઈ રે શાંતિ

કીધી બાંધણી ને માથું વઢાવે
ત્યારે તેને તે ઘેર શીદ જઈએ રે?… ભાઈ રે શાંતિ

નામ અનામ સદ્ગુરુ બતાવ્યું
તે નામ ચોંટયું છે મારે હઈયે રે?… ભાઈ રે શાંતિ

બાપુ તેની કાયા તો નરવો સ્નેહ છે
અમે એવા સ્વામીને લેઈને રહીએ રે?… ભાઈ રે શાંતિ

– બાપુ ગાયકવાડ

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ:

બાપુસાહેબ ગાયકવાડ બાપુમહારાજ તરીકે પણ પ્રસિદ્ધ હતા. મધ્યકાલીન કવિઓમાં આ એક પદને કારણે પણ ગાયકવાડનું નામ યાદ રહી જાય એવું છે. ઘણાં વર્ષો પહેલાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે સજ્જન કોને કહો? પ્રશ્ન ઓચિંતો પુછાયેલો. આપમેળે જે જવાબ આપ્યો તે કયો?… જેનાં સાંનિધ્યમાં તમે રિલેકસ થઈ શકો, તમે આસાયેશ અનુભવી શકો એ માણસ સજ્જન. સંત તો સજ્જનનાયે સજ્જન.

કવિએ અહીં સંતની અત્યંત અદ્ભુત વ્યાખ્યા આપી છે અને પ્રથમ પંક્તિમાં જ એક ઘા ને બે કટકા જેવી વાત કરી છે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. જીવનમાં અશાંતિ આપનારા ઘણા છે. માણસ પોતે પણ અજંપાનો અવતાર છે. આ અશાંતિ, અજંપો, હતાશા, ગ્લાનિ-આ બધાની વચ્ચે કોઈ આપણને શાંતિના દ્વીપ ઉપર મૂકી શકે તે આપણો સંત. જેને કારણે આપણા ચૈતન્યની વંસત મહોરી ઊઠે તે આપણો સંત. આપણે જવાળામુખી પર બેઠા હોઈએ અને જેની વાણી કે મૌન, જેનો પારસમણિ સ્પર્શ આપણી ભીતર ચંદનનો લેપ કરી શકે તે આપણો સંત અને જે આપણો સંત હોય એના દાસ થવું એના જેવો કોઈ આશીર્વાદ નથી.

જીવનમાં સતત કડવા અનુભવો થાય છે. આપણું ધારેલું કશું થતું નથી. આપણે સવળું ઈચ્છ્યું હોય અને અવળું થાય છે We never know the design of the destiny. કલ્પવૃક્ષ તળે પણ ઊભા હોઈએ તો પણ દારિદ્ર જતું નથી. રાજા જેવા રાજાની ચાકરી કરતાં પણ કશું વળતું નથી. જીવનમાં વૈતરું અને વેઠ છે. જે શીખવે છે એનો માર સહીએ છીએ અને છતાંયે જ્ઞાનથી તો જોજનના જોજન દૂર રહીએ છીએ. જેની સંગાથે જઈએ છીએ તે પણ લૂંટી લે છે. ભલભલો વૈદ હોય અને એના કહેલા ઉપચારો કરીએ તોપણ કાંઈ વળતું નથી અને રોગ તો ત્યાંનો ત્યાં જ રહે છે. જે આપણું જ માથું વાઢી નાખે એના ઘરે પણ શા માટે જવું જોઈએ?

હકીકતમાં પ્રથમ પંક્તિમાં જ આ કવિતાની પરાકાષ્ઠા છે. પછી તો કવિએ વિવિધ દ્રષ્ટાંતો અને ઉદાહરણોથી અનુભવગાથુ અને ગળે ઘૂંટડો ઊતરે એવા છે. છતાં પણ કવિતાની ગતિનો ગ્રાફ ઉપર જતો નથી પણ વર્તુળાકારે જતો હોય એવું લાગે છે.આ બધાં કરતાં તો જો આપણને કોઈ સદ્ગુરુ મળી જાય અને એનું અનામ નામ કાયમને માટે આપણે કાળજે વળગી પડે તો એનાથી રૂડું શું? પછી કોઈ આપણને અસ્વસ્થ ન કરી શકે, કારણ કે જે ગુરુ છે, જે સદ્ગુરુ છે તે, વિધાતા ગમે તેવી હોય તો પણ, શાશ્વત શાતા આપે છે. ગુરુ પાસે નરવો સ્નેહ છે અને કોઈ અપેક્ષા નથી. જ્યાં કેવળ ગુરુનો પ્રેમ હોય અને શિષ્યની ભક્તિ હોય ત્યાં આપણા અસ્તિત્વની આસપાસ શાંતિનું સરોવર જ હોય. અગમ નિગમની સારેગમની ગુરુ ગતાગમ આપે.