દુઃખના પગમાં સુખનાં ઝાંઝર સુખના પગમાં બેડી,
મોટો મોટો મહેલ છતાંયે મનની સૂની મેડી.
હર્યાભર્યા આ લોકો વચ્ચે
ઝૂરવું ઝીણું ઝીણું,
હરખતણી આ હાટડીઓમાં
ક્રંદન કૂણું તીણું,
ક્યારેક થાય કે ઊડી જાઉં ને બૂડી જાઉં ને પગને લઉં ઊખેડી,
દુઃખના પગમાં સુખનાં ઝાંઝર સુખના પગમાં બેડી.
બંધ કરી ને બંધ બારણાં
એમાં હું ગૂંગળાઈ રહી,
પથરાળા આ મૌનની વચ્ચે
હોઠ સીવીને ગાઈ રહી,
કપાઈ ગયેલી આંગળીઓથી સિતાર શાને છેડી,
દુઃખના પગમાં સુખનાં ઝાંઝર સુખના પગમાં બેડી.
– પન્ના નાયક
“દુઃખના પગમાં સુખના ઝાંઝર સુખના પગમાં બેડી”
આ પક્તિમા કવિયત્રીએ ઘણુ કહી દીધુ છે……. વેદનાની વાચા, અનુભુતીની સરસ અભિવ્યક્તિ……….
સોનાની લંકામા ગુંગળાતા વિભિષણની યાદ આવે છે.
હસ્તિનાપુરમાં વિહ્વ્ળ એવા ભીષ્મની યાદ આવે છે.
કે પછી અમેરીકામાં રહેતા ભારતીયની યાદ આવે છે?????