Category Archives: Global કવિતા

ગ્લૉબલ કવિતા : ૨૨૬ : નાગરિકત્વ – જાવિએર ઝામોરા

Citizenship

it was clear they were hungry
with their carts empty the clothes inside their empty hands

they were hungry because their hands
were empty their hands in trashcans

the trashcans on the street
the asphalt street on the red dirt the dirt taxpayers pay for

up to that invisible line visible thick white paint
visible booths visible with the fence starting from the booths

booth road booth road booth road office building then the fence
fence fence fence

it started from a corner with an iron pole
always an iron pole at the beginning

those men those women could walk between booths
say hi to white or brown officers no problem

the problem I think were carts belts jackets
we didn’t have any

or maybe not the problem
our skin sunburned all of us spoke Spanish

we didn’t know how they had ended up that way
on that side

we didn’t know how we had ended up here
we didn’t know but we understood why they walk

the opposite direction to buy food on this side
this side we all know is hunger

– Javier Zamora


નાગરિકત્વ

એ સાફ હતું કે એ લોકો ભૂખ્યા હતા
એમના ગાડાં ખાલી કપડાં એમના ખાલી હાથમાં

એ લોકો ભૂખ્યા હતા કેમકે એમના હાથ
ખાલી હતા એમના હાથ કચરાપેટીઓમાં

કચરાપેટીઓ શેરીઓ પર
ડામરની શેરીઓ લાલ ધૂળ પર ધૂળ જેના માટે લોકો કરવેરો ચૂકવે છે

પેલી અદૃશ્ય સરહદ સુધી દૃશ્યમાન ઘાટો સફેદ રંગ
દૃશ્યમાન બૂથ દૃશ્યમાન વાડ સાથે જે બૂથ પાસેથી શરૂ થાય છે

બૂથ રસ્તો બૂથ રસ્તો બૂથ રસ્તો કાર્યાલયનું મકાન પછી વાડ
વાડ વાડ વાડ

એ શરૂ થાય છે ખૂણામાંથી એક લોખંડના થાંભલાથી
હંમેશા એક લોખંડનો થાંભલો શરૂઆતમાં

પેલા માણસો પેલી સ્ત્રીઓ ચાલી શકે છે બૂથોની વચ્ચેથી
શ્વેત કે ઘઉંવર્ણા અફસરોને હાય કહી શકે છે સમસ્યા નથી

સમસ્યા હું માનું છું ગાડાં પટ્ટાઓ જેકેટ્સ હતાં
અમારી પાસે એકેય નહોતાં

અથવા કદાચ સમસ્યા જ નહોતી
અમારી ચામડી સૂર્યથી તતડેલી અમારામાંના બધા સ્પેનિશ બોલતા હતા

અમને ખબર નહોતી કેવી રીતે એ લોકોના આવા હાલ થયા હતા
પેલી બાજુ પર

અમને ખબર નહોતી કેવી રીતે અમે અહીં આવી ચડ્યા
અમને ખબર નહોતી પણ અમે સમજતા હતા કેમ એ લોકો ચાલે છે

વિરુદ્ધ દિશામાં અન્ન ખરીદવા આ બાજુ પર
આ બાજુએ અમે બધા જાણીએ છીએ તો માત્ર ભૂખ

– જાવિએર ઝામોરા
(અનુ. વિવેક મનહર ટેલર)

સરહદ – અનહદ દર્દની બેદર્દ જનેતા

નવ વર્ષનો એક ટાબરિયો એકલોઅટૂલો મેક્સિકોની સરહદ પર ઊભા રહીને સામે દેખાતા સ્વપ્નપ્રદેશ અમેરિકાને એકટક જોઈ રહ્યો હતો. ઢગલાબંધ પૈસા લઈને ગેરકાયદેસર સરહદ પાર કરાવનાર દલાલનો ક્યાંય પત્તો નથી. એ એક વર્ષનો હતો ત્યારે બાપ અને પાંચ વર્ષનો હતો ત્યારે મા સરહદ ઓળંગીને અમેરિકા ભાગી છૂટ્યાં હતાં. મા-બાપની પાસે જવા નીકળેલ આ ટાબરિયાને એકલો મૂકીને એના દાદા પણ અડધે રસ્તેથી જ વળી ગયા હતા. મેક્સિકોની સરહદ સુધી એ એકલો જ આવી પૂગ્યો હતો. અહીંથી ઝામોરાની આ કવિતા શરૂ થાય છે…

જાવિએર ઝામોરા. લેટિન અમેરિકામાં એલ સાલ્વાડોર ખાતે ૧૯૯૦માં જન્મ. ૧૯૮૦થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન અમેરિકી સહાયથી ચાલતું સાલ્વાડોરનું ગૃહયુદ્ધ એને નડ્યું. સરકારવિરોધી ડાબેરીપંથી પિતા પર સહકારી મંડળીના નાણાં ગબન કરવાનો આરોપ આવતાં એમણે ભાગવું પડ્યું. નોકરી માટે શેઠની સાથે સૂવાની આકરી શરતોને તાબે થયા વિના નહીં જ ચાલેની ખાતરી થતાં માતાએ પણ દેશ છોડ્યો. થોડા વર્ષ દાદા સાથે રહ્યા બાદ જાવિએર એકલવાયા બસમાં, બોટમાં, તો ક્યારેક પગપાળા પોતાના પરિવારને મળવા માટે ગ્વાટેમાલા, ત્યાંથી મેક્સિકો અને આખરે અમેરિકાના અરિઝોનાના સોનોરાન રણમાં એક ગેંગ્સ્ટરની મદદથી જઈ પહોંચ્યા. હાલ એ કેલિફૉર્નિયામાં સાન રફેલ ખાતે મા-બાપ સાથે રહે છે તથા સ્ટેનફર્ડ ખાતે વૉલેસ સ્ટેગ્નર ફેલો તરીકે રચનાત્મક લેખનમાં પ્રવૃત્ત છે. અલગ-અલગ યુનિવર્સિટીઝની ફેલોશિપ અને એવૉર્ડ્સથી એ સન્માનિત છે. અમેરિકાના નાગરિક કવિના પ્રથમ સંગ્રહને જ પુરસ્કારો મળી શકે એવી અમેરિકાની પરંપરા સામે જાવિએરે અન્ય બે કવિમિત્રો સાથે મળીને ઝુંબેશ ઊપાડી અને સરકારને નમાવી. હવે અમેરિકામાં વસતો કોઈ પણ કવિ એના પ્રથમ સંગ્રહનું દરેક જાતના પુરસ્કાર માટે નામાંકન કરી શકે છે.

ગ્વાટેમાલા સુધીની મુસાફરી એમણે ગદ્યમાં વર્ણવી પણ એ પછીની મુસાફરી કવિતાઓના આકસ્મિક ઊભરા સ્વરૂપે પ્રકટ થતી રહી. ૨૦૧૧માં એક ચેપબુક અને ૨૦૧૭માં એમણે એકલપંડે કરેલી હિજરતની અનુભવયાત્રાના નિચોડ સમો પ્રથમ સંગ્રહ ‘અનએકમ્પનિડ’ આપ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતાઓને ‘પ્રતિકારની કવિતાઓ’ તરીકે બિરદાવે છે. એમની રચનાઓ એમની જીવનયાત્રાનું કબૂલાતનામું છે. આ કવિતાઓ એમના જીવનમાં અલગઅલગ તબક્કે આવેલા વ્યક્તિઓને સંબોધીને સીધી લખાઈ હોય એવી છે. બાળકને દાદા પાસે એકલો મૂકીને દેશાટન કરી ગયેલા મા-બાપને પણ એ પોતાની કવિતામાં વાચા આપે છે: ‘તને કહેવા માટે કે હું જઈ રહ્યો છું/હું રાહ જોતો રહ્યો, જોતો રહ્યો/પુનર્વિચાર કરતો ઊંઘમાં મારા પહેલા વાક્યો માટે,/હું સૂઈ જ ન શક્યો.’ એમની કવિતાઓ નિર્વાસિતોની પીડાનું પંચનામું છે. એમાં રઝળપાટની યાતનાઓ અને છાતી પાસેથી પસાર થઈ ગયેલી ગોળીઓની ધણધણાટી છે. યુદ્ધ, ગરીબી અને સરહદોની વિષમતાઓને કવિ શબ્દોમાં તોળે છે અને આપણને જાગવા માટેનો ઈશારો કરે છે. એ પોતાના દેશ માટે લખે છે: ‘’મારા દેશ, તું છે જ નહીં/તું ફક્ત મારો એક ખરાબ ઓછાયો જ છે/શત્રુનો એક શબ્દ જેના પર હું વિશ્વાસ કરી બેઠો.’ નાની ઉમરે ખોવાઈ ગયેલ માતૃભૂમિ અને માતૃભાષા સાથે એમનું પુનઃસંધાન કરવામાં કવિતાએ ઉદ્દીપકનો ભાગ ભજવ્યો.

પ્રાણીમાત્રમાં જે ઘડીએ સમજણ આવી, સરહદ રચાઈ. વાડ બાંધીને વાડા ઊભા કરવા એ પ્રાણીમાત્રની ફિતરત છે. વાઘ-સિંહ જેવા મૂંગા પ્રાણીઓ પણ સ્થળે-સ્થળે પેશાબ કરીને અને ઝાડના થડ પર નહોરથી નિશાન કરીને પોતાની સરહદ નક્કી કરતાં હોય તો માણસ વળી કઈ વાડીનો મૂળો? સમજણની ખીલીથી માણસે પહેલું કામ હદ નક્કી કરવાનું કર્યું. ઘરની હદ. ગામની હદ. રાજ્યની હદ. દેશની હદ. અને આ ભૌતિકતામાં પૂળો મૂકો, માણસે તો લાગણીઓની, સંબંધોની, વાણીવર્તાવની –કશામાં હદ નક્કી કરવાનું બાકી છોડ્યું નથી. અને, આ હદ જ આપણી અનહદ સમસ્યાઓની ખરી જડ છે. જાવિએર ઝામોરા એમની ‘નાગરિકત્વ’ રચનામાં આ જ વાત લઈને આવ્યા છે. કવિ લખે છે: ‘આ કવિતામાં, મેં એક અંગત દૃશ્યને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેને મારે હજી પૂરું સમજવું બાકી છે: બેઘર અમેરિકન નાગરિકોને સસ્તો ખોરાક ખરીદવા મેક્સિકોમાં ઘુસતા જોવું. સ્થળ છે નોગાલિસ, એરિઝોના, પ્રવેશ માટેનું બારું. વર્ષ છે ૧૯૯૯નું. વક્તા છે નવ વર્ષનો છોકરો વચ્ચેની ‘લાઇન’ની મેક્સિકો તરફની બાજુએથી અમેરિકા તરફ જોઈ રહ્યો છે. હું ઇચ્છું છું દેશ-રાજ્યની હદ સ્પષ્ટ થાય, કઈ રીતે નાગરિકત્વનો વિચાર પણ સ્થૂળ સરહદની જેમ જ ધૂંધળો છે તે.’

નાગરિકત્વ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. બે દેશની વચ્ચેની સરહદની વાત છે એટલે કદાચ કવિએ આખી રચનાને નાની-મોટી બબ્બે પંક્તિઓના જોડકાંનું સ્વરૂપ આપ્યું છે. છંદનું બંધન પણ કવિએ સ્વીકાર્યું નથી. આખી રચનામાં કવિએ ક્યાંય કેપિટલ લેટર્સ તથા કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પણ વાપર્યા નથી જેથી બબ્બે પંક્તિઓમાં દ્વિભાજિત થયેલી આ કવિતા સળંગસૂત્રી લાગે છે. ઘણી જગ્યાઓએ કવિએ છંદની જેમ જ વ્યાકરણની વાડ પણ વળોટી છે અને ક્યાંક-ક્યાંક શબ્દોના પુનરાવર્તનનો કીમિયો અપનાવીને પોતાના અવાજને બુલંદ કર્યો છે. ચુસ્ત ભાષાકીય દૃષ્ટિએ જોવા જઈએ તો સરહદ સામે વિદ્રોહ કરતી આ કવિતા માણસો વચ્ચે ભેદ જન્માવતી ભાષા સામેનો વિદ્રોહ હોવાનું પણ અનુભવાય.

દુનિયા આખીનો પોલિસદાદો બની ગયેલા અમેરિકાનો બાર-બાર વરસ ચાલેલા એલ સાલ્વાડોરના ગૃહ યુદ્ધમાં સિંહ ફાળો હતો. સ્થાનિક સરકાર અને વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધને અમેરિકાએ પૈસા અને સૈનિકોનું પેટ્રોલ રેડી-રેડીને સળગતું રાખ્યું. ૭૫૦૦૦થી વધુ નિર્દોષ માણસો માર્યા ગયા અને દેશની લગભગ પાંચમા ભાગની વસ્તીએ, દસ લાખથી વધુએ દેશ છોડી ભાગી છૂટવાની નોબત આવી. એકતરફ અમેરિકાના પાપે નાગરિકોને પોતાનો દેશ છોડી ભાગવાની ફરજ પડી તો બીજી તરફ અમેરિકાએ ભાગી આવેલા નાગરિકોની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો અને નાગરિકત્વ આપવામાં ઠાગાઠૈયા કર્યાં. હજારો લોકોએ ગુમનામ જિંદગી જીવવી પડી. આ જ અમેરિકાએ જ્યારે જરૂર હતી ત્યારે યુરોપથી ગૃહયુદ્ધના કારણે ભાગી આવેલા નિર્વાસિતોને ખુલ્લા હાથે આવકાર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા વચ્ચે પડી ન હોત તો કદાચ દુનિયાના નક્શામાંથી એલ સાલ્વાડોરનું નામોનિશાન મટી જાત.

કવિતા ભૂખથી શરૂ થઈ ભૂખ પર ખતમ થાય છે. નાયકને સમજાય છે કે એ લોકો ભૂખ્યા હતા અને એમના ગાડાં પણ ખાલી હતાં, હાથ પણ ખાલી હતા. આપણે કહીએ છીએ કે भूखे भजन न होय गोपाला. અહીં ભૂખની પરાકાષ્ઠા ભાષાને પણ ચાવી ગઈ છે. વ્યાકરણના નિયમો ક્યારે ખવાઈ ગયા એ સમજાય એ પહેલાં તો કવિતા પાણીના રેલાની જેમ આગળ વધી જાય છે. પાછળ છૂટી ગયેલ વાક્ય, શબ્દસમૂહ કે પ્રતીકનો હાથ ઝાલીને ખાલી પેટની ઊંડી ગુફામાં અભાવનો પડઘો પાડતી હોય એ રીતે કવિતા આગળ વધે છે. એ લોકો ભૂખ્યા છે, કેમકે એમના હાથ ખાલી હતા. હાથ કચરાપેટીઓમાંથી ખાવાનું શોધી રહ્યા છે. કચરાપેટીઓ શેરીઓ પર પડી છે. શેરીઓમાંની જગ્યાએ શેરીઓ પર શબ્દપ્રયોગ કચરાપેટીની જેમ જ ખૂંચે છે આપણને. એ ડામરના લાલ ધૂળવાળી શેરીઓ જેના માટે લોકો કરવેરા ચૂકવે છે. લાલ ધૂળ વાંચતા જ લોહીનું ચિત્ર આંખ સામે આવી ઊભે. લોકોની મહેનત, લોકોનો પસીનો, લોકોનું લોહી ધૂળમાં રગદોળાઈ રહ્યાં છે. કવિ ઝડપભેર સરહદનું તણાવપૂર્ણ રેખાચિત્ર આડાઅવળા શબ્દોની પીંછીથી ઊભું કરે છે.

બે દેશ વચ્ચેની સરહદ (‘લાઇન’), સફેદ ઘાટો પટ્ટો, સૈનિકો, કર્મચારીઓના બૂથ, વાડ… બૂથ, રસ્તો અને વાડના એકધારા પુનરાવર્તનના કારણે આપણે આપણી છેક અંદર એ વાડ ઊતરી જતી હોવાનું અનુભવીએ છીએ. દરેક વાડની શરૂઆત એક લોખંડી થાંભલાથી થાય છે એમ કહીને કવિ કદાચ સરહદોની શરૂઆત હૃદયહીન આગેવાનોથી જ થાય છે એમ ઈંગિત કરતા હોવાનું અનુભવાય છે. પેલા લોકો અમેરિકન છે, એ લોકોને અફસરો અને બૂથો વચ્ચેથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી એમ કહીને કવિ સમસ્યા તરફ વળે છે. કશાનું હોવું એ જ મૂળ સમસ્યા છે. સરહદની આ પાર ઊભેલા નિર્વાસિતો પાસે તો કશું છે જ નહીં એટલે કદાચ સમસ્યા પણ નહોતી. ચામડી સૂર્યના તાપથી તતડી ગઈ છે કેમકે આ બધા લોકો દિવસોના દિવસોથી સરહદ પાર કરવાની આશામાં મુસાફરી કરતાં અહીં આવી પહોંચ્યા છે. બાળક ઝામોરાને પોતાને બે અઠવાડિયાની મુસાફરી પૂરી કરવામાં બે મહિના લાગી ગયા હતા. આ તરફના લોકોને ખબર નહોતી પડતી કે પેલી તરફના લોકોના આ હાલ કેવી રીતે થયા હશે! બહુ અગત્યની વાત છે આ. પોતીકું વતન છોડીને ગુનેગારની જેમ ગેરકાયદેસર જ્યારે કોઈ બીજા દેશમાં ઘૂસવા માંગતું હોય ત્યારે એના મનમાં એ દેશમાં માતૃભૂમિ કરતાં વધુ ચડિયાતા ભવિષ્યની આશા જ હોવાની ને? જે ભૂમિને સ્વર્ણભૂમિ માનીને માણસ પોતાના ઘર-બાર, સમાજ-સંબંધોનો ત્યાગ કરે છે એ ભૂમિના લોકોને પણ દુર્દશામાં જ સબડતા જુએ ત્યારે પોતાના ‘મહાભિનિષ્ક્રમણ’ની યથાર્થતા પર પ્રશ્ન તો થવો જ ઘટે ને? હિજરતીઓને ખબર નથી કે વખાના માર્યા પોતે અહીં કેમ આવી ચડ્યા છે પણ તેઓ એ જાણે છે કે પેલી બાજુના લોકો આ તરફ શા માટે આવી રહ્યા છે? એ લોકો સસ્તુ અનાજ ખરીદવા આ તરફ આવવાની જહેમત ઊઠાવી રહ્યા છે, જ્યારે વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ બાજુના લોકો કોઈ વસ્તુ જાણતા હોય, આ તરફના લોકોને કોઈ વસ્તુ સાથે ગાઢ પરિચય હોય તો એ વસ્તુ એકમાત્ર ભૂખમરો જ છે.

પારકે ભાણે લાડુ હંમેશા મોટો જ લાગે છે. આ તરફના લોકોને સુખી થવા માટે યેનકેન પ્રકારે પેલી તરફ જવું છે તો પેલી તરફના લોકોને એમ લાગે છે કે આ તરફ સોંઘવારી છે. સરવાળે બંને તરફના લોકો દુઃખી છે. સરહદે કદી કોઈને સુખ આપ્યું નથી. વાડ બાંધી દેવાથી પોતાની સુરક્ષા વધી જશે એવા ભ્રમમાં માણસ જેમ જેમ વાડ વિસ્તારતો ગયો એમ એમ એના મનોમસ્તિષ્કમાં વાડા ઊભા થતા ગયા. પણ દુઃખ વાડ કે વાડાને ગાંઠતું નથી. ભલભલી વાડમાં એ છીંડા પાડી દે છે. અને સુખ બિચારું ગભરું, તે વાડ ઓળંગીને વાડામાં આવતા અચકાયા કરે છે. હિજરતની આ કહાણી માત્ર અમેરિકા અને લેટિન અમેરિકા પૂરતી સીમિત નથી, દુનિયાના દરેક દેશોમાં પાડોશી દેશોમાંથી રેફ્યુજીઓના ધાડાં ઠલવાતાં જ રહે છે. જ્યાં સુધી માતૃભૂમિ યોગ્ય તક આપતી ન થઈ જાય ત્યાં સુધી નસીબના માર્યા લોકોએ જીવના જોખમે, બંદૂકની ગોળીઓની નજર ચૂકવીને પણ સરહદ પાર કરવાની ફરજ પડતી જ રહેશે, ભલે નવો દેશ એમને કોઈ ઓળખ ન આપે, સમાન તક ન આપે, સ્વીકાર ન આપે, નાગરિકત્વ ન આપે.

ભૂખનું કોઈ નાગરિકત્વ નથી હોતું. ભૂખ વિઝા લઈને નથી આવતી. હાડમારી, યાતના, નામલોપ, ગરીબી, તિરસ્કાર, મૃત્યુ- આ બધા હિજરતીઓના પાસપૉર્ટમાં ફરજિયાત લાગતા સિક્કાઓ છે. મૂળ છૂટવાની સાથે જ આ બધું કપાળ પર લખાઈ જાય છે. ઝામોરી પૂછે છે, ‘આજે લોકો નિર્વાસિતોની પીડાઓ પર ખુલીને કવિતાઓ લખતા થયા છે, પણ જ્યારે હું આ પીડામાંથી, નરકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈ કવિતા મને સાંત્વના આપવા આગળ આવી નહોતી?’ ઝામોરીની પ્રસ્તુત રચના નિર્વાસિતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લઈને આવી નથી. કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ છે માનવમનમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓના અંગારા પર બાઝી ગયેલી રાખ થોડીવાર માટે ઊડાડી આપવાનું, બસ! ઝામોરા આ કવિતા વડે જે સંદેશો આપવા માંગે છે એવા જ સંદેશા સાથેની એક બિનસરહદી ગઝલ પણ જોઈએ:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

ગ્લૉબલ કવિતા : ૨૨૫ : આઇસક્રીમનો શહેનશાહ – વૉલેસ સ્ટિવન્સ

The Emperor of Ice-Cream

Call the roller of big cigars,
The muscular one, and bid him whip
In kitchen cups concupiscent curds.
Let the wenches dawdle in such dress
As they are used to wear, and let the boys
Bring flowers in last month’s newspapers.
Let be be finale of seem.
The only emperor is the emperor of ice-cream.

Take from the dresser of deal.
Lacking the three glass knobs, that sheet
On which she embroidered fantails once
And spread it so as to cover her face.
If her horny feet protrude, they come
To show how cold she is, and dumb.
Let the lamp affix its beam.
The only emperor is the emperor of ice-cream.

– Wallace Stevens


આઇસક્રીમનો શહેનશાહ

બોલાવો મસમોટી સિગારના વાળનાર,
એ હટ્ટાકટ્ટાને, અને કહો એને કે વલોવે
રસોડાના વાસણોમાં કામાતુર દહીંઓને.
છોકરડીઓને આળસમાં રાચવા દો એ વસ્ત્રોમાં
જે પહેરવા તેઓ ટેવાયેલી છે, અને છોકરાઓને
લાવવા દો ગયા મહિનાના અખબારોમાં ફૂલો.
હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

કાઢો, કાચના ત્રણ ડટ્ટાઓ વગરના
કબાટના ખાનાંમાંથી, પેલી ચાદર
જેના પર એણે કદી પંખીઓનું ભરતકામ કર્યું હતું.
અને એવી રીતે પાથરો કે એનો ચહેરો ઢંકાય.
જો એના કઠણ પગ બહાર રહી જાય, તો એ બતાવવા માટે
જ કે એ કેટલી ઠંડી છે, અને મૂંગી પણ.
દીવાને એના કિરણ ગોઠવવા દો.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

– વૉલેસ સ્ટિવન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


ચાલો, જઈએ આઇસક્રીમના શહેનશાહના દરબારમાં…

સાંજના સોનેરી કિરણની છેલ્લી કરાડ પર તમે પ્રિયજનનો હાથ હાથમાં ઝાલીને તારામૈત્રક રચતા વીતી રહેલી ક્ષણોને અઢેલીને બેઠા છો… સમય અહીં જ થીજી જાય એવી બૂમ હૃદયના અંતરતમ ખૂણેથી ઊઠતી હોય, પણ ક્ષિતિજ પર સૂરજ એમ આથમી રહ્યો છે, જાણે પીગળતું આઇસક્રીમ ન હોય! ખરું ને? આઇસક્રીમ પણ ગમે એટલું વહાલું કેમ ન હોય, લઈને બેસી ન રહેવાય. જે ઘડીએ હાથમાં આવે એ ઘડીએ જ એને ખતમ કરવાની પેરવીમાં લાગી જવું પડે નહિતર એ પીગળવા માંડશે. ખરી મજા એને માણવામાં જ છે, સાચવવામાં નહીં. જિંદગીનુંય આવું જ છે. વૉલેસ પ્રસ્તુત રચનામાં આઇસક્રીમ અને જિંદગીનો એકમાત્ર સિદ્ધાંત –માણી લો- સમજાવે છે.

વૉલેસ સ્ટિવન્સ. અમેરિકામાં પેન્સિલ્વેનિયાના રિડિંગ શહેરમાં ૦૨-૧૦-૧૮૭૯ના રોજ ધનાઢ્ય વકીલના ઘરે જન્મ. કાયદો ભણ્યા. ૧૯૧૬ સુધી ન્યૂયૉર્કમાં વકાલત કરી. ત્યારબાદ કનેક્ટિકટ સ્થાયી થઈ વીમાકંપનીના ઉપપ્રમુખપદ સુધી પહોંચ્યા. ૧૯૧૪માં ‘પિટર પેરાસોલ’ના છદ્મનામે એમણે મોકલેલી કવિતાઓ સ્પર્ધામાં ન જીતી પણ પ્રગટ થઈ. એલ્સી વાયોલા કચેલ સાથે પાંચ વર્ષ લાંબા પ્રેમપ્રકરણ બાદ લગ્ન કર્યા ત્યારે વૉલેસના કુટુંબીજનો છોકરીને નીચલા વર્ગની ગણી આશીર્વાદ આપવા આવ્યા નહીં. વૉલેસે પણ મા-બાપ સાથે આજીવન સંબંધ ન રાખ્યો. કહેવાય છે કે વૉકિંગ લિબર્ટી હાફ ડોલર અને મર્ક્યુરી ડાઇમની મોડેલ એલ્સી હતી. વૉલેસ કરતાં ઉમરમાં દાયકાભર નાની, ઊંચાઈમાં એક ફૂટ અને વજનમાં સો પાઉન્ડ ઓછી, આર્થિક રીતે અને અભ્યાસની (૯મું પાસ) રીતે અડધાથીય ઓછી એલ્સીને પાછળથી માનસિક બિમારી પણ થઈ એટલે સહજીવન તો છિન્નભિન્ન થઈ ગયું પણ લગ્નજીવન અલગ-અલગ શયનકક્ષમાં એક મકાનમાં ટકી રહ્યું. ૦૨-૦૮-૧૯૫૫ના રોજ જઠરના કેન્સરના કારણે કાયમ થ્રી-પીસ સુટમાં સજ્જ રહેતી અંતર્મુખી સ્વભાવની સવા છ ફૂટની આ પડછંદ કાવ્યપ્રતિભા કાયમ માટે સૂઈ ગઈ.

પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા. આજે વીસમી સદીના શ્રેષ્ઠતમ અમેરિકન કવિઓમાંના એક, પણ મૃત્યુના વર્ષેક પહેલાં સુધી એમને જોઈતી પ્રસિદ્ધિ મળી નહોતી. પહેલા સંગ્રહની તો માંડ સો જ પ્રત વેચાઈ હતી. શરૂઆતની કવિતાઓમાં અંગ્રેજી રોમેન્ટિસિઝમ અને ફ્રેન્ચ પ્રતીકવાદની છાંટ જોવા મળે છે. નખશિખ મૌલિકતાથી છલોછલ એમની કવિતાઓ આગવી સૌંદર્યાન્વિત ફિલસૂફી, દિગ્મૂઢ કરી દેતા વૈચિત્ર્ય, તરંગીપણાં, અને પ્રભાવવાદી ચિત્રોની રંગચ્છાયાઓથી પ્રચુર છે. વસ્તુમાત્રને સમુચી બદલી શકતી કલ્પનાશક્તિ એમનું મુખ્ય હથિયાર હતું. કલ્પના અને નક્કર વાસ્તવિક્તાને એકમેકમાં સંપૂર્ણતઃ પલોટવાની અભૂતપૂર્વ પ્રતિભા એમને ઉફરા તારવે છે. તકનીક અને વિષયવસ્તુની સંકુલતાના કારણે લોકો એમને સ્વેચ્છાએ અઘરા બનેલા કવિ પણ કહેતા. એ કહેતા કે કવિતાનો ખરો અર્ક પરિવર્તન છે અને પરિવર્તનનો ખરો અર્ક એ છે કે એ આનંદ આપે છે.

પ્રસ્તુત રચના આઠ-આઠ પંક્તિના બે અંતરામાં વહેંચાયેલી છે. બહુપ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાઈ હોવા છતાં કવિએ મીટરમાં નાના-નાના પરિવર્તન કર્યે રાખ્યા હોવાથી વધુ રસિક બની છે. બંને અંતરાની આખરી બે કડીઓ સિવાય ક્યાંય પ્રાસ મેળવાયા નથી. આ કવિતાને વીસમી સદીની સૌથી વધુ ગૂંચવાડાજનક કવિતા અને ઉત્તમોત્તમ કૃતિ –એમ બેવડા પુરસ્કાર મળ્યા છે. ૧૯૪૬માં ફ્રેડરિક પૉટલે વાપરેલ પરિભાષાને સ્ટિફન બર્ટે ૧૯૯૮માં ‘ઍલિપ્ટિકલ પોએટ્રી’ તરીકે પુનઃસ્થાપિત કરી હતી. પ્રસ્તુત રચનાને આ વર્ગમાં મૂકી શકાય. આ વર્ગની કવિતાઓ સામાન્ય પ્રવાહ અને સમજણથી અવળી ચાલે છે. ઘટનાલોપ કરીને અમુક બાબતો અધ્યાહાર રાખવા સિવાય તિર્યકતા અને માર્મિકતા એનાં પ્રધાન લક્ષણ છે. પ્રસ્તુત રચનામાં પણ ઘણું સામાન્ય સમજ અને રોજિંદા અર્થઘટનની વ્યાખ્યાઓની બહારનું છે. શબ્દો, વિશેષણ, વાક્યરચનાઓ- આ બધું જ વધારાનું ધ્યાન માંગી લે છે. વૉલેસે કહ્યું હતું: ‘કવિતાએ બુદ્ધિનો પ્રતિકાર કરવો જ જોઈએ/લગભગ સફળતાપૂર્વક.’ કવિતાનું શીર્ષક ‘આઇસક્રીમનો શહેનશાહ’ વાંચીને જ મગજ ચકરાવે ચડી જાય. હજારો શહેનશાહોના નામ આપણે સાંભળ્યા હશે પણ આઇસક્રીમનો શહેનશાહ? કવિતામાં કવિ વળી એને એ એકમાત્ર શહેનશાહ હોવાની વાત બેવડાવે પણ છે. એટલે કવિતા પીગળી જાય એ પહેલાં આપણે આઇસક્રીમ પર ધ્યાન આપીએ.

આઇસક્રીમનો ઇતિહાસ પણ એના જેવો જ સ્વાદિષ્ટ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો બરફમાં મધ તથા ફળો ભેળવીને બજારમાં વેચતા. હિપોક્રેટ્સ એમના દર્દીઓને બરફ ખાવાનો ઈલાજ સૂચવતા. ઈ.પૂ. ૪૦૦માં પર્શિયામાં નવાબોને ગુલાબજળ, કેસર, ફળો વગેરેને બરફમાં ભેળવીને પેશ કરાતા. ઈસુના બસો વર્ષ પહેલાં ચીનમાં દૂધ અને ચોખાના મિશ્રણને બરફમાં થીજાવીને આઇસક્રીમ જેવો પદાર્થ બનાવાયો હતો. મીઠું ભેળવવાથી બરફનો હિમાંક શૂન્ય ડિગ્રીથી નીચે ઊતરે છે એ એમની શોધ હતી. રોમન રાજાઓ ગુલામો મારફત પહાડો પરથી તાજો બરફ મંગાવી અલગ-અલગ સ્વાદ ભેળવીને આરોગતા. ઈ.સ. ૬૧૮થી ૬૯૭ની વચ્ચે ચીનમાં રાજા ટેન્ગ ઑફ શાન્ગે ૯૪ આઇસ-મેનની મદદથી દૂધ, લોટ અને કપૂરની મદદથી આઇસક્રીમ જેવો ઠંડો પદાર્થ બનાવડાવ્યો હતો. તેરમી સદીના અંતભાગમાં વિશ્વ પ્રવાસી માર્કો પોલો ચીનથી આઇસક્રીમની રેસિપી ઇટલી લઈ આવ્યો. ભારતમાં આઇસક્રીમના પગરણ મોઘલ સામ્રાજ્યથી મંડાયા. ૧૯૨૬માં વ્યાવસાયિક ધોરણે આઇસક્રીમનું ઉત્પાદન શરૂ થયું, એ પહેલાં આઇસક્રીમ ભોગવિલાસની વસ્તુ ગણાતી. ૧૯૦૮માં મોન્ટગોમેરી ‘એન ઑફ ગ્રીન ગેબલ્સ’માં લખે છે: ‘મેં કદી આઇસક્રીમ ખાધું નથી. ડાયેનાએ મને સમજાવવાની કોશિશ કરી- પણ મને લાગે છે કે આઇસક્રીમ કલ્પના બહારની વસ્તુઓમાંની એક છે.’ વૉલેસની આ કવિતા ૧૯૨૩માં પ્રગટ થઈ એટલે સમજી શકાય છે કે આઇસક્રીમ એ જમાનામાં શી ચીજ હશે, અને કવિએ એને એકમાત્ર શહેનશાહ કેમ કહ્યું હશે!

કવિતા બે બંધની જેમ ઘરના બે કમરામાં વહેંચાયેલી છે. પહેલો બંધ આપણને રસોડામાં તો બીજો શયનકક્ષમાં લઈ જાય છે. રસોડામાં વ્યસ્તતા નજરે ચડે છે તો શયનકક્ષમાં મૃત્યુનો સન્નાટો. આઇસક્રીમના શહેનશાહવાળી ધ્રુવપંક્તિ બંને કમરા અને બંને અંતરા વચ્ચે અનુસંધાન સાધે છે. Big Cigar (મોટી સિગાર), Muscular (હટ્ટાકટ્ટા), Whip (ફીણવું), Wenches (છોકરડી), Dawdle (ટહેલવું) Horny (કામાતુર, કઠણ) વગેરે અસામાન્ય શબ્દપ્રયોગો કવિતાની અસાધારણતા તરફ લક્ષ ખેંચે છે, પણ દહીંનું બહુવચન અને કામાતુર (Concupiscent) વિશેષણ તો આપણને બેઠક પરથી અચાનક જ ઊઠલાવી પાડે છે. આ out of the box શબ્દ વધુ પડતો ભપકાદાર (Gaudy) લાગે છે. વૉલેસે પોતે કહ્યું હતું કે, ‘એમ્પરર ઑફ આઇસક્રીમ કવિતાએ જાણીબૂજીને અસામાન્ય પોશાક ધારણ કર્યો હોવા છતાંય મને લાગે છે કે કવિતા માટેના આવશ્યક ભડકીલાપનમાંથી એ કંઈક કબ્જે કરી શકી છે.’ આ વિશેષણ અને બહુવચન સહેતુક પ્રયોજાયા હોવાનું સમજાય છે. ખાદ્યપદાર્થને ‘કામાતુર’ કહીને કરાયેલ ઇન્દ્રિયવ્યત્યય ધ્યાનાર્હ છે. કિટ્સનું દીર્ઘકાવ્ય ‘ઇવ ઑફ સેઇન્ટ એગ્નેસ’ યાદ આવે જેમાં ‘મલાઈદાર દહીં કરતાં વધુ સારી જેલી’ જેવા પ્રયોગ સાથે પ્રેયસીને રીઝવવા માટે પોર્ફાઇરો જે રીતે નાનાવિધ વાનગીઓનો ખડકલો કરે છે એ સ્વાદેન્દ્રિય કરતાં વધુ તો આપણી વિષયાસક્તિને સ્પર્શે છે. આપણા ભાષાભંડોળમાં સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટી – આ બે શબ્દોની અર્થચ્છાયા યથાર્થ સમજાવી શકે એવા શબ્દ કદાચ નથી. વિષયાસક્તિ અને જાતીયતા કહીને આપણે ચલાવી લેવું પડે છે. પણ આ કવિતા ઇન્દ્રિયજન્ય સુખ પરત્વેની અભિરુચિ તરફ ઈશારા કરતા સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટીસભર સંકેતોથી ભરી પડી છે.

વૉલેસ કી-વેસ્ટ તથા હવાના ટાપુઓ પર અવારનવાર રહ્યા હોવાથી કવિતામાં ત્યાંના મૃત્યુવિષયક રિવાજોનો પરિચય થાય છે. ઘરમાં લાશ હોય એ સમયે થતા સામાજિક મેળાવડો એટલે ‘વૅક’ (wake). ક્યારેક આ પ્રસંગોએ જાગરણ થતું હોવાથીય આ નામ પડ્યું હોઈ શકે. આવા પ્રસંગોએ આઇસક્રીમ ઘરોમાં બનાવાતું. દરેક ઘરમાં મૃત્યુપ્રસંગે જોવામાં આવે છે એમ જ અહીં પણ કોઈક ‘વૅક’ની જવાબદારી પોતાના માથે લઈને હુકમબરદારી કરાવે છે. સૌપ્રથમ એ કાગળ વાળીને સિગાર બનાવવામાં નિષ્ણાત કોઈક હટ્ટાકટ્ટાને બોલાવવાનું ફરમાન કરે છે. ક્યુબા, કી-વેસ્ટમાં એ ગાળામાં સિગારની ઘણી ફેક્ટરીઓ હતી. નજીકની ફેક્ટરીમાંથી કોઈકને બોલાવવાનો છે પણ એ માણસ માંસલ હોવો જરૂરી છે. કેમ? કેમકે એણે શોકસભામાં આવનાર તમામ માટે ‘કામાતુર દહીંઓ’ને વલોવીને આઇસક્રીમ બનાવવાનું છે. આઇસક્રીમ આપણને દૂધ કરતાં વધુ આકર્ષે છે. કામક્રીડા સાથે સાંકળીએ તો આઇસક્રીમને દૂધનું ઓર્ગેઝમ ગણી શકાય. એટલે જ સંભાષક સ્નાયુબદ્ધ કામદારને બોલાવવાનું કહે છે. છોકરીઓને એમના રોજિંદા પોશાકમાં જ હાજર રહેવા દેવાનું સૂચવાય છે. શોકપ્રસંગે આપણે ત્યાં સફેદ પન પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કાળાં કપડાં પહેરવાની પ્રથા છે. સંભાષક મૃત્યુની ઉજવણીમાં માને છે એટલે રોજિંદો પહેરવેશ રાખવા જણાવે છે. ‘વેન્ચ’નો એક અર્થ છોકરી તો બીજો વેશ્યા થાય છે. કવિને કદાચ બંને અર્થ અભિપ્રેત છે. વેશ્યા અથવા એ કક્ષાની છોકરડીઓ એમ અર્થ કરીએ તો રોજિંદા પોશાકની પરિભાષા બદલાઈ જાય, પણ કવિ એ જ ઇચ્છતા હોવાનું સંભવ છે. છોકરાઓને શોકસભામાં બુકે લાવવાના સ્થાને વીગત મહિનાના અખબારોમાં વીંટાળીને ફૂલો લાવવાની રજા છે. અખબાર, ગયો મહિનો, ફૂલ –તમામ અલ્પાયુ. બધા રૂપક આઇસક્રીમની જેમ જીવનની નશ્વરતા તરફ અંગૂલિનિર્દેશ કરે છે.

‘હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા’ વાક્યપ્રયોગે તો વિશ્વભરના વિવેચકોને મૂંઝવ્યા છે. સામસામે આવી ઊભેલા વાસ્તવ અને કલ્પનામાં કવિ કદાચ વાસ્તવને ઊંચુ સ્થાન આપે છે. સરળ ભાષામાં કહીએ તો ચાલાકી અને આભાસને નક્કર વાસ્તવિક્તા માટે માર્ગ પ્રશસ્ત કરવા દો એમ કવિ કહે છે. ‘લાગવું’ એ આભાસી જીવનનું પ્રતીક છે તો ‘હોવું’ એ મૃત્યુની નક્કર હકીકત. કેમકે આખરે તો ક્ષણોમાં પીગળી જનાર આઇસક્રીમ યાને મૃત્યુ જ શહેનશાહોનો શહેનશાહ છે. આઇસક્રીમ સેક્સ, ફૂલો અને અખબારની જેમ અલ્પજીવી આનંદ છે. આઇસક્રીમ વળી ઠંડુ પણ છે. ઠંડે કલેજે પોતાના સમયે ને પોતાની શરતે આપણને તાણી જતા મૃત્યુની ક્રૂર ટાઢક પણ અનુભવાય છે. રસોડામાં ચાલતા હલ્લાગુલ્લા તરફ મૃતકનો અભિગમ શો હોય? ઠંડો જ ને! રસોડામાં આરામથી ટહેલતાં છોકરી-છોકરાઓનો પણ મૃતક તરફનો અભિગમ એવો જ ઠંડો છે ને! આમ, બધી રીતે આઇસક્રીમ રૂપક યથાર્થ છે.

ચહલપહલ અને કામુકસંકેતસભર રસોડાના દૃશ્ય બાદ બીજા અંતરામાં કવિનો કેમેરા શયનકક્ષ તરફ વળે છે. એકાધિક વાંચન વિના કવિતા સમજવી કદાચ શક્ય જ નથી. બીજો અંતરો પહેલાને ખોલવાની ચાવી છે. સંભાષકની હુકમદારી ચાલુ જ છે. એ મૃતકને ઓઢાડવા કબાટના ખાનામાંથી ચાદર કાઢવા આદેશ આપે છે. ખાનાં પરના કાચના ડટ્ટાઓમાંથી ત્રણ ગાયબ છે. મરનારની આર્થિક પરિસ્થિતિનો આપણને પહેલવહેલો અંદેશો મળે છે. સમારકામના પૈસાનો અભાવ તરવરે છે. મૃતકે ક્યારેક પંખીઓનું ભરતકામ કર્યું હતું એ ચાદર કાઢવાની છે. ભરતકામનો શોખ મરનારની વય વધુ હોવાનોય ઈશારો કરે છે. આમ, ઉમર વિશે પણ કવિતામાં પહેલીવાર અછડતો પ્રકાશ પડે છે. મૃતકનો વૃદ્ધ ચહેરો ઢંકાય એ રીતે આ ચાદર એને ઓઢાડવાની છે. ચહેરો ઢાંકતી ચાદરના રૂપકમાં રસોડાના હલ્લાગુલ્લા પર કરવાનો ઢાંકપિછોડો પણ વર્તાય છે. ચાદર પણ મૃતકની આર્થિક સ્થિતિ જેવી જ છે. મોઢું ઢાંકો તો પગ ઊઘાડા રહી જાય એવી ટૂંકી. પગ માટે ‘હૉર્ની’ વિશેષણ વપરાયું છે. હૉર્ની ફીટનો એક અર્થ નખવાળા પગ કે કઠણ પગ થાય છે. નખ શિંગડા (હૉર્ન)ની જેમ કેરેટિનનો બનેલો છે. આંટણ પડીને કઠણ થઈ ગયેલ ચામડીનેય હૉર્ની કહેવાય. વિશેષમાં, કવિતા કામસંદર્ભપ્રચૂર હોવાથી હૉર્નીનો અર્થ કામાતુર થાય એ યાદ કરવું પણ અનિવાર્ય બને. આંટણવાળા કઠણ પગ ઉમરનો અંદાજ આપતો બીજો સંદર્ભ. કઠણ પગ મૃતકના રસોડાની ગતિવિધિ તરફના ઠંડો અને મૂંગો પ્રતિભાવનાય સૂચક. અંતે દીવાને એના કિરણ ગોઠવવા દેવાની વાત સૂચવે છે કે વાસ્તવિકતાનો નિષ્ઠુર પ્રકાશ માત્ર એ જ બતાવશે જે ખરેખર જોઈ શકાય છે, આભાસ નહીં. એમ પણ વિચારી શકાય કે હવે આપણે આપણું ધ્યાન, આપણી સ્પૉટલાઇટ જીવન પર કેન્દ્રિત કરવાનાં છે, મૃત્યુ પર નહીં. ભરતકામવાળી પણ ટૂંકી પડતી ચાદર દીવાના પ્રકાશમાં ભાતીગળ જીવનની અપૂર્ણતા સૂચવે છે. ટૂંકમાં, ભાવક માટે અનેક અર્થઘટનની શક્યતાઓ અહીં પણ ભરી પડી છે.

કવિતા આપણને આજમાં જીવી લેવા (Carpe Diem) કહે છે. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની દ્વિધામાં અટવાયેલ હેમ્લેટની યાદ પણ આવે, અને ‘ઓન્લી એમ્પરર’ હેમ્લેટનું ઉચ્ચારણ: ‘તમારો કીડો જ તમારો એકમાત્ર શહેનશાહ છે ખોરાક માટેનો. આપણે સૌ જીવોને જાડા કરીએ છીએ, આપણા જાડા થવા માટે, અને આપણે જાડા થઈએ છીએ કીડાઓ માટે’ પણ યાદ આવે. મૃત્યુ જ એકમાત્ર શહેનશાહ છે. કબરના કીડાઓ જ આપણને ખાશે એ હકીકત અફર છે. આસપાસનું જીવન મૃત્યુ પછી પણ અટકવાનું નથી. તો મોતના શોકનો દંભ શીદ કરવો? મૃત્યુને ઊજવવું કેમ નહીં? પીગળી જાય એ પહેલાં આઇસક્રીમ માણી કેમ ન લેવું? શા માટે શોક પ્રદર્શિત કરતાં કપડાં પહેરવાં? શા માટે ફૂલોને સજાવી-ધજાવીને લાવવા? બે અંતરા અને બે ઓરડામાં વહેંચાયેલી કવિતા વ્યસ્ત જીવન અને એકલવાયા મૃત્યુના ચિંતન જગાવે છે. એક શોકપ્રસંગ અને લોકપ્રસંગને એ આપણા અંતિમ ગંતવ્યમાં પલટાવે છે. શરૂમાં ઇક્ઝોટિક ડિઝર્ટ તરીકે આપણને લોભાવતું આઇસક્રીમ ભાગ્ય આપણને અંતે જ્યાં લઈ જનાર છે એ મૃત્યુના પ્રતીકમાં પલોટાય છે અને આપણા મોઢામાં ભય પમાડે એવો ઠંડો સ્વાદ છોડી જાય છે… વૉલેસે કવિતા માટે જે કહ્યું હતું એ અહીં યથોચિત સિદ્ધ થાય છે: ‘કવિતાએ જીવંત હોવાની લાગણી તથા જીવંત હોવાને ઉત્તેજીત કરવું જોઈએ.’ અસ્તુ!

ગ્લૉબલ કવિતા: ૨૨૪ : મને જો ચાહે તો – એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ

Sonnet XIV

If thou must love me, let it be for nought
Except for love’s sake only. Do not say,
“I love her for her smile—her look—her way
Of speaking gently,—for a trick of thought
That falls in well with mine, and certes brought
A sense of pleasant ease on such a day”—
For these things in themselves, Belovèd, may
Be changed, or change for thee—and love, so wrought,
May be unwrought so. Neither love me for
Thine own dear pity’s wiping my cheeks dry:
A creature might forget to weep, who bore
Thy comfort long, and lose thy love thereby!
But love me for love’s sake, that evermore
Thou mayst love on, through love’s eternity.

– Elizabeth Barrett Browning

મને જો ચાહે તો

(શિખરિણી)
મને જો ચાહે તો પ્રીત જ પ્રીતનું કારણ હજો,
ન હો બીજો હેતુ લગરિક અને ના કહીશ આ:
“હું ચાહું છું એના સ્મિત, સિકલ, ભાવો સકળ, હા,
વળી એની બોલી મૃદુલ ગમતી ને ઉભયનો
મળે કેવો, જુઓ! મત ઉભયથી, સૂર્ય સુખનો!”-
પ્રિયે! આ ચીજોમાં ખુદ થઈ શકે ફેરબદલી,
નહીં તો એ તારે મન અલગ લાગેય પછીથી;
થતી જે આ રીતે, પ્રીત જઈ શકે એ જ ઢબથી.
દયા ખાઈને તો પ્રણય કદીયે ના કરીશ તું,
નિહાળી આંસુઓ હૃદય દ્રવવું સંભવિત છે,
અને ઉષ્મા પામ્યે રુદન ભૂલવું શક્ય જીવને.
થશે એવું તો શું પ્રીત જ નહિ ખોઈ દઈશ હું?

(અનુષ્ટુપ)
કારણ પ્રીતિનું પ્રીતિ*: એ સિવાય કશું નહીં.
પ્રેમ એમ પ્રિયે! હો તો પ્રીતિએ શાશ્વતી ગ્રહી.

– એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
(અનુ : વિવેક મનહર ટેલર)
(*- પુણ્યસ્મરણ: કલાપી)

પ્રેમ ખાતર પ્રેમ

(હરિગીત)
તારે મને ચાહવી જ હો તો અન્ય કો’ કારણ નહીં,
બસ, પ્રેમ ખાતર પ્રેમ કરજે, એવું ના કહેતો કદી-
કે, “હું મરુ છું એના સ્મિત પર, રૂપ પર કુરબાન છું,
વાણી મૃદુ મન મોહતી, ને આપણા વિચારનું
અદભુત છે સામંજસ્ય, એ કારણ જો, આપણ ભાગ્યમાં
સુખનો સૂરજ ઊગશે નકી, કારણ આ મારી ચાહના.”-
– કારણ, પ્રિયે! આ સઘળું આપોઆપ બદલાઈ શકે,
ને કાલે બદલાયેલ એ લાગે તને, એ પણ બને.
જે પ્રેમ આ રીતે હો સંભવ, આ રીતે જઈ પણ શકે,
ચાહીશ નહિ ખાઈ દયા, આંસુઓ મારા જોઈને,
સહવાસની ઉષ્મા મળે તો અશ્રુ સૂકાઈ શકે,
સંભવ છે ખોઈ પણ શકું હું એમ તારા પ્રેમને.
બસ, પ્રેમ ખાતર પ્રેમ કરજે, અન્ય કારણથી નહીં
જેથી કરીને પ્રેમને થઈ શકશે હાંસિલ શાશ્વતી.

– એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
(અનુ : વિવેક મનહર ટેલર)

પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી…

ઉષ્માસભર કાળજી એ સજીવમાત્રની આવશ્યકતા છે. કહે છે કે ફૂલ-છોડ-વનસ્પતિ પર પણ સ્પર્શ અને માવજતની અસર થાય છે અને આપણા વર્તનનો તેઓ સારો-નરસો બંને પ્રકારનો પડઘો પાડે છે. હા, આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ સાબિત થઈ ચુકી છે. મૂંગા પ્રાણી સાથે થોડા દિવસો વિતાવવામાં આવે તો આપણને એમની અને એમને પણ આપણી આદત પડી જાય છે. લાગણીના તંતુથી બંધાઈ જતાં વાર લાગતી નથી. છોડ-વૃક્ષ કે પશુ-પંખીની વાત બાજુએ મૂકો, નિર્જીવ વસ્તુ સાથે પણ આપણા દિલના તાર એવા જોડાઈ જતા હોય છે કે એ વસ્તુ ગુમાવીએ કે તૂટી જાય તો જીવ કાચી કળીએ કપાઈ જાય. પણ આ તમામ જોડકાંઓથી વધીને અને સર્વોપરી તો બે મનુષ્ય વચ્ચેનું જોડાણ જ. માનવી-માનવી વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત અને ઘનિષ્ઠ. કેમકે મનુષ્ય પાસે અભિવ્યક્તિ માટે હાવભાવથી વધીને ભાષાની સવલત પણ છે. આ ઉષ્માસભર કાળજી, માવજત, લાગણી કે સંબંધને આપણે પ્રેમનું નામ આપ્યું છે. પ્રેમ શબ્દ વળી સાવ છેતરામણો. જેમ ઈશ્વરનું અસ્તિત્વ શરૂથી જ શંકાસ્પદ, એમ જ પ્રેમનું પણ. બે મનુષ્ય વચ્ચેના ખેંચાણને આપણે પ્રેમનું નામ તો આપી દઈએ છીએ પણ સાચો પ્રેમ તો ભાગ્યે જ કોઈના નસીબમાં જોવા મળે છે. પ્રેમના નામે એકમેકની નજીક આવી ઉભય વચ્ચે સાયુજ્ય સ્થપાય, પરંતુ એને પ્રેમ કહી શકાય કે કેમ એ એક પ્રશ્ન છે, કારણ કે સાચા પ્રેમની આપણી વ્યાખ્યામાં હક, અપેક્ષા, માલિકીભાવ, સ્વાર્થ, શંકા, અહંકાર વગેરેનો સમાવેશ થતો જ નથી અને દુનિયામાં એવો તો એકેય સંબંધ જોવા જ નથી મળતો, જેમાં આમાંથી એક, એકાધિક કે તમામ પરિબળ સામેલ ન હોય! આજે જે કવિતા આપણે જોવાના છીએ તે કવિતામાં એલિઝાબેથ પણ આ મુદ્દાઓ અને સર્જાતી પળોજણથી પરિચિત હોવાના કારણે સાચા પ્રેમ તરફ જવાનો માર્ગ સૂચવે છે.

એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ. (જન્મ ૦૬-૦૩-૧૮૦૬, ઇંગ્લેન્ડમાં – મૃત્યુ ૨૯-૦૬-૧૮૬૧, ફ્લૉરેન્સ, ઈટલી ખાતે). ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડના વિક્ટોરિઅન યુગના રૉમેન્ટિસિઝમ ધારાના કવિઓમાં નોંધપાત્ર. રૉબર્ટ બ્રાઉનિંગના પત્ની પણ એમની ખ્યાતિ એમના પતિથી ખૂબ વધારે હતી. એમિલી ડિકિન્સન એમનાથી એટલા પ્રભાવિત હતાં કે પોતાના શયનકક્ષમાં એલિઝાબેથનો ફોટો ટાંગ્યો હતો. એક સ્ત્રી, એક વ્યક્તિ અને એક કવિ તરીકે તેઓ એમના જમાનાથી ખુબ આગળ હતાં. એમના માનવતાવાદી વિચારો અને ગુલામી-શોષણ સામેનો મક્કમ વિરોધ એમને એ જમાનાના સર્જકોથી મુઠ્ઠી ઊંચેરું સ્થાન બક્ષે છે. દસ વર્ષની વયે તો શેક્સપિઅર સહિતનું અઢળક સાહિત્ય વાંચી કાઢ્યું. અગિયાર વર્ષની વયે તો ચાર ભાગમાં વહેચાયેલું મહાકાવ્ય પણ લખી નાખ્યું. ગ્રીક અને લેટિન સાહિત્યનો ઊંડો અભ્યાસ. બાળપણથી બીમારીગ્રસ્ત અને દર્દથી બચવા આજીવન અફીણનો સહારો લીધો. નાની વયે જ દુનિયા પણ ત્યાગી ગયાં. અરૉરા લૅ (Aurora Leigh) નામની નવ ભાગમાં વિસ્તરેલી પદ્ય નવલકથા એમની યશકલગીનું મોરપિચ્છ છે.

પ્રસ્તુત રચના કવયિત્રીએ ૧૮૪૫-૪૬ની સાલમાં લખેલા ચુમ્માળીસ પ્રેમ-વિષયક સૉનેટોના સંગ્રહમાંથી લેવામાં આવી છે. સૉનેટ શૃંખલાની શરૂઆતમાં પ્રણયસંબંધની બાબતે એલિઝાબેથની અવઢવ, શંકા અને ડર બધું જ છંતું થાય છે. સૉનેટ આગળ વધતા જાય છે તેમ તેમ ચિંતા ઓગળતાં અને સંબંધ પર વિશ્વાસ દ્રઢ બનતો જતાં વધુને વધુ અંગત લાગણીઓનાં આલેખન થયેલ જોવા મળે છે. વિકસી રહેલ પ્રણય-સંબંધની આરસી જેવા આ સૉનેટ અંગતતમ હોવાથી એલિઝાબેથ એને પ્રગટ કરવાનાં મતનાં નહોતાં પણ ભવિષ્યના પતિ રોબર્ટે આ કામને શેક્સપિઅર પછીનાં પ્રથમ અને ઉત્તમ શૃંખલા-કાવ્યો હોવાનું કહી ૧૮૫૦માં પ્રગટ કરાવડાવ્યાં. અંગતતા જળવાઈ રહે એ હેતુથી સૉનેટો અનુવાદિત હોવાની છાપ ઊભી કરવા એમણે પુસ્તકનું નામ ‘સૉનેટ્સ ફ્રોમ પોર્ટુગિઝ’ રાખ્યું. રૉબર્ટ એલિઝાબેથને ‘માય લિટલ પોર્ટુગિઝ ‘ કહીને બોલાવતા હતા એ પણ કદાચ આ નામ રાખવાનું કારણ હોઈ શકે. પ્રસ્તુત સૉનેટ શૃંખલામાં ચૌદમું છે. અંગ્રેજીમાં પ્રમાણમાં કઠીન ગણાતી પેટ્રાર્કન શૈલીમાં લખાયેલ આ રચનામાં અષ્ટકમાં abba abba પ્રમાણે અને ષટકમાં cdcdcd મુજબ ચુસ્ત પ્રાસ છે, ફક્ત આખરી શબ્દ ઇટર્નિટીમાં જ eye-rhyme છે. અનુવાદમાં આઠમી પંક્તિના અપવાદ સિવાય abba cddc effe gg પ્રમાણે સ્વરાંત પ્રાસ જળવાયો છે. કાવ્યરીતિ ઉદ્ગારવાચક સંબોધન (અપૉસ્ટ્રફી) પ્રકારની છે, જેમાં કથક એકતરફી સંવાદશૈલીમાં પ્રિયજન સાથે વાતો કરે છે. પ્રિયજન શું જવાબ આપે છે, એ કાવ્યવિષય નથી.

આ સૉનેટ સાથે પરિચય કવિ કાન્તના ‘પ્રણયની ખાતર જ પ્રણય’ સૉનેટથી થયો. લગભગ સો-સવાસો વર્ષ પૂર્વેના અનુવાદની ભાષા સાથે આજની પેઢી અનુસંધાન સાધી શકે કે કેમ એ પ્રશ્ન થયો, અને આજની ભાષામાં એનો અનુવાદ કરી શકાય કે કેમ એ શંકા સાથે કાન્તે વાપરેલા શિખરિણી છંદ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો. કાન્ત જેવા મહાકવિની શબ્દાવલી કે ભાષાથી સાવ ઉફરા ચાલીને નવસર્જન કરવાનું કામ અઘરું તો હતું પણ કરી શકાયું. વળી, એક પ્રયોગ તરીકે આ જ સૉનેટનો હરિગીત જેવા માત્રામેળ છંદમાં પણ અનુવાદ કરી જોયો, કારણ કે મૂળ અંગ્રેજી છંદ આયમ્બિક પેન્ટામીટર માત્રામેળને જ મળતો આવે છે. અને આજની ભાષામાં સૉનેટ લખવું હોય તો માત્રામેળથી વધુ યોગ્ય કદાચ બીજો કોઈ છંદ જ નથી. એટલે બેમાંથી એક રદ કરવાને બદલે, એક પ્રયોગ તરીકે બંને અનુવાદ યથાવત્ રાખ્યા છે. બેમાંથી કયો સારો એ અને કાન્તના પેંગડામાં પગ ઘાલવાનું દુઃસાહસ સફળ થયું છે કે કેમ એ તો ભાવક જ નક્કી કરશે.

કવયિત્રી પ્રેમ બાબતે બહુ સ્પષ્ટ છે. કહે છે, મને પ્રેમ કરવો હોય તો પ્રેમ કરવા માટેનું કારણ કેવળ પ્રેમ જ હોય અને એ સિવાય બીજું કોઈ જ ન હોય એનું ધ્યાન રાખજે. પ્રણયકાવ્યોમાં કવિઓએ પ્રેયસીના વખાણ કરવામાં દુનિયાનો એક કાંકરોય તળેઉપર કરવાનું બાકી રાખ્યું નથી. દુનિયાભરના કવિઓએ પ્રેમિકાના સૌંદર્યના ગુણગાન ગાઈ-ગાઈને પ્રેમને છે એના કરતાં અનેકગણો ‘ગ્લૉરિફાય’ કર્યો છે. બેન જોન્સન ‘સૉંગ ટુ સિલિયા’ની શરૂઆતમાં કહે છે: ‘પ્યાલામાં એક ચુંબન છોડી દે, તો હું શરાબની શોધ નહીં કરું.’ અઢારમા સૉનેટમાં શેક્સપિઅર કહે છે: ‘કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું? વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે.’ પણ આ જ કવિ ૧૩૦મા સૉનેટમાં લખે છે: ‘મારી વહાલીની આંખો જરાય સૂર્ય જેવી નથી, એના હોઠ કરતાં પરવાળાં વધુ લાલ છે, બરફની શુભ્રતા સામે એના સ્તન ઝાંખા છે, માથાના વાળ કાળા વાયર જેવા છે, એના ગાલને કોઈ રીતે ગુલાબ કહી શકાય એમ નથી, એના શ્વાસ કરતાં તો ઘણાં અત્તર વધુ આનંદદાયી છે, એની સાથે વાતો કરવી મને ગમે છે, પણ સંગીતનો સ્વર એના અવાજ કરતાં વધુ ખુશદાયી છે; મારી પ્રિયા કોઈ દેવીની જેમ અધ્ધર નહીં, પણ જમીન પર જ ચાલે છે. અને તોય, ઈશ્વરના સમ, કોઈ પણ ખોટી સરખામણીઓથી પર એવો મારો એના માટેનો પ્રેમ વધુ મૂલ્યવાન અને દુર્લભ છે.’ શેક્સપિઅર જ્યાં એમ કહીને અટકી ગયા કે મારી પ્રિયા સુવાંગ સંપૂર્ણ ન હોવા છતાં હું એને ચાહું છું, ત્યાંથી એલિઝાબેથ એક કદમ આગળ વધે છે. એ પોતાના પ્રિય પાત્રને પોતાના રૂપ-ગુણ-ચાલચગત જોઈને પોતાના પર મોહિત થવાના બદલે કેવળ પ્રેમ ખાતર પ્રેમ કરવા આહ્વાન આપે છે.

એ કહે છે, કે મહેરબાની કરીને તું એવું તો કહીશ જ નહીં કે હું એના સ્મિતને ચાહું છું, અથવા એનો દેખાવ, હાવભાવ, મંદ મધુરું બોલવાની ઢબ મને ગમે છે. અમારા બેઉના વિચારો એકમેકને મળતા આવે છે અને એના કારણે નિશ્ચે જ જીવનમાં સુખનો દહાડો ઊગે છે. નાકનકશો કે આચાર-વિચારના આધારે પસંદગી કરવાના મતની એ નથી. વળી એની પાસે આનું કારણ પણ છે. નાયિકા માને છે કે આ તમામ વસ્તુઓ સમય સાથે બદલાઈ શકે છે. આગળ જેની વાત કરી, એ જ અઢારમા સૉનેટમાં શેક્સપિઅર કહે છે: ‘કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી; અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા.’ આ ઉપરાંત માણસનો ખુદનો આ વસ્તુઓ માટેનો અભિગમ પણ સમય જતાં બદલાઈ શકે છે. આજે જે ચહેરો ગમતો હોય, એ આવતીકાલે કદાચ ગમતો બંધ પણ થઈ જાય. આજે જે વાણી-વર્તન આકર્ષતાં હોય, એ કાલ ઊઠીને અકારા લાગવા માંડે એય સંભવ છે ને! ૧૧૬મા સૉનેટમાં શેક્સપિઅર જો કે પ્રેમના પક્ષમાં આવી દલીલ કરે છે: ‘એ પ્રેમ પ્રેમ નથી જે પ્રિયજનને બદલાયેલ જોઈને બદલાઈ જાય, અથવા પ્રિયજનના ચાલ્યા જવાથી ચાલ્યો જાય…. પ્રેમ સમયના કાબૂમાં નથી, પછી ભલે ને હોઠ અને ગાલ સમયના દાંતરડાના પરિઘમાં કેમ ન આવતા હોય!’

કાવ્યનાયિકા સમજે છે કે રૂપ-ગુણના આધારે કરવામાં આવેલો પ્રેમ એ જ રસ્તે પલાયન પણ થઈ જઈ શકે છે. સમય સાથે કે અકસ્માતે રૂપ વિલાઈ જાય તો પ્રેમ પણ વિલાઈ જઈ શકે છે. સ્ત્રીઓ માફ કરે, પણ એક સરસ ટૂચકો ટાંકવાનો લોભ જતો કરી શકાતો નથી: ‘લગ્નના પ્રથમ ત્રણ વર્ષ સ્ત્રી ચંદ્રમુખી લાગે છે, પછી સૂર્યમુખી. પછીના ત્રણ વર્ષ જ્વાળામુખી અને એ પછી કાળમુખી.’ વ્યક્તિ ભલે એની એ જ હોય પણ કાળનું ટાંકણું વ્યક્તિને અને વ્યક્તિને જોનારી નજરને-બંનેને સતત કોરતું રહે છે. પરિણામે સમયની કેડી પર કોઈ બે વ્યક્તિ આગળ જતાં એના એ રહી શકતા નથી. આ જ કારણોસર નાયિકા પરિવર્તનશીલ કારણોની નિસરણી ચડીને નાયકને પ્રેમની અટારીએ આવવા દેવા માંગતી નથી.

આ તો થઈ બાહ્ય મૂલ્યોની વાત. હવે માનવોર્મિની વાત. નાયક દયા ખાઈને પોતાને ચાહે એ તો નાયિકા સહેજે ઇચ્છતી નથી. સ્ત્રીનું રૂદન જોઈને પુરુષને સ્વાભાવિક હમદર્દી થાય જ. આંસુ લૂંછવા, ભીનાં ગાલ સૂકવવા પુરુષનો હાથ અને રૂમાલ આગળ વધે જ, પણ આ હમદર્દીને પુરુષ પ્રણય ગણીને સ્ત્રી સાથે આજીવન બંધાવા તૈયાર થાય એ માટે નાયિકા તૈયાર નથી. પાત્ર ગમતું હોય પણ જીવનભર સાથે રહેવાના નિર્ણય બાબતે અવઢવ હોય, લાઇકિંગને લવકરાર આપવા બાબતે દૃઢનિશ્ચયી થઈ શકાતું ન હોય, પણ સામું પાત્ર આપણા પ્રેમમાં હોય અને વળતો પ્રેમ મળતો ન હોવાના કારણે તકલીફ ભોગવતું જણાય કે રડતું રહેતું હોય ત્યારે દયાભાવને પ્રેમભાવ ગણી લેવાની ઉતાવળ થઈ શકે છે. પણ નાયિકાની વિચારધારા સ્ફટિકસ્પષ્ટ છે. એ કહે છે કે આંસુઓ નિહાળીને તારું હૃદય મારા માટે દ્રવી ઊઠે એ બનવાકાળ છે, પણ આ રીતે તરસ ખાઈને તો તું મને પ્રેમ ન જ કરતો. કારણ કે પ્રેમના અભાવમાં આંખોથી વહેતાં આંસુઓ પ્રેમ મળ્યા પછી શું અટકી નહીં જાય? રડવા માટેનું કારણ જ ન રહે તો રડવાની શી જરૂર? અને આંસુઓને જોઈ જાગેલી અનુકંપાથી ઉદભવેલો પ્રેમ આંસુઓની અનુપસ્થિતિમાં લુપ્ત થઈ જાય તો? આમ, નાયિકા પ્રેમ કરવા માટે પ્રચલિત તમામ કારણોને એક પછી એક જાકારો આપે છે. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે નાયક જો એને પ્રેમ કરવા ઇચ્છુક હોય તો કેવળ અને કેવળ પ્રેમ કરવા માટે જ પ્રેમ કરે. પ્રીતનું કારણ કેવળ પ્રીત જ હોવું જોઈએ, એ સિવાય કશું નહીં. અણીશુદ્ધ ન હોય તો પ્રેમ લાંબુ ટકી શકવા સમર્થ જ નથી. કદાચ એને પ્રેમ કહી શકાય કે કેમ, એય એક સવાલ છે. કારણોની કાંખઘોડી લઈને ચાલવું પડે એ પ્રેમ અપંગ જ હોય! એને ભલે આપણે નામ પ્રેમનું કેમ ન આપીએ, એ હકીકતે તો પ્રેમ ઓછો અને જરૂરિયાત, મમત્વ, અહંતુષ્ટિ, દયાભાવ કે સમાજિક પ્રતિષ્ઠાનિર્વાહની આવશ્યકતામાંથી જન્મેલું બંધન જ વધારે હશે. નિર્ભેળ અને નિર્હેતુક હશે, તો અને તો જ પ્રેમ શાશ્વત બની શકે.

અંતે આ જ કાવ્યના કવિ કાન્તના અનુવાદ ‘પ્રણયની ખાતર જ પ્રણય’ સાથે વિરમીએ:

સખે! મારી સાથે પ્રણય કરવો તો પ્રણયના
વિના બીજા માટે નહિ, નહિ જ આવું મન કહીઃ
“સ્મિતો માટે ચાહું, દગ મધુર માટે, વિનયથી
ભરી વાણી માટે, અગર દિલના એક સરખા
તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું!”
બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય અથવા
તને લાગે તેવી; અભિમુખ અને તું પ્રથમથી
થયો, તે એ રીતે વિમુખ પણ રે, થાય વખતે!
અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
દયા તારી, તેથી પણ સખે ! સ્નેહ કરતો:
રહે કાંકે તારી નિકટ ચિર આશ્વાસન લહે,
ખુએ તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વીસરતાં!
ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને:
ગ્રહે કે જેથી એ નિરવધિ યુગોમાં અમરતા!

ગ્લૉબલ કવિતા : ૨૨૦ : નભ વચ્ચે આ કયો ખલાસી! – ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

– ઉષા ઉપાધ્યાય


આ જાળમાં ફસાઈ જવું ગમે એવું છે…

વરસાદની મજા જ અલગ. આમ તો બધી ઋતુઓ પાસે આગવો અદકેરો વૈભવ છે જ, પણ વરસાદના ખિસ્સામાંથી જે વૈભવ છલકાય છે, એ તો કદાચ વસંતનેય દોહ્યલો થઈ પડે. વસંતઋતુ ઓઝપાઈ ગયેલી દુનિયાને અવનવા રંગો અને સુગંધોથી માલેતુજાર કરે, પણ વરસાદ તો દુનિયા આખીનો ફેસ-લિફ્ટ જ કરી દે! વસંત તો વૃક્ષો અને માનવીના મનને અડે, પણ વરસાદ તો ધરતીના કણેકણને નવપલ્લવિત કરી દે. માટે જ દુનિયાભરના કવિઓ અનાદિકાળથી વરસાદના ગીતો ગાતા આવ્યા છે અને ગાતા રહેશે. આજે આપણે આવા જ એક ગીતના અમીછાંટણાંમાં સરાબોળ ભીંજાઈએ, ચાલો…

ઉષા ઉપાધ્યાય આપણી ભાષાના જાણીતા સર્જક છે. ગદ્ય-પદ્યકાર, અનુવાદક, વિવેચક, પ્રાધ્યાપક હોવા ઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્ય સંવર્ધન અને ખાસ તો ‘જૂઈમેળા’ અન્વયે સ્ત્રીસર્જકોની સંવેદનાઓને સંકોરવા તથા મંચ પૂરો પાડવાના ભગીરથ કાર્યમાં સદૈવ રત રહે છે. પ્રસ્તુત રચના ‘નભ વચ્ચે આ કયો ખલાસી!’ને કદાચ એમની સિગ્નેચર પોયમ પણ કહી શકાય.

રચનારીતિએ આ ગીત છે, પણ મુખબંધમાં જેને દોઢ વાળવી કહે છે એ કવયિત્રીએ વાળી નથી. મતલબ, સામાન્યતઃ અન્યોન્ય સાથે પ્રાસ મેળવતી દોઢ કે બે પંક્તિના સ્થાને અહીં એક જ પંક્તિ છે. પહેલી પંક્તિ ગીતને ઉપાડ આપે અને બીજી પંક્તિ એને ટેકો આપીને ભાવાનુભૂતિના આકાશમાં વધુ ઊંચે લઈ જાય એવી પ્રથાથી ટેવાયેલા ભાવકને એક પંક્તિના મુખડામાં અધૂરપ લાગી શકે, પણ ગીતનો ઉપાડ એવો સશક્ત છે કે અધૂરપ મધુરપ બનીને લોહીમાં ક્યારે ભળી ગઈ એ કળી શકાતું નથી. ગીતના લક્ષણો વર્ણવતાં ભગીરથ બ્રહ્મભટ્ટે જાણે કે એમના માટે જ લખ્યું છે: ‘ગીતનો ઉપાડ આકર્ષક હોય છે. ગીતકાર એક કુતૂહલ પ્રગટાવે છે. વાચકને વશ કરી દે એવી પંક્તિ યોજી, ગીતની અડધી સફળતા સિદ્ધ કરે છે.’ કવયિત્રીને એક પંક્તિનું મુખબંધનિયોજન વધુ અનુકૂળ હોવાનું જણાય છે. ‘આવ સખી, મોસમના પહેલા વરસાદમાં…’, ‘મૂળથી ઉખડી જઈએ એવો સાદ કરો ના અમને…’, ‘અલ્લડ તારી આંખ કહે છે ચાલ લે ભેરુ સંતાકૂકડી રમીએ’, ‘કા’ન વસે તું દૂર દેશ કે સાવ અમારી પાસે’, ‘અધમધ રાતે જીવ અભાગી શાને છાનું રડતો? –આ તમામ એમના ગીતોના એકપંક્તિય ઉપાડ છે. પારંપારિક મુખબંધવાળાં ગીતો પણ સર્જક કનેથી મળે જ છે. પણ એક પંક્તિના ધ્રુવપદ એમનો વિશેષ છે. પ્રમાદ ઓછો અને કૌશલ્ય વધુ લાગે એવી બાહોશ આ વિધા છે. બીજું, આપણી ગીતરચનાઓમાં સામાન્યતઃ બંધ અથવા અંતરો પણ અંત્યાનુપ્રાસ ધરાવતી બે કડીનો હોય છે. એ પછીની ત્રીજી યાને પૂરકપંક્તિ (ક્રોસલાઇન) ધ્રુવપદના પ્રાસ સાથે પ્રાસ મેળવીને ગીતના એક ખંડકને પૂર્ણ કરે છે. પણ જે રીતે આ ગીતે એક કડીના મુખબંધ વડે રુઢિગત ગીતોથી અલગ ચોકો ચાતર્યો છે, એ જ રીતે અંતરો પણ પરસ્પર પ્રાસ મેળવતી બેના સ્થાને ત્રણ કડીઓનો છે અને પૂરકપંક્તિનો સદંતર અભાવ છે.

આવા આ ઉફરા ગીતના ઉપાડનો પૂર્વાર્ધ ગીતનું શીર્ષક પણ છે. ‘નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!’ -એ પ્રશ્નથી કાવ્યારંભ થાય છે. બે ઘડી અટકી જવું પડે એવું આ મુખબંધ છે. ‘જળની જાળ’ વાંચતાવેંત આપણને ફાંસી લે છે. આગળ જતાં ફોડ પડે એ પહેલાં જ વરસાદ આપણને ભીંજવવા માંડે છે. વળી, અષ્ટકલનો લય પણ એકધારું વરસતા વરસાદ જેવો મજાનો થયો છે. સામાન્યતઃ ખલાસી કિનારે બેસીને જાળ ગૂંથે અને પાણીમધ્યે જઈને ફેંકે. પણ આ ખલાસી આકાશની વચ્ચે બેસીને જાળ ગૂંથી રહ્યો છે. નાની અમથી પંક્તિમાં આ અરુઢ વાત અને જળની જાળ જેવા અનૂઠા કલ્પનના કારણે અદભુત કવિતા હાથ ચડી હોવાનો અંદાજ આપણને આવી જાય છે. કવિએ સવાલ કર્યો જ છે પણ આ ખલાસી ‘કયો’ હોઈ શકે એ તરત સમજી શકાય છે. આકાશમાંથી વરસતો વરસાદ ઈશ્વરે ગૂંથેલી જળની જાળ હોવાનું રૂપક મનહર થયું છે.

જળ સાથે રમવાનું સર્જકને આમેય વિશેષ ગમતું જણાય છે. ‘સોમલ’ ગીતમાં એમનું જળ ‘મૂંઝાય’ પણ છે, અને ‘કંતાય’ પણ છે: ‘જળના તરાપાને જળમાં ઝૂલવતા એ વાયરાનું ગામ ક્યાં શોધવું?’ એમની ‘જળની માયા’ પણ જોવા જેવી છે: ‘કૂંપળ-શી કોળું ને મ્હોરું મારા રંગલાલ, સાચુકલા મેઘ બની વરસો મારા રંગલાલ.’ જે સર્જકને ‘વાદળ વરસે ને કહે ઘરમાં તું કેમ છે,’ એ સર્જકને મન તો વરસાદની મોસમ એટલે ‘મોસમ આવી છે સવા લાખની, હવે છત્રી સંકેલ તારા કામની’ – આજ અભિવ્યક્તિ હોય ને! વળી કહે છે: ‘કોઈ આંખમાં જળની ઝીણી ઝૂલ જોઈ ને ફળી જાતરા’

જળનાં જંતર રાગ કયો દિન-રાત છેડતાં?
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.

જળનું જંતર વગાડતાં ને જળની ઝૂલ જોતાંમાં જાતરા ફળી હોવાનું અનુભવતાં સર્જક પાસેથી જ જળની જાળ જેવું મજાનું ગીત મળી શકે. ટાપુ પ્રદેશોના કાંઠાઓને બાદ કરીએ તો ભારતનો દરિયાકિનારો લગભગ ૫૪૦૦ કિલોમીટર લાંબો અને બધા રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકાંઠો આપણા ગુજરાતનો. ૧૬૦૦ કિલોમીટર યાને દેશના કુલ કાંઠાનો લગભગ ત્રીસ ટકા દરિયો માત્ર આપણી પાસે છે. કચ્છથી લઈને તળગુજરાત સુધી દરિયાના મોજાંઓ જેના પગ સતત પખાળતાં રહે છે એવા ગુજરાત પાસેથી દરિયાના ગીતો તો અનેક મળી રહે છે, પણ ખલાસીઓ કે માછીમારોના ગીત પ્રમાણમાં જૂજ જ જડે છે. પ્રસ્તુત રચના આ વિષયક તમામ ગીતોમાં શિરમોર સિદ્ધ થાય એવી છે. આકાશના વિશાળ ભૂરા સમુદ્રની વચ્ચોવચ્ચ અડિંગો જમાવીને બેઠેલો ખલાસી જળની જાળ ગૂંથી રહ્યો છે. કામ પતતા ઊભા થતાવેંત એ ખેસ ખંખેરે છે. બહુ નાની અમસ્તી ચેષ્ટા છે પણ કવયિત્રીના વિચક્ષણ અવલોકનની એ દ્યોતક છે. કામ પતે એટલે માણસ ‘બેઠાંનો થાક’ ઉતારવા ઊભો થાય અને ખલાસી હોય એટલે ખભે સહેજે ખેસ હોવાનો અને ખેસ હોય એટલે એને ખંખેરવાની આદત પણ હોવાની જ. ખલાસીના સ્વભાવગત લક્ષણના સૂક્ષ્માલેખનના કારણે આખું ચિત્ર તાદૃશ થાય છે. આ કવિનો કમાલ છે. વળી ‘ખેસ ખંખેરવો’ રુઢિપ્રયોગનો એક અર્થ કોઈ જવાબદારીમાંથી મુક્ત થવું એવો પણ થાય છે. આપણો ખલાસી પણ જળની જાળ ગૂંથવાની જવાબદારીથી હમણાં જ છૂટ્યો હોવાથી અહીં આ અર્થ પણ પ્રસ્તુત જ ગણાય. બરાબર ને?

ખલાસીના ઊભા થઈ હટવાની વાર જ ન જોતું હોય એમ પળવારમાં તો આકાશ ગોરંભે ચડે છે અને વાદળોનું જંગલ એને ઘેરી વળે છે. આભમાંથી ફર-ફર ફર-ફર ફોરાં વરસવા માંડે છે. અષ્ટકલના લય સાથે ફર-ફરની પુનરુક્તિ અને નભ-ઘન-વનના ‘ન’ અને ફર-ફર-ફર-ફર-ફોરાંના ‘ફ’ની વર્ણસગાઈના કારણે વરસાદ રીતસર પડતો અનુભવાય છે. જાળ ગૂંથવાની પ્રક્રિયા દરમિયાન જાળ કાતરતાં જે કતરણ પડી હોય એ ખલાસીના શરીર અને ખેસ પર પણ ચોંટી જ હોય. ઊભા થતાં ખેસ ખંખેરવાની સાથે કતરણ ખેરવવાની ખલાસીની સહજ ચેષ્ટાને કવિતામાં વણી લઈને સર્જક ચિત્ર સંપૂર્ણ બનાવે છે.

વરસાદ આભેથી ત્રમઝૂટ વરસતો હોય ત્યારે બીજું કશું સાફ જોવાનું શક્ય બનતું નથી. આભેથી અનવરત વરસતાં ધોધમાર વરસાદના કારણે આંખ સામે રચાતાં દૃશ્યને કવયિત્રી માછીમારની જાળ સાથે સરખાવે છે, એ ઉપમા કેવી યથોચિત છે! જાળના ઢગલામાં ગૂંચવાયેલા સફેદ તાંતણાંઓ અને આકાશેથી ત્રમઝૂટ વરસતો વરસાદ-બંનેમાં કેટલી દ્રાશ્યિક સમાનતા છે! ખલાસી કે માછીમાર માટે પ્રયોજાયેલ ધીવર સંજ્ઞા ધ્યાન બહાર ન રહી જાય, એ જોજો. પ્રાચીન જૈન ‘આનંદકાવ્યમહોદધિ’માં આ શબ્દ પ્રયોગ બહુ સરસ રીતે કરાયો છે: ‘તે મચ્છ ધીવરે કાઢીઓ, જાણી ભાર વિશેષ રે.’ આમ તો ધીવર સમાજની હાજરી સમગ્ર ભારતમાં છે પણ ચલણમાંથી આ શબ્દ ધીમેધીમે ઘસાઈ રહ્યો છે, અને ઘસાતા સિક્કાને નવો ચળકાટ આપવાનું કામ તો કવિનું જ ને?!

ધીવર એની જાળને ફંગોળીને, ફેલાવીને નાંખે છે. ખલાસી જાળ નાંખીને માછલીને પોતાના તરફ ખેંચી લે એ ઉપલક્ષે આભમાં ઊભેલો ‘કોઈ’ ખલાસી જળની જાળ ફેલાવીને નાંખે અને આખી પૃથ્વીને પોતાના તરફ ખેંચી લેવા માંગતો હોય એ કલ્પન કેવું પ્રબળતમ થયું છે! કવયિત્રીને અભિપ્રેત હોય કે ન હોય, પણ પૃથ્વી માટે મહામત્સ્ય વિશેષણ વાંચતાં જ મત્સ્યાવતાર યાદ આવે. અંજલિમાં ભૂલથી (!) આવી ગયેલી માછલીની વિજ્ઞપ્તિને માન આપીને મનુ મહારાજે કમંડળમાં મૂકી, પણ માછલી તો દિન દૂની રાત ચોગુની વધતી ગઈ અને અંતે સાગરના જળચરોથી બચાવેલી નાનકડી માછલીને મહામત્સ્ય બન્યા બાદ સાગરમાં જ છોડવી પડી. એ મહામત્સ્યે પ્રલયમાંથી સૃષ્ટિના નિર્વાહ્ય માટે અનિવાર્ય સચરાચરને ઉગાર્યાં એ વાતની સ્મૃતિ થયા વિના રહેતી નથી. અહીં, બારે મેઘ ખાંડા થઈને ધરતીને જળતરબોળ કરી નાંખવા નીકળ્યા હોય એ દૃશ્ય સર્જકે કલમના એકાદ-બે લસરકામાં જ આબાદ ઉપસાવ્યું છે. વરસાદનું જોર જોઈને તો એમ જ લાગે કે પલકવારમાં આભ અને ધરતી જળબંબાકાર થઈ એક થઈ જશે. બંને બંધમાં કવયિત્રીએ ‘પલક’ શબ્દપ્રયોગ કર્યો છે. સમયના નાનામાં નાના એકમની સામે સમગ્ર સૃષ્ટિને અડોઅડ મૂકવાનો આ વિરોધાભાસ વામનના પગલાં જેવો અસરદાર પ્રતીત થાય છે.

વળી, બે અંતરા વચ્ચે વરસાદનું બદલાયેલું સ્વરૂપ પણ ચૂકવા જેવું નથી. પ્રથમ અંતરામાં જાળ ગૂંથાઈ રહી/ચૂકી છે અને વરસાદ ફર-ફર ફર-ફર ફોરાં થઈને વરસે છે, જ્યારે બીજા બંધમાં માછીમાર માછલીને ફાંસવા જાળ ફંગોળી ફેલાવીને નાંખે છે. એટલે વરસાદની ગતિ પણ અચાનક વધી જાય છે. ફોરાં ત્રમઝૂટમાં પરિણમે છે. સરવાળે, ધરાનું મત્સ્ય તો જળની જાળમાં ફસાતાં ફસાશે, આપણે અવશ્ય આ વરસાદમાં બંધાઈ જઈએ છીએ. એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… વધુ પિષ્ટપેષણ કરવા કરતાં એને એમ જ વરસવા દેવું પડે. છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!

અને અંતે એમની એક વરસાદી ગઝલ સાથે સમાપન કરીએ. આ ગીતનુમા ગઝલનો લય એટલો પ્રબળ છે કે છત્રી વિના સાંબેલાધાર વરસાદમાં ભીંજાયાની અનુભૂતિ થયા વિના નહીં રહે. જળબિલ્લોરી જેવો નવો જ શબ્દ રદીફ તરીકે ‘કૉઈન’ કર્યા પછી કવયિત્રી એને પૂરી પ્રામાણિક્તાથી નિભાવી શક્યા છે અને એટલે જ આ ગઝલ આસ્વાદ્ય બની રહે છે. જુઓ:

આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.

આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.

ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.

ગ્લૉબલ કવિતા: ૨૧૯: મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ

I Remember When

My father climbed the western mountain
Every day he chopped more
of its peak off so we could have more
daylight to grow our food in, and when he’d
chopped deep enough that in midsummer we had
sun for an extra minute, which
is, of course an exaggeration, he
knew he had done something real, and called us
to watch the sun settle
in the chink and disappear.

Next day the sun had moved, but he kept digging
the same dent, wanting one day a year.
One day, he told us, the mountain would be
chopped in two and there would be
one complete day
hours longer than there’d ever been.

People in the town called him “father” too.
Some volunteered to help, but no,
It was his, his dent and his light; they were lucky
he was willing to share. At night there were new stars.

-When he hit a spring and the water gushed out
a waterfall, flooding the valley, the town,
to form a beautiful lake, deep,
cold, and full of fish found
nowhere else, the animals that lived
wild on his mountain rejoiced and grew
wilder, more passionate. They rejoiced!
We still do.

– Michael Hettich


મને યાદ છે જ્યારે

મારા પિતાજી પશ્ચિમી પર્વત પર ચડ્યા હતા
દરરોજ તેઓ એનું શિખર થોડું વધુ
કાપતા જેથી અમને અમારું અનાજ ઉગાડવા માટે
થોડો વધુ સૂર્યપ્રકાશ મળે, અને જ્યારે તેઓએ
શિખર પૂરતું કાપી નાંખ્યું જેથી કરીને ભરઉનાળે અમને
સૂર્ય એક વધારાની મિનિટ માટે મળી શકે, જે
સ્વાભાવિકપણે, અતિશયોક્તિ જ છે, ત્યારે
એમને લાગ્યું કે તેઓએ કશુંક નક્કર કરી બતાવ્યું છે, અને અમને
સૂર્યને તિરાડમાં ઢળતો અને
અદૃશ્ય થતો જોવા બોલાવ્યા.

બીજા દિવસે સૂર્ય હટી ગયો હતો, પણ વરસમાં એક દિવસ વધારાનો
મેળવવા માટે એમણે એ જ ખાડો ખોદવાનું ચાલું રાખ્યું.
એક દિવસ, એમણે અમને કહ્યું, પર્વત
બે ભાગમાં કપાઈ જશે અને
એક આખો દિવસ વધારાનો મળશે,
પહેલાં કદી નહોતો એવા લાંબા કલાકોવાળો.

શહેરના લોકો પણ એમને ‘‘પિતા’’ જ કહેતા.
કેટલાકે મદદ કરવાની તૈયારી પણ બતાવી, પણ ના,
એ એમનો, એમનો જ ખાડો હતો, એમનો જ પ્રકાશ હતો; લોકો નસીબદાર હતા
કે તેઓ એ વહેંચવા તૈયાર હતા. રાત્રે નવા તારા પણ ઊગ્યા.

-જ્યારે ખોદતાં ખોદતાં એક ઝરણું ફૂટ્યું અને પાણી ધસી આવ્યું,
એક ધોધ બનીને, જેણે ખીણ અને શહેરને લગભગ ડૂબાડી જ દીધા,
એક સુંદર તળાવ સર્જાયું- ઊંડું,
શીતળ, અને બીજે ક્યાંય જોવા ન મળે
એવી માછલીઓથી ભરપૂર, પ્રાણીઓ જેઓ એમના પર્વત પર
જંગલી જીવન ગાળતાં હતાં, હર્ષોલ્લાસ કરવા લાગ્યાં અને
વધુ જંગલી, વધુ આવેશપૂર્ણ બન્યાં. એમણે હર્ષોલ્લાસ કર્યો!
અમે આજે પણ કરીએ છીએ.

– માઇકલ હેટિચ
(અનુ.: વિવેક મનહર ટેલર)

માય ડેડી સ્ટ્રોંગેસ્ટ !!

સુપરમેન કયા બાળકને ન ગમે? ફિલ્મો અને કૉમિક્સનો સુપરમેન તો બાળકોને થોડો મોડેથી મળે, પણ એક સુપરમેન તો એમની જિંદગીમાં એમનો જન્મ થાય ત્યારથી સાથેને સાથે જ હોય છે. કોણ? તો કે પપ્પા! દુનિયામાં કોઈપણ બાળક માટે પહેલો સુપરમેન પપ્પા જ હોવાના. સાવ સૂકલકડી કેમ ન હોય, પણ બાળક માટે તો કાયમ ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ જ હોય. મૂછ કે સમજણના દોરા ન ફૂટે ત્યાં સુધી પપ્પાના પેંગડામાં પગ ઘાલવાની દીકરાની મથામણ કાયમ જ રહેવાની. દુનિયામાં ભાગ્યે જ કોઈ દીકરો ‘પપ્પા, હું તમારામાંથી ઊંચો’ કહ્યા વિના મોટો થયો હશે. અમેરિકન કવિ માઇકલ હેટિચની આ રચના એટલે દીકરાના વિપુલદર્શક કાચમાંથી દેખાતું બાપનું ચિત્ર! જોઈએ…

માઇકલ હેટિચ. જન્મ ૧૯૫૩માં બ્રુકલિન, ન્યૂયૉર્ક ખાતે. ન્યૂયૉર્કમાં જ મોટા થયા. અંગ્રેજી અને અમેરિકન સાહિત્યમાં પી.એચ.ડી. માયામીની કોલેજમાં પચ્ચીસથી વધુ વર્ષોથી અંગ્રેજીના પ્રોફેસર છે. ધર્મપત્ની કોલિન સાથે રહે છે. બે સંતાનોના પિતા છે. કવિતાના બારથી વધુ નાનાં-મોટાં પુસ્તકો. ઢગલાબંધ પુરસ્કારોથી નવાજીત. સાહિત્યને લગતી જર્નલ્સમાં તથા સંપાદનોમાં અવારનવાર ઉપસ્થિતિ. કવિતા વિશેનું એમનું અધિકારત્વ નમ્ર છતાં પૂર્ણતયા આધારભૂત છે. એમની કવિતાઓનો શાંત કરિશ્મા દંગ કરી દે એવું ઊંડાણ ધરાવે છે. કુદરત તરફની એમની દૃષ્ટિ અનોખી છે અને માનવજાત માટે એમના શબ્દોમાં અથાક કરુણા ભરી પડી છે. ડહાપણ અને કામણ એ એમના હુકમના પત્તા છે અને એ એમને બરાબર રમી પણ જાણે છે.

કવિતાનું શીર્ષક ‘મને યાદ છે જ્યારે’ કવિતાની પ્રથમ પંક્તિ પણ છે. શીર્ષક અને શીર્ષસ્થ પંક્તિ માત્ર એક નથી, એકાકાર છે. શીર્ષકથી જ કાવ્યારંભ થઈ જાય છે. આશ્ચર્ય થાય પણ ખ્યાલ આવે છે કે કવિતા બાળકની સ્વગતોક્તિ હોવાથી શીર્ષક અલગ પાડીને કવિતા કરવા જેટલી પુખ્તતાની અપેક્ષા કેમ કરાય! કવિકર્મને દાદ આપવાનું મન થાય. બાળક યાદ કરે છે એના વધુ નાનપણના દિવસોની, ગઈકાલની. બાળસહજ ચંચળતાના ન્યાયે કવિતામાં ભાવ અને વિચારના કૂદકાઓ પણ જોવા મળે છે. હેટિચ આજની તારીખના કવિ છે. પ્રવર્તમાન ચીલા મુજબ એમણે છંદોલયનાં બંધન ફગાવી દીધાં છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. ચાર બંધમાં વહેંચાયેલી આ કવિતામાં દરેક બંધમાં પંક્તિસંખ્યા તથા લંબાઈ અનિયમિત છે, જાણે કપાઈ રહેલા પર્વતનો આકારાભાસ ન કરાવતી હોય!

કાવ્યરીતિ આત્મકથનાત્મક છે પણ કવિની આત્મકથા હોય એ જરૂરી નથી. પ્રથમપુરુષ એકવચન સ્વરૂપે આપણી મુખામુખ થતા કાવ્યનાયક/નાયિકા માટે વિલિયમ બટલર યીસ્ટ ‘Mask’ (મહોરું) શબ્દ વાપરતા. આવા અર્ધકાલ્પનિક (Quasi-fictional) પાત્રોને કવિતાનો ‘Persona’ (લેટિન Person-વ્યક્તિ પરથી) કહેવાય છે. આત્મકથનાત્મક કવિતાનો કથક કવિ પોતે હોય, અથવા એ કવિએ પહેરેલું મહોરું પણ હોય અથવા કવિએ કોઈનામાં પરકાયાપ્રવેશ પણ કર્યો હોઈ શકે. સેફો, એમિલી ડિકિન્સન, પરવીન શાકિર, મીનાકુમારી જેવા અનેક કવિઓની કવિતામાં આવતા ‘આઇ’ તેઓ પોતે જ હતા. પણ કવિતામાં કવિને કે કવિની જિંદગી શોધવાને બદલે કવિતા શોધવી જ વધુ હિતકારી છે. આપણે પણ એ જ કરીએ.

‘મને યાદ છે જ્યારે/મારા પિતાજી પશ્ચિમી પર્વત પર ચડ્યા હતા’થી કાવ્યારંભ થાય છે. કવિતાની ગાડી નિયત પાટા પર ચાલતી હોવાનું અનુભવાય એ પહેલાં તો કવિ ‘દરરોજ તેઓ એનું શિખર વધુને વધુ કાપતા’ કહીને એને ‘ડિરેલ’ કરી નાંખે છે. પ્રારંભે જ આપણો ભેટો અવાસ્તવ સાથે થાય છે. પણ વાત અહીં અટકતી નથી. કવિ કહે છે, કે એમના પિતા રોજ પર્વતનું શિખર થોડું વધારે એટલા માટે કાપતા હતા કે જેથી કરીને અનાજ ઊગાડવા માટે થોડો વધુ સૂર્યપ્રકાશ મળે. ધત્ તેરી કી તો! ભીંતમાં ભોડું ભટકાડવાનું મન થાય છે ને! હવે તો ફરજિયાત આખી કવિતા વાંચવી જ રહી…

પણ આ અતિશયોક્તિ એક દીકરાની પોતાના બાપ માટેની સ્વગતોક્તિ હોવાથી અવાસ્તવિક લાગતી નથી. કહ્યું છે ને, બાપના કપાળે પડેલી કરચલીઓના કારણે જ આજે તમે ઈસ્ત્રી કરેલ કપડાં પહેરી શકો છો… પિતા એટલે પર્વત જેવડા વિશાળ વ્યક્તિત્વમાંથી નીકળતી પ્રેમની ખળખળતી નદી… આપણા નસીબના કાણાં બાપ એના ગંજીમાં લઈ લે છે… રમણલાલ સોનીએ તો પિતાને પહેલો ગુરુ કહ્યું છે. દેવકી અને યશોદા સદૈવ આપણા સ્મરણમાં રમે છે પણ કાજળકાળી રાતે મુશળધાર વરસાદમાં ઘોડાપૂરે ચડેલી યમુનાને ઓળંગવા વાસુદેવે કરેલું સાહસ બહુ યાદ આવતું નથી કેમકે બાપ આ કરે જ એવી આપણી સર્વસ્વીકૃત માન્યતા છે. રામાયણમાં પણ રામના વિયોગમાં દશરથ પ્રાણ ત્યજે છે, કૌશલ્યા નહીં. શ્રવણના વિયોગમાં માત્ર મા જ નહીં, પિતા પણ પ્રાણ ત્યાગે છે. મા પાલવમાં ઢાંકીને વહાલ કરે છે, બાપ ખભે બેસાડીને વિશ્વદર્શન કરાવે છે. મા પ્રેમ સીંચે છે, બાપ આત્મવિશ્વાસ. મા લાગણીના સિક્કા પૂરા પાડે છે, બાપ માંગણીની કરન્સી નૉટ્સ. બાપ રુક્ષ નથી, વૃક્ષ છે જેની છાયામાં સંતાન નામનો છોડ નિરાંતવા મહોરે છે. દીકરાની સાઇકલ પાછળનો હાથ છોડવાની હિંમત બાપ જ કરે છે અને એમ કરીને દીકરાને દુનિયામાં સહારા વિના અને પડ્યા વિના આગળ વધવાનો પ્રથમ પાઠ ભણાવે છે.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘किं स्विद्गुरुतरं भूमेः किं स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता उच्चतरश्च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)

બહુ ભારી થઈ ગયું, નહીં? પણ હકીકત છે કે માની સરખામણીએ પિતાના ગુણગાન ગવાયા જ નથી. ‘બા’નો ‘પા’ ભાગ એટલે ‘બાપા’ એમ મારા પપ્પા કાયમ કહેતા. ખરેખર બાની સરખામણીમાં બાપાને પા ભાગનું માન પણ ભાગ્યે જ મળ્યું છે. પણ પપ્પાનું ટી-શર્ટ બંધબેસતું આવે એ દીકરાની જિંદગીનો સૌથી યાદગાર દિવસ હોય છે. આપણો કથક પણ આવો જ એક દીકરો છે. એ પિતાને પર્વતનું શિખર કાપીને ખાડો કરી બે ભાગમાં વહેંચવાની મથામણ કરતાં જુએ છે જેથી કરીને કુટુંબીજનોને સૂર્ય થોડા વધુ સમય માટે મળે. રોજેરોજના પુરુષાર્થ બાદ એક દિવસ એવો સૂર્ય પણ ઊગે છે જ્યારે પિતાને લાગે છે કે પોતે શિખર પૂરતી માત્રામાં કાપી શક્યા છે અને આ કારણોસર એના પરિવારને ઉનાળામાં, જ્યારે દિવસ આમેય લાંબો જ હોય, એક મિનિટ જેટલા સમય માટે વધુ સૂર્યપ્રકાશ મળી શકશે, ત્યારે એ સહુને પોતાનું મહાકાર્ય જોવાને આમંત્રે છે. ગામ અને અસ્તાચળ વચ્ચેથી પર્વતના શિખરનો એટલો ભાગ દૂર કરી દેવાયો છે કે સૂર્યપ્રકાશ ગામ ઉપર નિયત કરતાં એક મિનિટ વધુ પડે.

હેટિચને જાણકારી હતી કે કેમ એ તો ખબર નથી, પણ આપણને ‘માઉન્ટન મેન’ દશરથ માંઝી યાદ આવ્યા વિના કેમ રહે? ૧૯૫૯ની સાલમાં લાંબા અંતરના લીધે સારવાર મેળવવામાં થયેલ વિલંબના પરિણામે દશરથે પત્નીને ગુમાવવી પડી. પરિનામે વઝીરગંજ અને પોતાના ગામની વચ્ચેની પહાડીને કાપીને રસ્તો બનાવવા એણે કમર કસી. માત્ર છીણી-હથોડી લઈને ગામે આપેલ પાગલકરાર સાથે બાવીસ-બાવીસ વર્ષના અથાક પુરુષાર્થના અંતે ટેકરીને કાપીને એણે પચ્ચીસ ફૂટ ઊંડો, ત્રીસ ફૂટ પહોળો અને સાડી ત્રણસો ફૂટ લાંબો રસ્તો એકલા હાથે કંડારી નાંખ્યો. એના ગામથી વઝીરગંજ વચ્ચેનું પંચાવન કિલોમીટરનું અંતર ઘટીને માત્ર પંદર કિલોમીટર થઈ ગયું. ન માત્ર એને પદ્મશ્રીથી નવાજાયો, ટપાલખાતાએ ટિકિટ પણ બહાર પાડી. ૨૦૧૫માં કેતન મહેતાએ માંઝી નામે ફિલ્મ પણ બનાવી.

એક મિનિટ જેટલા વધારાના સૂર્યપ્રકાશ માટે પર્વત કાપવાની વાત અતિશયોક્તિ લાગે. કથક પોતે સ્વીકારે પણ છે કે. આ વાત સ્વાભાવિકપણે અતિશયોક્તિ જ છે. પણ કવિતા અટકતી નથી. બાળક કલ્પનાની છલાંગ ભરીને ‘મહામાનવ’ પિતાના ‘અતિમાનવ’ કાર્યો નક્કી કરે છે. સૂર્ય ભલે ઉત્તરાયણ કે દક્ષિણાયણ કરે પણ એક દિવસમાં કંઈ સ્થાન બદલાઈ ન જાય. અહીં તો આખી કવિતા જ અસંભવના ખભે ઊભેલી છે એટલે બીજા દિવસે સૂર્ય એના સ્થાનેથી હટી ગયો હતો. પણ પિતાજી મહેનત ત્યાંને ત્યાં જ ચાલુ રાખે છે. બુંદની સફળતા સાગર તરફ દોરી જાય છે. વધારાની એક મિનિટ મળતાં પુરુષાર્થ વધારાનો દિવસ મેળવવા તરફ ગતિ કરે છે. પિતા સંતાનને આશા બંધાવે છે કે પર્વત બે ભાગમાં કપાઈ જશે તો પહેલા કદી નહોતા એવા લાંબા કલાકોવાળો એક આખો દિવસ વધારાનો મળશે.

શહેરના લોકો પણ એમને “પિતા” જ કહેતા. પિતા શબ્દ અવતરણચિહ્નમાં મૂકાયો છે. કદાચ આ બાબત પણ બાળકની સ્વપ્નસૃષ્ટિની જ નીપજ હોય. બાળક પોતાના ‘ફાધર’ને આખા ગામના ‘ફાધરફિગર’ તરીકે અને કોઈની મદદેય ન લે એવા સ્વાભિમાની તરીકે જુએ એમાં કશું અસ્વાભાવિક નથી. પિતા મદદ લેવાની ના કહે છે, કેમકે આ એમનો, માત્ર એમનો જ ખાડો હતો. આ પ્રકાશ પણ એમના એકલાના ઉદ્યમનો જ પરિપાક હતો. પણ તેઓ ગામ આખામાં ગમતાનો ગુલાલ કરવા તૈયાર છે એય બાળકને અનુભવાતું પિતાસહજ યથોચિત ઔદાર્ય જ ને!

વધારાના સૂર્યપ્રકાશની અડખેપડખે કવિ હવે રાતને આણે છે. ખોદાયું તો માત્ર પર્વતનું શિખર જ છે. પણ ઢંકાઈ રહેલ આકાશ ઊઘાડું થતાં રાત્રે નવા તારાઓ પણ દેખાય છે. ખોદકામથી નવું ઝરણું ફૂટ્યું. શેનું? આશાનું?! ધસમસ પાણીએ ધોધ બનીને ગામ અને ખીણને લગભગ ડૂબાડી જ દીધાં. છેવટે પાણી ઠરીઠામ થતાં સુંદર, ઊંડું, શીતળ તળાવ સર્જાયું, જે બીજે ક્યાંય જોવા ન મળે એવી અલૌકિક માછલીઓથી ભરપૂર હતું. દીકરાની નજરે બાપની મહેનત કેવો રંગ લાવી રહી છે એ જુઓ! એક મિનિટ, એક દિવસ, લાંબા કલાકો, નવા તારા, નવું ઝરણું, ધોધ, તળાવ અને અસાધારણ માછલીઓ- બાપ નામનો ચમત્કાર શું નથી કરી બતાવતો! પશ્ચિમી પર્વત અહીં ‘એનો’ (પપ્પાનો) પર્વત બની જાય છે! પર્વત પર જે પ્રાણીઓ જંગલી જીવન ગાળતાં હતાં એ બધાં આ નવપલ્લવિત સૃષ્ટિ જોઈ હર્ષોલ્લાસ કરવા માંડ્યાં. વધુ જંગલી, વધુ આવેશપૂર્ણ બની ગયાં. ‘મને યાદ છે જ્યારે’થી શરૂ થયેલી સ્મરણગાથા વર્તમાનમાં આવીને વિરમે છે. પ્રાણીઓના ભૂતકાળના હર્ષોલ્લાસ સાથે કથક, પરિવારજનો અને ગ્રામ્યજનો –સહુ આજેય હર્ષોલ્લાસ કરતાં જોડાય છે. પપ્પાએ કરેલો ચમત્કાર શાશ્વત બન્યો છે.

કવિતા બે સ્તરે વિહરે છે. એક, મજાની પરીકથા. બીજું, બાળમાનસ. બંનેની મજા છે. અન્યાર્થ ન શોધીએ તોય કવિતા આનંદ આપે છે અને એટલું પૂરતું છે. वाक्यम् रसात्मकम् काव्यम्। (વિશ્વનાથ). શૅલીએ પણ કવિતાને Expression of imagination જ કહી છે. ખરી કવિતા ઘણીવાર બે શબ્દો કે બે લીટીઓ વચ્ચેના અવકાશમાં હોય છે અને ભાવક જે-તે સમયની ભાવાવસ્થા મુજબ એનું યથેચ્છ અર્થઘટન કરી શકે છે. પરીકથાની સપાટીની નીચે, બીજા સ્તરે, બાળસહજ મનોભાવો ઉદ્ધ્રુત થાય છે. જે કુશળતા-કાબેલિયતથી આ ભાવ સુવાંગ આલેખાયા છે એ જ છે ખરી કવિતા. ઉપલક સ્તરે જે પરીકથા છે એની કમાલ એ છે કે પરીકથા હોવાની ખબર હોવા છતાં આપણને વાસ્તવિક લાગે છે. અતિશયોક્તિ હોવાનું સ્વીકાર્યું હોવા છતાંય યથાર્થ લાગે છે. આ જ સર્જકનો જાદુ છે. અને આ બધું એટલા માટે સાચું લાગે છે કે આપણે સહુ આવા માઉન્ટન મેન-સુપરમેનની છત્રછાયામાં જ મોટા થયાં છીએ. પિતા માટેની આપણી યથેચ્છ કલ્પનામાં યથોચિત રંગ ભરાતાં હોવાથી રચના દિલની વધુ નજીક, વધુ પોતિકી લાગે છે. ‘મને યાદ છે જ્યારે’ની અનિશ્ચિતતાથી આરંભાતી રચના જ્યારે ‘અમે આજે પણ કરીએ છીએ’ની નિશ્ચિતતા સુધી પહોંચે છે ત્યારે આપણું હૈયું પણ વધુ જંગલી બનીને, વધુ આવેશપૂર્ણ રીતે, વધુ હર્ષોલ્લાસ કરે છે!

ગ્લૉબલ કવિતા : ૨૧૮ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ

The Ballad of landlord

Landlord, landlord,
My roof has sprung a leak.
Don’t you ‘member I told you about it
Way last week?

Landlord, landlord,
These steps is broken down.
When you come up yourself
It’s a wonder you don’t fall down.

Ten Bucks you say I owe you?
Ten Bucks you say is due?
Well, that’s Ten Bucks more’n I’l pay you
Till you flx this house up new.

What? You gonna get eviction orders?
You gonna cut off my heat?
You gonna take my furniture and
Throw it in the street?

Um-huh! You talking high and mighty.
Talk on-till you get through.
You ain’tgonna be able to say a word
If I land my fist on you.

Police! Police!
Come and get this man!
He’s trying to ruin the government
And overturn the land!

Copper’s whistle!
Patrol bell!
Arrest.

Precinct Station.
Iron cell.
Headlines in press:

MAN THREATENS LANDLORD
TENANT HELD NO BAIL
JUDGE GIVES NEGRO 90 DAYS IN COUNTY JAIL!

– Langston Huges

મકાનમાલિકનું ગીત

મકાનમાલિક, મકાનમાલિક,
છાપરું મારું ગળતું છે જો.
ઓલ્લા દા’ડે જ કઇલું’તું ને?
એટલું બી તું ભૂલી જ્યો?

મકાનમાલિક, મકાનમાલિક,
પગથિયાં બી તો જો, તૂટલું સે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ચડીને ઉપર આઇવો તિયારે.

હું કીધું, દહ રૂપિયા મારે આલવાના સે?
હું કે’ય, બાકી બોલે અજુન બી દહ રૂપિયા?
અંહ, દહ રૂપિયા ફાલતુના છે તો બી આલીશ,
ઘર તો જો તું, હાજું-હરખું કરાવ પેલ્લા.

હું કે’ય? ઘર ખાલી કરવાનો ઓડર લાવહે?
બાકી રે’ય તે લાઇટ બી કાપી કાઢહે કે હું?
બિસરા-પોટલાં બી લઈ લેહે
ને હેરીમાં ફેંકહે કે હું?

ચલ ફૂટ! ખાલીપીલી ફિશિયારી તો ની માર.
બોલ, બોલ – બદ્ધું ઓકી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
એક જ ફેંટ ઉંવે આલીશ તો.

પોલિસ ! પોલિસ !
આવો આ માણસને પકડો !
એ કરશે સરકારને બરબાદ,
અને મુલ્કમાં દાખડો!

પોલીસની સીટી!
રોનની ઘંટડી!!
ધરપકડ.

પ્રાંતીય થાણું.
કાળ કોટડી.
છાપાંઓએ બાંધ્યાં મથાળાં:

મકાનમાલિકને ભાડૂતે આપી ધમકી.
ભાડૂતને ના મળી જમાનત.
જજે કીધો હબસીને ત્રણ મહિનાનો દંડ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

રંગભેદ – વો સુબહ કભી ભી આયેગી?

૧૭-૦૭-૨૦૧૪ના દિવસે એરિક ગાર્નર નામક અશ્વેતને એક ગોરા પોલિસ અફસરે જમીનસરસો દબાવી દીધો. અગિયારવાર ‘હું શ્વાસ નથી લઈ શકતો’ બોલ્યા પછી એણે ખરેખર શ્વાસ છોડી દીધા. છ વરસ બાદ ૨૫-૦૫-૨૦૨૦ના રોજ વધુ એક અશ્વેત, જ્યૉર્જ ફ્લૉઇડની ગરદન પર બીજો એક ગોરો અફસર ઘૂંટણ દબાવીને બેસી ગયો. શ્વાસ નથી લઈ શકાતો એમ બોલતાં-બોલતાં જ્યૉર્જે પણ શ્વાસ મૂક્યા. દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો. તોફાનો, વિરોધો, ચળવળો, સરઘસો આગની જેમ ફરી વળ્યા. પણ આ બે ઘટનાઓ પહેલાં, વચ્ચે અને પછી, અમેરિકા તો ઠીક, દુનિયામાં ક્યાંય રંગભેદની માત્રામાં ખાસ ફરક પડ્યો નથી. મનુષ્યજાતિના શરીરે ફૂટી નીકળેલું સૌથી ગંધાતું સર્વકાલીન ગૂમડું ગુલામી અને રંગભેદનું છે. આજેય એનો સંપૂર્ણ ઈલાજ કરી શકાયો નથી એ આપણી કમનસીબી. રંગભેદી માનસિકતા વિશે લોહી થીજી જાય એવી કવિતા લઈને આવ્યા છે લેન્ગ્સ્ટન હ્યુસ.

આખું નામ જેમ્સ મર્સર લેન્ગ્સ્ટન હ્યુસ. (હ્યુજીસ નહીં, હં!) ૦૧-૦૨-૧૯૦૨ના રોજ જોપ્લિન, મિસૌરી (અમેરિકા) ખાતે જન્મ. જન્મ પછી તરત મા-બાપ અલગ થયા એટલે મા અને નાની સાથે રહી મોટા થયા. શહેરે-શહેરે ભટક્યા અને અંતે હાર્લેમમાં સ્થિર થયા. વૉશિંગ્ટન ડીસીની એક હૉટલમાં એંઠી ડીશ-ટેબલ સાફ કરવાની નોકરી કરતા હ્યુસે વેચલ લિંસી નામના કવિની ડીશની બાજુમાં ત્રણ કવિતાઓ મૂકી અને બીજા દિવસે દેશભરના અખબારોમાં સમાચાર છપાયા કે લિંસીએ બસબૉય તરીકે કામ કરતા હોનહાર આફ્રિકી-અમેરિકન કવિને શોધી કાઢ્યો છે. હ્યુસને સ્કોલરશીપ મળી અને જિંદગીની ગાડી યુનિવર્સિટીના રસ્તે વધી. ચોવીસ વર્ષની ઊંમરે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. કેટલાક લોકો એમના લખાણોમાં કાળા પુરુષો તરફનો પ્રેમ જોઈને એમને હોમોસેક્સ્યુઅલ પણ માનતા. હકીકતે એ એન મેરી કૉઝીના પ્રેમમાં પણ પડ્યા હતા પણ પ્રેમિકા બીજાને પરણી ગઈ. એમના પ્રમુખ ચારિત્ર્યલેખક આર્નોલ્ડ રેમ્પરસાદના મતે તેઓ ‘એસેક્સ્યુઅલ’ હતા. પ્રોસ્ટેટના કેન્સરની સર્જરીના કૉમ્પ્લિકેશનના કારણે પ્રમાણમાં નાની વયે ૨૨-૦૫-૧૯૬૭ના રોજ ન્યૂયૉર્ક ખાતે નિધન.

મુખ્યત્વે કવિ. નાટ્યકાર, નવલકથાકાર. અખબારી કોલમિસ્ટ તરીકે પણ નોંધપાત્ર. જેઝ પોએટ્રી અને હાર્લેમ પુનરુજ્જીવનના અગ્રિમ પ્રણેતા. ન્યુયૉર્કના ‘ગ્રેટ ડાર્ક સિટી’ હાર્લેમ પરગણામાં હબસીઓની મોટી વસ્તી છે. વીસમી સદીના વીસી-ત્રીસીના દાયકામાં હાર્લેમ નાઇટક્લબ્સ અને જેઝ બેન્ડ્સ માટે ખ્યાતનામ હતું. ત્યાં શરૂ થયેલ ‘Harlem Renaissance’ લેન્ગ્સ્ટન અને ઝોરા હર્સ્ટ્ન જેવા સર્જકોની રંગભેદનીતિ પરત્વેની જાગરૂકતાની ફળશ્રુતિ હતું. આ નૂતન નીગ્રો ચળવળ આફ્રિકી-અમેરિકન કળાની જનેતા પુરવાર થઈ. કોઈ એક વિચારધારાને વળગી રહ્યા વિના, વિક્ટોરિયન નૈતિક મૂલ્યો અને મધ્યમવર્ગીય શરમના અંચળા ફગાવીને ઉગ્ર ચર્ચાઓ અને નૂતન પરિમાણો સાથે જે આફ્રિકી-અમેરિકન કળાનો, હાર્લેમથી શરૂ થઈ આખા અમેરિકામાં દાવાનળની જેમ ફેલાવો થયો એ ત્યારબાદની કળાઓનો પાયો બની રહ્યો. અખબારોએ હ્યુસ વિશે ખૂબ જ ઘસાતું પણ લખ્યું પરંતુ સૂર્યને ક્યાં સુધી છાબડાથી ઢાંકી શકાય? રંગભેદની નીતિ જ એમનું પ્રમુખ હથિયાર બની. આફ્રિકી-અમેરિકન અનુભવ એમના લેખનનો મુખ્ય વિશેષ. લક્ષ્મણના કોમનમેનની જેમ હ્યુસનો હાર્લેમની ગલીઓમાં રહેતો ‘સિમ્પલ’ વિશાળ જનમાનસ સુધી પહોંચી ગયો.

‘મકાનમાલિકનું ગીત’ શીર્ષક પરથી તો એમ લાગે કે ગીત મકાનમાલિકનું છે, પણ આ ગીત વાસ્તવમાં ભાડૂઆતનું છે. મતલબ શીર્ષકથી જ કટાક્ષ શરૂ થઈ જાય છે. અંગ્રેજી સાહિત્યમાં બૅલડ યાને કથાકાવ્યમાં સામાન્યરીતે રાજપરિવાર, શૌર્ય યા પરીકથા વણી લેવાનો રિવાજ હતો. કોઈ એક ઘટનાને કેન્દ્રસ્થ રાખીને બૅલડ વર્ણનાત્મક સ્વરૂપે લખાતું. કાવ્યસ્વરૂપ જોઈએ તો ચાર-ચાર લીટીના અંતરા, અ-બ-ક-બ પ્રાસનિયોજન. છંદ જોઈએ તો એકી કડીમાં આયમ્બિક ટેટ્રામીટર અને બેકી કડીમાં ટ્રાઇમીટર. પ્રસ્તુત રચનાનું સ્વરૂપ ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રખ્યાત આફ્રિકી-દક્ષિણ અમેરિકી સંગીતપ્રકાર ‘બ્લ્યુઝ’ જેવું છે, જે અંત ભાગમાં અચાનક બદલાઈ જાય છે. જેઝ કવિતા જેવા આ બેલડમાં છ ચતુષ્ક અને ત્રણ ત્રિપદી છે. પહેલાં છ ચતુષ્કમાં પારંપારિક બેલડ મુજબ પ્રાસપ્રયોજન છે પણ છંદની વાત કરીએ તો આયૅમ્બસ (ચરણસંખ્યા) વધઘટ થયે રાખે છે. છઠ્ઠો બંધ ઇટાલિક ટાઇપમાં છે, એ વક્તા અને કવિતાના સૂરમાં પરિવર્તન પણ સૂચવે છે. પછીની ત્રણ ત્રિપદીઓમાં કવિતાના વાતાવરણની જોડાજોડ છંદ અને પ્રાસ બંને ખોરવાયેલ નજરે ચડે છે. આખરી ત્રણ પંક્તિઓ કેપિટલ લેટર્સમાં છે, જે કાયદાનું દબાણ અને અશ્વેતના શોષણની તીવ્રતા -ઉભયની સૂચક છે. ગુજરાતીમાં આવી વ્યવસ્થા ન હોવાથી આધિપત્યનો સૂર જાળવી ગાઢા ટાઇપ વાપર્યા છે.

અઢારમી સદીના અંતભગ સુધીમાં મોટાભાગના અમેરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થઈ ગઈ હતી. લિંકનના શાસનકાળમાં ૧૮૬૫માં ગુલામીપ્રથાનો વિધિવત્ અંત આવ્યો, એના ૭૫ વર્ષ પછી છે…ક ૧૯૪૦માં એક અમેરિકન કવિએ આ કવિતા લખી. જે કાયદા તથા વાસ્તવિક્તા વચ્ચેની વિશાળ ખાઈથી આપણને અવગત કરાવે છે. આ કવિતા લખાઈ એ પછી તો બીજા ૮૦થીય વધુ વર્ષ વીત્યાં પણ દુનિયામાંથી શ્વેત-શ્યામ, અમીર-ગરીબ અને ઊંચ-નીચના ઓળા જરાય ઓસર્યા છે ખરાં? કવિતા પૂરી થાય ત્યાં સુધી આપણને માત્ર ગરીબી-અમીરી વચ્ચેનો વર્ગવિગ્રહ જ કેન્દ્રસ્થાને હોવાનું અનુભવાય છે, પણ અંતિમ પંક્તિમાં આવતો ‘હબસી’ શબ્દ આ વર્ગવિગ્રહને વધુ એક સ્તર ઊંચે –રંગભેદ સુધી- લઈ જઈ તીવ્રતમ બનાવે છે. ‘નીચલા’ વર્ગની શેરીઓમાં બોલાતી વ્યાકરણના નિયમોથી ઉફરી અનૌપચારિક, અભદ્ર ભાષા માત્ર અભણ ભાડૂતના વ્યક્તિત્વ પર જ નહીં, સમાજમાં નીચલા વર્ગના લોકોને મળતી અપૂરતી તક પર પણ ધારદાર પ્રકાશ નાંખે છે. ટપોરી ભાષા કવિતામાં અલગ જ પ્રાણ પૂરે છે. છઠ્ઠા ફકરામાં મકાનમાલિક -ભદ્ર વર્ગ ઉપસ્થિત થતામાં કવિતાની ભાષા પણ બદલાય છે.

કવિતા અને બીજો અંતરો – બંનેની શરૂઆત ‘મકાનમાલિક’ની દ્વિરુક્તિથી થાય છે કેમકે ભાડૂઆત જાણે છે કે આખરે એણે બહેરા કાન સાથે વાત કરવાની છે, દીવાલ સાથે માથાં ફોડવાનાં છે. આગલા અઠવાડિયે જ ભાડૂતે ઘરનું છાપરું ગળતું હોવા બાબત માલિકને ફરિયાદ કરી છે પણ મકાનમાલિકે નથી કોઈ કાર્યવાહી કરી કે નથી ફરિયાદ યાદ રાખી. મકાનમાં ચડવા માટેના પગથિયાં પણ એ હદે તૂટી ગયાં છે કે ચડતી વખતે ઘરધણી પડ્યો નહીં એની ભાડૂતને નવાઈ લાગે છે. ‘પગથિયાં’ બહુવચન અને ‘ગઈલું’ એકવચનની કૉકટેલ ગરીબ ભાડૂતની નિરક્ષરતા અથવા અલ્પ-સાક્ષરતાની સાહેદી પૂરાવે છે. જે પગથિયાં ચડતાં ભાડૂત ઘરધણીના પડી જવાનું જોખમ અનુભવે છે, એના પરથી એણે અને એના પરિવારજનોએ તો દિવસમાં પચાસવાર ચડ-ઉતર કરવાની રહે છે. યાને સતત પડવાનો, ઈજા-ફ્રેક્ચરનો ઓથો માથે રાખીને જીવવાનું. વિડંબણા તો એ છે કે ગળતાં છાપરાંની ફરિયાદ કરનાર ભાડૂતે તૂટેલાં પગથિયાંઓનો તો સ્વીકાર જ કરી લીધો છે. પાયાની તકલીફો અને એના સમારકામ માટે માલિક તરફથી સેવાતી બેદરકારી ભાડૂઆત કરતાં વધારે આપણને દુઃસહ્ય લાગે છે. કંગાળ લોકો તકલીફોને જીવનનો ભાગ ગણી એનાથી હેવાયાં થઈ જતાં હોય છે.

પણ ધનકુબેરો? એ તો દસ રૂપિયા પણ જતાં કરવા તૈયાર નથી. ૧૯૪૦માં આ રચના લખાઈ ત્યારે દસ રૂપિયા (ડૉલર)ની કિંમત નાંખી દેવા જેવી નહોતી, પણ અહીં વાત કિંમત કરતાં નિયતની વધારે છે. મકાનમાલિક એના બકાયાની ઉઘરાણી કરે છે. ભાડૂતના હિસાબે આ કોઈ રકમ બાકી નથી. એના માટે આ ફાલતૂ માંગણી છે. ચાર પંક્તિમાં ત્રણ વાર દસ રૂપિયાનો થતો ઉલ્લેખ માણસ અને મટિરિઆલિઝમને અડખેપડખે મૂકી આપે છે. આ તકાદો ભાડૂઆત માટે તો દુકાળમાં અધિકમાસ જેવો છે. માલિક હરામના દસ રૂપિયા જતાં કરવા તૈયાર નથી પણ જો ઘરનું સમારકામ થાય તો ભાડૂત એ ચૂકવવા પણ તૈયાર છે. તવંગર અને દરિદ્ર માણસની નિયતનો તફાવત કેવો સાફ દેખાય છે!

પણ ઘર સમું કરાવવાના બદલે ઘરધણી ધણીપણું દાખવે છે. સામાની અગવડો સામે આંખ આડા કાન કરે છે, ઉપરથી તકાજો કરે છે અને આટલું ઓછું પડતું હોય એમ, જન્મસિદ્ધ અધિકાર ગણીને ઘર ખાલી કરાવવાનો ઓર્ડર લઈ આવવાની, વીજળી કપાવી નાંખવાની, અને ઘરવખરી ઊંચકીને શેરીમાં ફેંકી દેવાની –એમ ત્રણ-ત્રણ ધમકીઓ આપે છે. ઘરધણી શું બોલ્યો હશે એનો અંદાજ હજી સુધી આપણે ભાડૂત એને શું જવાબ અપે છે એના પરથી જ સમજવાનું રહે છે. માલિકને ખાલીપીલી ફિશિયારી મારતો, મોટીમોટી વાતો કરતો સંભળીને કિરાયાદારની ધીરજ છૂટે છે. તકલીફોના કારણે એ આમેય ગિન્નાયેલ તો હતો જ, એમાં માલિકની ઉઘરાણી અને ધમકીઓએ બળતામાં તેલ રેડવાનું કામ કર્યું. ભાડૂતની કમાન છટકી હોવા છતાંય પહેલાં તો એ માલિકને એની ભૂલ તરફ નિર્દેશ જ કરે છે. એ પછી હજી કંઈ બોલવાનું બાકી રહી ગયું હોય તો એય કહી દેવાનું ઈજન આપે છે. નાના માણસની આ સાલસતા. માલિક ગુસ્સે થાય છે તો ઘર ખાલી કરાવવાની ધમકી આપે છે, કિરાયાદાર ગુસ્સે થાય છે તો માલિકને એનું ભીતર ખાલી કરવાની તક આપે છે. આગળ એ મુક્કો મારીને માલિકની બોલતી બંધ કરી દેવાની ધમકી ઉમેરે છે. ‘ખંડેરની ભસ્મકણી ન લાધશે’ (ઉ.જો.) યાદ આવે. કવિતામાં ગતિ આવી જાય છે. છંદપરિવર્તન થાય છે, પંક્તિઓ નાની અને ઝડપી બને છે, બૅલડની પ્રાસરચના ભાંગી પડે છે. કાવ્યસ્વરૂપ પરિસ્થિતિની અંધાધૂંધીને અનુવર્તે છે.

પોતે કરે તે લીલા, બીજા કરે તે છિનાળુંના ન્યાયે ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવર-રિએક્ટ કરી માલિક પોલિસને બોલાવે છે. કવિતામાં પોલિસનો અવાજ ફક્ત સીટી અને રૉનની ઘંટડી પૂરતો જ છે. પોલિસની હૃદયહીનતા અને વિચારહીનતા એનાથી યથાર્થ તાદૃશ થાય છે. દીનજનોના કિસ્સામાં પોલિસની કામગીરી કેટલી ઝડપી રહે છે એ પણ અહીં સમજાય છે. કવિએ કાવ્યસ્વરૂપનો કેવો સમુચિત વિનિમય કર્યો છે! આ જ તો સાચી કાવ્યકળા છે! છાપાંય ઓછાં નથી. એ પણ રાઈનો પર્વત કરે છે. હેડ-લાઇન્સ બનાવે છે. અહીં કેપિટલ લેટર્સ વાપરીને કવિએ ઑથોરિટીને ચાક્ષુષ કરી બતાવી છે. ભાડૂતની લાંબીલચ ફરિયાદો અને નજરિયા સામે ઘરમાલિક, કાનૂન, અખબાર અને એ નાતે સમાજના દૃષ્ટિકોણ નગણ્ય શબ્દોમાં પણ વધુ ધારદાર રીતે રજૂ કરીને કવિએ કાવ્ય પણ સાધ્યું છે. એક નિર્ધનનો અવાજ ઊંચો થતામાં જ સત્તાપરિવર્તનના ભણકારા સાંભળવા માંડતી ડરપોક અને પૂર્વગ્રહયુક્ત સિસ્ટમ કીડા-મંકોડા જેવી હેસિયત ધરાવતા ગરીબને ત્રણ-ત્રણ મહિનાનો કારાવાસ આપે છે. છે…ક છેલ્લી લીટીમાં કવિ બંધ દાબડી ખોલે છે ત્યારે ખબર પડે છે કે અકિંચન ભાડૂત ‘હબસી’ છે અને માલિક ગોરો.

ફરી યાદ કરીએ કે, ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક ૧૯૪૦માં લખાયેલી આ કવિતા છે. ચાર અવાજ સંભળાય છે. પહેલો, ભાડૂતનો. બીજો, મકાનમાલિકનો. ત્રીજો, પોલિસનો અને ચોથો અખબારનો. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્રનો અને છઠ્ઠો પ્રવર્તમાન સમાજનો પણ સંભળાય છે. જ્યાં ગોરાઓ સામે માથું ઊંચકવાનો વિચારમાત્ર ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે. માથું ઊંચકી લીધું હોય, ભાડૂતે સાચેસાચ હાથ ઉપાડી લીધો હોત તો શું થાય એની તો કલ્પના સુદ્ધાં કરી શકાય એમ નથી. પાઈ જેવડી વાત માટે રૂપિયા જેવડી સજા એ જમાનામાં છાશવારે થતી પણ પરિસ્થિતિ આજેય બદલાઈ નથી. માઇકલ જેક્સને ચામડીનો રંગ બદલવામાં આખી જિંદગી ખર્ચી નાંખી.

આફ્રિકામાં રંગભેદની નીતિનો શિકાર બનેલ એક વકીલ નામે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બન્યો પણ એના જેવું મનોબળ કે સફળતા બધાનાં નસીબમાં તો નહીં જ ને! નેલ્સન મંડેલાએ કહ્યું હતું, ‘ચામડીનો રંગ, પશ્ચાદભૂ કે ધર્મના કારણે કોઈ બીજાને નફરત કરતું જન્મતું નથી. લોકો નફરત કરતાં શીખે છે, અને જો નફરત કરતાં શીખી શકાય તો પ્રેમ કરતાં પણ શીખી જ શકાય, કેમકે પ્રેમ એના વિરોધી કરતાં વધુ નૈસર્ગિકતાથી માનવહૃદય સમીપે આવે છે.’ સાચી વાત. પણ માનવજાતને પ્રેમ શીખવામાં કદાચ કદી રસ પડ્યો નથી. આખો ઇતિહાસ વંશવિગ્રહો, અને રંગવિગ્રહોથી ખરડાયેલો પડ્યો છે. માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું, ‘મારું સ્વપ્ન છે કે મારાં બાળકો એક દિવસ એવા દેશમાં જીવશે જ્યાં એમનું મૂલ્યાંકન ચામડીના રંગથી નહીં, પણ ચારિત્ર્યના ગુણોથી થાય.’ –રામરાજ્યનું સ્વપ્ન! રામરાજ્ય તો રામનેય નસીબ નહોતું થયું. જોએલ એફ. કહી ગયા, ‘લૉન્ડ્રી એકમાત્ર એવી વસ્તુ છે જેને રંગના આધારે અલગ તારવવી જોઈએ.’ કબાટોના કબાટ ભરાઈ જાય એટલું સાહિત્ય રંગભેદ વિશે લખાયું છે, લાખો પ્રવચનો અપાયાં છે પણ તોય એ કહેવું મુશ્કેલ છે કે કાળા-ગોરાને એક રંગે ચિતરે એવી सुबह कभी तो आयेगी….

ગ્લૉબલ કવિતા : ૨૧૭ : રાત પડી ગઈ – દાદુદાન ગઢવી

રાત પડી ગઈ

પ્રીતની ઘેલી હાય બિચારી,
સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડી ન રોકે,
રીસ હૈયાને હાટ ચડી ગઈ.

ઉદયાચળને ઓરડેથી એ,
દુખની મારી દોડતી આવે;
ભટકાણી આથમણી ભીંતે,
સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.

હાર ગળાના હીરલા તૂટ્યા,
થોકે થોકે તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી,
બીજની ઝીણી ભાત પડી ગઈ.

અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં,
ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં,
સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.

નેપુર પગે ઠેસડી જાણે;
દેવના દેવળ આરતી વાગી;
સુગંધ ફોરી ધૂપસળી એના–
ચિતથી મીઠી વાત પડી ગઈ.

– દાદુદાન ગઢવી

કાળા અક્ષરોમાંથી સર્જાતી અવર્ણનીય રંગછટા

કળા કમાલની વસ્તુ છે. કોઈ પરિમાણ કે સાધન એને બાંધી શકતા નથી. પાણી જેમ એક પાત્રમાંથી બીજા પાત્રમાં તમામ અવરોધોને અવગણીને નિસરી જાય એમ જ કળા એક પરિમાણ કે એક સાધનમાંથી બીજામાં ક્યારે પહોંચી જાય એનો અંદાજો બાંધવો અશકય છે. નહીં ખ્યાલ આવ્યો? ચાલો, થોડી માંડીને વાત કરીએ. કવિતા લખાય તો કાગળ પર પણ જ્યારે એ સંગીતનો અંચળો ઓઢી લે ત્યારે સાંભળનાર કવિતા સાંભળે છે કે સંગીત કે બંને એ સાફ નક્કીય ન કરી શકાય એ હદે શબ્દ, સૂર અને ધ્વનિ એકબીજામાં ઓગળી જાય છે. ક્યારેક કવિતા શબ્દોની સીમા વળોટીને દૃશ્યાંતરણ પામે છે. કાગળ પરના શબ્દો ક્યારે હવામાં ઓગળી ગયા અને એક સુવાંગ સંપૂર્ણ ચિત્ર ચાક્ષુષ થઈ ગયું એ કળવું અસંભવ થઈ જાય એ રીતે કળા ઇન્દ્રિયવ્યુત્ક્રમ સાધી શકે છે. તો ક્યારેક કૅન્વાસ ઉપર રંગ અને પીંછીથી બનેલું ચિત્ર કૅન્વાસ-રંગ અને પીંછીના વસ્ત્રો ત્યાગીને જીવંત કાવ્ય બનીને પ્રેક્ષકના ચિત્તતંત્ર ઉપર ટકોરા દેવા લાગે છે. હકીકતમાં કળા અપરિમાણેય છે. એના નિર્માણ માટે કાગળ, કલમ, રંગ, વાદ્યો વગેરે ઉપાદાન અનિવાર્ય કેમ ન હોય, સર્જન થયાની ક્ષણે જ કળા આ તમામ ઉપાદાનોથી સ્વતંત્ર થઈ જાય છે. કળા ઇન્દ્રિયગમ્ય ખરી, પણ એથીય વધુ તો એ મનોગમ્ય છે, કેમકે ઇન્દ્રિયવ્યતિક્રમણ કળામાત્રનો સહજ ગુણધર્મ છે. કાવ્ય-સંગીત-નૃત્ય-સ્થાપત્ય-ચિત્ર આ તમામ કળાઓ પાસે એને રજૂ કરતા સ્થૂળ પરિમાણો સિવાય એક universal language હોય છે, જે થકી એ ભોજ્ય સાથે તાદાત્મ્ય સાધે છે. ચલો તો, કવિ દાદની એક કવિતાનો સાક્ષાત્કાર કરીએ અને નક્કી કરીએ કે આ કવિતા વધારે છે કે ચિત્ર વધારે છે કે બંને?

કવિ દાદ. આખું નામ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી). ૧૧-૦૯-૧૯૪૦ના રોજ વેરાવળમાં ઈશ્વરીયા ગામે જન્મ. ભણતર સામાન્ય પણ ગણતર અસામાન્ય. પિતાજી જૂનાગઢના રાજકવિ. શિવશક્તિના આરાધક ચારણોને તો સરસ્વતી તાળવે બિરાજે. કવિ કાગની જેમ ચારણી પરંપરાને આગળ ધપાવનાર દાદને પણ મીઠા કંઠ અને લયબદ્ધ રજૂઆતની જન્મજાત બક્ષિશ સાંપડી હતી. લોકસાહિત્યની પરંપરાને જીવંત રાખવામાં એમનો સિંહફાળો રહ્યો છે. પદ્મશ્રીથી નવાજાયા, એ જ વર્ષે કવિ ૨૬-૦૪-૨૧ના રોજ ક્ષરદેહ ત્યજી ગયા. એમના આઠેય કાવ્યોસંગ્રહ ‘ટેરવાં’ (સમગ્ર કવિતા)માં સમાવિષ્ટ છે.

હાથ કંગન કો આરસી ક્યા જેવું ‘રાત પડી ગઈ’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. સ્વરૂપની દૃષ્ટિએ એને ગઝલનુમા ગીત અને ગીતનુમા ગઝલ –એમ ઉભય સ્વરૂપજીવી કહી શકાય. ગીતમાં સામાન્યરીતે જોવા મળતી મુખડા-અંતરાની વ્યવસ્થા, ક્રોસલાઇનનો અભાવ તથા ગઝલની જેમ મત્લા સહિત પાંચ શેર, કાફિયા-રદીફની બાંધણી અને અષ્ટકલના હીંચકે ઝૂલતા છંદોલયના કારણે પ્રસ્તુત રચનાને ગીતનુમા ગઝલ ગણી શકાય પણ લોકસાહિત્યના પ્રાણવાયુ પર જીવતા કવિને ગઝલનું ખેંચાણ નહીં હોય એ વાત સહજ સમજી શકાય. હશે, ગીત ગણો કે ગઝલ, આપણને તો કવિતા સાથે કામ છે. ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે… પાંચ શેર જેવા પાંચ બંધમાં કવિએ એવું તો સઘન સંપૂર્ણ દૃશ્યચિત્ર ખડું કર્યું છે કે ઇમેજિઝમનું સ્મરણ થાય જ થાય.

એકલપંડે અંગ્રેજી કવિતાનો નવોન્મેષ સાધનાર એઝરા પાઉન્ડ કલ્પનવાદ (ઇમેજિઝમ)ના પ્રણેતા હતા. ૧૯૧૨માં સ્થાપેલ કલ્પનવાદનો ૧૯૧૭માં એમણે ઑફિશિયલ અંત જાહેર કર્યો પણ હકીકતે આ વાદ અજરામર છે. તાજાં અને મૂર્ત કલ્પનપ્રયોગ વડે ઓછામાં ઓછા શબ્દોની મદદથી કવિ પોતાની અનુભૂતિ કે સંવેદનનને યથાતથ રજૂ કરી ભાવક સમક્ષ સર્વાંગ ચિત્ર ઊભું કરે એ કલ્પનવાદ. જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની એ ‘અનિવાર્ય’ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક ઇમેજિઝમની કરોડરજ્જુ છે. કવિની દુર્નિવાર્ય સિસૃક્ષા અને અદમ્ય સર્ગશક્તિને કાગળ પર હૂબહૂ સાકાર કરવાનું કામ સ્વર્ગમાંથી ધરતી પર પટકાતી બેકાબૂ ગંગાને જટામાં બાંધી લેવા જેવું દોહ્યલું છે. કવિ દાદે આ કાર્ય બખૂબી કરી બતાવ્યું છે. જો કે કવિના અલ્પ ભણતર અને ચારણી ગણતરને જોતાં તેઓ કલ્પનવાદથી પરિચિત હોવાની શક્યતા તલભારેય જણાતી નથી. પણ પાઉન્ડની કાવ્યચળવળથી સ્વતંત્રપણે જે કલ્પનચિત્ર દાદે રચ્યું છે, એ સાચે જ દાદને કાબિલ છે.

દિવસમાંથી રાત થવાની ઘટનાના આપણે સહુ રોજેરોજના સાક્ષી છે. સૂરજ ડૂબે, સાંજ થાય અને આકાશમાં લાલિમા પથરાઈ જાય. થોડીવારમાં રાતની કાલિમા સાંજની લાલિમાનું સ્થાન લઈ લે અને આકાશ તારાઓથી ટમટમી ઊઠે. હવે કહો, દૈનંદિન ઘટતી આ ઘટનામાં કંઈ નવીન ખરું? હવે બીજું દૃશ્ય લઈએ. આ દૃશ્ય આપણા માટે જરા નવું છે. પતિ પાછળ દોડતાં ભીંત સાથે અથડાઈ જતી પત્નીને આપણે જવલ્લે જ જોઈ છે. સરસ મજાના સાજ સજેલી સૌભાગ્યવતી સુંદરી પ્રિયતમ પાછળ આંધળી દોટ મૂકે અને નિષ્ફળતાની દીવાલ સાથે ભટકાઈ જાય, પરિણામે એના હાર-બંગડી તૂટી જાય, અથડાવાના કારણે સિંદૂર અને આંસુઓના કારણે કાજળ રેલાઈ જાય, આ દૃશ્ય આપણા માટે કાયમનું નથી પણ વિચારતાં જ આંખ સમક્ષ તરવરી આવે એવું તો ખરું જ. નવીનતા કે કવિતા તો આમાંય નથી. પણ કવિ દાદ આ બંને દૈનિક અને દુર્લભ ચિત્રોને દૂધમાં પાણીની સહજતાથી જે રીતે એકાકાર કરે છે, એમાં કવિતા અને નવીનતા એ બંનેના ચમત્કારનો સાક્ષાત્કાર આપણને થાય છે.

સૌભાગ્યવતી સ્ત્રીના રૂપક વડે કવિએ દિવસમાંથી રાત તરફની ગતિનું અતિ રમણીય દૃશ્યચિત્ર અહીં ઊભું કર્યું છે. રાત અને સૂરજના નસીબમાં આમ તો કદીય મુખામુખ થવાનું સૌભાગ્ય લખાયું નથી. એકની ઉપસ્થિતિ અન્યની અનુપસ્થિતિ સિવાય સંભવ જ નથી. પણ કવિ રાતને સૂરજના પ્રેમમાં પડેલી કલ્પે છે. અને પ્રેમમાં ઘેલાં થયાં હોય એના માટે દુનિયાના શબ્દકોશમાં બિચારા સિવાયનું વિશેષણ તો ક્યાંથી હોય?! સૂરજના પ્રેમમાં ઘેલી થયેલી બિચારી રાત સૂરજ પાછળ દોટ મૂકે છે પણ આ પ્રીતથી બેતમા, સાત ઘોડાથી સજ્જ રથમાં અનવરત મુસાફરી કરતો સૂરજ ઘડીભર પણ રોકાતો નથી. રાતના હૈયાના હાટમાં રીસ ચડી ગઈ છે, પણ સૂરજને વળી એની શી દરકાર? પૂર્વમાં સૂર્યોદય જ્યાંથી થતો દેખાય છે એ કાલ્પનિક પર્વતને, મેરુ પર્વતને આપણે ઉદયાચલ કે ઉદયગિરિ કહીએ છીએ. સૂર્ય પૂર્વમાં ઊગે એ ક્ષણે આગલી રાતનો અંત આવે છે પણ કવિ આ ક્ષણેથી જ રાતનો પ્રારંભ થતો જુએ છે. કવિ સમગ્ર સૃષ્ટિને આ સુહાગણના ઘર તરીકે જુએ છે. કહે છે, ઉદયાચળના ઓરડામાંથી પતિવિરહના દુઃખની મારી રાત દોડતી આવે છે અને આથમણી ભીંત સાથે અથડાઈ જાય છે. ઉદયાચળનો ઓરડો અને આથમણી ભીંત જેવા અદભુત રૂપક લોકસાહિત્યના કવિની રગોમાં દોડતી આધુનિકતાના દ્યોતક છે. પૂરપાટ દોડતી કોઈ વ્યક્તિ ભૂલમાં ભીંત સાથે અથડાઈ જાય અને જે એના હાલહવાલ થાય એ અહીંથી આગળની કવિતામાં કવિએ વર્ણવ્યા છે. રાત તો આમેય અંધારી એટલે એને આંધળી ગણવામાં કોઈ તર્કદોષ પણ જણાતો નથી. પળમાત્ર પણ ન રોકાતા સૂરજ પાછળ દુઃખના મારથી આંધળી બનેલી રાત હડી કાઢે છે અને પશ્ચિમના આકાશની ભીંતને જોવાનું ચૂકી જવાતાં એની સાથે ભટકાઈ જાય છે. પરિણામે સેંથામાં પૂરેલું સિંદૂર ખરી પડે છે અને રંગહીન પશ્ચિમી આકાશ અચાનક સિંદૂરી સાંજનો નવલો પરિવેશ પામે છે.

રાતના ગળામાં થોકબંધ હીરાનો હાર હતો એય આ અકસ્માતના પરિણામે તૂટ્યો અને હાર તૂટતાં જથ્થાબંધ હીરા તારા બનીને આભ આખામાં ચારેતરફ વેરાઈ ગયા. રાતના તારાખચિત આકાશ માટે કેવું પ્રબળ કલ્પન! સુંદરીના વેરાઈ ગયેલા શણગારનું વર્ણન આગળ વધે છે. રાત સૂરજ સાથે પરણી છે. સૂરજ ડૂબી ગયો એટલે સૌભાગ્યવતી રાત જાણે વિધવા થઈ ગઈ. આમ વિચારીએ તો ભીંત સાથે ટકરાવાની ઘટના અનાયાસ નહીં, સાયાસ બનેલી લાગે. સૌભાગ્યવતી સ્ત્રી પતિના જતાં ભીંત સાથે હાથ-માથાં પછાડી સૌભાગ્યચિહ્નોનો લોપ કરે એ ઘટના આપણા સમાજ માટે નવી નથી. સૌભાગ્યની ચૂડીના પણ ટુકડા થયા છે અને ચૂડીનો આ અડધો ટુકડો એટલે જ બીજનો ચન્દ્ર! પણ કલ્પનમાં કવિતા ચૂડીના અડધિયાને ચન્દ્ર કહેવામાં નહીં, રાતના આકાશમાં બીજની ઝીણી ભાત પડી ગઈ કહેવામાં છે. આકાશમાં ઝીણી ભાત સાથે પડી ગઈ જેવી રદીફનો આવો વિન્યાસ તો અચ્છાઅચ્છા ગઝલકાર પણ ન કરી શકે.

દુઃખિયારીના દખ છેવટે અંતરમાં ન સમાઈ શકતાં આંખોથી છલકાવા શરૂ થાય છે. અધરાતે નજરે ચડતી આકાશગંગા જાણે કે રાતસુંદરીના ચમકતાં આંસુઓની હારમાળા છે. અશ્રુપાતના કારણે આંખે આંજેલું કાજળ પણ રેલાયા વિના રહેતું નથી. મતલબ સાંજનું સ્થાન લઈ રહેલી રાત વધુને વધુ ગાઢી બની રહી છે. અંધારું વધુને વધુ ઘટ્ટ બની રહ્યું છે. પ્રકટ કાજળ અને અપ્રકટ આંસુ તો સ્નેહની મહામૂલી સોગાત હતાં, જે આંસુઓના પ્રકટ થવાની સાથે રહ્યાં-ન રહ્યાં બરાબર થઈ ગયાં. અહીં ફરી વાર મહામૂલી ભેટના અવમૂલ્યન માટે ‘પડી ગઈ’ ક્રિયાપદ સફળ કવિકર્મની સાહેદી પૂરાવે છે. જો કે રાત એનું વર્ચસ્વ સંપૂર્ણતયા જમાવી લે એ પહેલાં એક બીજી પણ ઘટના ઘટી છે. ભીંત સાથે ભાર્યાના અથડાવાના કારણે પગે ઠેસ પણ વાગી છે. ફળસ્વરૂપે પગે પહેરેલ ઝાંઝર પણ શાંત રહ્યાં નથી. હાર-ચૂડી-કાજળ-આંસુ સુધીના તમામ શણગાર જો પિયુમિલનની વિફળતાને તારસ્વરે લલકારતાં હોય તો નેપુર શીદ હોઠ સીવીને બેસી રહે? મંદિરોમાં-ઘરોમાં થતી સાંધ્યઆરતીએ થતા ઘંટારવ અને ઘંટડીઓના રણકાર દિશાઓને ભરી દે છે, જેને કવિ રાતના ઝાંઝરના ઝણકાર સ્વરૂપે નીરખે છે. રાત પોતાના હૈયામાં મનના મણીગર માટે જે મીઠી વાતો સંગોપીને દોડી હતી, એ વાતોય જાણે આ અકસ્માતના પરિણામે એના ચિત્તથી પડી ગઈ. મીઠી વાતનો આ મઘમઘાટ એટલે ધૂપસળીની ફોરમ. એક સ-રસ મજાનું ચિત્ર અહીં આવીને સંપૂર્ણ થાય છે. મૂર્તામૂર્ત પ્રતીકોના સમતુલિત સંયોજન વડે કવિ સાંજમાંથી રાત પડવાની ઘટનાનું all-encompassing ચિત્ર રજૂ કરે છે. માત્ર સાંજ-રાતના રંગોની બદલી અને ચાંદ-તારા-આકાશગંગની ઉપસ્થિતિથી આ ચિત્ર બનત તો ખરું પણ નક્કી અધૂરું અનુભવાત. પરંતુ સાંધ્ય-આરતી અને ધૂપસળીની મહેંકમાં રહેલ આપણા પૂજાસંસ્કારોને પણ કવિએ ઉચિત ઝીલી લીધાં છે. આમ, સાંસ્કૃતિક સંસ્કારો અને કૉસ્મિક ફેરફારોને અવિનાભાવે સાંકળી લેવાયા હોવાથી આપણને રાતના પડવાનું આ ચિત્ર સર્વાંગે સંપૂર્ણ થતું અનુભવાય છે.

અંતે, દાદની કલમે જ આલખાયેલું બીજું દૃશ્યચિત્ર પણ માણીએ. સામાન્ય રીતે શ્રાવણનું આકાશ કાળા વાદળછાયું અર્થાત્ મ્લાનવદની હોય છે. પણ સંધ્યાટાણે લાલ-કેસરી રંગો શ્રાવણ માસમાં ફાગણ અને ધૂળેટીની આહ્લાદક અનુભૂતિ કરાવે છે. સૂરજ જાણે એક ફૂલ છે અને એના પશ્ચિમમાં ઝંબોળાઈને ફેંકાવાથી ન માત્ર, આકાશ, ધરતી પણ રંગચોળ થઈ ગઈ છે. સંધ્યાટાંકણે શ્યામ વદળોની કોરેથી છલકાતા રંગ કોઈ હબસણે હોઠ રંગ્યા હોય એમ ભસે છે. કેવું અનુઠું કલ્પન! ભૂખરા ડુંગરોની રાતી થયેલી ટોચ જોગીની જટામાં ગુલાલ જેવી લાગે છે. રૂખડા જેવા વૃક્ષ પર સંધ્યાના રંગોની આભા ઉજ્જડ વગડાને રંગોથી સીંચી દેતી વેલોની હારમાળા જેવી છે. શૂરવીર રણે જવા નીકળે ત્યારે પત્ની એની છાતીએ સિંદૂરિયા થાપા મારે એવું સિંદૂરી આકાશ સૂરજના ધીંગાણામાં જતા હોવાનો અહેસાસ કરાવે છે. અંતે, સૂરજ ધરતીના ખોળામાં આવે છે એ ઘડીએ આકાશમાં છવાઈ વળેલી અગનજાળ જેવી લાલિમાને કવિ રાજપૂતાણી રાજપૂતનું કપાયેલું માથું લઈને ચિતામાં સતી થવા બેઠી હોવા સાથે સરખાવે છે. ગુજરાતી કાવ્યજગતમાં દૃશ્યકાવ્યના સર્વોત્તમ શિખરે ગર્વભેર બિરાજમાન થઈ શકે એવું આ કાવ્ય છે. ચાલો, માણીએ:

શ્રાવણની સંધ્યા

આભમાં ઉડે અબીલ ગુલાલ રે,
સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલo

એણે એક રે ફૂલડું ઝંબોળીને ફેક્યું રે લોલo
ધરતી આખી થઈ ગઈ છે, રંગચોળ રે …સંધ્યાo

શ્યામલ વાદળિયે કેવી શોભતી રે લોલo
હબસણના રંગ્યા જાણે હોઠ રે …સંધ્યા

ડુંગરડાની ટોચું કેવી દીસતી રે લોલo
જોગીડાની જટામાં ગુલાલ રે …સંધ્યાo

હરિયા રૂખડારે એવા રંગભર્યા રે લોલo
વગડે જાણે વેલ્યું હાલી જાય રે …સંધ્યાo

છાતીએ સિંદુરિયા થાપા સોભતા રે લોલo
સૂરજ જાણે ધીંગણામાં જાય રે …સંધ્યાo

ખોબલે સૂરજ વસુધાને સતચડ્યાં રે લોલo
રજપૂતાણી બેઠી અગન જાળ રે …સંધ્યાo

ગ્લૉબલ કવિતા : ૨૧૬ : પ્રેમ પછી પ્રેમ -ડેરેક વૉલ્કોટ

Love After Love

The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott


પ્રેમ પછી પ્રેમ

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે આવકારશો તમારા પોતાના દરવાજે
તમારા પોતાના અરીસામાં, આવેલ તમારી જાતને,
અને બંને જણ સ્મિત કરશો પરસ્પરના આવકાર પર,

અને કહેશો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી એ અજાણ્યાને ચાહશો જે તમારી જ જાત હતો.
ચા-પાણી આપો. ખાવાનું આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, એ અજાણ્યા શખ્સને જેણે તમને ચાહ્યા છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો હતો
બીજાઓ માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી નીચે ઉતારો પ્રેમપત્રો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીનો ઓચ્છવ કરો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)


જાત સુધીની જાતરા…

સામાજીક પ્રાણી હોવાના નાતે મનુષ્ય આજીવન અન્યોન્યના સંપર્કમાં રહે છે. સંપૂર્ણપણે એકલવાયી જિંદગી તો કદાચ માનવસભ્યતા જ્યાં પહોંચી જ નથી એવા આંદામાનના જારવા પણ નથી જીવતા. આપણાથી સાવ અલિપ્ત હોવા છતાંય જંગલમાં તેઓ સમૂહમાં જ જીવે છે. શું કારણ હોઈ શકે? અન્યોને આપણે સાંગોપાંગ ઓળખી શકતા નથી એટલે સાથે રહેવાનું પાલવતું હશે? અને જાતને નખશિખ જાણતા હોવાથી શું આપણે એકલા નથી રહી શકતા? બની શકે. એક વાત એય કે જેના વિશે બધી જ ખબર હોય એ વ્યક્તિને શું ચાહી શકાય? પતિ-પત્ની એકમેકને જેમ વધુ ઓળખતા જાય તેમ દામ્પત્યનો રંગ ફીકો નથી પડતો જતો? અરીસામાં રોજ આપણે જેને જોઈએ છીએ એ વ્યક્તિને આપણે પૂરેપૂરો ઓળખીએ છીએ. આપણી ખામી-ખૂબીથી સર્વથા સર્વાંગે વાકેફ હોવાના કારણે જ કદાચ આપણે જાત સાથે વાત કરવાનું બહુધા ટાળીએ છીએ. પણ જે ખુદને ન ચાહી શકે એ અન્યને કદી ‘સાચા’ અર્થમાં ચાહી શકે ખરું? એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે કહી હતી, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે,’ એ જ વાત ડેરેક વૉલ્કોટ લઈને આવ્યા છે.

સર ડેરેક ઑલ્ટન વૉલ્કોટ. જન્મ ૨૩-૦૧-૧૯૩૦ના રોજ સેન્ટ લુસિયા, વેસ્ટ ઇંડિઝ ખાતે. માતા આચાર્યા. પિતા ચિત્રકાર. એક વર્ષની વયે પિતાને ગુમાવ્યા. દાદી અને નાની-બંનેના મૂળિયાં ગુલામોમાંથી. ચિત્રકાર પિતામાં જે અધૂરું રહી ગયું એ ડેરેકના મતે એમનામાં આગળ વધ્યું. તાલીમ ચિત્રકારની પણ ચિત્રો પીંછીના બદલે કલમથી દોર્યાં. ૧૪ વર્ષની વયે પહેલી કવિતા. અઢારમા વર્ષે ઉછીના બસો ડૉલરથી પ્રથમ કાવ્યસંગ્રહ છાપી નાંખ્યો, મિત્રોને અને શેરીઓમાં વેચીને ઉધારી ચૂકવીય દીધી. બીજા વર્ષે બીજો કાવ્યસંગ્રહ. જીવનકાળ બૉસ્ટન, ન્યુયૉર્ક અને લુસિયા વચ્ચે વહેંચાયેલો રહ્યો. પરિણામસ્વરૂપે કરેબિઅન-લોકલ વત્તા આંતરરાષ્ટ્રીય-ગ્લૉબલ ફ્લેવરના મિશ્રણથી એમના સર્જનમાં નવી જ સોડમ પ્રકટી. સ્વીકૃત અંગ્રેજીમાં લખવા બદલ એમને ‘ઓછા અશ્વેત’ ગણતા બ્લેક પાવર મૂવમેન્ટવાળાઓએ એમના પર પસ્તાળ પાડી, પણ ડેરેકે કહ્યું, “I have no nation now but the imagination.” (મારે હવે કોઈ દેશ નથી, માત્ર કલ્પના જ છે) ૧૯૮૨ અને ૯૬માં એમના પર બે વિદ્યાર્થીનીઓએ જાતીય કનડગતના આરોપ મૂક્યા જેને ખૂબ ચગાવાયા. ઓક્સફર્ડ પ્રોફેસર ઑફ પોએટ્રીના પદ માટેની ઉમેદવારી ખેંચી લઈને એની કિંમત ચૂકવવી પડી. ત્રણવાર લગ્ન. ત્રણવાર છૂટાછેડા. મૃત્યુ ૮૭ વર્ષની ઊંમરે ૧૭-૦૩-૨૦૧૭ના રોજ.

સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક (૧૯૯૨) મેળવનાર એ બીજા કરેબિઅન સર્જક હતા. કમિટિએ ડેરેકના સર્જન માટે કહ્યું, ‘ઉત્તમ તેજસ્વિતાવાળી એક કાવ્યાત્મક કળાકૃતિ, જે ટકી રહી છે બહુસાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના પરિણામસ્વરૂપ ઐતિહાસિક દૃષ્ટિ વડે.’ હૉમરના ઑડિસીને આધુનિક કરેબિઅન માછીમાર સાથે સાંકળી લેતું ‘ઓમેરોસ’ નામનું આધુનિક મહાકાવ્ય એમના મુગટમાંનું ઉત્કૃષ્ટ પીંછુ. ‘અનધર લાઇફ’ એમનું આત્મકથનાત્મક દીર્ઘકાવ્ય. વિવેચક, પત્રકાર અને કવિતાના શિક્ષક. બહુપુરસ્કૃત ખ્યાતનામ નાટ્યકાર પણ. જોસેફ બ્રોડ્સ્કીએ કહ્યું, ‘ભરતીના મોજાં જેવી એમની કવિતાઓ વિના આધુનિક સાહિત્ય વૉલપેપર બનીને રહી જાત. ભાષામાં લપેટીને એમણે આપણને અનંતતાની ભાવના આપી છે.’ વૉલ્કોટ કહેતા, ‘કવિતા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આસપાસની આખી દુનિયાથી કપાઈ એકલા થઈ જાવ છો. તમે કાગળ ઉપર જે કરી રહ્યા છો એ તમારી ઓળખનું નહીં, પણ ગુમનામીનું નવીનીકરણ છે.’

પ્રસ્તુત કવિતા મુક્ત પદ્ય-અછાંદસ છે પણ વોલ્કૉટની પ્રિય યતિ(caesura)નો પ્રયોગ ધ્યાનાર્હ છે. એ કહેતા કે, યતિનો અયોગ્ય પ્રયોગ, રેવાળ ચાલે ચાલતો ઘોડો અધવચ્ચે ફસડાઈ પગ તોડે, એના જેવો હોય છે. અહીં, એકાધિક અલ્પવિરામ અને પંક્તિની વચ્ચોવચ્ચ આવતા પૂર્ણવિરામ ચિહ્નો વડે કવિતાની ગતિ નિયત માત્રામાં અવરોધીને કવિ ભાવકને ઝડપભેર દોડી જતો અટકાવે છે તો બીજી તરફ ઓછી-વત્તી પંક્તિના ચાર ફકરા, લાંબા-ટૂંકા વાક્યોમાં અપૂર્ણાન્વયરીતિથી મોટાભાગના વાક્યોને એક પંક્તિમાંથી બીજીમાં ઢોળીને ગતિ વધારે છે. જીવનની ગતિ સાથે કાવ્યગતિ સુસંગત બને છે અને જાત વિશે-જિંદગી વિશે મીમાંસા કરવાનો સમય કવિતાની વચ્ચે જ કવિ પૂરો પાડે છે. શીર્ષક પણ વિચારતાં કરી દે એવું છે. આપણે જે અર્થમાં ‘એક પછી એક’ કે ‘દિવસ પછી દિવસ’ કહીએ છીએ એ જ અર્થમાં ‘પ્રેમ પછી પ્રેમ’ પ્રયોજાયું હશે? કવિતામાં સ્વ-પ્રેમની વાત છે એ તો સમજાય છે પણ શું આ પ્રેમ કાવ્યાંતે આવતા પ્રેમપત્રોવાળા પ્રેમ પછીનો પ્રેમ છે? બીજાઓ સાથેના પ્રેમથી પરવારી જઈને ‘સમય આવશે’ ત્યારે જાત સાથે જે પ્રેમ કરવાનો છે એ વિશે કવિ શીર્ષકની મદદથી ઈશારો કરતા હોય એમ બની શકે?હશે, આપણે તો કવિતાના પ્રેમમાં પડીએ, ચાલો…

જાત તરફની જાતરાની આ કવિતા છે. ‘સમય આવશે’થી કાવ્યારંભ થાય છે. મતલબ આ સમય આવવાનો જ હોવાની ખાતરી છે. માણસ જાત સાથે મુખામુખ થાય એ સમય દરેકની જિંદગીમાં આવે જ છે. હરિવંશરાય બચ્ચન કહે છે એમ, ‘जीवन की आपाधापी में कब वक्त मिला/ कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ’ની જેમ જીવનમાં વાહવાની દોડમાં ને ચાહવાની હોડમાં આપણે જાત લઈને ભાગીએ તો છીએ, પણ આ દોડ અને હોડ –બેમાંનું કંઈ જ સ્વ તરફનું હોતું નથી. અને સ્વને પામ્યા વિના તો સર્વ સુધી જવાય જ કેમ? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. પોતાના દરવાજે પોતાને આવેલ જોઈ આપણે ચોંકતા નથી, કેમકે આ સમય આવનાર હતો જ, તે આજે આવ્યો છે. જે દરવાજાને અજાણ્યાઓ માટે ખૂલવાની આદત પડી ગઈ હતી, એ આજે જાત માટે ખૂલ્યો છે, એટલે ઉત્તેજિત ન થવાય તો જ નવાઈ. આ ઉત્તેજનાને સંતાડવાની પણ નથી. પૂર્ણાવેશસહ આપણે આપણને આવકારવાના છે. દરવાજે જ નહીં, આજે આટઆટલા વરસો પછી અરીસામાં પણ આપણે આપણને પહેલવહેલીવાર જોયા છે. આજ સુધી અરીસામાં શરીરનું પ્રતિબિંબ જ દેખાતું હતું, આજે જાત દેખાઈ છે. આપણી નજર સામે દેખાતા શખ્સ સુધી પહોંચી શકી છે. સામાન્યરીતે અંદર ઊભેલી વ્યક્તિ બહારથી આવનારને આવકારો આપે પણ અહીં બહાર-અંદર બંને આપણે જ છીએ, માટે બંનેએ જ પરસ્પરને સસ્મિત આવકાર આપવાનો છે.

પરસ્પરનું સ્વાગત કરીને બંને અન્યોન્યને કહેશે કે બેસો. આરોગો. ચા-પાણી કરો. ખ્રિસ્તી ધર્મ અને બાઇબલના સંદર્ભ દૃષ્ટિગોચર થાય છે. ‘Love thy neighbour.’ ‘Eat. Drink.’ વાઇન, બ્રેડ વિ.માં પણ બાઇબલના નિર્દેશ સ્વયંસ્પષ્ટ છે. સત્તરમી સદીની જ્યૉર્જ હર્બર્ટની ‘લવ(૦૩)’ કવિતા યાદ આવે, જેમાં પ્રેમ ગુનાહિત ભાવથી પીડાતા અને એક અતિથિની રાહ જોતા કાવ્યનાયકને બાજનજરે પારખી લે છે અને સમજાવે છે કે અહીં આવવા લાયક માનનીય અતિથિ સ્વયં તું છે. નાયકને પોતે કઠોર, કૃતધ્ન લાગે છે, પણ પ્રેમ કુનેહપૂર્વક એનો હાથ ઝાલીને, સસ્મિત સમજૂતિ સાથે શંકાઓનું નિરસન કરે છે. પ્રેમ પીરસે છે. નાયક જમે છે. દરવાજો, અરીસો અને પ્રેમને પણ બાઇબલના ઉપલક્ષમાં જોઈ શકાય.વૉલ્કોટ હંમેશા પોતાના અશ્વેતપણાંને શ્વેતપણાં સાથે એકાકાર કરવા મથતા. કલમના લસરકાથી એ રંગભેદ ભૂસવાની મથામણ કરતા. પ્રસ્તુત રચનાનું રૂપક જરા વિસ્તારીએ તો કવિ બે અલગ સંસ્કાર, બે અલગ રંગોનું એકમેકમાં પુનર્ગઠન કરવા ઇચ્છતા હોય એમ પણ વિચારી શકાય.

કવિતા દ્વિતીય પુરુષ સંબોધન સ્વરૂપે છે. કથક આપણી સાથે સીધા સંવાદમાં છે. પણ પ્રત્યુત્તરનો અવકાશ નથી. તમે-તમારુંની કથનરીતિના કારણે દરેક ભાવકને કવિ પોતાની સાથે જ ગુફ્તેગૂ કરતા હોવાનું પ્રતીત થાય છે. આખી કવિતા ‘યુ’ અને ‘યૉર’ના તોરમાં ચાલે છે. ક્યાંય ‘આઇ’ પ્રયોજાયો નથી, તોય ‘આઇ’ જ કેન્દ્રસ્થાને હોવાનું સમજાય છે. અંગ્રેજી ‘I’ (હું) લેટિન ‘ઇગો’ પરથી આવ્યો છે. ઇગોઇઝમનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની પોતીકી ક્રિયાઓની પ્રેરણા અને ધ્યેય પોતાની જાત જ છે અથવા હોવી જોઈએ. એન રેન ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ’માં સ્વાર્થને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સદગુણ લેખાવી તર્કસંગત અહંભાવની તરફેણ કરે છે. બિમારીની હદ સુધી વકરેલી આત્મરતિને અંગ્રેજીમાં narcissism કહે છે, જેનાં મૂળ રોમન કથાના નાર્સિસસમાં જડે છે. યુવાન નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં ઘેલો થઈ જાય છે અને પ્રતિબિંબને યથાવત રાખવાની લાલસામાં તરસે મોતભેગો થઈ જાય છે. સત્તરમી સદીમાં પાસ્કલે “l’amour propre” (સ્વ-પ્રેમ)ને તમામ અનિષ્ટોની જડ ગણાવી હતી. તો સોળમી સદીમાં શેક્સપિઅરે ‘હેનરી ૫’માં કહ્યું, ‘Self-love, my liege, is not so great a sin as self-neglect.’ (જાતની અવગણના એ જાતને પ્રેમ કરવાથી મોટું પાપ છે.)

આજીવન મૃગજળ પાછળ દોડવામાં ‘મને ક્યાંય જડી ન મારી જાત’ જેવા આપણા હાલ છે. પણ સમય આવ્યો છે, તો જીવનભર જેનાથી અજાણ્યા રહી ગયા, એને ચાહવાનું ફરી શરૂ કરીએ. ત્રાહિત વ્યક્તિનેય આપણે ‘અજાણ્યા છો? ભલે!/તો યે જુઓ, આ હાથ લંબાવી કહું-/લાવો તમારો હાથ, મેળવીએ!’ (નિરંજન ભગત) કહી શકતાં હોઈએ તો આ તો આપણી પોતાની જાત છે. ભલે આજ સુધી અજાણી રહી, પણ હવે એને પ્રેમ કરવાનો છે. ન માત્ર એની યોગ્ય આગતા-સ્વાગતા, સરભરા કરવાની છે, એને તમારું હૃદય પણ પાછું આપવાનું છે, કેમકે આ અજાણ્યા શખ્સે તમને જિંદગીભર એકધારું ચાહ્યા છે. તમારું જ દિલ છે. તમારે તમારું દિલ ફરીથી તમારા જ દિલને આપવાનું છે. લ્યુસિલી બૉલે કહ્યું હતું, ‘સૌપ્રથમ જાતને ચાહો અને બીજું બધું બરાબર થઈ જશે.’ કેમકે ‘આપણી અંદર જે છે એની આગળ આપણી પાછળ જે છે અને સામે જે છે એ બધું બહુ ક્ષુલ્લક છે.’ (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) આખું જીવન આપણે આજે આંગણે આવેલ આ અજાણ્યા શખ્સને બીજાઓ માટે અવગણ્યે રાખ્યો હતો. આપણી તો ‘अतिथि देवो भवः’ની સંસ્કૃતિ. આપણે તો ‘એ જી, તારા આંગણિયાં પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે’ (દુલા ભાયા કાગ) ગાનારા. લાઓ-ત્ઝુએ કહ્યું હતું, ‘જે જાતને સ્વીકારે છે એને દુનિયા સ્વીકારે છે.’ માર્ક ટ્વેઇનની વાતમાંથી પણ આ જ સૂર ઊઠે છે: ‘જાતના અનુમોદન વિના મનુષ્ય આરામદેહ નથી અનુભવતો.’ તમને તમારી જાતથી વધુ બીજું કોણ ઓળખી શકે? આપથી વધીને આપને કોણ ચાહી શકે? એકમાત્ર આપણો ‘સ્વ’ જ આપણા ‘સર્વ’ને સુવાંગ પિછાને છે. રાલ્ફ એલિસને કહ્યું હતું: ‘જ્યારે હું શોધી લઈશ કે હું કોણ છું, હું મુક્ત હોઈશ’ આજે આ સમય આવી ગયો છે. દુનિયાના બંધનોમાંથી મુક્ત થઈ આજ લગ અજાણ્યા રહી ગયેલ સ્વને પુનઃપ્રાપ્ત કરવાનો સમય સાંપડ્યો છે, તો એનો સદુપયોગ કેમ ન કરીએ? લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. હવે શું મોઢું ધોવા જશો?

ના, તમારા હૃદયે તમને પળપળ ચાહ્યાં છે. હવે, તમારે એ ચાહનો પડઘો પાડવાનો સમય આવી ઊભો છે. એને પ્રેમથી, ઉત્તેજનાસહિત આવકારો. એને ચાહો. આદરમાન આપો. એની વર્ષોની ભૂખ-પ્યાસ ભંગો. એને સાચા અર્થમાં સંતૃપ્ત કરો. મનની અભરાઈ જૂની યાદો, જૂના સંબંધો, જૂના સમીકરણોથી ભરી પડી છે. નામ અભરાઈ છે પણ એ ભરાઈ-ઉભરાઈ રહી છે. ઘણો કચરો ભર્યો પડ્યો છે. પ્રેમપત્રો, ફોટોગ્રાફસ, વિહ્વળ હૃદયે લખેલ વ્યાકુળ નોંધો અને એવું ઘણું છે, જેને તમે વર્ષોમાં કદી ફેર જોવા-માણવાની તસ્દી સુદ્ધાં લીધી નથી પણ મનની અભરાઈ પર એણે કબ્જો કરી રાખ્યો છે. કોઈપણ જગ્યા ખાલી કરવામાં ન આવે ત્યાં સુધી નવાને અવકાશ પણ કેમ મળે? આજે સમય આવ્યો છે તો જૂનું બધું ઉતારી દઈ મન સાફ કરી દો. જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો. અરીસામાં હવે પ્રતિબિંબ નહીં, તમે સાક્ષાત્ દેખાવા જોઈએ. જાતને કહો કે, ‘ખુદ મને જ મારી સાક્ષાત્ કર, તું પાંચ મિનિટ બેસીને વાત કર.’ બેસો. હોવાને મહેફિલ કરી દો. જિદગીને ઉજાણી કરો. તમારું પોતાનું હોવું ઉજવો… જાત સાથે વાત કરતાં આવડી જાય તો જીવન સફળ થાય. અન્ય સંબંધોની આંટીઘૂંટી અને ગાંઠ ઉકેલવાને બદલે સૌપ્રથમ સ્વ સાથે સંધાન સધાવું જોઈએ. માણસ પોતાની સાથે કમ્ફર્ટેબલ થતાં શીખી લે એટલે જિંદગી નિરાંતની મહેફિલ જ છે… આવો, બેસો. ખાઓ, પીઓ. જિંદગીને ઉજવો.

અંતે, ડેલ વિમ્બ્રૉની ‘ધ મેન ઇન ધ ગ્લાસ’ કવિતાના કાવ્યાંશ:

ના માતની, ના તાતની, અર્ધાંગિનીની પણ નહીં,
ઉત્તીર્ણ થાવાનું નથી કોઈ નજરમાં આપણે;
જીવનમાં જેના મતની કિંમત છે બધા મતથી વડી,
એ શખ્સ એ છે જે તમારી સામે ઊભો આયને.

વર્ષો સુધી દુનિયાને છો મૂરખ બનાવ્યે રાખી હો,
ને વાહવાહી ગામ આખાની ભલે અંકે કરી;
પણ આખરી ઈનામ નકરાં દુઃખ હશે ને આંસુઓ,
જો આયને દેખાતી વ્યક્તિને હશે જો છેતરી.

ગ્લૉબલ કવિતા : ૨૧૫ : સૉનેટ-ગાથાગીત – ગ્વિન્ડોલિન બ્રુક્સ

the sonnet-ballad

Oh mother, mother, where is happiness?
They took my lover’s tallness off to war,
Left me lamenting. Now I cannot guess
What I can use an empty heart-cup for.

He won’t be coming back here any more.
Some day the war will end, but, oh, I knew
When he went walking grandly out that door
That my sweet love would have to be untrue.

Would have to be untrue. Would have to court
Coquettish death, whose impudent and strange
Possessive arms and beauty (of a sort)
Can make a hard man hesitate—and change.

And he will be the one to stammer, “Yes.”
Oh mother, mother, where is happiness?

– Gwendolyn Brooks


સૉનેટ-ગાથાગીત

ખુશી ક્યાં છે, હેં મા? વિલપતી મને છોડી વરવી,
ઊંચાઈના નામે મુજ સનમને યુદ્ધ કરવા
લઈ ‘ગ્યાં એ લોકો. અટકળ હવે કેમ કરવી
લઉં શું કામે હું હૃદયકપ આ રિક્ત ભરવા.

હવે કોઈ કાળે પરત ફરશે ના સજનવા.
પૂરું થાશે કો’દી રણ, પણ, મને જાણ જ હતી-
ગયો’તો જ્યારે એ મહત કદમે દ્વાર મહીં આ
હશે જૂઠી નક્કી મધુર પ્રીત, છો સાચી દીસતી.

હશે જૂઠી નક્કી. મરણ-રમણી સંગ પ્રણયે
રમે એ, કે જેનાં શરમહીન ને ઉદ્ધત તથા
અધિકારી બાહુ, અકથનીય સૌંદર્ય, ભડને
કરે પાણી-પાણી- કઠિનદિલનેયે બદલતાં.

હશે એ એમાંનો, ખુદ જે હકલાઈ ભણત, “હા.”
ખુશી ક્યાં છે, હેં મા?

– ગ્વિન્ડોલિન બ્રુક્સ


सरहद ने क्या दिया है ख़ूँ-औ-अश्क़ छोडकर?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે?

યુદ્ધના રક્તિમ આકાશમાં કદી સુખનો સૂરજ ઊગતો નથી એ હકીકત પરાપૂર્વથી સર્વવિદિત હોવા છતાં મનુષ્ય જાતિનો ઇતિહાસ કદી યુદ્ધમુક્ત રહ્યો નથી. કદી સુખશાંતિમાં પરિણમતું ન હોવા છતાં દુનિયામાં મોટાભાગનાં યુદ્ધ સુખશાંતિના નામે જ લડાતાં આવ્યાં છે. કોઈપણ યુદ્ધમાં સરહદની બે તરફ માત્ર સૈનિકો હોતા નથી. દરેક સૈનિક એક આખેઆખો પરિવાર હોય છે અને સૈનિકની ખુવારી માત્ર સૈનિકની નહીં, પણ આખેઆખા પરિવારની ખુવારી જ હોય છે. મનુષ્ય મૂળે દુનિયાનું સૌથી ખતરનાક જાનવર છે. સૃષ્ટિમાં મનુષ્યોને બાદ કરતાં તમામ સજીવ માત્ર આપબળ પર જ લડે છે. એકમાત્ર મનુષ્ય જ બળ-કળ-છળ સિવાય વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. સિંહ ગમે એટલો બળુકો કેમ ન હોય, એનો એક પંજો એકીસાથે વધુમાં વધુ એક પ્રાણીને જ શિકાર બનાવી શકે, પણ માણસ તો એકલા હાથે બૉમ્બ ઝીંકીને આખા શહેરનો ખાત્મો બોલાવી શકે છે. ગ્વિન્ડોલિનની પ્રસ્તુત કવિતા યુદ્ધમાં સૈનિકની પાછળ શહીદ થઈ જતી પરિવારની ખુશીનું માતમ મનાવે છે.

ગ્વિન્ડોલિન એલિઝાબેથ બ્રુક્સ. હુલામણું નામ ગ્વેન્ડી. ૦૭-૦૬-૧૯૧૭ (ટોપેકા, અમેરિકા) થી ૦૩-૧૨-૨૦૦૦ (શિકાગો). વીસથી વધુ કાવ્યસંગ્રહો અપનાર ગ્વિન્ડોલિન પુલિત્ઝર પ્રાઇઝ મેળવનાર પ્રથમ આફ્રિકન-અમેરિકન સર્જક હતાં અને અમેરિકાના રાજકવિ બનનાર પ્રથમ શ્યામ સ્ત્રી. શહેરી અશ્વેત લોકોની રોજમરોજની જિંદગી એમનો કાવ્યવિશેષ. એમની કવિતાઓનો પ્રમુખ હેતુ અમેરિકનોને અશ્વેત લોકોની જિદગી અને હાલાકીથી પરિચિત કરાવી રંગભેદ પ્રતિ સાર્વત્રિક સહિષ્ણુતા વધારવાનો હતો, પણ એમની રચનાઓ રંગની પરિસીમાઓ વળોટીને સાર્વત્રિક સંવેદનાઓને પણ ઝંઝોડે છે.

‘ધ સૉનેટ-બૅલડ’ શીર્ષક બે રીતે વિચારણીય છે. એક, શીર્ષક પરથી વિષયવસ્તુ કશાનો અંદાજ મળતો ન હોવાથી, કવિતામાં પ્રવેશવું ફરજિયાત બને છે. બીજું, અર્થની રીતે. સૉનેટ અને બૅલડ બંને અલગ કાવ્યપ્રકાર છે. સ્વરૂપની દૃષ્ટિએ પ્રસ્તુત કાવ્ય સૉનેટકાવ્ય છે. ચૌદ પંક્તિઓ. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. સૉનેટનો પ્રિય છંદ આયમ્બિક પેન્ટામીટર. જો કે અષ્ટક પછી નિર્ધારિત ભાવપલટો (વૉલ્ટા) અને કાવ્યાંતે આવતી ચોટનો અભાવ છે. કથનરીતિ બૅલડની છે. બૅલડ યાને કથાકાવ્ય કે ગાથાગીત સામાન્યરીતે સ્ત્રીઓની ઉક્તિ સ્વરૂપે હોય છે. યુદ્ધ, શૌર્ય, જીવન-મૃત્યુ અને પ્રણય-કરુણાંતિકા -બૅલડના પ્રમુખ વિષય. આ તમામ આ એક કવિતામાં સમાવિષ્ટ છે. ગાથાગીતની જેમ અહીં ચાર પંક્તિના અંતરા પણ છે. શેક્સપિરિઅન સૉનેટના પ્રાસવિન્યાસ abbc થી વિપરીત બૅલડમાં સામાન્ય પ્રાસનિયમનની નજીકની abab પ્રકારની વ્યવસ્થા છે. સૉનેટરીતિથી ઊલટું ગાથાગીતમાં શબ્દ કે પંક્તિ પુનરાવર્તન તથા Oh જેવા ધ્વનિ પ્રયોજાયેલા પણ જોવા મળે છે. આમ, કવયિત્રીએ બખૂબી બે બિલકુલ વિરુદ્ધ કાવ્યસ્વરૂપોનું સફળ ફ્યુઝન કર્યું છે. કવયિત્રીએ પ્રવાહથી વિરુદ્ધ શીર્ષકમાં આવતા ત્રણેય શબ્દોને બીજી એબીસીડીમાં લખ્યા છે. શોક સમયે ધ્વજ અડધી કાઠીએ ઉતાર્યો હોય એવી લાગણી કેપિટલ લેટર્સ કાઢી નાંખ્યા હોવાથી અનુભવાય છે. શિખરિણી છંદમાં અનુવાદ કરતી વખતે પ્રાસનિયોજન to મૂળ કાવ્ય મુજબ જ છે, પણ આખરી પંક્તિમાં ‘મા’ શબ્દનું પુનરાવર્તન કરવાના બદલે ખંડ-શિખરિણી પ્રયોજી, પંક્તિ અધૂરી છોડી દઈ ભાવાનુભૂતિ વધુ સઘન બનાવવા ધારી છે.

બીજા વિશ્વયુદ્ધ પછી તરતના સમયમાં લખાયેલ આ કાવ્યનો ઉઘાડ ‘ખુશી ક્યાં છે, હેં મા?’ પ્રશ્નથી થાય છે. પ્રશ્ન અને પ્રથમ ચતુષ્કથી ખ્યાલ આવે છે કે કથનરીતિ દીકરીના મા સાથેના એકતરફી સંવાદની છે. કથક કહે છે કે એને વિલાપ કરતી છોડીને એ લોકો (સત્તાધીશો) એના પ્રિયજનને, એ ઊંચો હોવાના કારણે યુદ્ધમાં લઈ ગયા. શારીરિક ક્ષમતા અભિશાપ બની શકે તે આનું નામ. પ્રાચીન ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોની હત્યા કરવામાં આવતી હતી, એનું મુખ્ય કારણ મજબૂત સૈન્યની આવશ્યકતા હતી. નાયિકાના પ્રેમી/પતિની ઊંચાઈ જ એનો દુશ્મન બની. હેરિયટ મનરોએ કહ્યું હતું: ‘યુદ્ધનું મૌલિક, અનિવાર્ય અને મનોવૈજ્ઞાનિક કારણ શું છે? પુરુષોના દિલોમાં રહેલી ભાવના કે એ સુંદર છે. અને આ લાગણી કોણે જન્માવી? અંશતઃ, એ સાચું કે રાજાઓ અને એમની સેનાઓએ, પણ, એથીય વધુ તો, કવિઓએ પોતાના યુદ્ધ-કાવ્યો અને મહાકાવ્યોથી, શિલ્પકારોએ પોતાની મૂર્તિઓથી.’ યુદ્ધ કદી કોઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં, પણ મનુષ્યજાતિ પ્રારંભથી જ આ સરળતમ કોયડો ઉકેલી શકી નથી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે એચ. જી. વેલ્સે કહ્યું હતું: ’ આ યુદ્ધ તમામ યુદ્ધોનો અંત આણવા માટેનું છે.’ બીજા વિશ્વયુદ્ધ વખતે અર્નેસ્ટ હેમિંગ્વેએ કહ્યું હતું: ‘ક્યારેય વિચારશો નહીં કે યુદ્ધ, ગમે એટલું આવશ્યક હોય કે ગમે એટલું ઉચિત હોય, અપરાધ નથી.’ અને બીજા વિશ્વયુદ્ધ પછી આઇન્સ્ટાઇને કહ્યું હતું: ‘હું નથી જાણતો કે ત્રીજું વિશ્વયુદ્ધ કયા હથિયારોથી લડાશે, પણ ચોથું વિશ્વયુદ્ધ નક્કી લાકડી અને પથ્થરોથી જ લડાશે.’ કેવી સાચી વાત!

દુનિયાની તમામ સભ્યતાઓની જેમ જ આપણાં મહાકાવ્યો અને પુરાણોમાંય કોઈ દેવતા કે ભગવાન યુદ્ધનો વિરોધ કરતા નથી. (પુરુષોએ લખ્યાં છે, માટે?) ભગવદ્ગીતાનો બીજો અધ્યાય કૃષ્ણની શીખોથી ભર્યો પડ્યો છે. કૃષ્ણ કહે છે, ‘હે પાર્થ! આવી નામર્દાઈને તાબે ન થઈશ. તને તે શોભતી નથી.’ (क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। (૦૨:૦૩)) યુદ્ધને જે ગૌરવ અપાયું છે એ તો જુઓ:

यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम्।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम्।।૦૨:૩૨।।
(આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ સ્વર્ગના પ્રવેશદ્વાર ઉઘાડનારું હોય છે. એ ક્ષત્રિયો ભાગ્યશાળી છે, જેઓને આવા અવસર સાંપડે છે.)

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः।।૦૨:૩૭।।
(યુદ્ધમાં મરીને તું સ્વર્ગ પ્રાપ્ત કરશે અથવા જીતીને પૃથ્વી ભોગવશે. માટે, હે કૌન્તેય! યુદ્ધનો નિશ્ચય કરી ઊભો થા.)

યુદ્ધ માટેની મનુષ્યોની માનસિકતા સમજવી સરળ નથી. ‘યુદ્ધ કાવ્ય માટે પૂછવામાં આવતાં’ યિટ્સે કહ્યું હતું: ‘મને લાગે છે કે આવા સમયે એક કવિનું મોં બંધ રહે એ વધુ યોગ્ય છે.’ માણસ પોતાની તાકાતનું સૌથી મોટું અને વરવું પ્રદર્શન યુદ્ધમાં કરે છે. જે યુદ્ધ આજે અનિવાર્ય, જીવનમરણનો પ્રશ્ન લાગતું હોય, એય આખરે તો ઇતિહાસનું એક પૃષ્ઠ જ બની જવાનું. કાળાં હોય કે સફેદ, રાજા હોય કે સૈનિક, ખેલ પૂરો થતાં તમામ પ્યાદાંઓએ એક જ બોક્સમાં બંધ થવાનું છે. એચ. જી. વેલ્સે કહ્યું હતું: ‘આપણે યુદ્ધનો અંત નહીં આણીએ, તો યુદ્ધ આપણો અંત આણશે.’ ઇતિહાસના લોહિયાળ પૃષ્ઠોમાંથી આપણે ક્યારેય શીખ લઈશું કે કૂતરાની પૂંછડી વાંકી જ રહેશે? નાયિકાને વિલાપ કરતી છોડી સત્તાધીશો નાયકને યુદ્ધમાં જોતરાવા તાણી ગયા. નાયિકાને સમજાતું નથી કે એના ખાલી થઈ ગયેલા હૃદયના કપને શેનાથી અને કેમે કરીને ભરવો? (‘હૃદયકપ’ શબ્દ વાપરતી વખતે બે’ક પળ અટકી જવાયું. કપનું ગુજરાતી શું કરવું? આપણી ભાષામાં કોઈ શબ્દ છે? વળી, અંગ્રેજી કપ જે રીતે અરબી રકાબી સાથે ઘડિયા લગ્ન લઈને ટેબલ-ખુરશીની જેમ ગુજરાતી થઈ ગયો છે, એ જોતાં હૃદયકપ શબ્દ અનુચિત લાગતો નથી.)

સ્ત્રીસહજ છઠ્ઠી ઇન્દ્રિયગત નાયિકાને પ્રતીતિ છે કે એનો કંથ ગયો એ ગયો. કદી પરત નહીં ફરે. યુદ્ધનો તો ક્યારેકેય અંત આવશે, પણ યુદ્ધ જે જીવન એના જીવનમાંથી ખેંચી ગયું, એ કદી પાછું આવનાર નથી. ૨૪૦૦ વર્ષ પૂર્વે પ્લેટોએ કહ્યું હતું, ‘ફક્ત મૃતકોએ જ યુદ્ધનો અંત જોયો છે.’ એ જ અરસામાં હેરોડોટસે પણ કહ્યું હતું: ‘શાંતિમાં, પુત્રો પિતાઓને દફનાવે છે, યુદ્ધમાં પિતાઓ પુત્રોને.’ નાયિકાએ પિયુને દરવાજામાંથી જે રીતે જતો જોયો છે, એનાથી એને મૃત્યુની ખાતરી થઈ છે. દરવાજો કદાચ ઘરનો નહીં, જીવનનો છે. નાયક ઘરમાંથી નહીં, જીવનમાંથી ગર્વાન્વિત ચાલે જઈ રહ્યો છે. આ મોટાઈનું કારણ આગળના બંધમાં છે, પણ નાયકના જંગપ્રસ્થાનની રીત જોઈને નાયિકાને સમજાઈ ગયું છે કે એનો મધુર પ્રણય, ગમે એટલો સાચો કેમ ન લાગતો હોય, સાવ ખોટો છે. પ્રિયતમે માત્ર પોતાના ગૌરવનો જ વિચાર કર્યો છે. પોતાની પાછળ પ્રેયસી/પત્નીના હાલ બેહાલ થાય એ વિશે એણે કશું વિચાર્યું નથી. આ જ કારણોસર નાયિકા પોતાની પ્રીત નક્કી જૂઠી જ હોવાના આત્મસ્વીકારની પુનરોક્તિ કરી અધોરેખિત કરે છે.

સજીવારોપણ અલંકાર વડે કવયિત્રી મનમોહિની, નિર્લજ્જ અને ઉદ્ધત મરણસુંદરીને ચાક્ષુષ કરે છે. રણાંગણમાં ખપ્પર હાથમાં લઈને પ્રતીક્ષારત ઊભેલ મૃત્યુ પુરુષોને લલચાવનારી લલના સમું છે. પુરુષો પર ભૂરકી નાંખવામાં એને કોઈ શરમ નથી. ધૃષ્ટતાપૂર્વક પોતાના અવર્ણનીય, અકથનીય સૌદર્યપાશમાં એ પુરુષોને જકડી લે છે. વળી, આ કામ એ અધિકૃતતાપૂર્વક કરે છે. એનો બાહુપાશ સાધિકાર નાગચૂડ બનીને સૈનિકોને ભીંસે છે, અને ફસાયા પછી છૂટવું સંભવ નથી. ગમે એવો ભડ માણસ કેમ ન હોય, મરણસુંદરી એને પાણી-પાણી કરી દે છે. ભલભલા સંગદિલને પીગાળી દે છે. જૉન સ્ટેઇનબેકના કહેવા મુજબ ‘તમામ યુદ્ધ લક્ષણ છે, મનુષ્યની વિચારશીલ પ્રાણી તરીકેની વિફળતાનું.’ નાયક પણ યુદ્ધનો પ્રસ્તાવ આવતાવેંત મરણમોહિનીના પ્રભાવ હેઠળ આવી ગયો હતો. એટલે જ એ પેલા દરવાજામાંથી ગૌરવ અનુભવતો પસાર થયો હતો. બર્ટ્રાન્ડ રસેલે સાચું જ કહ્યું હતું: ‘યુદ્ધ એ નક્કી નથી કરતું કે કોણ સાચું (Right) છે –ફક્ત કોણ બચ્યું (Left) છે.’ મરનાર વ્યક્તિ યુદ્ધ આલેખવા ઉપસ્થિત હોતો નથી, અન્યથા યુદ્ધની (દુષ્)ગૌરવગાથાઓ અલગ જ હોત. સામાન્યરીતે યુદ્ધ અશાંતિ દૂર કરવા માટેનું પ્રમુખ બહાનું છે, પણ ‘શાંતિ માટે લડવું એ બ્રહ્મચર્ય માટે સંભોગવા બરાબર છે.’ (સ્ટીફન કિંગ) ‘બે સૌથી શક્તિશાળી યોદ્ધાઓ છે ધીરજ અને શાંતિ.’ (ટૉલ્સ્ટોય) પણ આ બે યોદ્ધાઓનો ઉપયોગ માનવજાતે કદી કર્યો જ નથી:

યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.

યુદ્ધની શરૂઆત તો આપણી ઇચ્છાથી થાય, પણ અંત ઇચ્છાશક્તિના દાયરા બહાર હોય છે. નાયિકાને ખાતરી છે કે એ નાયક જ હશે જેણે યુદ્ધની આભાથી અંજાઈને સામે ચાલીને મરણમાળા પહેરવા ગળું આગળ ધર્યું હશે, હકલાઈને પણ હા કહી હશે. સ્ત્રી પુરુષને કેટલી સારી રીતે ઓળખે છે! પુરુષે એને ત્યાગી યુદ્ધ સ્વીકારવામાં ઘડીભર વિલંબ કર્યો નથી. ઊલટું એ તો ટટ્ટાર ચાલે, લાંબા કદમે ઘર બહાર નીકળી ગયો. પાછળ ઘર-પરિવારની શી અવદશા થશે એનો વિચાર સુદ્ધાં એણે કર્યો નથી. વિચાર કર્યોય હોય, તો એને અવગણીને, પ્રાધાન્ય આપ્યા વિના પોતાના મનનું ધાર્યું જ કરવા પ્રવૃત્ત થઈ ગયો. યુદ્ધના ભ્રામક ખ્યાલોમાં રત, પુરુષ માટે એના ગણવેશ પર ઉમેરાનાર તારક-ચંદ્રકો-પદવીથી વિશેષ કશું નથી. મરીને અમર થઈ જવાના ભ્રમથી ભરેલા-મરેલા આવા લોકોની કબરોથી દુનિયા ભરી પડી છે. કુર્દીશ કવિ અબ્દુલ્લા પાશ્યુની ‘અજાણ્યો સૈનિક’ કવિતા જુઓ:

કોઈ દિવસ કોઈ મારી ધરતી પર આવે
અને મને પૂછે,
‘અહીં અજાણ્યા સૈનિકની કબર ક્યાં છે?’
તો હું એને કહીશ:
‘મહોદય,
કોઈપણ નદીનાળાંના કિનારા પર,
કોઈપણ મસ્જિદની બેઠક પર,
કોઈપણ ઘરની છાંયમાં,
કોઈપણ ચર્ચના ઉંબરા પર,
કોઈપણ ગુફાના દરવાજે,
પર્વતોમાં કોઈપણ ચટ્ટાન પર,
બગીચાઓમાં કોઈપણ ઝાડ પાસે,
મારા દેશમાં
જમીન પર કોઈપણ જગ્યાએ
આકાશમાંના કોઈપણ વાદળ તળે,
સહેજ પણ ચિંતા કર્યા વિના,
આદરથી સહેજ ઝૂકીને
પુષ્પમાળા મૂકી દો.’

તસ્બીના મણકાની જેમ કવિતા શરૂ થઈ હતી, ત્યાં જ આવીને પૂરી થાય છે. વિષાદનું વર્તુળ સંપૂર્ણ થાય છે. કાવ્યારંભે માને પૂછેલો પ્રશ્ન કાવ્યાંતે દીકરી દોહરાવે છે: ‘ખુશી ક્યાં છે,હેં મા?’ દેશ કદાચ યુદ્ધ જીતી જશે, પતિની નામના થશે, પરિવારનું ગૌરવ થશે પણ પરિવારજનોની ખુશી? એ ક્યાં? એવું કયું માન-અકરામ છે, એવાં કયાં ખિતાબ-પદવી છે, જે સ્વજનની ખોટને ખુશીથી ભરી શકે? કદાચ, કોઈ જ નહીં… પ્રેમ-મૃત્યુ, વિરહ-વેદના, યુદ્ધ-તબાહી –આ બધું ચૌદ પંક્તિની કવિતામાં જાણે ગ્વિન્ડોલિને ઠાંસી-ઠાંસીને ભરી આપ્યું છે. પરિણામે સરળ શબ્દોમાં સીધીસટ વાત કહેતી આ કવિતા વાંચતા આપણા શરીરમાં ઠંડીનું એક લખલખું ફરી વળે છે…

ગ્લૉબલ કવિતા : ૨૧૪ : મને લાગે છે… -સેફો (ગ્રીક)

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho


મને લાગે છે…

પેલો પુરુષ મને દેવતાઓ સમાન લાગે છે,
જે તારી સન્મુખ બેઠો છે
અને ખૂબ નજીકથી સાંભળી રહ્યો છે
તને મીઠું બોલતી

અને મજાનું હસતી, જેના કારણે સાચે જ
મારું હૃદય છાતીમાં ફડફડે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
ત્યારે મારા માટે કશું પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ જ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે,
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ઘાસ કરતાં પણ વધારે
ફિક્કી પડી જાઉં છું, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામી છું.

પરંતુ બધામાં સાહસ તો કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર


ઈર્ષ્યા – પ્રેમની પેથોલોજીની પરાકાષ્ઠા

ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્-
છે સાત પગલાં આજ સાચા કોઈપણ સંબંધમાં.

– સાચે જ! ગમે એટલો મજબૂત સંબંધ કેમ ન હોય, સમય એમાં આ સાતેય કે વધતા-ઓછા ભાવ ભરવા જેટલું પોલાણ કરી જ દે છે. આ સાતેસાત ભાવોથી પર હોય એવો સંબંધ તો દેવોને પણ નસીબ થયો નથી, તો આપણી તો વાત જ શી કરવી! દુનિયામાં કદાચ એકેય સગપણ એવું નહીં હોય, જેમાં આ સાતમાંથી એકેય હાજર ન હોય. પણ આપણે આજે આ સાતેયની વાત કરવાની નથી. સેફોની પ્રસ્તુત રચનામાં ઈર્ષ્યા કેન્દ્રસ્થાને છે, એટલે આપણે આપણું ફૉકસ એના પર જ રાખીએ. ‘ઈર્ષ્યા જ્યારે આળસ મરડે, ખાર તો શું, ખુદ ફૂલો કરડે.’ (અમર પાલનપુરી)

લગભગ છવ્વીસસો વર્ષ પહેલાં ગ્રીસમાં ઇજિઅન સમુદ્રમાં લેસ્બોસ ટાપુ –જ્યાંની દેવી લેસ્બો હતી- પર નવ ઉત્તમ ગીતકવિઓ થઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે, આમાં સેફો (ઇ.પૂ. આશરે ૬૩૦-૫૭૦)નું સ્થાન આગવું છે. કહે છે કે એ ધનાઢ્ય પરિવારમાંથી હતી અને એના ત્રણ ભાઈ હતા. એક પુત્રી નામે ક્લેઇસ હતી. ઇ.પૂ. ૬૦૦માં એને રાજકીય કારણોસર સિસીલી દેશનિકાલ કરવામાં આવી હતી. એણે ખૂબ લખ્યું હતું. લગભગ દસેક હજાર પંક્તિઓ. ૬૫૦ બચી છે આજે. એની કવિતાઓ પરથી જીવનનો તાળો મેળવવાની કોશિશ આજેય ચાલુ છે. સેફો એટલે જાણે ‘લેસ્બિયન’ શબ્દનો પર્યાય – સ્ત્રી સમલૈંગિક્તાનું પ્રતીક! એના છસો વર્ષ પછી થયેલા ઓવિડની રચનાઓમાંથી પ્રતીત થાય છે કે એ શિક્ષિકા હતી અને વાયકાનુસાર સ્ત્રીવિદ્યાર્થિનીઓ સાથે સમલૈંગિક સંબંધ ધરાવતી હતી. આ વાતનો વિરોધ કરનારા પણ છે. હકીકત ચકાસવાનું કામ જો કે ઇતિહાસકારોનું, આપણું કામ તો એની કવિતાઓ પૂરતું.

લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો સેફોની વિશેષતા. એની ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો ધ્યાનાર્હ છે. ઘણા એને ગ્રીક-રોમન કળા-વિજ્ઞાનની નવ દેવીઓ (muse) પછીની દસમી ગણે છે. પરવીન શાકિર અને મીનાકુમારીની જેમ સ્ત્રીગત સંવેદનની આત્મકથનાત્મક અભિવ્યક્તિ એનો પ્રમુખ કાકુ છે. એ કહે છે, ‘કામદેવતા ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હલાવે છે.’ સેફોના ગીતો વિશે ઇસ્વીસનની પહેલી સદીમાં થઈ ગયેલ લોન્જાઇનસ (Longinus) કહે છે, ‘તમને શું આશ્ચર્ય નથી થતું જે રીતે એ(સેફો) એકીસાથે થીજાવે છે અને બાળે છે, અતાર્કિક છે અને સમજદાર છે, ભયભીત છે અને મૃતઃપ્રાય છે? સેફો આવેશના સૌથી આઘાતજનક અને ઝનૂની સંજોગો પસંદ કરે છે અને સુસંગત સંપૂર્ણતામાં ઢાળે છે.’ અઢી હજારથી વધુ વર્ષોથી એની કવિતાઓ આજપર્યંત કવિઓ-ભાવકોને પ્રેરણા આપતી રહી છે કેમકે એ આપણા મન-હૃદયના અંગતતમ ભાવોને સીધેસીધી સ્પર્શી જાય છે. છસો વર્ષ પછી કટલસે લગભગ ઊઠાંતરી કહી શકાય એ રીતે સેફોના આ કાવ્યને પોતાનો સ્પર્શ (Catullus 51) આપ્યો હતો.

સેફોની ભાષા લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! સેફોએ કોઈ શીર્ષક આપ્યું જણાતું નથી પણ રચના ‘મને લાગે છે’થી જાણીતી થઈ છે. સેફોના ગીત અને શૈલી એટલા પ્રભાવક થયા કે જે છંદોલયમાં એ લખતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિ અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિ પાંચ (adonic) શબ્દાંશથી (syllable) બને છે. આપણે ત્યાં મરાઠીમાંથી આવેલ અંજનીગીત આના જેવું જ છે. અંજનીગીતમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ અને ચોથીમાં દસ માત્રા હોય છે. પ્રસ્તુત રચનામાં ચાર સેફિક સ્ટૅન્ઝા અને એક છૂટી પંક્તિ છે. મોટા ભાગના અનુવાદકોએ મુખ્ય રચનાથી છૂટી અને અધૂરી જણાતી આખરી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે.

મનમાં પ્રેમવશ જાગતી સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોવું જોઈએ. તત્કાલીન ગ્રીસમાં જાહેરમાં અને જાહેર પ્રસંગોએ વ્યક્તિગત અને સમૂહગત પ્રણયકેલિઓ સામાન્ય હતી. સમલૈંગિકતા પણ સમાજસ્વીકૃત અભિવ્યક્તિ હતી અને મોટાભાગના પુરુષો સેક્સ તરફ ઉભયલિંગી અભિગમ ધરાવતા હતા. જો કે પુરુષોના સમલૈંગિક સંબંધોમાં એક પુરુષ સામાન્ય રીતે વયસ્ક કે પ્રૌઢ અને બીજો તરુણ જ રહેતો. અહીં, નાયિકા જે સ્ત્રી સાથે સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી, એ પુરુષ જે નાયિકાના તનબદનમાં અદેખાઈનો દાવાનળ સળગાવે છે અને પ્રેમની પેથોલોજી કહી શકાય એવા શારીરિક-માનસિક કષ્ટ જન્માવે છે. પોતાના પ્રેમને છીનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને દેવતાઓની સમકક્ષ લાગે છે, કેમકે કાળા માથાના મનુષ્ય પાસે તો આવું દૈવત ક્યાંથી હોય? આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક તો કોઈ દેવતા જ પાર પાડી શકે ને?

પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને મધુરું બોલતાં ને મજાનું હસતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. એરિસ્ટોટલે કહ્યું હતું એમ, ‘અન્યોના સદભાગ્ય પર તકલીફ થાય એ ઈર્ષ્યા.’ કોઈપણ સંબંધના શરીરમાં પ્રેમ અને ઈર્ષ્યા બે પગ જેવા છે. એક જ મૂળથી જોડાયેલા હોવા છતાં બંને એકમેકથી સાવ અલગ જ છે. ચાલતી વખતે બંને પગ વારાફરતી આગળ-પાછળ થયે રાખે એવું જ સંબંધ ચાલતો હોય ત્યારે પ્રેમ અને ઈર્ષ્યાનું છે. બંને એકાંતરે આગળ-પાછળ થયા કરે છે. બે પગ અડખેપડખે રાખીને ચાલી શકાતું નથી, એ જ રીતે પ્રેમ અને ઈર્ષ્યા બે એક સાથે આવી જાય ત્યારે ભલભલો સંબંધ ઊભો રહી જાય છે. પ્રેમ અને ઈર્ષ્યા ભેગાં થઈ જાય ત્યારે સંબંધમાંથી ગતિ પગ કરી જાય છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘તમારી જાતને પ્રેમમાં ધકેલો મા, માલિકીભાવથી વેગળા રહો, કેમકે આ પ્રેમના લક્ષણ નથી. પ્રેમ એટલે આઝાદી.’ પણ આપણામાંથી બહુ ઓછા પ્રેમમાં આઝાદી મેળવી શકે છે. પ્રેમનું વહેતું પાણી તળાવની સ્થિરતાને પામ્યું નથી કે ઉપર ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્ – આ સાતમાંથી એક કે એકાધિકની લીલ બાઝવી શરૂ થઈ નથી. અને લીલ બાઝતાવેંત જ સગપણ લપસણું બનવા માંડે છે.

પ્રેમ વિપુલદર્શક કાચમાંથી જુએ છે, ઈર્ષ્યા સૂક્ષ્મદર્શક કાચમાંથી. સંત ઑગસ્ટિને તો કહ્યું કે, ‘જે અદેખો છે, એ પ્રેમી નથી.’ બધા જ કહે છે કે પ્રેમ સાચો હોય તો ઈર્ષ્યાથી પર હોય છે પણ સાચો પ્રેમ હોય છે ખરો? પ્રેમનું વર્તુળ રચાવાની સાથે જ અધિકાર એમાં કેન્દ્રસ્થાન મેળવી લેતો હોય છે અને અધિકારના કોટના ખિસ્સા તપાસીએ તો અંદર નકરી અદેખાઈ જ ભરી હોય છે. બીજી પણ એક કવિતામાં સેફો ઈર્ષ્યાની વાત કરે છે, ‘બધા તારાઓએ એમના ચહેરા ફેરવી લીધા, જ્યારે મંદ ચંદ્ર પૂર્ણ પ્રકાશ્યો.’ શેક્સપિઅરના ‘ઑથેલો’માં તો ઈર્ષ્યા કદાચ મુખ્ય પાત્ર છે. ઇઆગો ઑથેલોને કહે છે: ‘નામદાર! ઈર્ષ્યાથી ચેતીને ચાલજો, આ લીલી આંખવાળો રાક્ષસ જેના પર નભે છે એની જ ઠેકડી ઊડાવે છે.’ (અંક ૦૩, દૃશ્ય ૦૩) શેક્સપિઅરના નાટકો અને કવિતાઓ જ નહીં, દુનિયાભરના સર્વકાલીન સાહિત્ય-કળાઓમાં ઈર્ષ્યા મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે ઈર્ષ્યા મનુષ્યમાત્રનો સ્વ-ભાવ છે. ઈર્ષ્યાથી પર તો દેવતાઓ થઈ શક્યા નથી, આપણું શું ગજુ? આપણા શાસ્ત્રોમાં જે ષડ્રિપુ કહેવાયા છે એમાં મત્સર યાને અદેખાઈ એક છે. ‘અન્ય કોઈની ઉત્કૃષ્ટતા જોઈને જન્મતી અસહિષ્ણુતાની સ્થિતિ’ને શંકરાચાર્ય ઈર્ષ્યા કહે છે. રામાયણ અને મહાભારતના મૂળ અનુક્રમે કૈકયી અને દુર્યોધનની અદેખાઈમાં રહેલાં છે.

એક ચાટુક્તિમાં સેફો કહે છે, ‘વેરના વિષયમાં મૌન હું નિર્દોષતાને વળગી રહું છું.’ અહીં પણ પોતાની પ્રેયસીને અન્ય પુરુષ સાથે પ્રેમાચારમાં લીન જોવા છતાં નાયિકા કોઈ પગલાં લઈ શકતી નથી. પોતાની પ્રેયસીને દેવસમ સંપૂર્ણ પુરુષની સન્નિકટ જોઈને એનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. એ સ્વીકારે છે કે છાતીના પિંજરામાં કબૂતર સમું એનું હૈયું સાચે જ ફફડી રહ્યું છે. એ એની સામે તાકીને જોઈ પણ શકતી નથી, કેમકે ક્ષણાર્ધભર પર જો એ પ્રિયા સામે જુએ છે, તો એના માટે કશું પણ બોલવું સંભવ રહેતું નથી.
જીભ જાણે કે ભાંગી જાય છે. તનબદનમાં આગ લાગે છે. આગ ઝીણી જ છે પણ ઘાસની ગંજીમાં જે ઝડપે ફેલાઈ વળે એ ત્વરાથી એની ત્વચા પર સમગ્રતયા ફરી વળે છે. માત્ર મનમાં જ નહીં, તન આખામાં અસહ્ય દાહ અનુભવાય છે. આંખો આગળ ઝાંખપ ફરી વળે છે. પ્રેમને તો આમેય અમસ્તો આંધળો કહ્યો નથી. ને એમાં અહીં તો ઈર્ષ્યા પણ ઉમેરાઈ છે. એટલે અપ્રિય કશું જોઈ શકવું સંભવ જ નથી. જુરઅત કલંદર બખ્સ જેવો શાયર આવા પ્રસંગે આવું કહે,

कर लेता हूँ बंद आँखें मैं दीवार से लग कर
बैठे है किसी से जो कोई प्यार से लग कर।

ઈર્ષ્યા નામે મહારથી એક પછી એક ગઢ સર કરી રહ્યો છે. હૃદય કાબૂ બહાર થયું. વાચા હરાઈ ગઈ. તનમન સળગી રહ્યાં છે. આંખો જોતી બંધ થઈ ગઈ છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. કશું જ બાકી રહેતું નથી. પ્રેમ માણસને સાચે જ પરવશ કરી દે છે. પ્રેમ તમારી જિંદગીની બાગદૌર અન્યના હાથમાં સોંપી દે છે. તમામ ઇન્દ્રિયો લકવો પડી ગયો હોય એમ સૂન્ન પડી ગઈ છે. શરીરે આગની લાહ્ય અનુભવાય છે પણ પરસેવો ઠંડો ફરી વળે છે. ગુણધર્મે સાવ વિપરીત હોવા છતાં આગ અને બરફ બંને જ દઝાડે છે. પણ એકીસાથે ઉભયની દાહકતાનો અનુભવ તો ઈર્ષ્યા નામે જાદુગર જ કરાવી શકે ને! પ્રેમની પરાધીનતામાં નાયિકા એ સ્થળે પહોંચી છે, જ્યાં અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી સ્વીકારી લેવી પડે છે. જાવેદ અખ્તરના દાદા મુજ્તર ખૈરાબાદી કહી ગયા એવું કાશ, આ નાયિકાને કોઈ ન કહે:

तुम्हें चाहूँ, तुम्हारे चाहनेवालों को भी चाहूँ,
मेरा दिल फ़ेर दो, मुझ से ये झग़डा हो नहीं सकता।

સેફોનો અંદાજ કંઈક આવો જ છે. પણ એ દિલના હાથે મજબૂર છે. પ્રેમ નામના શખ્સે એને બેબસ બનાવી દીધી છે. એના ગાત્રો ગળી જાય છે. બીજું કશું કરવું શક્ય ન હોવાથી, પ્રણયલાગણીઓના આવેશની ચરમસીમા કવયિત્રી શબ્દોની મોજડી પહેરીને લાંઘે છે. ખરું જોઈએ તો કવયિત્રીનું ધ્યાન પ્રેયસી કે દેવપુરુષ તરફ નહીં, માત્ર પોતાની તરફ છે. જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને કાળજીપૂર્વક પૂરી સભાનતા સાથે એ સ્ટેપ-બાય-સ્ટેપ રજૂ કરે છે. ફ્રૉન્સ્વા દ લા રોશેફકોલ્ડ (François de La Rochefoucauld) નામના વિચારકે કહ્યું હતું, ‘ઈર્ષ્યામાં જાત માટેનો પ્રેમ, પ્રેમ કરતાં વધુ હોય છે.’

નાયિકાને લાગે છે કે લગભગ મરી જ ચૂકી છે. પોતાની પ્રેયસીનું પોતાની ઉપસ્થિતિમાં જ પોતાને અવગણીને અન્ય પુરુષ સાથે આમ મુખામુખ હોવું એક પ્રકારનું મોત જ ને? મૃતપ્રાય અવસ્થાની લાચારીમાં હવે શું કરવું? જવાબ આખરી કડીમાં છે. પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ કરવું જ જોઈએ કેમકે સર્વસ્વ ગુમાવી દીધા બાદ વધુ ગુમાવવા માટે કંઈ બચે છે ખરું? સાહસના ગજવામાં સંભાવનાનો સિક્કો પડ્યો હોય છે. સાહસ જ ન કરો તો એ સિક્કો ક્યાંથી હાથ લાગે? સહન કરી શકાય ત્યાં સુધી સહો, પણ સહન ન કરી શકાય અને સર્વસ્વ દાવ પર લાગ્યું હોય તો સાહસ કહો કે દુસ્સાહસ, કરવું જ જોઈએ. રૂમી કહે છે, ‘પાંખો ખોલી શકો અને આત્માને ઈર્ષ્યાથી પર કરી શકો તો તમે અને આસપાસની દરેક વ્યક્તિ કબૂતર પેઠે ઊડી શકશે.’ ઈર્ષ્યાથી ભરેલો સંબંધ પંક્ચર પડેલી ગાડી જેવો છે, તમે એમાં બેસી તો શકો છો પણ લાંબુ જઈ શકતા નથી…. વાત તો સાચી પણ ઈર્ષ્યાથી પર અને પાર થઈ શકવાનું ઐશ્વર્ય કેટલાને હાંસિલ?! કહો તો…