બાપુના અક્ષરની લ્હેરો, બોલ સાજના જાઉં પિયરિયે?
કાગળમાં છે માનો ચહેરો, બોલ સાજના જાઉં પિયરિયે?
મંદિરમાં મંજીરાં રણકે એમ રણકવા જાઉં?
પાંચીકાની ગમતી મોસમ ગળે લગાડી આવું.
આંબાડાળે ટીંગાડેલું ગીત ફરીથી ગાવું,
એક સખીની અડધી તાલી પાછી દેતી આવું,
થાક ઉતારે એવો ફેરો. બોલ સાજના જાઉં પિયરિયે?
ખાટામીઠા જન્મારાની વાત કરી દઉં માને
બાપુજીનાં ચશ્માને સંતાડું છાને છાને
સઘળાં સુખો સાથે પાછાં ચશ્માં શોધી આપું
એકલતાના દરિયામાં જઈ બાંધું નાનો ટાપુ
સુખનો રંગ બનાવું ઘેરો, બોલ સાજના જાઉં પિયરિયે ?
– મુકેશ જોષી