ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે – કિરીટ ગોસ્વામી

જીવ સાથે શિવ તણો નાતો રહે
પ્રેમનો વ્યવહાર ત્યાં થાતો રહે

આયખાનું વસ્ત્ર ફાટી જાય છો
એની ઉપર સંબંધની ભાતો રહે

આ હ્રદયના બાગમાં આઠે પ્રહર
લાગણીનો વાયરો વાતો રહે

આહ પણ પલટાઇ જાશે વાહમાં
ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે

હું પીયાલી શબ્દની ભરતો રહું
રંગ રોજ એનો છલકાતો રહે

– કિરીટ ગોસ્વામી

એને સ્પર્શી અજવાળા કરું – અદમ ટંકારવી

તું જો આવે તો અછો વાનાં કરું
ને ગઝલથી સૌના મોં મીઠા કરું

સાત સપનાની ધરી દઉં છાબડી
બે’ક સૂકા પાંદડા લીલા કરું

જોવું, ગમવું, હસવું, મળવું, ચાહવું,
એવા ક્રિયાપદ બધા ભેગા કરું

કેટલી પ્રીતિ ને પીડા કેટલી?
એના ક્યાં લેખાં અને જોખાં કરું

શબ્દ પણ અમિલય અમીના છાંટણાં
શબ્દથી અરમાનને ભીના કરું

લે, વિરહની સાથે મૂકી દઉં મિલન
સંસ્મરણને એમ ખટમીઠાં કરું

શી ખબર ક્યારે થશે ભરભાંખડું
ચાલ, એને સ્પર્શી અજવાળા કરું

– અદમ ટંકારવી

કવિ, તારે કેટલાં હૈયાં? – હરિશ્રંદ્ર ભટ્ટ

કવિ, તારે કેટલાં હૈયાં?
કવિ, તારે કેટલાં હૈયાં?

કાલે આપ્યું પેલા પંખીના ગાનને,
આજે આપ્યું પેલા ફૂલોના રંગને,
આપ્યું ઉષાને, તેં તારાને આપ્યું,
સંધ્યાની આશા સંતોષજ રે.. કવિ..

કાલે આપ્યું એક પેલાં સ્મિતોને
આજે આપ્યું એક નીચાં નયનોને,
આશા ભર્યા પેલા હાથોને આપ્યું,
જીવનસાથી સંતોષજ રે.. કવિ..

તરણાંને આપ્યું, સાગરને આપ્યું,
ધરતીને આપ્યું, આકાશને આપ્યું,
ધૂળ જેવી તારી કાયાનું હૈયું તું
મૃત્યુને માટે યે રાખજે રે.. કવિ..

– હરિશ્રંદ્ર ભટ્ટ

આપણામાંથી કોક તો જાગે ! – વેણીભાઈ પુરોહિત

આપણામાંથી કોક તો જાગે !

કોક તો જાગે !
આપણામાંથી કોક તો જાગે
કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી

હાય જમાને ઝેરને પીધાં વેરને પીધાં
આધીનતાનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરને પીધાં
આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે
સાચ-ખમીરનો ઘૂંટડો માગે
આપણામાંથી કોક તો જાગે !

બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ ય નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !

સોડ તાણી સહુ આપણે સૂતાં
આપણે ઓશીકે આપણાં જૂતાં
ઘોર અંધારા આભથી ચૂતાં
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં
લમણાંમાં મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે !

કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે ?
તું જ જાગ્યો તો તું જ જા આગે
આપણામાંથી તું જ જા આગે !

-વેણીભાઈ પુરોહિત

મોર ટહુકે.. – પ્રજારામ રાવળ

આ આવી ભીની જ હવા લહરી,
ઓ ધૂળ તણી ઘૂમરે ડમરી,
બદલાઈ ગઈ જ હવા સઘળી,
આ ચિહ્ન પ્રગટ સૌ વર્ષાનાં !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

હે આવ સઘન ઘનશામળિયા,
હો આવ મીઠા મન-મેહુલિયા,
તું આવ ધરાના નાવલિયા,
બહુ દિન વીત્યા છ નિરાશાના!
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

રે, ભાંભરતી ગાયો તરસે,
કૂવાનાં જળ તળને સ્પરશે,
નહીં પ્રાણ ટકે, જો ના વરસે,
અવલંબન એક જ તરસ્યાનાં !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

હે આવ, ભરી સઘળુંય ગગન,
લઈ સ્નિગ્ધ ગંભીર મીઠાં ગર્જન,
ને તુજ કેવલ અમીનાં વર્ષણ,
અયિ પંડિત મૌનની ભાષાના !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

– પ્રજારામ રાવળ

એવા રે મારગ – તનસુખ ભટ્ટ ‘યાત્રી’

ડાબે રે ઊંડી વનની ખીણ..જમણે ડુંગરની ભીંત..  Yosemite National Park - April 2009
ડાબે રે ઊંડી વનની ખીણ..જમણે ડુંગરની ભીંત.. Yosemite National Park – April 2009

ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યા.

ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર
એવા રે મારગ અમે સંચર્યા.

ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલ સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે મારગ અમે સંચર્યા.

પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ,
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે મારગ અમે સંચર્યા.

ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા.

– તનસુખ ભટ્ટ ‘યાત્રી’

(આભાર – રીડગુજરાતી.કોમ)

કમાલ નોખા છે – વિવેક મનહર ટેલર (Happy 7th Birthday to vmtailor.com)

December 29th, 2012 – એટલે દિલોજાન મિત્ર વિવેક ટેલરની વેબસાઇટ – ‘શબ્દો છે શ્વાસ મારા’ ની સાતમી વર્ષગાંઠ..!! આ વેબસાઇટે વિવેકને સાત વર્ષમાં શું આપ્યું એ તો તમે એની સાઇટ પર, એના જ શબ્દોમાં વાંચી લેજો..! પરંતુ એની આ કમાલની કલમ થકી આપણને જે મળ્યું – એ તો એને કયા શબ્દોમાં કહીએ?

https://www.youtube.com/watch?v=uagAm1-AFVI

બધાના તારા વિશેના ખયાલ નોખા છે.
જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે.

આ દર્દની પળેપળના દલાલ નોખા છે,
અમારા ગીત-ગઝલના કમાલ નોખા છે.

તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.

બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.

બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.

રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૧૦)

દલા તરવાડી (બાળવાર્તા)

‘ગીજુભાઇ બધેકા’ની આ ‘દલા તરવાડી’ની વાર્તા આમ તો આપણે બધા એ ક્યારેક તો સાંભળી જ હશે! તો ચલો, આજે ફરી એકવાર સાંભળીને refresh કરી લઇએ, અને સાથે થોડા refresh થઇ જઇએ. 🙂

‘શબ્દો છે શ્વાસ મારા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું પારિતોષિક

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું વર્ષ 2011 માટેનું પારિતોષિક વિવેકના પ્રથમ ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ને મળ્યું છે. સુરત ખાતે યોજાયેલા પરિષદના 27મા જ્ઞાનસત્રમાં પ્રમુખશ્રી વર્ષા અડાલજાના હસ્તે આ પારિતોષિક એનાયત થયું.

આપણા સર્વ તરફથી કવિ મિત્ર વિવેકને હાર્દિક શુભેચ્છાઓ..!! સાથે આજે માણીએ વિવેકનું આ મઝાનું વરસાદી ગીત..! અમારા કેલિકોર્નિયામાં ચોમાસું બરાબર બેઠું છે – તો એ જ બહાને તમે પણ આ ગીત થકી વરસાદ માણો..!! 🙂

P7117250
(લીલી ચાદર…                             ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦   Photo: Vivek Tailor)

*

અંદર ક્યાંક ધરબીને રાખેલું ગીત જેમ નીકળી પડે રે વાતવાતમાં,
એમ વાદળો અથડાય છે આકાશમાં,
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૦)

પ્રસન્નના ઈસુને જોતાં – મકરંદ દવે

વેદના તેં કહે, કેમ પીધી?
શ્વેત અસ્થિ સુધી જાય સીધી
અને સર્વ શોષી જતા ઝેરને ઘૂંટડે ઘૂંટડે
ભીતરેથી તને શું જડે?

દ્રષ્ટિ તારી નિમીલિત હજી જેમ ઊંડે સરે
તાગતી, એક પછી એક નિજના સ્તરે
તરવરી ઊઠતું ધવલ ત્યાં ફીણમોજાં સમું
કૈંક, ને ગાઢ, ખડકાળ અંધાર ઘેરે તને કારમું
બંદીખાનું રચાતું બધે
ભીંસ પળ પળ વધે

ઊજળી અચળ ત્યાં તેજદાંડી બની
કૈંક ઠરતું ચહેરા પરે તુજ, નરી ધૂળની
યાતનાઘોર આંધી શમે
ચાંદની હેતભીની ઝમે.

– મકરંદ દવે (December 25, 1983)

(અમેરિકાનિવાસી ચિત્રકાર પ્રસન્નએ દોરેલી ઈસુની છબિ જોઈને…)