ગ્લૉબલ કવિતા : ૨૧૪ : મને લાગે છે… -સેફો (ગ્રીક)

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho


મને લાગે છે…

પેલો પુરુષ મને દેવતાઓ સમાન લાગે છે,
જે તારી સન્મુખ બેઠો છે
અને ખૂબ નજીકથી સાંભળી રહ્યો છે
તને મીઠું બોલતી

અને મજાનું હસતી, જેના કારણે સાચે જ
મારું હૃદય છાતીમાં ફડફડે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
ત્યારે મારા માટે કશું પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ જ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે,
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ઘાસ કરતાં પણ વધારે
ફિક્કી પડી જાઉં છું, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામી છું.

પરંતુ બધામાં સાહસ તો કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર


ઈર્ષ્યા – પ્રેમની પેથોલોજીની પરાકાષ્ઠા

ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્-
છે સાત પગલાં આજ સાચા કોઈપણ સંબંધમાં.

– સાચે જ! ગમે એટલો મજબૂત સંબંધ કેમ ન હોય, સમય એમાં આ સાતેય કે વધતા-ઓછા ભાવ ભરવા જેટલું પોલાણ કરી જ દે છે. આ સાતેસાત ભાવોથી પર હોય એવો સંબંધ તો દેવોને પણ નસીબ થયો નથી, તો આપણી તો વાત જ શી કરવી! દુનિયામાં કદાચ એકેય સગપણ એવું નહીં હોય, જેમાં આ સાતમાંથી એકેય હાજર ન હોય. પણ આપણે આજે આ સાતેયની વાત કરવાની નથી. સેફોની પ્રસ્તુત રચનામાં ઈર્ષ્યા કેન્દ્રસ્થાને છે, એટલે આપણે આપણું ફૉકસ એના પર જ રાખીએ. ‘ઈર્ષ્યા જ્યારે આળસ મરડે, ખાર તો શું, ખુદ ફૂલો કરડે.’ (અમર પાલનપુરી)

લગભગ છવ્વીસસો વર્ષ પહેલાં ગ્રીસમાં ઇજિઅન સમુદ્રમાં લેસ્બોસ ટાપુ –જ્યાંની દેવી લેસ્બો હતી- પર નવ ઉત્તમ ગીતકવિઓ થઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે, આમાં સેફો (ઇ.પૂ. આશરે ૬૩૦-૫૭૦)નું સ્થાન આગવું છે. કહે છે કે એ ધનાઢ્ય પરિવારમાંથી હતી અને એના ત્રણ ભાઈ હતા. એક પુત્રી નામે ક્લેઇસ હતી. ઇ.પૂ. ૬૦૦માં એને રાજકીય કારણોસર સિસીલી દેશનિકાલ કરવામાં આવી હતી. એણે ખૂબ લખ્યું હતું. લગભગ દસેક હજાર પંક્તિઓ. ૬૫૦ બચી છે આજે. એની કવિતાઓ પરથી જીવનનો તાળો મેળવવાની કોશિશ આજેય ચાલુ છે. સેફો એટલે જાણે ‘લેસ્બિયન’ શબ્દનો પર્યાય – સ્ત્રી સમલૈંગિક્તાનું પ્રતીક! એના છસો વર્ષ પછી થયેલા ઓવિડની રચનાઓમાંથી પ્રતીત થાય છે કે એ શિક્ષિકા હતી અને વાયકાનુસાર સ્ત્રીવિદ્યાર્થિનીઓ સાથે સમલૈંગિક સંબંધ ધરાવતી હતી. આ વાતનો વિરોધ કરનારા પણ છે. હકીકત ચકાસવાનું કામ જો કે ઇતિહાસકારોનું, આપણું કામ તો એની કવિતાઓ પૂરતું.

લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો સેફોની વિશેષતા. એની ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો ધ્યાનાર્હ છે. ઘણા એને ગ્રીક-રોમન કળા-વિજ્ઞાનની નવ દેવીઓ (muse) પછીની દસમી ગણે છે. પરવીન શાકિર અને મીનાકુમારીની જેમ સ્ત્રીગત સંવેદનની આત્મકથનાત્મક અભિવ્યક્તિ એનો પ્રમુખ કાકુ છે. એ કહે છે, ‘કામદેવતા ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હલાવે છે.’ સેફોના ગીતો વિશે ઇસ્વીસનની પહેલી સદીમાં થઈ ગયેલ લોન્જાઇનસ (Longinus) કહે છે, ‘તમને શું આશ્ચર્ય નથી થતું જે રીતે એ(સેફો) એકીસાથે થીજાવે છે અને બાળે છે, અતાર્કિક છે અને સમજદાર છે, ભયભીત છે અને મૃતઃપ્રાય છે? સેફો આવેશના સૌથી આઘાતજનક અને ઝનૂની સંજોગો પસંદ કરે છે અને સુસંગત સંપૂર્ણતામાં ઢાળે છે.’ અઢી હજારથી વધુ વર્ષોથી એની કવિતાઓ આજપર્યંત કવિઓ-ભાવકોને પ્રેરણા આપતી રહી છે કેમકે એ આપણા મન-હૃદયના અંગતતમ ભાવોને સીધેસીધી સ્પર્શી જાય છે. છસો વર્ષ પછી કટલસે લગભગ ઊઠાંતરી કહી શકાય એ રીતે સેફોના આ કાવ્યને પોતાનો સ્પર્શ (Catullus 51) આપ્યો હતો.

સેફોની ભાષા લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! સેફોએ કોઈ શીર્ષક આપ્યું જણાતું નથી પણ રચના ‘મને લાગે છે’થી જાણીતી થઈ છે. સેફોના ગીત અને શૈલી એટલા પ્રભાવક થયા કે જે છંદોલયમાં એ લખતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિ અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિ પાંચ (adonic) શબ્દાંશથી (syllable) બને છે. આપણે ત્યાં મરાઠીમાંથી આવેલ અંજનીગીત આના જેવું જ છે. અંજનીગીતમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ અને ચોથીમાં દસ માત્રા હોય છે. પ્રસ્તુત રચનામાં ચાર સેફિક સ્ટૅન્ઝા અને એક છૂટી પંક્તિ છે. મોટા ભાગના અનુવાદકોએ મુખ્ય રચનાથી છૂટી અને અધૂરી જણાતી આખરી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે.

મનમાં પ્રેમવશ જાગતી સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોવું જોઈએ. તત્કાલીન ગ્રીસમાં જાહેરમાં અને જાહેર પ્રસંગોએ વ્યક્તિગત અને સમૂહગત પ્રણયકેલિઓ સામાન્ય હતી. સમલૈંગિકતા પણ સમાજસ્વીકૃત અભિવ્યક્તિ હતી અને મોટાભાગના પુરુષો સેક્સ તરફ ઉભયલિંગી અભિગમ ધરાવતા હતા. જો કે પુરુષોના સમલૈંગિક સંબંધોમાં એક પુરુષ સામાન્ય રીતે વયસ્ક કે પ્રૌઢ અને બીજો તરુણ જ રહેતો. અહીં, નાયિકા જે સ્ત્રી સાથે સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી, એ પુરુષ જે નાયિકાના તનબદનમાં અદેખાઈનો દાવાનળ સળગાવે છે અને પ્રેમની પેથોલોજી કહી શકાય એવા શારીરિક-માનસિક કષ્ટ જન્માવે છે. પોતાના પ્રેમને છીનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને દેવતાઓની સમકક્ષ લાગે છે, કેમકે કાળા માથાના મનુષ્ય પાસે તો આવું દૈવત ક્યાંથી હોય? આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક તો કોઈ દેવતા જ પાર પાડી શકે ને?

પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને મધુરું બોલતાં ને મજાનું હસતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. એરિસ્ટોટલે કહ્યું હતું એમ, ‘અન્યોના સદભાગ્ય પર તકલીફ થાય એ ઈર્ષ્યા.’ કોઈપણ સંબંધના શરીરમાં પ્રેમ અને ઈર્ષ્યા બે પગ જેવા છે. એક જ મૂળથી જોડાયેલા હોવા છતાં બંને એકમેકથી સાવ અલગ જ છે. ચાલતી વખતે બંને પગ વારાફરતી આગળ-પાછળ થયે રાખે એવું જ સંબંધ ચાલતો હોય ત્યારે પ્રેમ અને ઈર્ષ્યાનું છે. બંને એકાંતરે આગળ-પાછળ થયા કરે છે. બે પગ અડખેપડખે રાખીને ચાલી શકાતું નથી, એ જ રીતે પ્રેમ અને ઈર્ષ્યા બે એક સાથે આવી જાય ત્યારે ભલભલો સંબંધ ઊભો રહી જાય છે. પ્રેમ અને ઈર્ષ્યા ભેગાં થઈ જાય ત્યારે સંબંધમાંથી ગતિ પગ કરી જાય છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘તમારી જાતને પ્રેમમાં ધકેલો મા, માલિકીભાવથી વેગળા રહો, કેમકે આ પ્રેમના લક્ષણ નથી. પ્રેમ એટલે આઝાદી.’ પણ આપણામાંથી બહુ ઓછા પ્રેમમાં આઝાદી મેળવી શકે છે. પ્રેમનું વહેતું પાણી તળાવની સ્થિરતાને પામ્યું નથી કે ઉપર ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્ – આ સાતમાંથી એક કે એકાધિકની લીલ બાઝવી શરૂ થઈ નથી. અને લીલ બાઝતાવેંત જ સગપણ લપસણું બનવા માંડે છે.

પ્રેમ વિપુલદર્શક કાચમાંથી જુએ છે, ઈર્ષ્યા સૂક્ષ્મદર્શક કાચમાંથી. સંત ઑગસ્ટિને તો કહ્યું કે, ‘જે અદેખો છે, એ પ્રેમી નથી.’ બધા જ કહે છે કે પ્રેમ સાચો હોય તો ઈર્ષ્યાથી પર હોય છે પણ સાચો પ્રેમ હોય છે ખરો? પ્રેમનું વર્તુળ રચાવાની સાથે જ અધિકાર એમાં કેન્દ્રસ્થાન મેળવી લેતો હોય છે અને અધિકારના કોટના ખિસ્સા તપાસીએ તો અંદર નકરી અદેખાઈ જ ભરી હોય છે. બીજી પણ એક કવિતામાં સેફો ઈર્ષ્યાની વાત કરે છે, ‘બધા તારાઓએ એમના ચહેરા ફેરવી લીધા, જ્યારે મંદ ચંદ્ર પૂર્ણ પ્રકાશ્યો.’ શેક્સપિઅરના ‘ઑથેલો’માં તો ઈર્ષ્યા કદાચ મુખ્ય પાત્ર છે. ઇઆગો ઑથેલોને કહે છે: ‘નામદાર! ઈર્ષ્યાથી ચેતીને ચાલજો, આ લીલી આંખવાળો રાક્ષસ જેના પર નભે છે એની જ ઠેકડી ઊડાવે છે.’ (અંક ૦૩, દૃશ્ય ૦૩) શેક્સપિઅરના નાટકો અને કવિતાઓ જ નહીં, દુનિયાભરના સર્વકાલીન સાહિત્ય-કળાઓમાં ઈર્ષ્યા મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે ઈર્ષ્યા મનુષ્યમાત્રનો સ્વ-ભાવ છે. ઈર્ષ્યાથી પર તો દેવતાઓ થઈ શક્યા નથી, આપણું શું ગજુ? આપણા શાસ્ત્રોમાં જે ષડ્રિપુ કહેવાયા છે એમાં મત્સર યાને અદેખાઈ એક છે. ‘અન્ય કોઈની ઉત્કૃષ્ટતા જોઈને જન્મતી અસહિષ્ણુતાની સ્થિતિ’ને શંકરાચાર્ય ઈર્ષ્યા કહે છે. રામાયણ અને મહાભારતના મૂળ અનુક્રમે કૈકયી અને દુર્યોધનની અદેખાઈમાં રહેલાં છે.

એક ચાટુક્તિમાં સેફો કહે છે, ‘વેરના વિષયમાં મૌન હું નિર્દોષતાને વળગી રહું છું.’ અહીં પણ પોતાની પ્રેયસીને અન્ય પુરુષ સાથે પ્રેમાચારમાં લીન જોવા છતાં નાયિકા કોઈ પગલાં લઈ શકતી નથી. પોતાની પ્રેયસીને દેવસમ સંપૂર્ણ પુરુષની સન્નિકટ જોઈને એનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. એ સ્વીકારે છે કે છાતીના પિંજરામાં કબૂતર સમું એનું હૈયું સાચે જ ફફડી રહ્યું છે. એ એની સામે તાકીને જોઈ પણ શકતી નથી, કેમકે ક્ષણાર્ધભર પર જો એ પ્રિયા સામે જુએ છે, તો એના માટે કશું પણ બોલવું સંભવ રહેતું નથી.
જીભ જાણે કે ભાંગી જાય છે. તનબદનમાં આગ લાગે છે. આગ ઝીણી જ છે પણ ઘાસની ગંજીમાં જે ઝડપે ફેલાઈ વળે એ ત્વરાથી એની ત્વચા પર સમગ્રતયા ફરી વળે છે. માત્ર મનમાં જ નહીં, તન આખામાં અસહ્ય દાહ અનુભવાય છે. આંખો આગળ ઝાંખપ ફરી વળે છે. પ્રેમને તો આમેય અમસ્તો આંધળો કહ્યો નથી. ને એમાં અહીં તો ઈર્ષ્યા પણ ઉમેરાઈ છે. એટલે અપ્રિય કશું જોઈ શકવું સંભવ જ નથી. જુરઅત કલંદર બખ્સ જેવો શાયર આવા પ્રસંગે આવું કહે,

कर लेता हूँ बंद आँखें मैं दीवार से लग कर
बैठे है किसी से जो कोई प्यार से लग कर।

ઈર્ષ્યા નામે મહારથી એક પછી એક ગઢ સર કરી રહ્યો છે. હૃદય કાબૂ બહાર થયું. વાચા હરાઈ ગઈ. તનમન સળગી રહ્યાં છે. આંખો જોતી બંધ થઈ ગઈ છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. કશું જ બાકી રહેતું નથી. પ્રેમ માણસને સાચે જ પરવશ કરી દે છે. પ્રેમ તમારી જિંદગીની બાગદૌર અન્યના હાથમાં સોંપી દે છે. તમામ ઇન્દ્રિયો લકવો પડી ગયો હોય એમ સૂન્ન પડી ગઈ છે. શરીરે આગની લાહ્ય અનુભવાય છે પણ પરસેવો ઠંડો ફરી વળે છે. ગુણધર્મે સાવ વિપરીત હોવા છતાં આગ અને બરફ બંને જ દઝાડે છે. પણ એકીસાથે ઉભયની દાહકતાનો અનુભવ તો ઈર્ષ્યા નામે જાદુગર જ કરાવી શકે ને! પ્રેમની પરાધીનતામાં નાયિકા એ સ્થળે પહોંચી છે, જ્યાં અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી સ્વીકારી લેવી પડે છે. જાવેદ અખ્તરના દાદા મુજ્તર ખૈરાબાદી કહી ગયા એવું કાશ, આ નાયિકાને કોઈ ન કહે:

तुम्हें चाहूँ, तुम्हारे चाहनेवालों को भी चाहूँ,
मेरा दिल फ़ेर दो, मुझ से ये झग़डा हो नहीं सकता।

સેફોનો અંદાજ કંઈક આવો જ છે. પણ એ દિલના હાથે મજબૂર છે. પ્રેમ નામના શખ્સે એને બેબસ બનાવી દીધી છે. એના ગાત્રો ગળી જાય છે. બીજું કશું કરવું શક્ય ન હોવાથી, પ્રણયલાગણીઓના આવેશની ચરમસીમા કવયિત્રી શબ્દોની મોજડી પહેરીને લાંઘે છે. ખરું જોઈએ તો કવયિત્રીનું ધ્યાન પ્રેયસી કે દેવપુરુષ તરફ નહીં, માત્ર પોતાની તરફ છે. જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને કાળજીપૂર્વક પૂરી સભાનતા સાથે એ સ્ટેપ-બાય-સ્ટેપ રજૂ કરે છે. ફ્રૉન્સ્વા દ લા રોશેફકોલ્ડ (François de La Rochefoucauld) નામના વિચારકે કહ્યું હતું, ‘ઈર્ષ્યામાં જાત માટેનો પ્રેમ, પ્રેમ કરતાં વધુ હોય છે.’

નાયિકાને લાગે છે કે લગભગ મરી જ ચૂકી છે. પોતાની પ્રેયસીનું પોતાની ઉપસ્થિતિમાં જ પોતાને અવગણીને અન્ય પુરુષ સાથે આમ મુખામુખ હોવું એક પ્રકારનું મોત જ ને? મૃતપ્રાય અવસ્થાની લાચારીમાં હવે શું કરવું? જવાબ આખરી કડીમાં છે. પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ કરવું જ જોઈએ કેમકે સર્વસ્વ ગુમાવી દીધા બાદ વધુ ગુમાવવા માટે કંઈ બચે છે ખરું? સાહસના ગજવામાં સંભાવનાનો સિક્કો પડ્યો હોય છે. સાહસ જ ન કરો તો એ સિક્કો ક્યાંથી હાથ લાગે? સહન કરી શકાય ત્યાં સુધી સહો, પણ સહન ન કરી શકાય અને સર્વસ્વ દાવ પર લાગ્યું હોય તો સાહસ કહો કે દુસ્સાહસ, કરવું જ જોઈએ. રૂમી કહે છે, ‘પાંખો ખોલી શકો અને આત્માને ઈર્ષ્યાથી પર કરી શકો તો તમે અને આસપાસની દરેક વ્યક્તિ કબૂતર પેઠે ઊડી શકશે.’ ઈર્ષ્યાથી ભરેલો સંબંધ પંક્ચર પડેલી ગાડી જેવો છે, તમે એમાં બેસી તો શકો છો પણ લાંબુ જઈ શકતા નથી…. વાત તો સાચી પણ ઈર્ષ્યાથી પર અને પાર થઈ શકવાનું ઐશ્વર્ય કેટલાને હાંસિલ?! કહો તો…

4 replies on “ગ્લૉબલ કવિતા : ૨૧૪ : મને લાગે છે… -સેફો (ગ્રીક)”

  1. ખુબ જ સુંદર હંમેશની માફક! વાંચવાની મજા પડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *