૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશી

સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ ! નીચેની કવિતા સાથે વિવેકની નોંધ પણ લયસ્તરો પરથી લઉં છું. (આભાર વિવેક અને લયસ્તરો ટીમ!)

*

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.

સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !

જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?

કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.

– વિવેક ટેલર

મન થઈ જાય છે – ભરત વિંઝુડા

ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વાદળને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે,

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

-ભરત વિંઝુડા

રક્ષાબંધન Special – જાહલની ચિઠ્ઠી

આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

આજની આ પોસ્ટ – કેતનભાઇ તરફથી..!

*******
રક્ષાબંધન એટલે કાચા સૂતરનાં તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનાં હેતનું પર્વ!! આમ તો, રક્ષાબંધનની વાત નીકળે એટલે ઘણા ઉદાહરણો પુરાણો અથવા નજીકના ઇતિહાસમાંથી મળી આવે. જેમકે, કુંતાજીએ ચક્રવ્યૂહમાં જતા અભિમન્યુને રાખડી બાંધી હતી. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઇન્દ્રાણીએ પણ હારેલ ઇન્દ્ર દૈત્યો પર વિજય મેળવી શેકે એ માટે રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. લક્ષ્મીજીએ પણ બલિના હાથે રાખડી બાંધી ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. રાજપૂત રાણી કર્મવતીએ બાદશાહ હૂમાયુને રાખડી મોકલાવી ભાઈ બનાવ્યો હતો અને રાજ્યની રક્ષા કરી હતી.

…પણ આજે રક્ષાબંધનના દિવસે ચાલો જાણીએ એક આવી જ ભાઈ-બહેનનાં અદભૂત પ્રેમની ન ચર્ચાયેલી કથા –

———————————————————————————————-
ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા’ નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા’ એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.

આમ, સોલંકીઓએ કપટથી રા’ડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ – રા’ ના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે –

“મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.”

પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”.

“રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા’ ના કુળદીપકને જલતો રાખ્યો!

વરસો વીત્યાં. જાહલ અને નવઘણ યુવાન થયાં. વૃદ્ધ થયેલાં દેવાયતે દીકરી જાહલનાં લગ્ન લીધાં. નવઘણને પણ તમામ હકીકતથી વાકેફ કર્યો. તમામ આહીરોને દેવાયતે ભેગા કર્યા અને જૂનાગઢ પર ચડાઈ કરી. સોલંકીરાજનું પતન થયુ અને રા’નવઘણ જૂનાગઢની ગાદીએ બેઠો. ધામધૂમથી બહેન જાહલને પરણાવી. નવઘણે બહેનને માંગવા કહ્યું ત્યારે જાહલે એટલું જ કહ્યું કે “સમય આવ્યે કાપડું માગી લઈશ.”

સમય પસાર થતો જાય છે. કાઠિયાવાડમાં કારમો દુકાળ પડે છે. જાહલ પોતાના પતિ સાથે સ્થળાંતર કરીને સિંધ પ્રાંત તરફ જાય છે. સિંધનો સૂબો હમીર સૂમરો એકવાર જાહલને જોઈ જાય છે. એના રૂપ પર મોહી પડે છે અને તેને તાબે થવાનો આદેશ કરે છે. લાચાર જાહલ ૩ મહિનાનો સમય માંગી લઈને તરત પોતાના ભાઈ રા’નવઘણ પર ચિઠ્ઠી લખી પતિને જૂનાગઢ દોડાવે છે. રાજકાજમાં ડૂબેલ નવઘણને બહેન ક્યાં છે એનો ખ્યાલ નથી. લાંબા રઝળપાટને અંતે તે જૂનાગઢ રાજમહેલમાં પહોંચી કાગળ રા’નવઘણને વંચાવે છે. કાઠિયાવાડનાં ઇતિહાસમાં આ કાગળ “જાહલની ચિઠ્ઠી” તરીકે પ્રખ્યાત છે.

ફિલ્મ “રા’નવઘણ (૧૯૭૬)” માંથી લીધેલ આ પ્રસંગનું ચિત્રાંકન અહીં જોઈ શકાશે..

 

સિંધ મહિપ દુઃશાસન કેરી મુજ પર મીટ મંડાઈ,
પાંચાળી જેમ આજ પુકારું ચીર પૂરો જદુરાઈ

હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

ભીતર લાગ્યા ઘાવ સંતાડું, રૂપ સંતાડ્યા ન જાય,
ફૂલની માથે સાપ ફૂંફાડે, લાગી અંગે-અંગ લ્હાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

કોડભર્યા મારા વીરને કાંધે તેગ સૂબાની તોળાય,
ડુંગર સમો દેવાત ડગ્યો નહિં, થડકો ન માને થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

બાપના ગુણ ને ભોગ બાંધવનો, દૂધડિયાની સગાઈ,
કાપડા કેરો બોલ દીધોતો માંડવડાની માંય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

નવઘણ મારા એ બદલાને ભૂલી જજે ભલે ભાઈ,
જે ધરતીમાં જનમ્યા એના, સગપણ નો વિસરાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

સાબદો થા વીર વાત સુણી, મારા જુગ સમા દિન જાય,
અવધિ વિત્યા પછી કાપડું તારું, બેનનું ખાપણ થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

આશા ભોંસલેએ ગીતને કંઠ આપ્યો છે. શ્રીઅવિનાશ વ્યાસે હ્રદયદ્રાવક શબ્દોથી ગીતને શણગાર્યું છે. ગીતમાં જાહલ નવઘણને બાળપણમાં સાથે ઉછર્યા, રમ્યાં, મીઠા ઝઘડા કર્યા તેની યાદ અપાવે છે. લગ્નમંડપમાં આપેલ કાપડાનું વચન યાદ અપાવે છે અને સમયસર સિંધ પહોંચવા તાકીદ કરે છે.

પછીની વાત ટૂકાણમાં જોઈએ તો – બહેનનાં કાગળથી રા’નું હૈયું ભીંજાય છે. તે ફોજને સાબદી કરી સિંધ પર ચડાઈ કરે છે. જૂનાગઢથી સિધ (હાલ પાકિસ્તાનમાં) તરફ જમીનમાર્ગે કૂચ કરવામાં ઘણો જ સમય લાગે તેમ છે કારણકે વચ્ચે દરિયો છે. કાંઠે-કાંઠે ચાલીને સિંધ સુધી પહોંચે ત્યાં સુધી બહેન જાહલને મળેલ અવધિનો સમય ચૂકી જવાય તેમ છે. આ વખતે માતાજીની કૃપાથી આખી સેનાને દરિયો મારગ આપે છે અને સમયસર સિંધ પહોંચી રા’નવઘણ બહેન જાહલને છોડાવે છે.

———————————————————————————————-
આભાર,
કેતન રૈયાણી

**************
અને હા – રક્ષાબંધનની સાથે આ ગીતો તો કેમ ભૂલાય?
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ
ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ

કદાચ – વિપિન પરીખ

મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

-વિપિન પરીખ

—————-

આ કવિતા એટલે ગાગરમાં સાગર. કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો ! અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
– ઊર્મિ

—————

આ કવિતા સાથે ઊર્મિએ લયસ્તરો પર મૂકેલી નોંધ મને એટલી તો ગમી ગઇ એ સીધી જ અહીં ટપકાવી છે. (ચાલશે ને, ઊર્મિ? :))

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા – ભગવતીકુમાર શર્મા

સાંભળો એ બધા ગીતો કાન સુધી તો પહોંચે… એમાંથી કેટલાક મન સુધી – હ્રદય સુધી જાય..! પણ આ એક ગીત સાંભળો ત્યારે જાણે કાનનું અસ્તિત્વ જ નથી જણાતું..! સ્વર સીધો હ્રદયના ખૂણે ખૂણે પ્રસરી જાય..  અમુક ગીતો એવા હોય કે એના પર નિબંધ લખી શકાય.. અને છતાંયે એક વાર સાંભળો પછી એને બીજી કોઇ વાત કહેવાની જરૂર જ ના પડે.

આ ગીતના શબ્દો, સ્વર અને સંગીત – ભેગા મળીને એવો જાદુ રચે છે કે… તમે જાતે જ સાંભળી લો! હું તો બસ એટલું કહીશ કે – એક અનોખી દુનિયાની સફર માટે તૈયાર થઇ જાવ.

સ્વર – આલાપ દેસાઇ
સ્વરાંકન – ઉદયન મારૂ

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

લા-પરવા – મકરન્દ દવે

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર,
કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.

લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં
આવો તમો ઈદ અને આવો તમે રોજા.

– મકરંદ દવે

(આભાર – રીડગુજરાતી.કોમ)

તનાવ રાખું છું – મહેશ દાવડકર

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

પાર જઈને હું ત્યાં કરું પણ શું?
બસ હું તો તરતી નાવ રાખું છું.

ખોળિયામાં હવે નથી સીમિત,
કોઈમાં આવજાવ રાખું છું.

રસ પડે તો પતંગિયું થઈ આવ,
ફૂલ જેવો હું ભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

મૂળ પકડાઈ જાય પીડાનું,
એથી તાજા હું ઘાવ રાખું છું.

ક્યાંક છલકાઈ જાઉં ના એથી,
હું મને ખાલી સાવ રાખું છું.

– મહેશ દાવડકર

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો – રાહી ઓધારિયા

સ્વર – સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

-રાહી ઓધારિયા

બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે – જવાહર બક્ષી

આજે સાંભળીએ આલાપ દેસાઇના સ્વરમાં, આલાપનું જ સ્વરાંકન – અને ૨૦૦૭ના ગુજરાત સમાચાર સમન્વય પ્રોગ્રામ વખતે થયેલી રજૂઆતનું રેકોર્ડિંગ..! આલાપ દેસાઇને સાંભળવા એ તો લ્હાવો છે જ – પણ એ જ્યારે તબલા હાથમાં લે ત્યારે લાગે કે બીજા કોઇ જ વાજિંત્રની જરૂર જ નથી..! અને અમેરિકા-કેનેડાના ગુજરાતીઓને એમના સ્વર-સ્વરાંકન અને તબલાનો ટહુકો ટૂંક સમયમાં જ સાંભળવા મળશે.
Click : આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)

સ્વર – સ્વરાંકન : આલાપ દેસાઇ

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે! .. Photo: Vivek Tailor

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી