એક તારો ખયાલ ગઝલ હોય છે – સુધીર પટેલ

એક તારો ખયાલ ગઝલ હોય છે,
ને પછી મુજ હાલ ગઝલ હોય છે.

જે ઘડી બે ઘડી મળીએ આપણે,
હસ્તીના એ જ સાલ ગઝલ હોય છે.

જે ૨હે કોરા એને હોય શું ખબર ?
કે ભીંજાયલ રૂમાલ ગઝલ હોય છે.

શું થયું છે મને, તમે જ લ્યો કહો ?
હોઠ પર આજ-કાલ ગઝલ હોય છે.

હું મથું તોય ક્યાં ગઝલ બને કદી ?
બોલ તારા કમાલ ગઝલ હોય છે

એનો ઉત્તર મળે તો એ ગઝલ નહીં,
કે નિરૂત્તર સવાલ ગઝલ હોય છે.

– સુધીર પટેલ

વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું? – અનિલ ચાવડા

જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન થતા જ એમાં ચાલ્યા જવાય પાછું.

હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.

કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

– અનિલ ચાવડા

૨૭મી મે, ૨૦૨૩ – ‘ગુજરાતની અસ્મિતા’ ગુજરાત દિવસની સાન ફ્રાન્સિસ્કો બે એરિયા માં ઉજવણી

બે એરિયા ગુજરાતી સમાજ આપ સૌને આમંત્રણ આપે છે.
૨૭મી મે,૨૦૨૩ ની સવારે ૯.૩૦ વાગે ઈન્ડિયા કોમ્યુનીટી સેન્ટર (ICC) મિલપીટાસ કેલીફોર્નિયામાં આપણે સૌ સાથે મળી ગુજરાતની અસ્મિતાને ઉજવીએ.
અમદાવાદના, ગુજરાતી કાવ્ય સંગીતને વરેલા આદરણીય સંગીતકાર શ્રી અમર ભાઈ ભટ્ટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને આ અવસરની શોભામાં અભિવૃદ્ધિ કરશે.

તેથી ગઝલ લખું છું. – રઈશ મનીઆર

ભાષા આવડતી નથી તેથી ગઝલ લખું છું,
વાત કઈ કરવી નથી તેથી ગઝલ લખું છું.

આંખમાં ભરતી નથી તેથી ગઝલ લખું છું,
હોડીઓ તરતી નથી તેથી ગઝલ લખું છું.

ભાવનાઓ…ઝંખનાઓ…વ્યર્થ વેદનાઓ…
શ્વાસ સાંકળતી નથી તેથી ગઝલ લખું છું.

કોણ, ક્યારે, શું; ને ક્યાંથી, કેમ, કેવી રીતે?
સ્પષ્ટતા કરવી નથી તેથી ગઝલ લખું છું.

શોધ ને અવરોધમાંથી બોધ-ક્રોધમાંથી…
શાંતિ મળતી નથી તેથી ગઝલ લખું છું.

સળવળું છું, ખળભળું છું, ટળવળું- બળું છું,
ચૂપકીદી ફળતી નથી તેથી ગઝલ લખું છું.

જીવવું, જીરવવું, જોવું, જાણીને પ્રજળવું,
આંખ મીંચાતી નથી તેથી ગઝલ લખું છું.

– રઈશ મનીઆર

ગુજરાત! તને હો વંદન..! – વિનોદ જોષી

ગુજરાત સ્થાપના દિવસે કવિ શ્રી વિનોદ જોશી રચિત ગુજરાત ગૌરવનું ગાન ગાતું આ ગીત રજૂ કરતાં અત્યંત આનંદ થાય છે.
આપ સૌને ગુજરાત સ્થાપના દિવસની અઢળક શૂભેચ્છાઓ!

જય હે, જય ગુજરાત ! તને હો વંદન અપરંપાર,
કરી તેં જ ભારત માતાની સ્વતંત્રતા સાકાર…

સત્યાગ્રહની પરમ જ્યોત પ્રગટી તારાં પ્રાંગણમાં,
દાંડીકૂચ તણાં પગલાં પરખાય હજી કણકણમાં;
મુક્તિદૂત ગાંધીનો આપ્યો તેં અનુપમ ઉપહાર,
તને હો વંદન અપરંપાર…

શૂરવીર રજવાડાં તારે અંક અનેક વિરાજે,
સહુ વિલીન થઈ ભળ્યાં પરસ્પર રાષ્ટ્રહિતને કાજે;
તારું ગૌરવ સદા સુહાવે લોહપુરુષ સરદાર,
તને હો વંદન અપરંપાર…

શ્યામકૃષ્ણ વર્મા, રવિશંકર, ઇન્દુલાલ ને રાણા,
વિદ્યાગૌરી જેવાં વિવિધ રાષ્ટ્રભક્તિનાં થાણાં;
મેઘાણી, શ્રીધરાણીના પડઘાય કાવ્યઉદ્ગાર,
તને હો વંદન અપરંપાર…

પાવન તારી અમર અસ્મિતા ઉન્નત ભાવભરેલી,
કરે ગર્વ ગુજરાતી તારા વત્સલ ખોળે ખેલી;
તું સદૈવ છે દિવ્ય ક્રાંતિનો ગહન ગેબ લલકાર,
તને હો વંદન અપરંપાર…

– વિનોદ જોષી



વસંત – જયશ્રી વિનુ મર્ચન્ટ

વસંત ફૂલ હોય છે
ને ફૂલ હોય છે વસંતના ભીના ચહેરાની કુમાશ.
વસંત પાળે છે સપનાં
કોઈ પાંડુની હ્દ્રયવ્યથામાં
વસંત ઉજવે છે ઉત્સવ.
યમુના તટે,
મધરાતે,
પંચમની સૂરસુધામાં
તરબતર થયેલ ગોપીસંગે
છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં.

પછી, એ ચાલી જાય છે સંતાકૂકડી રમવા
હિમાલયના બરફમાં પાછી.

રમતાં રમતાં થાકી જાય છે ત્યારે એ
ચક્રવાક મિથુનને શોધતી,
ગગનચુંબી શૃંગો પરથી
હસ્તી, ખેલતી, દડબડતી,
નીચે ઉતરી આવે છે
પ્રણયીની આંખોના વનમાં
ને પછી, એક દિવસ
આ વનમાં,
અહીંના દ્રૂમોમાં,
સૂરજસંગે
તડકે-છાંયે
રમી રમીને થાકે છે ત્યારે,
ચૂપચાપ, એક દિવસ,
વસંત પાછી ચાલી નીકળે છે…

ને પછી –
સૂકાભઠ વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા લીલા વાંસના ઘર્ષણથી,
ને, પછી… બાકી રહે છે બળતરા,
રાખ અને રાખમાંથી ચિનગારી.

વસંતને આવતાં તો આવડે છે પણ
પાછા જવાની રીત નથી આવડતી.

– જયશ્રી વિનુ મર્ચન્ટ

રાણી ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક એ વાસી ગઝલ
એક આ તાજી ગઝલ

એક સૈકા બાદ પણ
લે, ટકી મારી ગઝલ

હોય મારે મન ભલે
જીવથી ઝાઝી ગઝલ

હું વલોવાતો છતાં
રોજ ક્યાં આવી ગઝલ?

ચાહવાનું માપ શું
મેં તને માની ગઝલ

તું ઉદાસીમાં જઈ
કેમ સંતાતી, ગઝલ?

નમ્ર થા ‘ઈર્શાદ’, તું,
આવતી રાણી ગઝલ

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

ત્યારથી આખું જગત વિરોધમાં છે – અનિલ ચાવડા

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

– અનિલ ચાવડા

ચિત્રલેખા : ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’

ગમતાંનો ગુલાલ… …કારણ કે આ સફર આપ સહુના સ્નેહ વિના સંભવ જ નહોતી…

‘ચિત્રલેખા’ના ૭૨મા વાર્ષિક અંકની વિશેષ પૂર્તિમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામવા બદલ સમસ્ત ચિત્રલેખા પરિવારનો હૃદયપૂર્વક આભાર.

ધીરુબેન પટેલને શ્રધ્ધાંજલી

10 મી માર્ચે જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્ય લેખક અને ચલચિત્ર પટકથા અને બાળસાહિત્ય લેખિકા – ધીરુબેન પટેલે આપણી વચ્ચેથી વિદાય લીધી. કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર,  નંદશંકર સુવર્ણ ચંદ્રક, દર્શક પુરસ્કાર, અને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર મેળવનાર ધીરુબેને લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ભવની ભવાઈ સર્જાયું છે. 

એમના સર્જન વિષે વધુ માહિતી:
https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Dhiruben-Patel.html
એમને નતમસ્તક શ્રધ્ધાંજલી સાથે એમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક – ચોરસ ટીપું – ના લોકાર્પણ અને એમની 96મી વર્ષગાંઠ નિમિત્તે ભવન્સ ક્લચર સેન્ટરમાં યોજાયેલો પ્રસંગ માણીએ.  એમના સર્જન થકી ધીરુબેન હંમેશા આપણી સાથે રહેશે.